નક્સલવાદ કહો, માઓવાદ કહો કે લાલ આતંક– પાંચ દાયકાથી દેશના એક મોટા હિસ્સાને બાનમાં લઈને અનેક રાજ્યોમાં અસ્થિરતા, અરાજકતા સર્જીને રાજ્યોના, દેશના વિકાસમાં બાધારૂપ બનતો આ ઉગ્રવાદ આખરે ખતમ થવાની અણીએ છે. એમ કહીએ કે ખતમ થઈ જ ગયો છે. નક્સલવાદને મૂળિયાંમાંથી ઉખાડી ફેંકવાની ગૃહ પ્રધાન અમિત શાહની 31 માર્ચ 2026ની ડેડલાઈન આ લખાઈ રહ્યું છે ત્યારે અમુક કલાકો જ નજીક છે. એક સમયે દેશના ચાળીસ ટકા ભાગ પર હાવી થઈ ગયેલો નક્સલવાદ આજે ખતમ થઈ ચૂક્યો છે. ટૂંક સમયમાં સરકાર સત્તાવાર રીતે આ બાબતનું એલાન કરશે અને આ દાયકા જૂની ઇન્સર્જન્સી પર અંતિમ ખીલો ઠોકશે.
દેશ માટે, સરકાર માટે આ એક મોટી ઉપલબ્ધિ કહેવાય. પણ ભૂતકાળમાં સરકારની અનેક ઉપલબ્ધિઓને સામાન્ય અને નજીવી સફળતામાં ખપાવીને આગળ વધી જનારી ટોળકી આ વખતે પણ આવા કંઈક ખેલ કરશે. પરંતુ એનાથી એ હકીકત બદલાઈ જતી નથી કે નક્સલવાદને ખતમ કરવો એ આ સરકારની, વર્તમાન શાસનવ્યવસ્થાની અને ખાસ કરીને ગૃહ પ્રધાન તરીકે અમિત શાહની શ્રેષ્ઠતમ ઉપલબ્ધિ સાબિત થશે.
આ કામ સરળ ન હતું, પણ કુનેહ, ધીરજ, સમયસરનું પ્લાનિંગ, દૃઢતા અને સાફ નિયતના કારણે શક્ય બન્યું. બાકી ભૂતકાળમાં એક સમય એવો હતો કે સરકારો રીતસરની સરેન્ડર મોડમાં આવી ગઈ હતી.
આ શુભ અવસરે એ ભૂતકાળને યાદ કરીએ. નક્સલવાદનો ઉદય કઈ રીતે થયો હતો, નક્સલવાદ ચરમસીમાએ હતો ત્યારે તેનું સ્વરૂપ કેવું હતું, કઈ રીતે દેશનાં અનેક રાજ્યો દાયકાઓ સુધી લાલ આતંકની ચપેટમાં રહ્યાં તેના કારણે સેંકડો જિલ્લાઓનો, હજારો ગામડાંઓનો વિકાસ રૂંધાયો અને છેલ્લા એક દાયકામાં કઈ રીતે તેનો ખાતમો થયો– આ બધું એક લેખમાં સમાવી લેવું શક્ય પણ નથી અને તેનાથી વિષયને ન્યાય પણ નહીં થાય. એટલે ક્રમશઃ જોઈએ. આ ભાગમાં નજર નક્સલવાદના ઉદય તરફ.
નક્સલબાડીથી શરૂ થયો લાલ આતંક
‘નક્સલવાદ’માં ‘નક્સલ’ શબ્દ પશ્ચિમ બંગાળના નક્સલબાડી પરથી આવ્યો છે. ઉત્તર બંગાળના દાર્જિલિંગ જિલ્લાના સિલીગુડી સબડિવિઝનનું નક્સલબાડી ગામ ભારતના નકશા પર બહુ અગત્યના કહી શકાય એવા સ્થાને આવ્યું છે. નેપાળ, બાંગ્લાદેશ (1971 પહેલાં પૂર્વ પાકિસ્તાન) અને ભારતની સરહદો જ્યાં મળે છે એવા સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ અને મહત્ત્વના ગણાતા આ વિસ્તારમાં જ આજે જેને નક્સલવાદ કહેવાય છે તેની શરૂઆત થઈ હતી અને એટલે જ તેને આ નામ પણ મળ્યું.
