
એમેઝોન સામે ઑસ્ટ્રેલિયામાં એક કેસ થયો છે. કારણ છે તેના પ્રાઇમ વર્ઝનમાં પણ ચલાવવામાં આવતી જાહેરાતો. ઑસ્ટ્રેલિયન કન્ઝ્યુમર વૉચડોગ ‘ધ ઑસ્ટ્રેલિયન કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર કમિશન’ (ACCC) દ્વારા ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કેસમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો પાસેથી પ્રાઇમ માટે પૈસા લીધા બાદ પણ જાહેરાતો આપવી અને એ જાહેરાતો દૂર કરવા માટે વધુ પૈસા માગવા એ કરારની શરતોનું ઉલ્લંઘન છે.
એમેઝોને ઑસ્ટ્રેલિયામાં વર્ષ 2018માં પ્રાઇમ લૉન્ચ કર્યું હતું. પ્રાઇમ હેઠળ ગ્રાહકોને અમુક વધારાના લાભો આપવામાં આવે છે. જેમાં ફાસ્ટ ડિલીવરી, OTT પ્લેટફોર્મ, શોપિંગ વખતે અમુક ફાયદા વગેરે લાભો આપવામાં આવે છે. પ્રાઇમ OTT પ્લેટફોર્મ પર અત્યાર સુધી કોઈ જાહેરાતો આવતી ન હતી કારણ કે ગ્રાહક પહેલાં જ સબસ્ક્રિપ્શન પેટે અમુક રકમ આપી ચૂક્યો હોય છે અને દર મહિને આ રકમ કપાય છે. પરંતુ 2024થી વૈશ્વિક સ્તરે પ્રાઇમે જાહેરાતો શરૂ કરી દીધી હતી. આને અયોગ્ય ગણાવીને ઑસ્ટ્રેલિયાએ કેસ કરી દીધો છે.
2024માં એમેઝોને પ્રાઇમ વિડીયોમાં પણ જાહેરાતો શરૂ કરી દીધી અને ઑસ્ટ્રેલિયન સબ્સ્ક્રાઇબરોને જણાવ્યું કે જો તેઓ જાહેરાતો જોવા ન ઈચ્છતા હોય તો વધારાની ફી ચૂકવવી પડશે. આ ફી 2.99 ઑસ્ટ્રેલિયન ડૉલર પ્રતિ માસ હતી. જ્યારે તે સમયે સબ્સ્ક્રાઇબરો પ્રાઇમ મેમ્બરશિપ માટે પહેલેથી 79 ઑસ્ટ્રેલિયન ડૉલર ચૂકવી રહ્યા હતા. ACCCનું કહેવું છે કે લગભગ સાડા આઠ લાખ સબસ્ક્રાઇબર પહેલેથી આખા વર્ષનું સબ્સ્ક્રિપ્શન લઈ ચૂક્યા હતા.
ACCCએ કહ્યું કે આ ગ્રાહકો આખા વર્ષ દરમ્યાન પૈસા ચૂકવ્યા હોવા છતાં લૉઅર ક્વોલિટી સર્વિસ મેળવતા રહ્યા અને સાથે શરત મૂકવામાં આવી કે તેઓ વધારાની ફી ચૂકવે.
જોકે કેસમાં અન્ય પણ અમુક બાબતો સમાવવામાં આવી છે. જે અનુસાર એમેઝોને અમુક કરારની શરતોનું ઉલ્લંઘન કરીને પ્રાઈમ વિડીયો સહિતની પ્રાઇમ સર્વિસમાં મોટા ફેરફારો કરી દીધા હતા અને તેના માટે ક્યારેય સબ્સ્ક્રાઇબરોને રિફન્ડ ચૂકવવામાં ન આવ્યું કે ન વળતર અપાયું.
ACCCએ કહ્યું કે નવેમ્બર 2023થી ઑગસ્ટ 2025 સુધી દસ લાખ લોકોએ જે કોન્ટ્રાક્ટ સાઇન કર્યા હતા. આ મામલે 2025માં ફરિયાદો મળવાની શરૂ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી અને હવે કેસ આગળ ચલાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
એમેઝોન ઑસ્ટ્રેલિયાએ આ મામલે જણાવ્યું છે કે તેઓ હાલ કેસની સમીક્ષા કરી રહ્યા છે અને તપાસ દરમ્યાન પૂરેપૂરો સહયોગ આપવા માટે તૈયાર છે.

