
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચર્ચાસ્પદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. જોકે, પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદ થઈ હોવાથી જેલની બહાર આવી શકશે નહીં. બીજી તરફ, અમિત ખૂંટ કેસમાં પણ કાયદાકીય કાર્યવાહી યથાવત ચાલુ રહેશે.
કેસની વિગતો એવી છે કે વર્ષ 2025માં મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે ગોંડલ તાલુકા પોલીસ મથકે અનિરુદ્ધસિંહ જાડેજા, પુત્ર રાજદીપસિંહ સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓએ કાવતરું રચીને એક સગીરા મારફતે અમિત ખૂંટ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ખોટો કેસ કરાવ્યો હતો, જેના કારણે તેઓ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા અને અંતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી ચાર પાનાંની સ્યુસાઇડ નોટ મળી હતી. તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ અને સગીરાના નામનો ઉલ્લેખ કરીને તેઓ ત્રાસ આપી રહ્યાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગામમાં જમીનના વિવાદ અને જૂની રાજકીય અદાવતના કારણે અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવી તેમની સામે ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર અમિત ખૂંટે અગાઉ પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આપવામાં આવેલી સજા માફી રદ કરવા ગૃહ વિભાગમાં અરજી કરી હતી. તેનું વેર લેવા માટે તેમને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના નિયમિત જામીન મંજૂર કર્યા હતા. જોકે કેસની ટ્રાયલ અને અન્ય આરોપીઓ સામેની કાયદેસરની કાર્યવાહી યથાવત ચાલુ રહેશે. બીજી તરફ, પોપટ સોરઠિયા હત્યા કેસમાં સજા ચાલુ હોવાથી અનિરુદ્ધસિંહ જાડેજા હાલ જેલની બહાર આવી શકશે નહીં. આ કેસમાં અનિરુદ્ધસિંહે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ સપ્ટેમ્બર 2025માં સરેન્ડર કર્યું હતું. હાલ સાબરમતી જેલમાં બંધ છે.

