
પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા બેઅદબી-વિરોધી કાયદાને લઈને અકાલ તખ્તે કડક વલણ અપનાવ્યું છે. સોમવારના (29 જૂન) રોજ શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે વિવિધ રાજકીય પક્ષોના શીખ ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક બાદ અકાલ તખ્તના જથેદારે કાયદામાં ઉઠાવવામાં આવેલા વાંધાઓનું નિરાકરણ લાવી એક મહિનાની અંદર જરૂરી સુધારા કરવાનો નિર્દેશ આપ્યો હતો.
અકાલ તખ્તે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તમામ વાંધાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કાયદાના અમલ તરફ આગળ વધવું નહીં. જથેદારે ધારાસભ્યોને કાયદામાં જરૂરી સુધારા કરાવવા માટે એક મહિનાનો સમય આપ્યો છે.
AAPના ધારાસભ્યોએ કરી કબૂલાત
બેઠક દરમિયાન આમ આદમી પાર્ટીના (AAP) કેટલાક ધારાસભ્યોએ સ્વીકાર્યું કે તેમણે બેઅદબી સંબંધિત બિલની સંપૂર્ણ વિગતો વાંચ્યા વગર જ તેના પર સહમતી આપી દીધી હતી. આ કબૂલાત બાદ વિપક્ષે સરકાર પર ચર્ચા વિના ઉતાવળમાં કાયદો પસાર કરવાનો આરોપ વધુ તેજ કર્યો છે.
અહેવાલો અનુસાર સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માનના બે નિવેદનો પણ સંભળાવવામાં આવ્યા હતા. તેમાં તેઓ કહેતા હતા કે જો બેઅદબી કરનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હશે તો તેના માતા-પિતા અથવા કસ્ટોડિયનને સજા થશે. ત્યારબાદ જથેદારે AAPના મંત્રીઓ અને ધારાસભ્યોને પૂછ્યું કે શું આવી જોગવાઈ ખરેખર કાયદામાં લખવામાં આવી છે.
જોકે, આ બેઠકમાં મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહ્યા નહોતા.
અકાલ તખ્તે ઉઠાવ્યા 6 વાંધા
અકાલ તખ્તના જથેદાર કુલદીપ સિંઘ ગડગજે કાયદા સામે છ મુખ્ય વાંધા રજૂ કર્યા. તેમણે કહ્યું કે બેઅદબી કરનારાઓને સજા કરવા માટે કાયદો બનાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ શીખ પરંપરા, શીખ શબ્દાવલી, મર્યાદા અને પંથ સાથે જોડાયેલા ધાર્મિક મુદ્દાઓ પર નિર્ણય લેવાનો અધિકાર વિધાનસભાને નથી.
અકાલ તખ્તે આ કાયદાને ‘ગુરુ ગ્રંથ સાહિબ, ખાલસા પંથ અને સમગ્ર સંગતની ભાવનાઓ વિરુદ્ધ’ ગણાવ્યો અને સુધારા વિના તેને અમલમાં ન મૂકવાનો નિર્દેશ આપ્યો.
કોંગ્રેસ અને અન્ય પક્ષોની પણ રજૂઆત
બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું કે તેમણે અગાઉ પણ પંજાબ સરકારને કાયદો અંતિમ સ્વરૂપ આપતા પહેલાં વ્યાપક ચર્ચા કરવાની સલાહ આપી હતી. તેમણે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) સાથે પરામર્શ કરવાની પણ માંગ કરી હતી અને વિધાનસભામાં આ બિલ પર વધુ સમય સુધી ચર્ચા થવી જોઈએ હતી તેમ જણાવ્યું.
આ બેઠકમાં કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ, AAP અને અપક્ષ શીખ ધારાસભ્યો હાજર રહ્યા હતા. જ્યારે બિન-શીખ ધારાસભ્યોને લેખિતમાં પોતાનો અભિપ્રાય મોકલવા જણાવાયું હતું.
આ સમગ્ર ઘટનાક્રમે ફરી એકવાર દર્શાવ્યું છે કે શીખ પરંપરામાં સર્વોચ્ચ ધાર્મિક તખ્ત તરીકે ઓળખાતા અકાલ તખ્તની પંજાબના સામાજિક અને રાજકીય જીવનમાં હજુ પણ નોંધપાત્ર અસર છે. કાયદા બનાવવાનો બંધારણીય અધિકાર અકાલ તખ્ત પાસે ન હોવા છતાં શીખ આસ્થા અને ઓળખ સાથે જોડાયેલા મુદ્દાઓ પર તેની ધાર્મિક અને નૈતિક સત્તાનો રાજકીય નિર્ણયો પર મહત્વનો પ્રભાવ રહે છે.
બેઠકના અંતે તમામ ધારાસભ્યોએ ‘બોલે સો નિહાલ, સત શ્રી અકાલ’ના ધાર્મિક જયઘોષ સાથે અકાલ તખ્તના નિર્દેશોનું પાલન કરવાની સંમતિ વ્યક્ત કરી હતી.

