સોમવારે (23 માર્ચ) ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત છે તેવી અફવા ફેલાઈ ગયા બાદ અનેક શહેરોમાં લોકો એકસાથે ઇંધણ લેવા માટે નીકળી પડ્યા અને તેના કારણે પેટ્રોલ પંપ પર લાઇનો લાગવાની શરૂ થઈ ગઈ અને અવ્યવસ્થા સર્જાઈ. આખરે સ્થિતિ બગડતાં સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ચોખવટ કરી કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને ક્યાંય તકલીફ નહીં થાય, જેથી લોકો ગભરાઈને દોડાદોડ ન કરે. સ્થિતિ એ હદ સુધી થઈ ગઈ કે નાયબ મુખ્યમંત્રીએ કહેવું પડ્યું કે લોકો સોશિયલ મીડિયા પર અધૂરી માહિતી ન ફેલાવે અને અફવાઓથી દૂર રહે.
હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પણ સરકાર સ્તરેથી આવી સ્પષ્ટતા કરી ચૂક્યા છે. પેટ્રોલ પંપ ઑનર્સ એસોશિએશનના પ્રમુખથી માંડીને અન્ય અનેક એસોશિએશનના માણસો પણ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે અને જેવી અફવા ફેલાવવામાં આવી રહી છે એવી સ્થિતિ નથી. શહેરોની પોલીસે પણ પછીથી મામલો હાથ પર લેવો પડ્યો અને પેટ્રોલ પંપે જઈને લોકોને સમજાવીને પાછા વાળવા પાડ્યા.
फेडरेशन ऑफ गुजरात पेट्रोलियम डीलर्स एसोसिएशन (FGPDA) के अध्यक्ष, अरविंद ठक्कर ने स्पष्ट किया है कि देशभर में ईंधन की उपलब्धता पूरी तरह सामान्य है और आपूर्ति लगातार स्थिर बनी हुई है। उन्होंने कहा कि किसी भी प्रकार की कमी की कोई स्थिति नहीं है। https://t.co/O2Yz8Cd29c
— Bharat Petroleum (@BPCLimited) March 23, 2026
તો વાસ્તવમાં શું બન્યું હતું અને કાયમ આવી સ્થિતિમાં બેજવાબદારીપૂર્વકનું વર્તન કરતા ગુજરાતના મીડિયાએ શું ભૂમિકા ભજવી હતી– એ સમજીએ.
એસોશિએશન અને સરકાર એકસૂરે કહી રહ્યાં છે કે હાલની સ્થિતિએ રાજ્યમાં ઈંધણની અછત નથી અને પુરવઠો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. ખરેખર સમસ્યા પુરવઠાની હતી જ નહીં પણ ફ્યુલ સપ્લાય ચેઇનમાં અને પેમેન્ટ સિસ્ટમમાં અમુક ફેરફારો થવાના કારણે અને અમુક લોજિસ્ટિક સમસ્યાઓના કારણે અમુક ઠેકાણે ઈંધણ પહોંચવામાં વિલંબ થયો હતો.
અત્યાર સુધી સામાન્ય સ્થિતિમાં પેટ્રોલ પંપ સંચાલકોને ક્રેડિટ સિસ્ટમ પર ઇંધણ મળતું હતું. એટલે તેઓ પહેલાં ઇંધણ ખરીદતા અને સાંજ સુધીમાં અથવા અમુક નિયત સમયમર્યાદામાં ચૂકવણી કરતા હતા. યુદ્ધની સ્થિતિના કારણે અને ક્રૂડ ઓઇલ સપ્લાયમાં વૈશ્વિક સ્તરે જે અવ્યવસ્થા સર્જાઈ છે તેના કારણે સાવચેતીના ભાગરૂપે ઓઇલ કંપનીઓએ તાજેતરમાં એડવાન્સ્ડ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી. એટલે પહેલાં પૈસા, પછી ઇંધણ.