નક્સલબાડીમાં માર્ચ 1967થી મે 1967માં જે ઘટનાક્રમ બન્યો તેણે આ વામપંથી ઉગ્રવાદનો પાયો નાખ્યો. એક રીતે જુઓ તો આ કથિત ચળવળે બહુ ખાસ પરિણામો પણ નહતાં મેળવ્યાં, પણ અહીં જે ચિનગારી ઊડી તે આખા દેશમાં આગ લગાવવા માટે પૂરતી બની રહી.
શું બન્યું હતું?
3 માર્ચ 1967. દાર્જિલિંગના નક્સલબાડીમાં ત્રણ ખેડૂતો અને તેમની સાથે લગભગ દોઢસો કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના (CPI-M) માણસોએ પાર્ટીના ઝંડા સાથે લાઠી-દંડા, તીર-કામઠાં લઈને એક સ્થાનિક જમીનદાર પર હુમલો કરી દીધો અને તેના અનાજના વખારમાંથી ડાંગરનો આખેઆખો જથ્થો ઉપાડી લીધો.
ઘટના પાછળનાં કારણો સમજવા માટે ટૂંકમાં ઇતિહાસ જાણવો જરૂરી છે.
અંગ્રેજ શાસન સમયે જમીનદારી સિસ્ટમ અમલમાં હતી. જમીનદારો પાસે જમીનનો મોટો હિસ્સો રહેતો. ખેડૂતો આ જમીન ખેડતા અને તેના બદલામાં જમીનદારને પાકનો મોટો હિસ્સો આપવો પડતો. ખેડૂતો પાસે માલિકીહકો રહેતા ન હતા.
નક્સલબાડીમાં વસ્તીનો મોટો હિસ્સો ખેડૂતોનો હતો, જેઓ જમીનદારોની જમીન ખેડતા હતા. 1961ની વસ્તી ગણતરીના આંકડા જોઈએ તો લગભગ 57.7 ટકા વસ્તી એસસી/એસટી સમુદાયની હતી. સાંથલ, મુંડા, ઉરાંવ, રાજબંસી વગેરે સમુદાયોની અહીં સારી એવી વસ્તી છે, જેઓ મોટેભાગે જમીન ખેડવાનું કામ કરતા.
સ્વતંત્રતા પછી આ સિસ્ટમ હટાવવા માટે સરકાર કાયદાઓ લાવી પણ જમીન પર પ્રભાવ મર્યાદિત રહ્યો અને અમલીકરણ પૂરતું થઈ ન શક્યું. નેહરુ સરકારે ‘રિફૉર્મ’ માટે કાયદા બનાવ્યા, પણ કાયદા બનાવવા પૂરતા નથી, અમલીકરણ પણ જરૂરી છે. આ અમલીકરણ બરાબર થઈ ન શક્યું જેના કારણે સ્વતંત્રતા પછી પણ ગ્રાઉન્ડ પર સ્થિતિ ખાસ સુધરી નહીં અને ખેડૂતોમાં અસંતોષ ઉભો થવા માંડ્યો હતો.
માર્ક્સ-લેનિનના વિચારો પર ચાલતી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાને પોતાનો બેઝ બનાવવામાં, વિસ્તાર વધારવામાં અહીં તક દેખાઈ અને તેણે ઝડપી પણ લીધી. તેના માટે નક્સલબાડી વિસ્તાર બહુ ગણતરીપૂર્વક પસંદ કરવામાં આવ્યો હતો. નકશામાં તેનું સ્થાન ઉપર સમજાવ્યું. અહીં પહેલેથી જ જમીનદાર-ખેડૂતો વચ્ચે વિવાદ હતા જ ઉપરાંત સ્થાનિક સ્તરે પ્રશાસન-સરકારનો જોઈએ એટલો હસ્તક્ષેપ પણ ન હતો. નેપાળ અને ત્યાંથી ચીન નજીક પડે એમ હતું. ત્યારનું પૂર્વ પાકિસ્તાન અને અત્યારનું બાંગ્લાદેશ પણ નજીક હતું, એટલે આ જ વિસ્તારમાં તણખા ઝરે તો રાજ્ય-કેન્દ્ર માટે પણ કોઈ પણ ડગલું ભરતાં પહેલાં બે વખત વિચાર કરવો પડે એવી સ્થિતિ હતી.
