હોમપેજદેશનક્સલવાદ સિરીઝ, ભાગ-2: નક્સલબાડી પછી: લાલ આતંકનો વિસ્તાર અને CPI-MLની સ્થાપના પાછળ...

નક્સલવાદ સિરીઝ, ભાગ-2: નક્સલબાડી પછી: લાલ આતંકનો વિસ્તાર અને CPI-MLની સ્થાપના પાછળ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની ભૂમિકા

1 મે, 1969ના દિવસે કલકત્તાની એક રેલીમાં કનુ સન્યાલે નવી CPI-ML પાર્ટીની સત્તાવાર ઘોષણા કરી અને માઓવાદી વિચારધારાના આધારે દેશમાં ક્રાંતિ લાવવાની વાતો કરી. આ જ રેલીમાં પછીથી નક્સલવાદીઓ અને યુનાઇટેડ ફ્રન્ટના સમર્થકો બાખડ્યા અને હિંસક સંઘર્ષના કારણે 200થી વધારે લોકોને ઈજા થઈ. આગળ શું-શું હિંસક ખેલ થવાના છે તેનું આ ટ્રેલર માત્ર હતું.

- Advertisement -

નક્સલવાદ, માઓવાદના ખાતમાના અવસરે શરૂ કરેલી વિશેષ લેખશ્રેણીના પહેલા ભાગમાં જોયું કે પશ્ચિમ બંગાળના નક્સલબાડી ગામમાંથી ખેડૂતોને આગળ કરીને આ વિચારધારા આધારિત ઉગ્રવાદની શરૂઆત કઈ રીતે થઈ હતી અને તેની પાછળનો કમ્યુનિસ્ટોનો ઇરાદો શું હતો. હવે આ ભાગમાં આગળ.

ઉત્તર બંગાળના નક્સલબાડીમાં ખેડૂતો, સ્થાનિકોને આગળ કરીને કમ્યુનિસ્ટોએ ઉત્પાત મચાવ્યો અને બે મહિનામાં સેંકડો હિંસક ઘટનાઓ બની એ સમયગાળામાં બંગાળમાં પહેલી બિનકોંગ્રેસી સરકાર બની હતી. આ ગઠબંધનની સરકારમાં CPI-M પણ હતી અને બીજી તરફ તેના જ સભ્યો હિંસાને ઉત્તેજન આપતા હતા. શરૂઆતના સમયમાં હિંસક ચળવળ વિરુદ્ધ કોઈ ઠોસ કાર્યવાહી ન થઈ તેનું એક કારણ આ પણ હતું. પરંતુ પછીથી ગઠબંધનના અન્ય સભ્યો અને સામાન્ય જનતામાંથી પણ દબાણ વધવા માંડ્યું અને આખરે CPI-Mએ પોલીસ કાર્યવાહીના આદેશ આપવા પડ્યા.

પોલીસ કાર્યવાહીથી નક્સલબાડીમાં થતી હિંસા ઘણાખરા અંશે અટકી ગઈ પણ પછીથી CPI-Mની સમસ્યા શરૂ થઈ. પાર્ટીની અંદરથી જ વિરોધના સ્વર ઉઠવા માંડ્યા અને નક્સલબાડીમાં થયેલી કાર્યવાહીની ટીકા થવાની શરૂ થઈ. પાર્ટીમાંથી જ એવું કહેવાવા માંડ્યું કે CPI-Mનું નેતૃત્વ ઉઘાડું પડી ગયું છે અને તેઓ માત્ર ‘ક્રાંતિ’ની વાતો જ કરી શકે એમ છે. આ વિચાર ફેલાવવામાં પણ ચારુ મજુમદાર અને તેના સાથીઓએ સારી એવી ભૂમિકા ભજવી હતી.

- Advertisement -

આ બધી ટીકાઓથી ધૂઆંપૂઆં થયેલા CPI-Mના નેતૃત્વએ જાહેર કરી દીધું કે જે કોઈ પાર્ટીલાઇનથી વિપરીત જશે તેમને તગેડી મૂકવામાં આવશે. દરેક રાજ્યોની કમિટીઓને આદેશ આપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે પાર્ટીલાઈનથી જે આડાઅવળા થતા હોય તેમને સીધાદોર કરવામાં આવે.  

