મહારાષ્ટ્રના નાશિક ખાતે આવેલા ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના (TCS) BPO યુનિટમાં હિંદુ મહિલાઓના યૌન ઉત્પીડન અને ધર્માંતરણના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. લગભગ ચાર વર્ષથી ચાલતું આ રેકેટ તાજેતરમાં નાસિક પોલીસે પકડી પાડ્યું અને અનેક આરોપીઓની ધરપકડ પણ કરી છે. આ મામલે યુનિટમાં ટીમ લીડર તરીકે કામ કરતા છ મુસ્લિમ કર્મચારીઓ અને બે મહિલા, જેમાંથી એક મુસ્લિમ છે, વિરુદ્ધ હિંદુ મહિલાઓને ઇસ્લામમાં ધર્માંતરણ કરવા માટે દબાણ કરવાનો અને યૌન ઉત્પીડન કરવાનો આરોપ લાગ્યો છે.
આરોપીઓની ઓળખ આસિફ અન્સારી, શફી શેખ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ, તૌસિફ અત્તર, દાનિશ શેખ, નિદા ખાન અને અશ્વિની ચૈનાની તરીકે થઈ છે. જેમાંથી નિદા ખાન HR મેનેજર હોવાનું જાણવા મળ્યું છે. જેની વિરુદ્ધ પીડિતાઓએ ગંભીર આરોપ લગાવ્યા છે.
આ મામલે પહેલી FIR નાશિકના દેવલાલી કેમ્પ પોલીસ મથકે 23 માર્ચના રોજ દાખલ કરવામાં આવી હતી. FIR નોંધાયા બાદ મહિલા પોલીસકર્મીઓ અન્ડરકવર ઑપરેશન પાર પાડવા માટે કંપનીમાં કર્મચારી તરીકે ગઈ હતી અને પુરાવા એકઠા કર્યા હતા. તેના આધારે તપાસ બાદ સમગ્ર નેક્સસ બહાર આવ્યું અને ત્યારબાદ અન્ય પીડિતાઓ પણ આગળ આવી. આ મામલે અત્યાર સુધીમાં 9 જેટલી FIR નોંધાઈ ચૂકી છે, જે ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
આ મામલે પહેલી FIR એક હિંદુ મહિલાની ફરિયાદ પર દાનિશ શેખ, તૌસિફ અખ્તર અને નિદા ખાન વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 68, 75, 299 અને 3(5) અને પીડિતા અનુસૂચિત જાતિની હોવાના કારણે એસસી/એસટી એક્ટની કલમો ઉમેરવામાં આવી હતી.

FIR અનુસાર, ફરિયાદી યુવતી 23 વર્ષની છે અને TCS નાશિકમાં એસોશિએટ તરીકે નોકરી કરતી હતી. ફેર્યાદમાં તે જણાવે છે કે જાન્યુઆરી 2022માં તે પહેલી વખત દાનિશ શેખને મળી હતી. બંને એક જ કોલેજમાંથી ભણ્યાં હોવાનું જાણ્યા બાદ વચ્ચે મિત્રતા થઈ અને દાનિશે જ યુવતીને TCSમાં નોકરી કરવા માટે કહ્યું હતું અને એમ પણ જણાવ્યું હતું કે નોકરી મેળવવામાં પોતે તેની મદદ કરશે.
આરોપ છે કે જુલાઈ 2022માં દાનિશે તેને એક ઠેકાણે બોલાવી હતી અને બળજબરીથી શારીરિક સંબંધો બાંધવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ વિરોધ કર્યો તો દાનિશે કહ્યું કે પોતે તેની સાથે લગ્ન કરવા માગે છે. ત્યારબાદ જ્યારે BCAનો અભ્યાસ પૂર્ણ કર્યો તો TCSમાં ઇન્ટરવ્યુ આપ્યો અને એસોશિએટની પોસ્ટ માટે સિલેક્ટ થઈ હતી. દાનિશ ત્યાં પહેલેથી કામ કરતો આહતો.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે દાનિશના સાથીઓ તૌસિફ અને નિદા પણ એ જ ગ્રુપના સભ્યો હતા. તેઓ અવરનવાર યુવતી સાથે વાતચીત કરતા અને દરમ્યાન યુવતીની ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ થાય તેવાં કૃત્યો કરતા. તેઓ સતત તેને કહેતા કે ઇસ્લામ એ હિંદુ ધર્મ કરતાં ઉપર છે અને સાથે હિંદુ દેવી-દેવતાઓ વિશે આપત્તિજનક ટિપ્પણીઓ પણ કરતા.
FIRમાં નાશિક TCSના મુસ્લિમ કર્મચારીઓએ શિવલિંગ વિશે પણ આપત્તિજનક ટિપ્પણી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. દાનિશ શેખે ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદી વિશે પણ આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી.
ઑગસ્ટ 2024માં દાનિશ શેખ પીડિત યુવતીને એક હોટલમાં લઈ ગયો હતો અને બળજબરીથી શારીરિક સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હતા. જ્યારે આ વાતની જાણ તૌસિફને થઈ તો તેણે યુવતીને પરિવારને જાણ કરી દેવાની ધમકી આપી અને શારીરિક સંબંધો બાંધવાની માગણી કરવાની શરૂ કરી. તૌસિફ ઑફિસમાં પણ યુવતીને હેરાન કરતો હોવાનું અને અભદ્ર ભાષામાં વાતચીત કરતો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
ફેબ્રુઆરી 2026માં એક મહિલાએ ફરિયાદી યુવતીનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે તે દાનિશની પત્ની છે અને બંનેને બે બાળકો પણ છે. જ્યારે યુવતીએ દાનિશને પ્રશ્ન કર્યો તો આરોપ છે કે તેણે કહી દીધું હતું કે તેનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી.
ફરિયાદી યુવતી અનુસાર, જુલાઈ 2002થી ફેબ્રુઆરી 2026 દરમ્યાન દાનિશ, તૌસિફ અને નિદાએ હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ આપત્તિજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરીને તેની ધાર્મિક લાગણીઓ દુભાવી છે. ઉપરાંત દાનિશે પોતે પરણિત હોવા છતાં લગ્નની લાલચ આપીને અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.
આ મામલે દાનિશની ધરપકડ બાદ તેણે નાશિક રોડ સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી. 9 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે 10 એપ્રિલે સુનાવણી હાથ ધરી હતી અને પોલીસને જવાબ દાખલ કરવા માટે જણાવ્યું હતું. મામલાની આગલી સુનાવણી 2 મેના રોજ થશે.