જોકે માર્ચ 1967માં નક્સલબાડીમાં જે થયું એ પહેલી ઘટના ન હતી. આ પહેલાં પણ ખેડૂતોની આવી ચળવળો દેશના બીજા ભાગોમાં નાના-મોટા પાયે ચાલુ થઈ ચૂકી હતી.
1946ની ‘તિભાગા ચળવળ’ અને ચારુ મજુમદારની ભૂમિકા
1946માં બંગાળમાં જ ‘તિભાગા ચળવળ’ ચલાવવામાં આવી હતી, જેમાં માંગ એવી હતી કે ખેડૂતને તે જે પાક પકવે તેમાંથી એક મોટો હિસ્સો આપવામાં આવે. આ જ સમયગાળામાં તેલંગાણામાં મોટાપાયે ખેડૂતોએ બળવો પોકારી દીધો હતો. પણ આ બધી ચળવળોનો ઉદ્દેશ્ય એ હતો કે સરકારનું, સિસ્ટમનું જે કંઈ માળખું છે તેમાં રહીને સુધારા કરવામાં આવે. સરકારને સુધારા કરવા માટે ટેબલ પર લાવવામાં આવે. નક્સલબાડીમાં જે થયું તેનો ઈરાદો બીજો હતો. આ ચળવળ ‘પોલિટિકલ ઇન્સર્જન્સી’નો પાયો નાખવા માટે જ શરૂ કરવામાં આવી હતી.
કમ્યુનિસ્ટોએ, CPI-Mના નેતાઓએ ખેડૂતોમાં અને સ્થાનિકોમાં એવું ફેલાવવાનું શરૂ કર્યું હતું કે સિસ્ટમ તેમની સાથે ન્યાય કરી શકે તેમ નથી અને તેના માટે એક જ વિકલ્પ છે– હિંસક લડત. આર્મ્ડ સ્ટ્રગલ.
આ વિચાર પ્રસરાવવામાં ચારુ મજુમદારે મોટી ભૂમિકા ભજવી. આ નામ નક્સલવાદની ચર્ચા વખતે વારંવાર આવે છે. અહીં પણ આવતું રહેશે. 1918માં જન્મેલા ચારુ મજુમદારે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ)માં જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. 1946ની ‘તિભાગા મુવમેન્ટ’માં પણ મજુમદારે સારી એવી ભૂમિકા ભજવી હતી.
માઓવાદના જબરદસ્ત પ્રભાવ હેઠળ કામ કરતા મજુમદારે ચીનમાં માઓ-ત્સે-તુંગે જે મોડેલ અપનાવ્યું હતું એને ભારતમાં લાગુ કરવાનાં સપનાં જોવાનાં ચાલુ કર્યાં હતાં. કમ્યુનિઝમને આધાર બનાવીને તેનાથી બે ડગલાં આગળ વધી ગયેલી આ માઓવાદી વિચારધારા પ્રમાણે ‘ક્રાંતિ’ શહેરોમાંથી નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી શરૂ થાય છે અને તેનું મુખ્ય પરિબળ છે ખેડૂતો. ઉપરાંત સત્તા ચૂંટણીથી નહીં પણ હિંસક લડતથી જ હાંસલ થઈ શકે અને આ કામ એરિયા બાય એરિયા થાય, એકસાથે નહીં. ટૂંકમાં આ વિચારધારામાં ‘સુધારા’ને કોઈ જગ્યા ન હતી, એકમાત્ર સીધેસીધો ઉદ્દેશ્ય હતો– હિંસક લડત થકી સત્તા કબજે કરવી.
