નાસિરનગર ડિમોલિશન કેસમાં સુરત મહાનગરપાલિકાએ પાંચ એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા, આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી

સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલિશન મામલે ચાલતા વિવાદ વચ્ચે મહાનગરપાલિકાએ પાંચ એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ મામલો હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં કોર્ટ આગલી સુનાવણી પણ કરશે.

મહાનગરપાલિકા તરફથી બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે સેન્ટ્રલ ઝોન વિસ્તારના નાસિરનગર ખાતે 30 મે 2026ના રોજ હાથ ધરવામાં આવેલા ડિમોલિશન અંગે તપાસ સમિતિ નીમવામાં આવી હતી અને આ રિપોર્ટના આધારે પાંચ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાંચ અધિકારીઓમાં સુજલ પ્રજાપતિ (કાર્યપાલક ઇજનેર, સિવિલ), જાયાંગ જીવનરામજીવાલા (કાર્યપાલક ઇજનેર, સિવિલ), અર્પણ પરમાર (ડેપ્યુટી ઈજનેર, સિવિલ), મોનિક ગઢિયા (આસિસ્ટન્ટ ઈજનેર, સિવિલ) અને નરેશ ગલચર (જુનિયર ઈજનેર, સિવિલ)નો સમાવેશ થાય છે.

પાલિકાએ કહ્યું કે તપાસ તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે ધ્યાને રાખીને આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

ગુજરાત હાઇકોર્ટમાં 2 જુલાઈએ આગલી સુનાવણી થશે.

29 જૂનની સુનાવણીમાં હાઇકોર્ટે પોલીસ વિભાગને પૂછ્યું હતું કે સ્થળ પર પોલીસ હાજર હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના જવાબમાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે પોલીસ અધિકારીઓનું કામ કાયદો-વ્યવસ્થા જાળવવાનું હતું અને પાલિકા જે કાર્યવાહી કરી રહી છે તે કાયદાની હદમાં રહીને કરી રહી છે કે કેમ તે નક્કી કરવાનું કામ પોલીસનું નથી.

કોર્ટે જોકે આ દલીલો ગ્રાહ્ય રાખી નથી અને આદેશમાં નોંધ્યું કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે ડિમાર્કેશન માટે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો અને તેની આડમાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હોય શકે. જો એવું હોય તો પોલીસની ફરજ બને છે કે તેઓ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવે. ત્યાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા અને તેઓ પણ હસ્તક્ષેપ કરી શક્યા હોત. જેથી સરકારની આ દલીલ પ્રથમ દૃષ્ટિએ માન્ય રાખી શકાય એમ જણાતું નથી.

બીજી તરફ સરકારે જણાવ્યું હતું કે ડિમોલિશન કેમ અને કયા સંજોગોમાં કરવામાં આવ્યું તે મામલે એક સમિતિ બનાવવામાં આવી છે અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. કોર્ટે આ રિપોર્ટ રજૂ કરીને 2 જુલાઈએ આગલી સુનાવણી મુકરર કરી હતી. તે પહેલાં મહાનગરપાલિકાએ પાંચ ઇજનેરોને સસ્પેન્ડ કરી દીધા છે.