માત્ર 11 દિવસમાં 350 એક્ઝિબિટર્સને એક મંચ પર લાવવાનો વિશ્વવિક્રમ: ગુજરાતની VGRCને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

ગુજરાત સરકારની સત્તાવાર ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી ‘ઇન્ડેક્સ-બી’એ  (iNDEXTb) ‘ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ’માં સ્થાન મેળવ્યું છે. ગત મે મહિનામાં સુરત ખાતે યોજાયેલા ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’માં  એક્ઝિબિશન માટે માત્ર 11 દિવસના ટૂંકાગાળામાં રેકોર્ડબ્રેક 350 એક્ઝિબિટર્સને એક મંચ પર લાવવા બદલ આ વૈશ્વિક સન્માન મળ્યું છે. વડોદરામાં યોજાયેલી ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ દરમિયાન આ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

વડોદરાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર ‘ઇન્ડેક્સ-બી’ની ટીમને સોંપ્યું હતું. નોંધનીય છે કે આ વર્ષે 2 મે, 2026ના રોજ સુરત ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ – સાઉથ ગુજરાત’ અંતર્ગત બિઝનેસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે રાજ્ય સરકારની સંસ્થા ‘ઇન્ડેક્સ-બી’ અને ‘કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ’ વચ્ચે વિશેષ ભાગીદારી થઈ હતી.

સામાન્ય રીતે આવા મોટા ઔદ્યોગિક પ્રદર્શનોની તૈયારીઓમાં મહિનાઓનો સમય લાગતો હોય છે. પરંતુ આ કિસ્સામાં માત્ર 11 દિવસના મર્યાદિત સમયમાં જ દેશ-વિદેશના 350 જેટલા પ્રદર્શકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને સફળતાપૂર્વક નોંધણી કરાવી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમે આ અદ્ભુત ઝડપ અને વ્યવસ્થાપનને બિરદાવતા તેને ’11 દિવસના સમયગાળામાં એકત્રિત થયેલા પ્રદર્શકોની સૌથી વધુ સંખ્યા’ તરીકે સત્તાવાર માન્યતા આપી છે.

આ વૈશ્વિક રેકોર્ડ બનાવનારી સંસ્થા ‘ઇન્ડેક્સ-બી’ ગુજરાતમાં ઉદ્યોગો અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય કડી તરીકે કામ કરે છે. તે નવા રોકાણકારો માટે ‘સિંગલ પોઈન્ટ ઑફ કોન્ટેક્ટ’ તરીકે સેવા આપે છે. નોંધનીય છે કે રાજ્યમાં વડોદરા VGRC કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે 5 જિલ્લાઓમાં 8 નવી સ્માર્ટ GIDC સ્થાપવાની પણ જાહેરાત કરી હતી.