
MoU કર્યા બાદ પણ ફરી એક વખત એકબીજા પર હુમલા કર્યા બાદ હવે ફરી એક વખત અમેરિકા અને ઈરાન આ હુમલાઓ રોકવા સહમત થયાં છે. બંને પક્ષોએ મંગળવારે (30 જૂન) કતારના દોહામાં વાતચીત થશે, જેનો મુખ્ય મુદ્દો સ્ટ્રેટ ઑફ હોર્મુઝ હશે.
તાજેતરની ધમાલ પણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને લઈને જ થઈ હતી. યુદ્ધ શરૂ થયા બાદથી ફસાયેલાં જહાજોને બહાર કાઢવા માટે સંયુક્ત રાષ્ટ્રએ બે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા હતા, જેની ઉપર ઈરાને વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ન હતું. ત્યારબાદ હોર્મુઝમાંથી પસાર થતા સિંગાપોર ફ્લેગવાળા એક જહાજ પર ઈરાને ડ્રોન હુમલો કરી દીધો હતો.
ઈરાનના આ હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશથી અમેરિકી સેનાએ ઈરાનમાં ફરી એક વખત હવાઈ હુમલા કર્યા અને સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં. જવાબમાં ઈરાને પણ આસપાસના દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર હુમલા કર્યા હતા. બંને પક્ષે લગભગ ત્રણેક દિવસ આ બધું ચાલ્યા બાદ ફરી એક વખત અટકી ગયું છે.
અમેરિકા અને ઈરાન બંને એકબીજા પર MoUના ઉલ્લંઘનના આરોપ લગાવી રહ્યા છે, જેના હેઠળ બંનેએ સૈન્ય કાર્યવાહી રોકી હતી. ઈરાન કહી રહ્યું છે કે MoU અનુસાર સ્ટ્રેટ ઑફ હોર્મુઝનું સંપૂર્ણ નિયંત્રણ તેની પાસે રહેશે અને તેના ઉલ્લંઘન બદલ પોતે સૈન્ય કાર્યવાહી કરશે. બીજી તરફ અમેરિકા પણ ઈરાનને કોઈ પણ અવળચંડાઈ કરવા પર બમણી તીવ્રતાથી કાર્યવાહી કરવાની ધમકી આપી ચૂક્યું છે.
જોકે હવે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે કે બંને પક્ષો હુમલા અટકાવવા માટે સહમત થયા છે અને ફરીથી ટેકનિકલ મૂળે વાતચીત થશે અને તેના કેન્દ્રમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજોના ટ્રાફિકનો હશે.
MoU અનુસાર 60 દિવસ સુધી બંને પક્ષોએ યુદ્ધવિરામ ઘોષિત કર્યો છે, આ દરમ્યાન યુદ્ધનો કાયમી અંત લાવવા માટે વાતચીત થશે.