18થી 27 ઑગસ્ટ, 1967 દરમ્યાન મદુરાઇમાં સેન્ટ્રલ કમિટીની એક બેઠક મળી અને તેમાં ચારુ મજુમદાર જેવાઓને નામ લીધા વગર ‘ફ્રસ્ટ્રેટેડ ઈન્ડિવિડ્યુઅલ્સ’ (હતાશાના માર્યા કામ કરનારાઓ) ગણાવીને નક્સલબાડી લાઇનને ખોટી, અવ્યવસ્થા પેદા કરનારી અને માર્ક્સિસ્ટ અને લેનિનિસ્ટ વિરુદ્ધ જાહેર કરવામાં આવી. ઉપરાંત આ જ બેઠકમાં એવું સ્વીકારવામાં આવ્યું કે નક્સલબાડીમાં જે કોઈ ઘટનાક્રમો બન્યા તેને ચીનથી સીધું પ્રોત્સાહન અને સમર્થન મળતું હતું. સાથે CPI-Mએ જાહેર કર્યું કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી પણ તેમની વિચારધારાની જ પાર્ટી છે પણ ચીનની અને ભારતની સ્થિતિ અલગ છે અને માઓ ત્સે તુંગનું કથિત ક્રાંતિકારી અને હિંસક મોડેલ સીધું ભારતમાં લાગુ કરી શકાય તેમ નથી.

CPI-M નેતૃત્વ દ્વારા મજુમદાર જૂથને અલગ કરી દેવાનું એક કારણ એ પણ હતું કે જે-તે સમયે પાર્ટી સરકારમાં હતી. કાયદો-વ્યવસ્થા જાળવવાનું કામ સરકારનું હતું અને નક્સલબાડીની ઘટનાઓએ તેની સામે પડકાર ઊભો કરી દીધો હતો. જો લગામ લગાવવામાં ન આવે તો કેન્દ્ર સરકારનો હસ્તક્ષેપ થાય એની સંભાવનાઓ પ્રબળ હતી અને આ સંજોગોમાં સત્તા પરથી હાથ ધોવાનો વારો આવી શકે એમ હતો. એટલું જ નહીં પાર્ટીના અસ્તિત્વ પર પણ સવાલો ઊભા થયા. એટલે ‘એક જૂથ જ આવું છે અને અમે તો લોકતાંત્રિક રીતે જ લડી રહ્યા છીએ’ એવું સ્થાપિત કરવા માટે ઉપર કહ્યા એ બધા નિર્ણયો લેવાયા.

CPIMમાં બળવો અને નવી પાર્ટી માટેની કવાયત

આ તરફ ચારુ મજુમદાર અને તેમનું જૂથ પાર્ટી નેતૃત્વની સામું પડે એ નક્કી હતું. મજુમદારે જાહેર કરી દીધું કે સેન્ટ્રલ કમિટી ‘અમેરિકન ઇમ્પીરિયલિઝમ’ની, ભારત સરકારની ભાષા બોલતી થઈ ગઈ છે અને પાર્ટીનું સ્તર સદંતર ઘટાડી દીધું છે. CPI-M સેન્ટ્રલ કમિટીના નિર્ણયોને ‘માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ’ વિચારધારા વિરુદ્ધ ગણાવીને મજુમદારે કહ્યું કે આ સ્થિતિમાં તેમની પાસે આ નીતિઓ સામે યુદ્ધ શરૂ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

મજુમદારનો મત હતો કે માઓ ત્સે તુંગના વિચારો જ આજના (1967) સમયમાં પ્રાસંગિક છે અને દેશનો જો ઉદ્ધાર કરવો હોય તો માઓવાદ સિવાય અને ‘ક્રાંતિ’ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આવી ક્રાંતિ પહેલાં ગ્રામ્ય વિસ્તારોમાં બેઝ બનાવીને અને ત્યારબાદ તેનો વિસ્તાર શહેરી વિસ્તારો તરફ કરીને જ થઈ શકે અને તેના માટે ખેડૂતોને, ગ્રામ્ય વિસ્તારોના સ્થાનિકોની ‘લિબરેશન આર્મી’ બનાવવી જોઈએ, જેમને ગુરિલ્લા યુદ્ધ શીખવી શકાય.

નવેમ્બર 1967થી જ આ ઉગ્રવાદીઓએ એક નવી પાર્ટી બનાવવાનો વિચાર રમતો મૂક્યો. ત્યારબાદ એક ઓલ ઇન્ડિયા કૉ-ઓર્ડિનેશન કમિટી બનાવવામાં આવી, જેની એક બેઠક કલકત્તામાં મળી. અહીં બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે હવે CPI–M સાથે રહી શકાય તેમ નથી અને નક્સલબાડી જેવું આખા દેશમાં કરવું હશે તો નવી પાર્ટીનું ગઠન કરવું પડશે.

