ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના નાશિક BPO યુનિટમાં સામે આવેલા હિંદુ કર્મચારીઓના ધર્માંતરણ અને યૌન શોષણના કેસની આરોપી નિદા ખાનને તાજેતરમાં નાસિકની સેશન્સ કોર્ટે જામીન આપી દીધા હતા. હવે જમીન આદેશની વિગતો સામે આવી છે, જેમાં કોર્ટે મૂળ કારણ એ આપ્યું છે કે નિદા ખાન ગર્ભવતી છે અને જન્મ લેવા જઈ રહેલા બાળકનો પણ વિચાર કરવો જોઈએ.
નિદા ખાનને જામીન આપતી વખતે કોર્ટે કહ્યું, “એ વાત નિર્વિવાદ છે કે આરોપી પાંચ મહિનાની ગર્ભવતી છે. બાળકનો જન્મ જેલમાં થાય, જેવું ભગવાન શ્રીકૃષ્ણના કેસમાં થયું હતું, એ કોઈ પણ વ્યક્તિ માટે આઘાતજનક અને સામાજિક કલંક સમાન હોય શકે. આવી પરિસ્થિતિઓ ટાળવા માટે અને જન્મનારા બાળકના વ્યવસ્થિત ઉછેરનો વિચાર કરીને આરોપીના પક્ષમાં નિર્ણય કરવો ન્યાયોચિત રહેશે.”
સાથે કોર્ટે કહ્યું કે પ્રોસિક્યુશન તરફથી જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને જામીનની શરતો નક્કી કરવામાં આવશે.
આ જ આદેશમાં કોર્ટે એ નોંધ્યું છે કે નિદા ખાન અને તેના સહકર્મી દાનિશ અને તૌસિફે સાથે મળીને હિંદુ કર્મચારીઓની ધાર્મિક ભાવનાઓ પર પ્રતિકૂળ અસર કરવાના અને હિંદુ ધર્મ વિશે આપત્તિજનક વાતો કહીને તેમની માન્યતાઓ બદલવાના પૂરેપૂરા પ્રયાસ કર્યા હતા.
કોર્ટે કહ્યું, “તેમણે ભગવાન શિવ, ભગવાન શ્રીકૃષ્ણ અને બ્રહ્માજી વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હોવાનું કહેવાય છે, જેનાથી પીડિતની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી. તપસામાં સામે આવ્યું છે કે નિદા ખાને પીડિતને બુરખો આપ્યો હતો અને પયગંબર મોહમ્મદ પર લખાયેલું એક પુસ્તક પણ આપ્યું હતું. એવા પણ પુરાવા મળ્યા છે જેનાથી જાણવા મળે છે કે નિદા ખાને હિંદુ પીડિતના ઘરે જઈને નમાજ પઢતાં પણ શીખવ્યું હતું.”
જોકે સાથે કોર્ટે કહ્યું કે ટ્રાયલમાં હજુ સમય લાગી શકે તેમ છે અને પોલીસે આગળ કોઈ તપાસ માટે નિદા ખાનની કસ્ટડીની માંગ પણ કરી નથી. જેથી તેને કસ્ટડીમાં રાખી મૂકવાથી કોઈ હેતુ સર થશે નહીં અને તમામ સંજોગોને ધ્યાનમાં લેતાં નિદા ખાનને જામીન પર મુક્ત કરી શકાય તેમ છે.
કોર્ટે નિદા ખાનને ₹75000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે બીજા દિવસે નિદા ખાને વધુ એક અરજી કોર્ટમાં કરી હતી અને દલીલ કરી હતી કે તે ગરીબ હોવાથી જામીનની રકમ ઓછી કરી દેવામાં આવે. રાજ્ય સરકારે બીજી તરફ આ અરજીનો વિરોધ કર્યો હતો.
કોર્ટે સ્યોરિટી અમાઉન્ટ ₹50,000 કરી દીધું હતું અને જામીન શોધવા માટે ચાર અઠવાડિયાંનો સમય પણ આપી દીધો હતો.
શું હતો સમગ્ર મામલો?
સમગ્ર મામલો એપ્રિલ 2026માં સામે આવ્યો હતો. નાશિક TCSના અમુક હિંદુ કર્મચારીઓએ આરોપ લગાવ્યો હતો કે કંપનીમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ ષડ્યંત્રપૂર્વક હિંદુ કર્મચારીઓને ટાર્ગેટ કરે છે અને તેમના ધર્માંતરણ માટેના પ્રયાસ કરે છે. અમુક મહિલાઓએ યૌન શોષણના પણ આરોપ લગાવ્યા હતા. નાશિક પોલીસે ત્યારબાદ તપાસ કરીને આખું નેટવર્ક પકડી પાડ્યું હતું અને લગભગ નવેક FIR દાખલ કરી હતી.
આ FIR અનુસાર નિદા ખાન સહિતના આરોપીઓ સાથે મળીને હિંદુ કર્મચારીઓ પર ધર્મ બદલવા અને ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરતા હતા અને તેના માટે હિંદુ દેવી-દેવતાઓ પર આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવતી, હિંદુ માન્યતાઓ અને તહેવારોને ટાર્ગેટ કરવામાં આવતાં હતાં.
પોલીસે નિદા સહિતના આરોપીઓની પછીથી ધરપકડ કરી લીધી હતી. નિદા ઉપરાંત તૌસિફ નામના એક આરોપીએ પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી.


