અમદાવાદના દરિયાપુરમાં ધોકા-પથ્થરો લઈને મોરેમોરો આવ્યાં બે મુસ્લિમ જૂથો: 3 ઈજાગ્રસ્ત, પોલીસે સામસામે નોંધી FIR

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રવિવારની (28 જૂન) સાંજે નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ મોડી રાત્રે હિંસક અથડામણમાં ફેરવાયો હતો. બે મુસ્લિમ જૂથ સામસામે આવી ગયાં હતાં અને એકબીજા પર બેટ તથા લાકડીઓ વડે હુમલો કર્યો હતો. અથડામણ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ સમગ્ર મામલે દરિયાપુર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદોના આધારે બે અલગ-અલગ FIR નોંધી છે. અત્યાર સુધીમાં કુલ 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

એક FIR મુજબ રવિવારે સાંજે આશરે 6 વાગ્યે દધીયાવાડના પ્રવેશદ્વાર પાસે ફરિયાદી અબ્દુલ રશીદ બુખારીના પુત્ર યાહિયા અને આરોપી ઉસૈદ સાકિબભાઈ શેખ વચ્ચે ઝઘડો થયો હતો. ફરિયાદીએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. જોકે થોડા સમય બાદ આરોપી ઉસૈદની માતા અને ફોઈ ફરિયાદીના ઘરે પહોંચી ફરીથી ઝઘડો શરૂ કર્યો હતો.

વિવાદ વધતા ઉસૈદ શેખ અને ફૈઝાન અલ્લાહરખા સહિતના લોકો બેઝબોલ બેટ અને લાકડીઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ફરિયાદ મુજબ તેમણે અબ્દુલ રશીદ, તેમના પુત્ર યાહિયા અને ભાઈ રઝા અહેમદ પર હુમલો કર્યો હતો. હુમલામાં યાહિયાના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેને લોહી નીકળવા લાગ્યું હતું.

આરોપીઓએ રસ્તા પર પાર્ક કરેલી એક રિક્ષા અને એક મોટરસાઇકલના કાચ પણ તોડી નાંખ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અબ્દુલ રશીદની ફરિયાદના આધારે પોલીસે ઉસૈદ શેખ, નસરીનબેન શેખ, ઉસૈદની ફોઈ, ફૈઝાન અને અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

બીજા પક્ષે પણ સામસામી ફરિયાદ નોંધાવતાં પોલીસે બીજી FIR પણ નોંધી છે. પોલીસ બંને ફરિયાદોના આધારે ઘટનાની તપાસ કરી રહી છે અને સમગ્ર મામલાની હકીકતો બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે.