
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે (DoJ) ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધ તમામ આરોપો પરથી પીછેહઠ કરી છે અને કેસને કાયમી રીતે બંધ કરી દીધા છે. અમેરિકામાં અદાણી જૂથ વિરુદ્ધ અનેક રેગ્યુલેટરી અને લીગલ બાબતોની તપાસ ચાલી રહી હતી, આ તમામ કેસ હવે બંધ થઈ ચૂક્યા છે.
પ્રોસિક્યુશન તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે તેઓ આરોપો મુદ્દે આગળ વધી શકે એમ નથી અને હવે મામલા બંધ કરવામાં આવે.
આ પહેલાં ગત સપ્તાહે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ સિવિલ કેસ બંધ કર્યા હતા, જેમાં ભારતના સોલાર એનર્જી પ્રોજેક્ટ્સમાં રોકાણ કરનાર અમેરિકનો સાથે અમુક વિગતો શેર ન કરવા બદલ આરોપો લાગ્યા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું કે ગૌતમ અદાણીએ 6 મિલિયન ડૉલર અને સાગર અદાણીએ 12 મિલિયન ડૉલરનું રોકાણ કરવા માટે તૈયારી દર્શાવી હતી, જોકે આ ઑફરને આરોપો સાથે કશું લાગતુંવળગતું નથી.
અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ઈરાન પર લગાવવામાં આવેલાં નિયંત્રણોનું ઉલ્લંઘન કરીને LPG ઇમ્પોર્ટ કરવા બદલ ચલાવવામાં આવેલો મામલો બંધ કરી દેવામાં આવ્યો છે. હવે ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યુયોર્કની કોર્ટમાં પ્રોસિક્યુટરોએ જણાવ્યું કે તેઓ ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ તમામ આરોપો પરત લઈ રહ્યા છે.
આ કેસ એવી રીતે બંધ કરવામાં આવ્યા છે કે તેને ભવિષ્યમાં પણ ફરીથી ખોલી શકાશે નહીં. જાણકારો કહે છે કે અમેરિકામાં આ પ્રકારે કેસ ત્યારે જ બંધ કરવામાં આવે જ્યારે પૂરતી તપાસ બાદ એ નિષ્કર્ષ નીકળે કે આરોપોમાં કોઈ તથ્ય નથી અને આગળ વધવાનો કોઈ અર્થ નથી. પ્રોસિક્યુટરોને અદાણી વિરુદ્ધ લાગેલા આરોપો સાબિત કરવા માટે કોઈ તથ્યો મળ્યાં ન હતાં અને ત્યારબાદ કેસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
શું છે કેસની પૃષ્ઠભૂમિ?
આ કેસ 2024માં દાખલ કરવામાં આવ્યા હતા અને અદાણી સમૂહ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 265 મિલિયન યુએસ ડૉલર જેટલી રકમની લાંચ આપી હતી અને અમેરિકન રોકાણકારોથી આ વિગતો છુપાવવામાં આવી હતી. એક કેસમાં ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગરનું પણ નામ હતું. બાકીનામાં સમૂહને આરોપી બનાવાયું હતું. આ તમામ કેસ બંધ થયા છે.
પ્રોજેક્ટમાં અમેરિકન રોકાણકારોના પણ પૈસા હોવાના કારણે અમેરિકામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પરંતુ પછીથી એ ચર્ચા પણ શરૂ થઈ હતી કે અમેરિકાની બહાર થયેલા કોઈ કોન્ટ્રાક્ટ બદલ દેશમાં કાયદાકીય કાર્યવાહી ચલાવી શકાય કે કેમ. બીજી તરફ અદાણી અને તેમના જૂથે સતત આરોપો નકારીને કાયદાકીય કાર્યવાહીને પડકારી હતી.