ઉગ્રવાદી વિચારધારા ધરાવનારાઓને એક છત્ર નીચે એકઠા કરીને ભારતમાં માઓવાદી વિચારધારા હેઠળ હિંસક ચળવળ ફરીથી કરવા માટેની પટકથા આ બેઠકમાં લખાઈ. છ મહિના પછી કૉ-ઓર્ડિનેશન કમિટી ફરી મળી અને નામ બદલીને ઓલ-ઇન્ડિયા-કૉઓર્ડિનેશન કમિટી ઑફ કમ્યુનિસ્ટ રિવોલ્યુશનરીઝ’ (AICCCR) રાખવામાં આવ્યું.

આ બેઠકમાં નક્કી થયું કે જેમને તેઓ શોષણકર્તા વર્ગ માનતા હતા તેને દૂર કરવામાં આવે. વૈચારિક રીતે જેઓ સામા પક્ષે છે તેમને ખતમ કરવામાં આવે. તેના માટે ગ્રામ્ય વિસ્તારોમાં બેઝ બનાવવામાં આવે, જેમાં વર્કિંગ ક્લાસને સામેલ કરવામાં આવે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી બેઝ આગળ વધારીને શહેરોનો ઘેરો કરવામાં આવે.

અહીં ચારુ મજુમદારે ફરી એક વખત ઘોષણા કરતાં કહ્યું કે ભારતમાં માઓવાદી વિચારધારાની મદદથી જે ક્રાંતિ આવી શકે. સાથે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, જેમાં ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી અને કારણ આપવામાં આવ્યું કે તેઓ સંસદીય માર્ગ અપનાવશે નહીં.

ઑક્ટોબર 1968માં AICCCRની ત્રીજી બેઠક મળી ત્યાં સુધીમાં દેશમાં નક્સલવાદ અન્ય રાજ્યોમાં પ્રસરવા માંડ્યો હતો. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં નક્સલબાડી જેવી હિંસક ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી અને ધીમેધીમે બેઝ પણ બનવા માંડ્યા હતા.

નવેમ્બર 1968માં આ દૂષણ કેરળ સુધી પહોંચ્યું અને અહીં પણ હુમલાઓ થવા માંડ્યા. કેરળમાં અમુક પોલીસ મથકો પર હુમલા થયા, જેમાં કર્મચારીઓનાં મોત પણ થયાં. ત્યારબાદ જમીનદારો પર પણ હુમલા શરૂ થયા. પરંતુ અહીંથી AICCCRમાં જ મતભેદો ઊભા થવા માંડ્યા.

આંધ્રપ્રદેશ યુનિટે કેરળના હુમલાઓની ટીકા કરી ત્યારબાદ AICCCRના ઉગ્રવાદીઓએ આંધ્ર યુનિટ સાથે છેડો ફાડી દીધો અને કારણ એ આપ્યું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે આંધ્ર યુનિટ વફાદાર રહ્યું નથી. કારણ કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ આ હુમલાઓની પ્રશંસા કરી હતી. ઉપરાંત બંને વચ્ચે ચૂંટણીઓનો બહિષ્કાર કરવા મુદ્દે પણ મતભેદ સર્જાવાના શરૂ થયા હતા. આખરે AICCCRએ આંધ્ર યુનિટને બહાર કરી દીધું.

બીજી તરફ ફેબ્રુઆરી 1969માં મળેલી આગલી બેઠકમાં નવી પાર્ટી બનાવવાની માંગ વધારે ઉઠવા માંડી. એક ડર એ પણ હતો કે આ રીતે મતભેદોના કારણે યુનિટ છૂટાં પડતાં જાય એ પહેલાં બધાને એક છત્ર નીચે લઈ આવવામાં આવે જેથી પાર્ટી શિસ્તતાના નામે નિયંત્રણમાં લાવી શકાય.

આ સમયગાળા દરમ્યાન ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનો ભારતમાં, ભારતના રાજકારણમાં હસ્તક્ષેપ કેટલી હદ સુધીનો હતો એ પણ આ ઘટનાક્રમો પરથી સમજી શકાય છે. CCPએ સતત ભારતના મજુમદાર જૂથ પર ભારતમાં ત્રીજી કમ્યુનિસ્ટ પાર્ટીની જરૂર છે એવો વિચાર થોપવાનો ચાલુ રાખ્યો. આ વાતની સાબિતી સ્વયં મજુમદારનાં લખાણો પરથી મળે છે. ‘વ્હાય મસ્ટ વી ફોર્મ ધ પાર્ટી નાઉ’માં મજુમદાર લખે છે કે, ‘આંતરરાષ્ટ્રીય નેતૃત્વ આપણને સમયાંતરે યાદ કરાવતું રહ્યું છે કે ભારતમાં ત્રીજી કમ્યુનિસ્ટ પાર્ટીની જરૂર હવે શા માટે ઊભી થઈ છે.’ આ આંતરરાષ્ટ્રીય નેતૃત્વ એટલે બીજું કોઈ નહીં, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી.

