‘ઇથેનોલ બ્લેન્ડિંગ ‘પ્રયોગ’ છે એવું અમે ક્યારેય કહ્યું નથી’: સરકારે મીડિયા અહેવાલો ફગાવ્યા, જણાવ્યું સુપ્રીમ કોર્ટમાં શું બન્યું હતું

E20 એટલે કે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલના મિશ્રણ સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલા જવાબ પર થઈ રહેલા મીડિયા રિપોર્ટિંગ મામલે સરકારના કાયદા મંત્રાલય તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેમણે ક્યારેય કોર્ટમાં એવું કહ્યું નથી કે ‘ઇથોનોલ બ્લેન્ડિંગ’ એ એક પ્રયોગ છે અને તેનાં પરિણામો આવતા વર્ષ સુધીમાં જાણવા મળશે. સાથે કોર્ટમાં શું કાર્યવાહી થઈ અને સરકારની વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

વાસ્તવમાં અમુક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકારે સુપ્રીમ કોર્ટને એવું જણાવ્યું છે કે ઇથેનોલ બ્લેન્ડિંગ એ એક ‘ઓનગોઈંગ એક્સપેરિમેન્ટ’ (ચાલી રહેલો પ્રયોગ) છે અને તેનાં પરિણામો આવતા વર્ષ સુધીમાં સ્પષ્ટ થઈ રહેશે. સરકારે હવે સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે કોર્ટને આ પ્રકારની કોઈ રજૂઆત કરવામાં આવી નથી અને આવા અહેવાલો આધારવિહીન અને તથ્યથી વેગળા છે.

સરકારની સ્પષ્ટતા

વાસ્તવમાં આ સમગ્ર વિવાદ BPCLએ એથેનોલ ફાળવણી મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી સ્પેશિયલ લીવ પિટિશન સાથે જોડાયેલો છે. ગત 23 જૂનના રોજ કર્ણાટક હાઇકોર્ટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ BPCL, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને નિર્દેશ આપીને જણાવ્યું હતું કે તેઓ ટેન્ડર પ્રક્રિયા ફાઇનલ થાય એ પહેલાં ઇથેનોલની ફાળવણીમાં વધારાની ડિસ્ટિલરીની વિનંતી પર વિચાર કરે. BPCLની દલીલ છે કે આ આદેશથી સરકારના રાષ્ટ્રવ્યાપી ઇથેનોલ પ્રોગ્રામ પર અસર પડી શકે અને 20% ઇથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ પૂર્ણ થઈ શકે એમ નથી.

આ કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને માત્ર એટલી જ માહિતી આપી હતી કે ડેડિકેટેડ એથેનોલ પ્લાન્ટ્સને એથેનોલની ફાળવણી અંગેની આવી જ સમાન અરજીઓ હાલમાં દેશની અલગ-અલગ હાઇકોર્ટમાં પણ પેન્ડિંગ છે. સરકારે કોર્ટને જણાવ્યું કે કાયદાના સમાન અર્થઘટન અને કોન્ટ્રાક્ટ માળખાને ધ્યાનમાં રાખીને આ તમામ કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્સફર પિટિશન દાખલ કરવામાં આવી રહી છે. આવું કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે અલગ-અલગ અદાલતોમાંથી પરસ્પર વિરોધાભાસી ચુકાદાઓ ન આવે અને સુપ્રીમ કોર્ટ આ બાબતે એક સમાન અને ઝડપી ઉકેલ લાવી શકે.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે કેસોના ઝડપી નિકાલથી ઓઇલ કંપનીઓને ઇથેનોલનો પુરવઠો કોઈપણ અવરોધ વિના સતત મળતો રહેશે. જેના પગલે ‘ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ’ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન પેટ્રોલની અંદર 20 ટકા ઇથેનોલનું બ્લેન્ડિંગ જાળવી રાખવામાં કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય. સરકારની આ દલીલોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર પિટિશન દાખલ કરવાની મંજૂરી આપી છે અને ચાલુ ઇથેનોલ સપ્લાય વર્ષ (2025-26) માટે ઇથેનોલ ફાળવણી અંગે સ્ટેટસ કો જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

સરકારે ફરી એક વખત કહ્યું છે કે તેમણે ક્યારેય ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને પ્રયોગ ગણાવ્યો નથી અને આ એક નેશનલ પ્રોગ્રામ છે. સાથે જ મીડિયાને અપીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય મહત્વની નીતિઓ અને અદાલતી કાર્યવાહી અંગેના સમાચાર સંપૂર્ણ ચોકસાઈ અને જવાબદારી સાથે પ્રકાશિત કરવા જોઈએ.