મુંબઈમાં મોહરમના જુલૂસ દરમ્યાન ઝેરીલી કેપ્સ્યુલ વહેંચવા મામલે પકડાયેલા ફૈયાઝ પ્રેમજી વિશે તપાસમાં વધુ વિગતો બહાર આવી છે. જે અનુસાર લગભગ પંદર દિવસ પહેલાં તેણે મુંબઈના ડોંગરીમાં એક હોટેલમાં ચેક-ઇન કર્યું હતું. અહીં જ તેણે ઝીંક ફોસ્ફાઈડ અને કેપ્સ્યુલ મગાવીને કેપ્સ્યુલ ભરી હતી અને ત્યારબાદ જુલૂસમાં જઈને વહેંચી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, હોટેલ આવ્યા બાદ ફૈયાઝે લગભગ ત્રીસ હજાર ખાલી કેપ્સ્યુલનો ઓર્ડર આપ્યો હતો અને પચાસ કિલો ઝીંક ફોસ્ફાઇડ પણ મગાવ્યું હતું. ઝીંક ફોસ્ફાઇડ સામાન્યતઃ ઉંદર મારવાની દવા માટે વપરાય છે. આ ચીજો ઓનલાઇન પ્લેટફોર્મ પરથી મગાવવામાં આવી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ત્યારબાદ હોટેલના રૂમમાં જ તેણે કેપ્સ્યુલ ભરવાની શરૂ કરી હતી.
પોલીસને ફૈયાઝ પાસેથી ઝિંક ફૉસ્ફાઇડ ભરેલી લગભગ 14,900 કેપ્સ્યુલ મળી આવી છે. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે પોતે 15000 માણસોને મારવા માગતો હતો. તેના માટે તે મોહરમના જુલૂસમાં ઝેરીલી કેપ્સ્યુલને ‘પેઇન કિલર’ ગણાવીને વહેંચી રહ્યો હતો. ફૈયાઝ પાસેથી મળેલાં કેમિકલ અને અન્ય પદાર્થો ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે.
સમગ્ર મામલો બે દિવસ પહેલાં મુંબઈમાં યોજાયેલા એક મોહરમના જુલૂસ દરમ્યાન સામે આવ્યો હતો. અહીં ફૈયાઝ જુલૂસમાં સામેલ લોકોને કેપ્સ્યુલ વહેંચી રહ્યો હતો. અમુક લોકોએ કેપ્સ્યુલ ખાધી તો તેમને તકલીફ થવા માંડી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં તપાસ દરમ્યાન ડૉક્ટરોને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યારબાદ તપાસ કરીને ફૈયાઝને પકડી લીધો હતો. તેના હોટેલ રૂમની તપાસ કરતાં ત્યાંથી વધારાની સામગ્રી મળી આવી હતી.
ફૈયાઝ મૂળ પુણેનો છે અને પહેલાં બાપની પેઇન્ટ ફેક્ટરી સંભાળતો હતો. જોકે છેલ્લા થોડા સમયથી મુંબઈ આવી ગયો હતો. પોલીસે તેના ઘરે તપાસ કરીને પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરી, જેમનું કહેવું છે કે ફૈયાઝ સાથે હવે તેમનો કોઈ સંબંધ નથી. તેના પિતા અને માતા-ભાઈ-બહેનો અલગ રહે છે.
ફૈયાઝ ઈરાક-ઈરાન પણ જઈ આવ્યો છે અને ત્યાં કામ પણ કરી ચૂક્યો છે. જોકે હજુ સુધી આ કેસમાં કોઈ ફોરેન એન્ગલ મળ્યો નથી પરંતુ પોલીસ અને એજન્સીઓ તમામ એન્ગલથી તપાસ કરી રહ્યાં છે. ફૈયાઝનાં નિકાહ થયાં હતાં પણ ઘણા સમયથી પત્ની અલગ રહેતી હતી. તેની આ માનસિક સ્થિતિ પણ કારણભૂત છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

