
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સંબંધિત અફવાઓ ફેલાતાં મોટાં શહેરોના અનેક પેટ્રોલ પંપ પર લાઇનો લાગવાની શરૂ થઈ ગઈ હતી, જેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થિતિ સ્પષ્ટ કરી છે.
ડેપ્યુટી સીએમએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજ્ય પાસે પેટ્રોલ-ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને અફવાઓમાં આવીને લોકો ભાગદોડ ન કરે અને અધૂરી માહિતી ધરાવતી જાણકારીઓ સોશિયલ મીડિયા પર ન ફેલાવે. આવા તત્ત્વો પર કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી પણ તેમણે આપી છે.
DyCM Harshbhai Sanghavi : પેટ્રોલ પંપ પર લાઇન લગાવવાની જરૂર નથી આપણી પાસે પુરતો જથ્થો છે: હર્ષ સંઘવી
— Gujarat First (@GujaratFirst) March 23, 2026
ખોટી અફવા ફેલાવશો તો કાર્યવાહી થશે
પેટ્રોલ-ડિઝલને લઇ હર્ષભાઇ સંઘવીનું મોટું નિવેદન
અફવા ફેલાવનારાઓને DYCM હર્ષભાઇની ચેતવણી
ખોટી અફવા ફેલાવશો તો કાર્યવાહી થશે: હર્ષભાઇ
આપણી પાસે… pic.twitter.com/mNFwjPaJax
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, “રાજ્યના તમામ નાગરિકોને વિનંતી છે કે પેટ્રોલ-ડીઝલને લઈને અફવાઓમાં ન આવે અને ભાગદોડ ન કરે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પુરવઠા સંબંધિત નિરીક્ષણ દૈનિક ધોરણે થઈ રહ્યું છે અને રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ પહોંચી વળે તે માટે પૂરતી તૈયારી છે.”
તેમણે ઉમેર્યું કે, “મારી બે હાથ જોડીને નાગરિકોને વિનંતી છે કે અફવાઓ ન ફેલાવે, વોટ્સએપ પર અધુરી માહિતીવાળા મેસેજો ફોરવર્ડ ન કરીએ અને સોશિયલ મીડિયા પર સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણો અને સાથે લોકોનો પણ સમય ન વેડફીએ.”
સાથે તેમણે ચેતવણી આપી હતી કે અધૂરી માહિતી ફેલાવનારા લોકો વિરુદ્ધ સરકાર કડક પગલાં લેવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “પેટ્રોલ-ડીઝલ બાબતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધા જ પેટ્રોલ પંપ પર પુરવઠો પૂરતો પહોંચી વળે એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી પોતે દર બે દિવસે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પણ સતત રાજ્ય સાથે સંપર્કમાં છે.”