તાજેતરમાં શુક્રવારે (20 માર્ચ) દરેક ઠેકાણે રાબેતા મુજબ સ્ટૉક પહોંચ્યો હતો. ત્યારબાદ શનિ અને રવિવાર વિક-એન્ડ આવ્યા અને શનિવારે ખાસ તો ઈદ હતી. જેથી સામાન્ય કરતાં ધસારો થોડો વધારે હતો. આ જ દિવસોમાં છૂટોછવાયો ગણગણાટ પણ શરૂ થઈ ગયો હતો કે LPG બાદ પેટ્રોલ-ડીઝલને લઈને સમસ્યાઓ આવી શકે છે. સ્થિતિ આવી ન હતી, સરકાર વારંવાર ચોખવટ કરી રહી હતી પણ તેમ છતાં આવી વાતો વહેતી થઈ એટલે લોકો આગળથી પેટ્રોલ ખરીદવા માંડ્યા. પરિણામે આ શનિ-રવિમાં એ પણ એક ફેક્ટર પણ થોડુંઘણું કામ કરી ગયું અને સામાન્ય કરતાં ઈંધણનું વેચાણ થોડું વધ્યું.
બીજી તરફ શુક્રવારે સાંજે કંપનીઓએ જણાવી દીધું કે ડીલરોએ સ્ટૉક મેળવવા માટે એડવાન્સ્ડ પેમેન્ટ કરવું પડશે. જેથી અગાઉથી જે જથ્થો મોકલવામાં આવતો હતો (ક્રેડિટ સિસ્ટમ વખતે) તે મોકલવામાં આવ્યો નહીં. શનિ અને રવિમાં જે પંપ સંચાલકોનું એડવાન્ડ્સ પેમેન્ટ ન થઈ શક્યું તેમને સોમવારે સવારે સ્ટૉક મળી શક્યો નહીં. એટલે ઘણા બધાં ઠેકાણે ઈંધણ પહોંચી શક્યું નહીં.
એક તરફ આમેય સામાન્ય કરતાં ધસારો વધુ હતો એટલે ઇંધણ પૂરતું વેચાયું. જે પંપ દોઢ-બે દિવસમાં વેચાણ કરતા હતા એટલું ઇંધણ એક જ દિવસમાં વેચાઈ ગયું. બીજી તરફ પેમેન્ટ સિસ્ટમના કારણે અગાઉથી જે પુરવઠો મળી જતો હતો એ મળ્યો નહીં અને પહેલાં પેમેન્ટની વ્યવસ્થા લાગુ થઈ. આ બધાના કારણે અમુક કલાકો સુધી પંપ પર થોડી અવ્યવસ્થા સર્જાઈ.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાત કરતાં ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશનના પ્રમુખ મેહુલ પટેલે આ જ સ્થિતિ સમજાવી છે. તેઓ જણાવે છે કે અગાઉ ડીલરોને પહેલાં ઈંધણ મળી જતું હતું અને પછી ચૂકવણી થતી હતી. હવે પેમેન્ટ પહેલાં કરવું પડે છે. આ શિફ્ટના કારણે સપ્લાયમાં વિલંબ થયો હતો, પણ સ્થિતિ હવે સામાન્ય છે અને પેનિક થવાની કોઈ જરૂર નથી.
સમજવાની વાત એટલી છે કે સોમવારે સવારે અમુક પેટ્રોલ પંપ થોડા કલાકો માટે બંધ પડ્યા તેનું કારણ ઇંધણની અછત ન હતી પણ આ લોજિસ્ટિક કારણો હતાં, પેમેન્ટ સિસ્ટમમાં આવેલો બદલાવ હતો. તેના કારણે અમુક કલાકો સુધી પુરવઠો પહોંચવામાં વિલંબ થયો હતો. પછીથી જેવો પુરવઠો પહોંચ્યો કે ધીમેધીમે સ્થિતિ સામાન્ય થવા માંડી. એક સામાન્ય બાબત એ પણ છે કે જો ખરેખર અનેક પંપ પર પેટ્રોલ-ડીઝલની અછત હોત તો ગઈકાલથી ગુજરાતની પ્રજા એક જ દિવસમાં આટલું પેટ્રોલ પી ગઈ છે અને ઠેકઠેકાણે લાઈનો લગાવવા માંડી હતી એ ઈંધણ ક્યાંથી આવ્યું?