આ તરફ શ્રીલંકાની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોએ પણ આ વિચારને હવા આપવાનું કામ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે ભારતમાં જે રાજકીય અને આર્થિક પરિસ્થિતિ નિર્માણ પામી છે તેને જોતાં માર્ક્સિઝમ અને લેનિનિઝમ અને માઓ ત્સે તુંગના વિચારો પર આધારિત એક ‘રિવોલ્યુશનરી પાર્ટી’ની જરૂર ઊભી થઈ છે.

કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટની સ્થાપના

આખરે 22 એપ્રિલ, 1969ના દિવસે લેનિનની એકસોમી જન્મતિથિએ AICCCRએ ‘કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) સ્થાપવાની ઘોષણા કરી. માઓના જાણીતા વાક્યને આધાર બનાવવામાં આવ્યો– ‘ઇફ ધેર ઇઝ ટૂ બી રિવોલ્યુશન, ધેર મસ્ટ બી અ રિવોલ્યુશનરી પાર્ટી.’ (જો ક્રાંતિ કરવી હોય તો પહેલાં ક્રાંતિકારી પાર્ટીની જરૂર પડે છે.) આવી બધી ક્રાંતિની અને વધારે પડતી અતિશયોક્તિભરી વાતો સાથે ભારતમાં CPI-MLની સ્થાપના થઈ. રાધર સ્થાપનાની ઘોષણા થઈ.

પાર્ટીના કોર એજન્ડા શું હતા?

–ભારત એક સેમી-કોલોનિયલ (ઉપનિવેશવાદી વ્યવસ્થા, અંગ્રેજોના સમયમાં હતી એવી) અને સેમી-ફ્યુડલ (સામંતવાદ) દેશ છે અને ભારત સરકાર એ મોટા જમીનદારો અને કેપિટલિસ્ટોની સરકાર છે અને વિદેશી શક્તિઓથી (અમેરિકા-સોવિયેત) પ્રભાવિત છે.

–દેશમાં મૂળ સંઘર્ષ અને સમસ્યા સામંતવાદ અને ખેડૂતો, સમાજના નીચલા કામદાર વર્ગ વચ્ચે છે.

–ભારતમાં હાલ ક્રાંતિનો સમય છે અને તેના આધારમાં કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન છે.

–દેશમાં વિવિધ વર્ગો અને આર્થિક શક્તિઓ વચ્ચેનો ટકરાવ ચરમસીમાએ છે અને ક્રાંતિ માટેનો આ જ શ્રેષ્ઠ સમય છે.

–ખેડૂતો અને શ્રમિકોના ગઠબંધનના આધારે સમાન વિચારધારા ધરાવનારાઓનો એક સંયુક્ત મોરચો બનાવવાની જરૂર છે.

–સંઘર્ષ માટેનું મુખ્ય માધ્યમ હશે ગેરિલા યુદ્ધ.

પાર્ટી આગળ જે કંઈ કરશે તેના માટે હિંસાને જ આધાર બનાવશે એવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું. પાર્ટી ડોક્યુમેન્ટ કહે છે– 

‘આપણી પાર્ટીનું સૌથી પહેલું અને પ્રમુખ કાર્ય એ હશે કે ગ્રામીણ ક્ષેત્રોના જનસમૂહને જાગૃત કરવામાં આવે અને તેમને ગુરિલ્લા યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે, કૃષિગત ક્રાંતિને આગળ વધારવામાં આવે, ગ્રામીણ બેઝ સ્થાપિત કરવામાં આવે અને તેના માધ્યમથી શહેરને ઘેરીને તેમની ઉપર કબજો કરીને આખા દેશને મુક્ત કરવામાં આવે. એટલે ક્રાંતિના વર્તમાન તબક્કામાં આપણાં કાર્યનાં કેન્દ્ર ગામો જ હોવાં જોઈએ.’

1 મે, 1969ના દિવસે કલકત્તાની એક રેલીમાં કનુ સન્યાલે નવી CPI-ML પાર્ટીની સત્તાવાર ઘોષણા કરી અને માઓવાદી વિચારધારાના આધારે દેશમાં ક્રાંતિ લાવવાની વાતો કરી. આ જ રેલીમાં પછીથી નક્સલવાદીઓ અને યુનાઇટેડ ફ્રન્ટના સમર્થકો બાખડ્યા અને હિંસક સંઘર્ષના કારણે 200થી વધારે લોકોને ઈજા થઈ. આગળ શું-શું હિંસક ખેલ થવાના છે તેનું આ ટ્રેલર માત્ર હતું.