આ મોડેલ માઓવાદના રંગે રંગાયેલા કમ્યુનિસ્ટોએ ભારતમાં અપનાવવા માટે નક્સલબાડી જેવા વિસ્તારોને આધાર બનાવ્યા. તેના માટે ગામોને ટાર્ગેટ કર્યાં, અહીંના ખેડૂતોમાં સિસ્ટમ પ્રત્યે અસંતોષ હતો જ, બીજી તરફ સરકાર-સત્તાનું ધ્યાન ઓછું હતું. કમ્યુનિસ્ટો માટે સમય-સંજોગ બરાબરનાં હતાં. સ્થિતિ એવી હતી કે હિંસા ફાટવાની નક્કી હતી, પ્રશ્ન હવે એ ક્યારે થાય તેનો હતો. એ ઘટના આખરે 3 માર્ચ, 1967ના દિવસે બની ગઈ.
મજુમદારે નક્સલબાડીમાં બનેલી ઘટનાઓને દિશાનિર્દેશ આપવાનું કામ કર્યું. પોતાનાં લખાણો થકી એવો નરેટિવ સ્થાપિત કર્યો કે ખેડૂતો સિસ્ટમમાં રહીને ક્યારેય પોતાની સમસ્યાઓનું સમાધાન લાવી શકશે નહીં અને તેમણે સંઘર્ષ કરવો પડશે. હથિયારો ઉઠાવવાં પડશે અને સત્તા સામે પડવું પડશે. હિંસક માર્ગ અપનાવવો પડશે. એ રીતે નક્સલબાડી એક આઇડિયોલોજીકલ પ્રોજેક્ટને લૉન્ચ કરવાનું માધ્યમ અને સ્થળ બની ગયું. જેની સંભવતઃ હથિયાર ઉપાડનાર ખેડૂતોને ખબર પણ ન હતી.
કમ્યુનિસ્ટ સંગઠનોએ 1959 આસપાસથી જ ઉત્તર બંગાળના ભાગોમાં ખેડૂતોનું મોબિલાઇઝેશન શરૂ કરી દીધું હતું. તેનાથી સ્થાનિક સ્તરે નેટવર્ક બનવા માંડ્યું હતું. જોકે 1961-62માં થોડી પીછેહઠ કરવી પડી. કારણ કે 1962માં ચીન સાથે યુદ્ધ થયું અને અનેક નેતાઓની ધરપકડ થઈ હતી. પણ 1965 પછી ફરીથી કમ્યુનિસ્ટો, તેમની વિચારધારા હાવી થવા માંડ્યાં. મીટિંગ, પેમ્ફલેટ, સ્થાનિક સ્તરે મોબિલાઇઝેશન વગેરે ફરીથી શરૂ થયું. તથાકથિત ‘ક્રાંતિ’નો વિચાર ધીમેધીમે ખેડુતોના મનમાં, સ્થાનિકોના મનમાં રોપવામાં આવ્યો.
માર્ચ 1967માં હિંસાની શરૂઆત થઈ. ઉપર કહી એ એકમાત્ર ઘટના ન હતી. ત્યારપછી આવી ઘટનાઓ એક પછી એક બનવા માંડી. જમીનદારોની જમીનો બળપૂર્વક કબજે કરી લેવામાં આવી, પાક ઉપાડી લેવાયા અને ખેડૂતોમાં વહેંચી દેવાયા. હથિયારો એકઠાં કરવાનું શરૂ કરાયું. જે કોઈ આ ચળવળનો વિરોધ કરતું તેમને ટાર્ગેટ કરવાનું શરૂ કરવામાં આવ્યું.
સત્તાવાર રેકર્ડ પ્રમાણે માર્ચથી મે 1967 સુધીમાં હિંસાની 100થી વધુ ઘટનાઓ નોંધાઈ. પણ આટલી અને આનાથી અનેકગણી વધુ ઘટનાઓ ક્યારેય ચોપડે નોંધાઈ જ નહીં. પછી કમ્યુનિસ્ટ નેતાઓએ જ સ્વીકાર્યું હતું કે આ કથિત ચળવળ જમીન માટેની નહીં પણ સત્તા હાંસલ કરવા માટેની હતી.