મીડિયાએ કઈ રીતે અફવા ફેલાવવામાં ભૂમિકા ભજવી?
મીડિયાનું કામ આમ તો જે સ્થિતિ હોય એ દેખાડવાનું છે, પણ આવી પરિસ્થિતિઓ આવે ત્યારે કેમેરા લઈને પંપ પર દોડી જઈને તેના ફોટા માત્ર ફરતા કરી દેવાના ન હોય, કારણ કે તેનાથી અફવા ફેલાવાનો, અધૂરી માહિતી ફેલાવાનો ભય રહે છે. (ને છેલ્લે એ જ થયું!) પરંતુ એ જાણવાનું પણ હોય કે આ ઘટનાક્રમો પાછળ, પરિસ્થિતિ પાછળ ખરેખર કારણ શું છે. મોટાભાગનાએ આ પ્રયાસો કર્યા નહીં અને ચેનલોએ માત્ર ‘બધે પેટ્રોલની અછત’ હોવાનું જ ચલાવ્યું.

આ માહિતી સોશિયલ મીડિયા અને મીડિયામાં ફેલાઈ ગઈ, પરિણામે લોકો અગાઉથી વ્યવસ્થા કરવા માટે પેટ્રોલ પંપે એકઠા થવા માંડ્યા, લાંબી-લાંબી લાઇનો લાગવા માંડી અને અવ્યવસ્થા સર્જાઈ ગઈ.
આમાં પછીથી ઇન્સ્ટાગ્રામ પેજ જોડાયાં, જેમણે પેટ્રોલ પંપ પર જઈ-જઈને વિડીયો બનાવવાના અને ફેરવવાના ચાલુ કર્યા, એટલે સ્થિતિ વધારે વણસી.
Listing some other Instagram pages and screenshots of their posts that fueled the rumor about a petrol and diesel shortage.
— Bhavesh Lodha (@bhav2406) March 24, 2026
Check the thread below 👇 https://t.co/vE0ti8o5Fc
જે મીડિયાએ શરૂઆતમાં અધૂરી માહિતી ફેલાવી હતી એ પછી આ લાઈનો લાગી એનું કવરેજ કરવા માંડ્યું, જેના પરિણામે સ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ બગડી. વક્રતા એ છે કે પછી જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી તો આ જ ચેનલો અને પત્રકારોએ 180 ડિગ્રીનો વળાંક લઈ લીધો અને લોકોને અફવા ન ફેલાવવાની અપીલ કરવાની ચાલુ કરી!

સાચી માહિતી શોધી લાવવામાં મહેનત પડે છે, તેના કરતાં ‘કયા શહેરમાં કેટલા પેટ્રોલ પંપ બંધ છે’ એવા સવાલો કરીને લોકોમાં પેનિક ફેલાવવાનું કામ સરળ હતું, એટલે આપણા અમુક પત્રકારોએ આ સરળ રસ્તો પસંદ કર્યો, પણ એ વિચાર ન કર્યો કે આવી પોસ્ટોથી અસર શું અને કેવી થશે.

અમુક ચેનલો પેટ્રોલ પંપ સંચાલકો સુધી પહોંચી પણ ખરી, પણ તેમણે સાચું કારણ સમજાવ્યું હોવા છતાં હેડલાઈનો ભ્રામક અને ભડકાઉ લખવામાં આવી.
