
પુણેના 26 વર્ષીય રિયલ એસ્ટેટ વ્યવસાયી કેતન અગ્રવાલની હત્યાના કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ તપાસ મુજબ કેતનની 20 વર્ષીય મંગેતર સિયા ગોયલે લગ્નની તૈયારીઓના બહાને તેની પાસેથી લગભગ ₹1 કરોડ લીધા હતા અને તે સમગ્ર રકમ પોતાના પ્રેમી ચેતન ચૌધરીને તેનો બિઝનેસ અને કારકિર્દી ઉભી કરવામાં મદદ કરવા માટે ટ્રાન્સફર કરી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ 18 જૂનના રોજ પુણે નજીકના લોહગઢ કિલ્લા પર કેતન અગ્રવાલને ખીણમાં ધક્કો મારી તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ કેસમાં બંનેની ધરપકડ થઈ ચૂકી છે.
લગ્નના નામે લીધા ₹1 કરોડ, પ્રેમીને પહોંચાડ્યા
તપાસમાં સામે આવ્યું છે કે કેતન અગ્રવાલે લગ્નની ખરીદી અને તૈયારીઓ માટે સિયાને લગભગ ₹1 કરોડ આપ્યા હતા. જોકે પોલીસનો આરોપ છે કે સિયાએ આ રકમ લગ્નમાં ખર્ચવાને બદલે ચેતન ચૌધરીને ટ્રાન્સફર કરી દીધી હતી, જેથી તે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
પોલીસના જણાવ્યા મુજબ ચેતન આર્થિક રીતે સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને તેણે સિયાને કહ્યું હતું કે આર્થિક રીતે સ્થિર થવામાં તેને લગભગ ત્રણ વર્ષ લાગશે. ત્યારબાદ બંને સાથે જીવન શરૂ કરી શકશે.
હત્યા બાદ ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરવાનો પ્લાન
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે હત્યા બાદ બંનેએ શંકાથી બચવા માટે લાંબાગાળાનો પ્લાન તૈયાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કેતનની હત્યા બાદ સિયાએ ત્રણ વર્ષ સુધી લગ્ન ન કરવાના હતા, જેથી તેના મંગેતરના મૃત્યુ બાદ તરત જ કોઈને તેના અને ચેતનના સંબંધો અંગે શંકા ન જાય. ત્યારબાદ ચેતન આર્થિક રીતે સ્થિર થઈ જાય અને કેસની ચર્ચા ઓછી થઈ જાય પછી બંને લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા.
હત્યા માટે અગાઉથી નક્કી ‘સિગ્નલ’
તપાસમાં હત્યાની ઘટનાને લઈને પણ મહત્વનો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર સિયા અને ચેતને અગાઉથી એક ગુપ્ત સંકેત નક્કી કર્યો હતો. પ્લાન મુજબ સિયા પાણી પીવાના અથવા પોતાના શૂ બાંધવાના બહાને નીચે બેસી જવાની હતી. આ સંકેત મળતા જ છુપાઈને બેઠેલો ચેતન બહાર આવી કેતનને ખીણમાં ધક્કો મારવાનો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ સિગ્નલ માત્ર હુમલાના સમયનું સંકલન કરવા માટે જ નહોતું, પરંતુ સિયાની સુરક્ષા માટે પણ નક્કી કરવામાં આવ્યું હતું. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર બંનેને ડર હતો કે જો કેતન પડતી વખતે સિયાને પકડી લે તો તે પણ ખીણમાં પડી શકે.
ટોલ પ્લાઝા પર CCTVથી બચવા કારના બદલે સ્કૂટરનો ઉપયોગ
તપાસમાં વધુ એક મહત્વની વાત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ચેતન ઘટનાના દિવસે કારના બદલે સ્કૂટર લઈને પુણેથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા લોહગઢ કિલ્લા સુધી પહોંચ્યો હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે તેણે ટોલ પ્લાઝા પર લાગેલા કેમેરામાં પોતાની હિલચાલ નોંધાય નહીં તે માટે ઇરાદાપૂર્વક સ્કૂટરનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આ સ્કૂટર પણ જપ્ત કરી લીધું છે.
હત્યાના 34 મિનિટ પહેલાં થયો હતો ‘સિક્રેટ કૉલ’
કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) પણ તપાસમાં મહત્વનો પુરાવો બન્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર કેતનની હત્યા થવાના માત્ર 34 મિનિટ પહેલાં સિયા અને ચેતન વચ્ચે એક ‘સિક્રેટ કૉલ’ થયો હતો. અધિકારીઓને શંકા છે કે આ વાતચીત હત્યા પહેલાંની અંતિમ પુષ્ટિ માટે કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે સમગ્ર કાવતરું મે મહિનાના અંત સુધીમાં જ તૈયાર થઈ ગયું હતું.
14 જૂને પણ હત્યાનો પ્રયાસ થયો હોવાનો દાવો
પોલીસ તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 18 જૂનની ઘટના કેતનની હત્યાનો પ્રથમ પ્રયાસ નહોતો. તપાસ મુજબ 14 જૂને પણ સિયાએ લોહગઢ કિલ્લા પર કેતનને ખીણમાં ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કેતને નજીકની ઝાડીઓ પકડી લેતાં તેનો જીવ બચી ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર તે સમયે સિયાએ કેતનને કહ્યું હતું કે સાપ જોઈ જતાં ગભરાઈને તેનાથી ભૂલથી ધક્કો લાગી ગયો હતો. આ પ્રયાસ નિષ્ફળ જતાં ચેતને નક્કી કર્યું કે બીજી વખત તે પોતે પણ ઘટનાસ્થળે હાજર રહેશે, જેથી કેતન કોઈપણ સંજોગોમાં બચી ન શકે.
ડિજિટલ અને નાણાકીય પુરાવાની તપાસ ચાલુ
પોલીસ હાલમાં બંને આરોપીઓ વચ્ચે થયેલી વાતચીત, ડિજિટલ પુરાવા, બેન્ક ટ્રાન્ઝેક્શન અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે કેતન અગ્રવાલની હત્યા ઘણા મહિનાઓ પહેલાંથી સુનિયોજિત રીતે ઘડાયેલું કાવતરું હતું. હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ આગળ વધી રહી છે.