સરકાર સ્તરે, પ્રશાસનિક સ્તરે પ્રતિક્રિયા આપવામાં વિલંબ
આ તબક્કામાં સરકારી પ્રતિક્રિયા પણ એક અલગ ચર્ચાનો અને સંશોધનનો વિષય છે. શરૂઆતમાં પ્રશાસનિક સ્તરે ચળવળ વિરુદ્ધ કાર્યવાહી પૂરતા પ્રમાણમાં ન થઈ. કારણ એવું આપવામાં આવ્યું કે તેનાથી પરિસ્થિતિ વધુ બગડી શકે એમ હતી. તેના સ્થાને વાટાઘાટો અને વાતચીત શરૂ કરવાનો પ્રયાસ થયો. ચારુ મજુમદાર, કનુ સન્યાલ જેવા તેના સાથીઓ સાથે વાતચીત કરવાની શરૂ કરવામાં આવી.
પછીથી આ જ પેટર્ન પર તમામ સરકારો કામ કરતી રહી. નક્સલી કમાન્ડરો, નેતાઓ સાથે સરકારો સતત ‘વાતચીત’ અને ‘વાટાઘાટો’ જ કરતી રહી. સરકારોની આ પીછેહઠ કરવાની નીતિઓનો લાભ લઈને નક્સલવાદીઓ વધારે ને વધારે હિંસક બનતા રહ્યા. આ સરકારે પહેલી વખત ‘આત્મસમર્પણ કરો કાં ખતમ થવા તૈયાર રહો’ની નીતિ પર કામ ચાલુ કર્યું અને એક દાયકામાં પરિણામો દેખાયાં.
જે-તે સમયે પણ એ જ થયું હતું. વાતચીતનો કોઈ ઉકેલ ન આવ્યો અને હિંસક ચળવળ ચાલુ રહી. પોલીસ પર હુમલા થતા રહ્યા, અનેક પોલીસ અધિકારીઓ અને જવાનો મૃત્યુ પામ્યા. અમુક કિસ્સાઓમાં પોલીસે વળતો જવાબ આપ્યો તેમાં સ્થાનિકો પણ હણાયા.
જુલાઈમાં બંગાળ સરકારે કાર્યવાહી શરૂ કરી
આખરે જુલાઈ 1967માં પશ્ચિમ બંગાળ સરકારે દબાણના કારણે કાર્યવાહી શરૂ કરવાની તૈયારી દર્શાવી. 700 લોકોની ધરપકડ કરવામાં આવી. 1500થી વધુ પોલીસકર્મીઓ ખડકી દેવાયા. તેનું પરિણામ પણ દેખાયું અને ટૂંક સમયમાં સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો. આ કામ પહેલાં પણ થઈ શક્યું હોત, પણ ન થયું.
આ હિંસક ચળવળ થોડા મહિનાઓ માટે જ ચાલી હતી પણ તેની અસરો પછીના અનેક દાયકાઓ સુધી જોવા મળી અને એ માત્ર નક્સલબાડી કે બંગાળ પૂરતી સીમિત ન રહીને અનેક રાજ્યો સુધી પ્રસરી.
આ જ ઘટનાક્રમોથી ભારતીય રાજકારણમાં એક નવો શબ્દ ઉમેરાયો– નક્સલવાદ. કમ્યુનિસ્ટોએ દેશના અન્ય ભાગોમાં પણ પછીથી આયોજનપૂર્વક આ હિંસક ચળવળ પ્રસરાવી. તેને બહારનાં માઓવાદી વર્તુળોનો પણ સહકાર મળ્યો. ટૂંકમાં નક્સલબાડીથી એક માળખું તૈયાર કરી દેવામાં આવ્યું. આ જ માળખાને આધાર બનાવીને લાલ આતંકની શરૂઆત કરવામાં આવી, જેણે દાયકાઓ સુધી ભારતની આંતરિક સુરક્ષા સામે એક મોટો પડકાર સર્જ્યો.
(વધુ આવતા અંકે)