''અમને લોડ મળ્યો નથી'', હવે ગુજરાતના પેટ્રોલ પંપો સુધી મિડલ યુદ્ધની અસર! #FuelCrisis #PetrolPump #MiddleEastCrisis #GujaratNews #BreakingNews #PetrolDiesel #EnergyCrisis #IndiaNews #OilSupply #PublicIssue #Reels #Shorts #VTVDigital pic.twitter.com/NvQXWMzHUY
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 23, 2026
અહીં VTV સાથેની વાતચીતમાં પેટ્રોલ પંપ સંચાલક વ્યવસ્થિતપણે સમજાવે છે કે શુક્ર-શનિની રજામાં નવી પેમેન્ટ સિસ્ટમ આવી અને અમુક લોજિસ્ટિક કારણોસર પુરવઠો પહોંચવામાં વિલંબ થયો હતો, એટલે સોમવારે જથ્થો ખૂટી પડ્યો પણ હવે ટેન્કર પહોંચ્યાં છે અને પરત આવે એટલે વેચાણ શરૂ થઈ જશે. ઉપરાંત અડધો કલાક પહેલાં જ જથ્થો ખૂટ્યો હોવાનું પણ તેઓ કહે છે. છતાં VTVએ હેડલાઇનમાં લખ્યું– ‘પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો!’
ઝી24 કલાકે બરાબર આ જ સમયે એક સમાચાર પ્રકાશિત કર્યા અને પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો થઈ રહ્યો છે એવી હેડલાઇન લખી. ક્લિકબેટ હેડલાઇન લખવાની કુટેવ ધરાવતા આ મીડિયા હાઉસે લખ્યું કે ‘એક રાજ્યમાં આ ભાવવધારો થયો છે.’ આ રાજ્ય ખરેખર હિમાચલ પ્રદેશ છે, જે કોંગ્રેસશાસિત છે. હેડલાઇનમાં નામ લખવામાં આવ્યું ન હોવાના કારણે ઘણા લોકોને ગેરસમજ થઈ અને એ કૉમેન્ટ પરથી જાણી શકાય એમ છે.


શું પીએમ મોદીના સંબોધનના કારણે લોકો પેટ્રોલ પંપે દોડ્યા?
આ બધાની વચ્ચે સોમવારે (23 માર્ચ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું લોકસભામાં એક સંબોધન હતું. પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને લઈને ભારતમાં શું સ્થિતિ સર્જાઈ છે અને સરકાર શું પગલાં લઈ રહી છે તેની ઉપર તેમણે લગભગ 25 મિનિટ સંબોધન કર્યું હતું અને અનેક અગત્યની જાણકારી આપી હતી.
મીડિયાએ ફેલાવેલું રાયતું સમેટવા માટે પછીથી દોષ નરેન્દ્ર મોદી પર નાખી દેવાયો અને ચલાવવામાં આવ્યું કે તેમના ભાષણના કારણે લોકો પેનિક થઈને પેટ્રોલ પંપે દોડી રહ્યા છે. હકીકતે વડા પ્રધાને સંબોધનમાં એવું કશું જ કહ્યું ન હતું જેનાથી ભય ફેલાય, ઉપરથી તેમણે લોકોને આશ્વાસન આપ્યું હતું. એ પણ એક હકીકત છે કે લાઈનો મોદીના ભાષણ પહેલાં જ લાગવાની શરૂ થઈ ગઈ હતી.
ગુજરાતી મીડિયાની આવી બાલિશ હરકતો કોરોના મહામારી સમયે પણ જોવા મળી હતી, જ્યારે દરેક સ્થિતિને અતિશયોક્તિ કરીને, અધૂરી માહિતી સાથે, ભડકાઉ હેડલાઈનો સાથે રજૂ કરવામાં આવી હતી. હવે આવું તાજા કિસ્સામાં પણ થયું.
અમુક સ્વઘોષિત પત્રકારો પોતાની જમાતના બચાવમાં કહે છે કે મીડિયાએ તો જે હતું એ જ દેખાડ્યું છે, પણ મીડિયાનું કામ માત્ર એટલું જ નથી. અગાઉ કહ્યું એમ જે-તે સ્થિતિ પાછળનાં કારણો શું છે એ શોધવાનું પણ છે. માત્ર મોબાઇલ કાઢીને, કેમેરો ખોલીને ફોટા ફરતા કરી દેવાનું કામ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ કરી શકે છે, તો લોકો મીડિયા પાસે માહિતી મેળવવા કેમ આવે છે? આ પ્રશ્નનો જવાબ આ જમાત નહીં શોધી કાઢે ત્યાં સુધી આ સમસ્યા ચાલુ રહેવાની!