CPIMLમાં પણ મતભેદો

જોકે સ્થાપના સમયથી જ CPI-MLમાં પણ મતભેદો ઊભા થવા માંડ્યા હતા. અમુકે ગુરિલ્લા પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા તો અમુકના મત હતા કે પાર્ટીની રચના ઉતાવળમાં, સ્ટેટ કમિટીઓને પૂછ્યા વગર, તેમને સાંભળ્યા વગર કરવામાં આવી છે. આવા જોકે ઓછા હતા. જેમને ન ફાવ્યું એ છોડી ગયા. બીજી તરફ વૈશ્વિક સ્તરેથી અને ખાસ કરીને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ભારોભાર વખાણ થયાં. મૂળ CPI-MLની સ્થાપનાનાં બી CPCએ જ રોપ્યાં હતાં, એટલે આવી પ્રતિક્રિયા સ્વાભાવિક પણ હતી. યુકે, અલ્બેનિયા, શ્રીલંકા વગેરે દેશોની કમ્યુનિસ્ટ પાર્ટીઓએ પણ નિર્ણયનું સ્વાગત કર્યું.

ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ પ્રોપગેન્ડા સાહિત્યથી માંડીને ફન્ડિંગ સુધીની મદદ પૂરી પાડી

આ તરફ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી, જે તેમના માઈ-બાપ હતા, તરફથી પ્રોત્સાહન મળતાં ચારુ અને સન્યાલ જેવાઓ વધારે ફૂલ્યા. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીનાં ભરપૂર વખાણ કરતો, નક્સલબાડીની ઘટનાને ઐતિહાસિક અને ક્રાંતિકારી ગણાવતો સંદેશો પાઠવવામાં આવ્યો. સમર્થન બદલ માઓ અને CPCનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

પછીના સમયમાં CPI-MLએ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી ઉપરાંત ઑસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, ઈન્ડોનેશિયા, ક્યુબા, ઇટલી, નેપાળ અને પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) વગેરે દેશોમાં સક્રિય માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ પાર્ટીઓ સાથે સતત સંપર્કમાં રહેવાનું શરૂ કર્યું.

ચીની કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ભારતમાં સક્રિય CPI-MLને ત્યારપછી પણ મદદ આપવાની ચાલુ રહી. પ્રોપગેન્ડા સાહિત્યથી માંડીને વૈચારિક પ્રોત્સાહન-માર્ગદર્શન પણ સતત ચાલુ રહ્યું. નાણાકીય મદદ અને ફન્ડિંગ પણ પૂરતાં થતાં હતાં. ચીનીઓ ત્યારે અન્ડરગ્રાઉન્ડ થયેલા નાગા ફેડરલ ગવર્નમેન્ટના માણસો સાથે પણ સંપર્કમાં હતા અને તેમને નિયમિત હથિયારો પૂરાં પાડતા હતા. તેમના થકી CPI-MLને પણ હથિયારો અને નાણાકીય મદદ મોકલવામાં આવતાં રહ્યાં.

ગ્રેટ બ્રિટનની કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી પણ સતત નાણાકીય મદદ મોકલવામાં આવતી હતી. ઑક્ટોબર 1969માં પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ અલ્બેનિયા ગયું અને ત્યાંની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે બેઠકો કરી. ચીનીઓ CPI-ML સાથે વાતચીત કરવા માટે શ્રીલંકન કમ્યુનિસ્ટ પાર્ટીને પણ વચ્ચે રાખતા હતા. પૂર્વ પાકિસ્તાનની કમ્યુનિસ્ટ પાર્ટી પાસે પણ ચીનીઓએ ભારતની CPI-MLને સંદેશો મોકલાવ્યો કે તેમની ગુરિલ્લા વૉરફેર પદ્ધતિ તેમના (પૂર્વ પાકિસ્તાન) માટે ‘પ્રેરણાદાયી’ સાબિત થઈ છે. ટૂંકમાં ભારતમાં કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ ઇન્ટરનેશનલ કમ્યુનિસ્ટ મૂવમેન્ટની એક અંગ બની ગઈ.

(ક્રમશઃ)

ભાગ 1: નક્સલબાડીથી નક્સલવાદ: દાયકાઓ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સામે પડકાર બનેલા લાલ આતંકની શરૂઆત કઈ રીતે થઈ?

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં