
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે (30 માર્ચ) લોકસભામાં કહ્યું કે છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં નક્સલવાદ હવે અંતિમ તબક્કામાં છે. તેમણે આ માટે સુરક્ષાદળોની કાર્યવાહી અને વિકાસ કાર્યોને મુખ્ય કારણ ગણાવ્યા.
બસ્તરમાં આવેલા પરિવર્તન રેખાંકિત કરતાં શાહે કહ્યું કે, “બસ્તરમાંથી રેડ ટેરરનો સાયો ખતમ થઈ ગયો છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે હિંસાને કોઈ ઔચિત્ય હોય શકે નહીં અને અન્યાયનું સમાધાન માત્ર બંધારણની ચાર દીવાલોમાં જ શક્ય છે. તેમણે કહ્યું કે વ્યવસ્થાને નકારીને હથિયાર ઉઠાવવાં ખોટું છે.
નક્સલવાદીઓને કડક ચેતવણી આપતાં તેમણે કહ્યું કે, “આ નરેન્દ્ર મોદીની સરકાર છે, જે કોઈ પણ હથિયાર ઉઠાવશે તેને બક્ષવામાં આવશે નહીં.”
અમિત શાહે આ પરિવર્તનનો શ્રેય સુરક્ષાદળોને આપ્યો અને કહ્યું કે CAPFના જવાનો, ખાસ કરીને કોબ્રા ફોર્સ, છત્તીસગઢ પોલીસ અને DRGના જવાનોએ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે હજારો જવાનો અને સુરક્ષાકર્મીઓના બલિદાનને દેશ કાયમ યાદ રાખશે.
શાહે કહ્યું કે નક્સલવાદના ખતમ થવામાં સામાન્ય લોકોની પણ મોટી ભૂમિકા રહી છે. તેમણે જણાવ્યું કે બસ્તરના દૂરના વિસ્તારોમાં વિકાસ કાર્યો ઝડપથી પહોંચ્યા છે- ગામડાઓમાં શાળાઓ બનાવવામાં આવી, રાશનની દુકાનો ખોલવામાં આવી, દરેક તાલુકા અને પંચાયતમાં હોસ્પિટલો બનાવવામાં આવી.
સાથે જ લોકોને આધાર કાર્ડ, રાશન કાર્ડ, મફત અનાજ અને ગેસ કનેક્શન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે, જેથી નક્સલવાદીઓનો પ્રભાવ નબળો પડ્યો છે.
વિરોધ પક્ષ અને નક્સલવાદના સમર્થકો પર નિશાન સાધતાં શાહે કહ્યું કે જે લોકો 1970થી નક્સલવાદનું સમર્થન કરી રહ્યા હતા, તેઓ તેને કેમ ખતમ ન કરી શક્યા. તેમણે સવાલ કર્યો કે શું તેઓ બંધારણને માને છે કે નહીં. અંતે તેમણે ચેતવણી આપતા એવું પણ કહ્યું કે, “વ્યવસ્થાને નકારીને હથિયાર ઉઠાવવાં હવે દેશમાં સહન નહીં કરવામાં આવે. તે સમય પૂરો થઈ ગયો છે.

