જૂન 2025માં વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત બાદ તેમના સમર્થકોએ ‘ગોપાલ હવે વિધાનસભામાં જઈને ગર્જના’ કરશે અને ‘ગોપાલ હવે વિધાનસભા ગજવશે’ એવું બધું બહુ ચલાવ્યું હતું. પછીથી સોશિયલ મીડિયાના અમુક તથાકથિત ઈન્ફ્લુએન્સરો અને અમુક યુટ્યુબ ચેનલોએ પણ આ માહોલ બનાવવામાં યથાશક્તિ યોગદાન આપ્યું હતું. હવે સમાચાર એવા છે કે આ જ ગોપાલભાઈ વિધાનસભામાં જઈને માફી માગી આવ્યા છે. એ પણ એટલા માટે કારણ કે જે હર્ષ સંઘવી વિશે બહાર તેઓ એલફેલ બોલતા રહે છે તેમને તેમણે મિસ્કવોટ કર્યા હતા!
બન્યું એવું કે બે દિવસ પહેલાં ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ પર એક ચર્ચા ચાલતી હતી. દરમ્યાન હર્ષ સંઘવીને ક્વોટ કરીને ગોપાલ ઈટાલિયાએ એક દાવો કર્યો. સંઘવીએ વળતો જવાબ આપતાં કહ્યું કે તેઓ એવું કશું બોલ્યા નથી અને એમ હોય તો વિધાનસભાના રેકર્ડ ચકાસી લેવામાં આવે. ગોપાલે દાવો કર્યો છે એવું કંઈ પોતાના નિવેદનમાં મળી આવે તો રાજીનામું આપવા માટે પણ તૈયાર છે.
ગોપાલે ત્યારબાદ પણ દાવો ન છોડ્યો અને માફી માગવાની ના પાડી દીધી. ઉપરથી એમ પણ કહ્યું કે માફી તો નહીં માગે પણ પુરાવા પણ રજૂ કરશે. પછીથી અધ્યક્ષે રેકર્ડ ચેક કરાવ્યા તો એવું કશું જ ન મળ્યું જેવો ઇટાલિયાએ દાવો કર્યો હતો. અધ્યક્ષે પછીથી ટકોર કરવી પડી કે બહાર જેમ બોલીએ એમ વિધાનસભામાં વર્તન ન કરાય અને ઈટાલિયાએ ગૃહની માફી માગવી જોઈએ. સંભવતઃ આખરે સસ્પેન્શન સુધી વાત ન પહોંચે તેના ડરે ગોપાલે ગૃહની માફી માગી લીધી હતી.
આમ તો ઘટના સામાન્ય છે. વિધાનસભા, સંસદમાં આ રીતે સાંસદો આ રીતે શાબ્દિક રીતે બાખડતા રહે છે. એકબીજા પર આરોપો-પ્રત્યારોપો લાગતા રહે. સંસદમાં બોલેલાં વાક્યો માટે માનહાનિની કાર્યવાહી ન થઈ શકે એવું રક્ષણ પણ તેમને એ જ કારણે મળે છે કે મુક્તપણે ચર્ચા કરી શકાય. જોકે બીજા અમુક નિયમો છે. ઘણી વખત નેતાઓએ કહેલા અમુક શબ્દો રેકર્ડ પરથી હટાવવામાં પણ આવે છે અને વાત થોડી આગળ પહોંચે તો સભ્યો માફી પણ માગી લેતા હોય છે. પણ ગોપાલ ઈટાલિયા સાથે બનેલી ઘટનાની સોશિયલ મીડિયા પર ઠીકઠાક હાંસી ઉડી રહી છે.
થોડા પ્રામાણિક થઈને કહીએ તો કહી શકાય કે ગોપાલ ઈટાલિયાનું રાજકારણ જમીન પર નક્કર કામો કરવા કરતાં મોટેભાગે ફાંકા ફોજદારી અને બોલબોલ કરવા પર વધુ ટક્યું છે. ગોપાલે રાજકારણ અને પબ્લિક લાઈફની શરૂઆત જ વિડીયો બનાવીને કરી હતી. કેમેરા સામે આવીને ગામને સલાહ આપવાની કુટેવ પડી ગઈ એ મુખ્યધારાના રાજકારણમાં આવ્યા પછી પણ ગઈ નથી.
