
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મનસ્વી રીતે નિર્ણયો લીધા હોવાના દાવા સાથેના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ બાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો અને કોર્ટ સમક્ષ જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવાની માંગ થઈ હતી. કોર્ટે જોકે આવો કોઈ નિર્ણય તાત્કાલિક આપવાની ના પાડીને ચૂંટણી પંચ અને કમિશનરોને નોટિસ મોકલી છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે અરજીઓ પર કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બાકીના બે કમિશનરો વિવેક જોશી અને સુખબીર સિંઘ સંધુનો જવાબ માગ્યો છે. ઉપરાંત ચૂંટણી પંચનાં ડાયરેક્ટર જનરલ (આઈટી) સીમા ખન્ના અને સિનિયર ડેપ્યુટી ઈલેક્શન કમિશનર મનીષ ગર્ગનો પણ જવાબ માગ્યો છે.
#BREAKING #SupremeCourt refuses to pass interim order to suspend Chief Election Commissioner Gyanesh Kumar. Bench led by CJI Surya Kant issues notice to ECI, Gyanesh Kumar, other two ECs on the plea challenging the ECI decisions which were allegedly taken unilaterally.
— Live Law (@LiveLawIndia) October 5, 2026
સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલ તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ કોઈ આદેશ નહીં આપે પરંતુ પહેલાં સરકાર અને ચૂંટણી પંચ અને કમિશનરો પાસેથી ખુલાસો માગવામાં આવશે અને તેમનો શું મત છે એ જાણવામાં આવશે. કોર્ટે કહ્યું કે જો જવાબમાં જાણવા મળશે કે ચૂંટણી પંચના નિર્ણયો સર્વાનુમતે કે બહુમતીથી લેવામાં આવ્યા ન હતા તો તેમણે ખુલાસા રજૂ કરવા પડશે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે તે મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ પાઠવીને એ બાબતનો ખુલાસો માગે કે તેઓ કયા અધિકારથી પદ ઉપર છે. દલીલ એ કરવામાં આવી કે ચૂંટણી પંચમાં એક મુખ્ય કમિશનર અને બે કમિશનરો હોય છે અને નિર્ણયો સર્વાનુમતે નહીં તોપણ બહુમતીએ (2-1) લેવાના હોય છે. પરંતુ તાજેતરના ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ચૂંટણી કમિશનરે બાકીના બે કમિશનરોથી ઉપરવટ જઈને તેમની મંજૂરી વગર નિર્ણયો લીધા હતા.
અરજીમાં કહેવામાં આવ્યું કે CECએ 2023ના એક્ટનું ઉલ્લંઘન કરીને નિર્ણયો લેવાનું ચાલુ રાખ્યું હતું અને તેમના આવા નિર્ણયો ગેરકાયદેસર ઠેરવવામાં આવવા જોઈએ. અરજીઓમાં તાજેતરમાં અનેક રાજ્યોમાં હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયાને પણ ગેરકાયદેસર ઠેરવવાની માંગ કરવામાં આવી છે.
એક અરજીમાં માંગ કરવામાં આવી હતી કે જ્ઞાનેશ કુમારને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અથવા તેમને મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પરથી દૂર કરીને બાકીના બે કમિશનરોને નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે.
જોકે કોર્ટે આ આદેશ આપવાની ના પાડી દીધી અને કહ્યું કે કોર્ટ સમક્ષ વ્યવસ્થિત અને નક્કર માહિતી હોય એ જરૂરી છે અને ઉતાવળમાં એકપક્ષીય નિર્ણયો ન લઈ શકાય.
CJIએ કહ્યું, “અખબારનો રિપોર્ટ 100% સાચો પણ હોય શકે, અમુક વિગતો સાચી પણ હોય શકે અને તદ્દન ખોટો પણ હોય શકે. તેના આધારે અમે અત્યારે નિર્ણય ન આપી શકીએ. પણ અમે જવાબ મેળવીશું. એટલે પ્રક્રિયા અનુસાર જઈએ એ જરૂરી છે.”
કોર્ટ હવે જવાબો આવ્યા બાદ આગળ વધશે.

