
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોના દાનમાં કથિત ગેરરીતિના કેસમાં તપાસ દિવસેને દિવસે વધુ વ્યાપક બનતી જઈ રહી છે. અત્યાર સુધી માત્ર 8 આરોપીઓની ધરપકડ સુધી સીમિત રહેલો મામલો હવે અનેક નવાં પાસાં તરફ આગળ વધી રહ્યો છે. તપાસ એજન્સીઓએ 70થી 80 લોકોને નોટિસ પાઠવી પૂછપરછ શરૂ કરી છે, આરોપીઓના મોબાઇલ ફોનમાંથી ડિલીટ કરાયેલી ચેટ્સ અને ડેટા રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે નાણાંની હેરફેરની તપાસ માટે 6 બેન્કો પાસેથી પણ માહિતી મંગાવવામાં આવી છે.
બીજી તરફ સમગ્ર કેસને લઈને અયોધ્યાની કાનૂની દુનિયામાં પણ મોટો નિર્ણય લેવાયો છે. અયોધ્યા બાર એસોસિએશને સર્વાનુમતે નક્કી કર્યું છે કે આ કેસમાં ધરપકડ કરાયેલા કોઈપણ આરોપીની તરફેણમાં સ્થાનિક વકીલ કેસ લડશે નહીં. જો કોઈ વકીલ તેમ છતાં આરોપીઓનું પ્રતિનિધિત્વ કરશે તો તેની સામે ₹5 લાખનો દંડ ફટકારવામાં આવશે.
તપાસનો વ્યાપ વધ્યો, 70થી 80 લોકોને નોટિસ
માહિતી અનુસાર તપાસ એજન્સીઓએ આ કેસમાં 70થી 80 લોકોને નોટિસ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમાં અનિલ મિશ્રા અને ગોપાલ રાવ જેવા નામો પણ સામેલ હોવાનું સૂત્રોના હવાલાથી જણાવાયું છે. તપાસ એજન્સીઓને શંકા છે કે સમગ્ર મામલો શરૂઆતમાં દેખાતો હતો તેના કરતાં ઘણો વધુ વ્યાપક હોઈ શકે છે.
ડિલીટ કરાયેલી ચેટ્સ અને ડિજિટલ પુરાવાની થશે તપાસ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કેટલાક આરોપીઓએ પોતાના મોબાઇલ ફોનમાંથી ચેટ્સ અને અન્ય ડેટા ડિલીટ કરી દીધા હતા. હવે આ તમામ મોબાઇલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં (FSL) મોકલવામાં આવશે, જ્યાં ડિલીટ થયેલો ડેટા અને ચેટ્સ રિકવર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તપાસ એજન્સીઓ માને છે કે ડિજિટલ પુરાવા સમગ્ર ગેરરીતિની કડીઓ જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
6 બેન્કોને પણ મોકલાઈ નોટિસ
માત્ર ડિજિટલ પુરાવા જ નહીં, પરંતુ નાણાકીય વ્યવહારોની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓએ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI), બેન્ક ઑફ બરોડા, કેનેરા બેન્ક સહિત કુલ 6 બેન્કોને નોટિસ પાઠવી છે.
આ બેન્કો પાસેથી આરોપીઓ, ટ્રસ્ટ તથા કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોનાં બેન્ક ખાતાં, લોકર અને નાણાકીય વ્યવહારોની વિગતો માંગવામાં આવી છે. તપાસ એજન્સીઓ હવે મની ટ્રેલ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને અન્ય નાણાકીય પુરાવાના આધારે સમગ્ર ગેરરીતિનો વ્યાપ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
ચંપત રાયનું નિવેદન નોંધાયું, અન્ય હોદ્દેદારોની પણ થઈ શકે પૂછપરછ
અહેવાલ અનુસાર પોલીસે રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનું નિવેદન પણ નોંધ્યું છે. તપાસમાં જરૂર જણાશે તો અનિલ મિશ્રા સહિત ટ્રસ્ટના અન્ય હોદ્દેદારોના નિવેદનો પણ લેવામાં આવી શકે છે.
સૂત્રોના હવાલાથી એવું પણ જણાવાયું છે કે મંદિર ટ્રસ્ટને ગેરરીતિ અંગે અગાઉથી જાણ હતી અને 5 જૂને ચંપત રાયના નિર્દેશ બાદ પોલીસ ટીમ આરોપી અવિનાશ શુક્લાના સ્થળે પહોંચી હતી. જોકે તે સમયે ટ્રસ્ટ તરફથી કોઈ સત્તાવાર FIR નોંધાવવામાં આવી નહોતી. આ દાવાની સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 5 જૂનના CCTV ફૂટેજમાં અવિનાશ શુક્લાને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવી રહ્યો હોવાનું જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેની પાસેથી આશરે ₹5 લાખ રોકડા પણ મળી આવ્યા હતા.
અયોધ્યા બાર એસોસિએશનનો મોટો નિર્ણય
આ દરમિયાન અયોધ્યા બાર એસોસિએશને પણ સમગ્ર મામલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એસોસિએશનની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે દાન ગેરરીતિ કેસમાં ધરપકડ કરાયેલા 8 આરોપીઓની તરફેણમાં કોઈ સ્થાનિક વકીલ કેસ નહીં લડે.
એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાએ જણાવ્યું કે જો કોઈ વકીલ આરોપીઓનું પ્રતિનિધિત્વ કરશે તો તેના પર ₹5 લાખનો દંડ ફટકારવામાં આવશે. વકીલોનું કહેવું છે કે રામ મંદિરના ભક્તોના દાનમાં ગેરરીતિથી સમગ્ર કાનૂની સમુદાયની લાગણી દુભાઈ છે. એસોસિએશનના સભ્યોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
વકીલોએ બેઠક દરમિયાન યાદ અપાવ્યું કે 2005માં રામ જન્મભૂમિ પર થયેલા આતંકી હુમલાના આરોપીઓની તરફેણમાં પણ ફૈઝાબાદ બાર એસોસિએશનના વકીલોએ કેસ લડવાનો ઇનકાર કર્યો હતો. હાલના કેસમાં પણ તેમણે તે જ પ્રકારનો અભિગમ અપનાવવાનો નિર્ણય લીધો છે.