અત્યારે પણ ગોપાલ કાયમ સોશિયલ મીડિયા અને મીડિયામાં જોવા મળે છે. અમુક યુટ્યુબ ચેનલો કાયમ તેમની પાછળ કેમેરો લઈને ફરતી રહે છે. સોશિયલ મીડિયા પર અને આવા વિડીયોમાં ગોપાલ કામની વાત ઓછી અને નકામી વાતો વધારે કરે છે. ‘અમે આમ કરી નાખીશું’ ને ‘તેમ કરી નાખીશું’ની વાતો વધારે હોય છે. હર્ષ સંઘવી અને અન્ય નેતાઓ વિશે પણ એલફેલ બોલવાની પણ તેમને કુટેવ છે.
આ બધું કરવામાં તેમનો વધુ પડતો સમય વેડફાય જાય છે એટલે પછી કોઈ કામના સવાલો કરે ત્યારે તેમની પાસે જવાબ હોતો નથી અને ગેંગેંફેંફેં થઈ જાય છે. ભૂતકાળમાં અનેક જાહેરસભાઓમાં પોતે મોટી-મોટી વાતો કરતા હોય ત્યારે વચ્ચેથી અટકાવીને કોઈ સામાન્ય માણસ ગોપાલને પૂછે કે તેમણે પોતાના વિસ્તારમાં કયાં કામો કર્યાં છે એટલે તરત તેને ‘ભાજપનો માણસ’ ગણાવી દીધો હોવાની ઘટનાઓ ઘટી ચૂકી છે. ગોપાલે આવું કરીને છટકબારી શોધી લેવી પડે છે કારણ કે જે મૂળ સવાલ કરવામાં આવ્યો હોય તેનો તેમની પાસે જવાબ હોતો નથી.
યુટ્યુબ ચેનલોના ઈન્ટરવ્યુમાં પણ ગોપાલ જે બોલે છે એ સીધું પ્રસારિત કરી દેવાય છે અને સામા કોઈ અઘરા પ્રશ્નો થતા નથી. મુખ્યધારાના મીડિયામાંથી ફેંકાઈ ગયા બાદ યુટ્યુબ પર દુકાનો ખોલી બેઠેલા એન્કરો ઘણી વખત તો ફૂલ ટોસ આપી દેતા હોય છે, જેથી ઈટાલિયા પોતાના એજન્ડાને અનુરૂપ જવાબો આપી શકે. વિધાનસભા સત્ર દરમ્યાન પણ અમુક ચેનલોએ ગોપાલના ઇન્ટરવ્યુ લેવાનો કાયમી ધંધો બનાવી દીધો હતો અને તેમણે આ સત્રમાં ખૂબ કામ કર્યું એવી છબી ઉપસાવવાના પૂરેપૂરા પ્રયાસો કર્યા, જાણે 182માંથી માત્ર એક-બે માણસો કામ કરતા હોય અને બાકીના ચા-સમોસા માટે આવતા હોય એવું સાબિત કરવાના પ્રયાસ થયા. પરંતુ છેલ્લા દિવસે ગોપાલે જ માફી માગીને આ બધી મહેનત પર પાણી ફેરવી દીધું! આપણી સહાનુભૂતિ છે.
ગોપાલને સંભવતઃ એવી ગેરસમજ થઈ હશે કે તેઓ યુટ્યુબ ચેનલના સ્ટુડિયોમાં બેઠા છે અને સામે એન્કર છે. એટલે ત્યાં જે બોલવું હોય એ બોલી શકાય. પણ આ વિધાનસભા હતી, જ્યાં બોલવા-ચાલવાના અમુક નિયમો છે. તેની ગંભીરતા અનેકગણી વધારે છે. અહીં એન્કર નહીં પણ અધ્યક્ષ હોય છે, જે વાયડાવેડા ચલાવી લેતા નથી અને સમય આવ્યે ઠપકો પણ આપે છે. ગોપાલને હજુ વિધાનસભામાં શરૂઆતના દિવસો છે, એટલે આ બધી સમજણ નહીં હોય એ પણ સ્વાભાવિક છે.
હવે આ ઘટનાક્રમ પછી અમુક આમ આદમી પાર્ટી અને ગોપાલ સમર્થકો એવો તર્ક આપે છે કે ગોપાલે માફી માગીને ખેલદિલી દર્શાવી. આ પણ તદ્દન વાહિયાત બચાવ છે. તેમને સંઘવીએ એક વખત ચોખવટ કરીને તક આપી હતી પણ પોતે તંગડી ઊંચી જ રાખી હતી. પછીથી અધ્યક્ષે ઠપકો આપ્યો અને સસ્પેન્શનની તલવાર લટકી એટલે પીછેહઠ કરવી પડી. એને ખાનદાની કે ખેલદિલી ન કહેવાય, સાદી ભાષામાં કહીએ તો ઈજ્જતના ધજાગરા ઉડ્યા કહેવાય!


