પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની જાહેરાત થયા પછી એક તરફ ભાજપ બંગાળની અરાજકતા અને વિકાસનો મુદ્દો આગળ કરી રહી છે તો સામેથી TMC હવે રેસિસ્ટ ટિપ્પણીઓ અને પ્રાંતવાદ પર ઉતરી આવી છે. તાજેતરમાં જ TMC સાંસદ મહુઆ મોઈત્રાએ સમગ્ર ગુજરાતી સમુદાયને ટાર્ગેટ કરીને વિવાદિત ટિપ્પણી કરી છે અને સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતના યોગદાનને લઈને સવાલો ઉઠાવ્યા છે. મહુઆએ આ નિવેદન ગૃહમંત્રી અમિત શાહના બંગાળ પ્રવાસ બાદ આપ્યું છે.
એક પ્રેસ કૉન્ફરન્સમાં બંગાળની પ્રશંસા કરતા તેમણે બંગાળીઓને ‘ગર્વિત કોમ’ ગણાવી હતી અને ગુજરાત અને ગુજરાતીઓને કારણ વગર ટાર્ગેટ કર્યા હતા. મોઈત્રાએ કહ્યું હતું કે, “અમે બંગાળીઓએ અંગ્રેજો સામે સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું, પંજાબીઓ પણ આગળ આવ્યા હતા. પણ ત્યારે ગુજરાતીઓ ક્યાં હતા? આગળ તેમણે એવો પણ દાવો કર્યો કે કાળાપાણીમાં વીરગતિ પામેલા અને કેદ થયેલા લોકોમાં 68% બંગાળી હતા અને ત્યારબાદ પંજાબી હતા.
#WATCH | Kolkata | TMC MP Mahua Moitra says, "Bengalis are a very proud race. We led the war for independence against the British. Who were the Gujaratis?… 68% of the names of the people who were killed and incarcerated in Kala Pani were Bengalis, followed by Punjabis. Can you… pic.twitter.com/w61O2KpSQX
— ANI (@ANI) March 28, 2026
મહુઆએ પડકાર ફેંકતાં પૂછ્યું હતું કે, “શું તમે મને ત્યાં હાજર રહેલા કોઈ એક ગુજરાતીનું નામ આપી શકો?” આગળ વીર સાવરકરનું અપમાન કરીને તેમને ‘ગુજરાતી’ ગણાવી દીધા હતા અને બાદમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થવું પડ્યું હતું. મહુઆની આ ટિપ્પણીમાં કારણ વગર ગુજરાતને ઢસડવામાં આવ્યું છે. બંગાળી અસ્મિતાની પ્રશંસા કરવી જોઈએ, પણ બીજા રાજ્ય અને તેના આખા સમુદાયને ટાર્ગેટ કરીને પોતાના રાજ્યની પ્રશંસા કેટલી યોગ્ય– એવો પ્રશ્ન થઈ રહ્યો છે.
મહુઆનું આ નિવેદન માત્ર એક રાજકીય ટિપ્પણી નથી, પરંતુ તે ઊંડા સ્તરે પ્રાંતવાદ, પ્રાદેશિક શ્રેષ્ઠતા અને વિભાજનકારી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. સવાલ એ છે કે કોઈ બંધારણના પદ પર હોવા છતાં આવી રાષ્ટ્રીય અખંડિતતાને તોડતી ટિપ્પણી કઈ રીતે કરી શકે, જેનાથી રાજ્ય-રાજ્ય વચ્ચે અને તેના લોકો વચ્ચે પરસ્પર દ્વેષ ઉદભવે.
ચૂંટણી પહેલાં ‘મુદ્દાઓ’ની અછત અને પ્રાંતવાદનો આધાર
પશ્ચિમ બંગાળમાં જેમ-જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ-તેમ સત્તારૂઢ TMCના બધા નેતાઓના નિવેદનોનું સ્તર નીચે જઈ રહ્યું છે. આ કોઈ નવી પેટર્ન નથી. પરંતુ આ વખતે જે સામે આવ્યું છે તે એક અલગ દિશા તરફ ઇશારો કરે છે. જ્યારે વિકાસ, કાયદો-વ્યવસ્થા, ઉદ્યોગ, રોજગાર જેવા મુદ્દાઓ પર જવાબ આપવો મુશ્કેલ બની જાય છે ત્યારે રાજકારણ ઓળખ તરફ વળી જાય છે અને અહીં એ જ થતું દેખાઈ રહ્યું છે.
મમતા બેનર્જી અને તેમની પાર્ટી TMC લાંબા સમયથી ‘બંગાળી વિરુદ્ધ બહારી’નો નેરેટિવ ઊભો કરતા આવ્યાં છે. ક્યારેક ‘બહારી’ શબ્દ દ્વારા તો ક્યારેક સીધા-સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ‘બહારના’ ગણાવીને મમતાએ અગાઉ પણ ઘણી વખત પ્રાંતવાદનો સહારો લીધો છે અને એ જ રાહ પર હવે મોઈત્રા પણ ચાલી રહ્યાં છે. મહુઆ મોઈત્રાનું આ નિવેદન એ જ નેરેટિવની એક વધુ કડી છે, જ્યાં હવે ‘બંગાળી વિરુદ્ધ ગુજરાતી’ની રેખા ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત કેમ બને છે ‘સોફ્ટ ટાર્ગેટ’?
આ સવાલ મહત્વનો છે કે વારંવાર આ ઇકોસિસ્ટમના ટાર્ગેટ પર ગુજરાત જ કેમ આવી જાય છે?
પહેલું કારણ સ્પષ્ટ છે કે ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય છે અને એક વધુ કારણ એ પણ છે કે ગુજરાત સતત વિકાસની દિશા તરફ આગળ વધી રહ્યું છે. મોદી સામેનો દ્વેષ આ ઇકોસિસ્ટમને ‘ગુજરાત સામેના દ્વેષ’ સુધી લઈ આવે છે અને ઘણી વખત તો મોદીદ્વેષ આ લોકોને ભારતદ્વેષ સુધી પણ લઈ જાય છે.
ગુજરાત ટાર્ગેટ પર રહે એનું બીજું કારણ વધુ રસપ્રદ છે– ગુજરાતી સમુદાયની પ્રકૃતિ. ગુજરાતના લોકો સામાન્ય રીતે આવા વિવાદોમાં પડવાને બદલે વેપાર, ઉદ્યોગ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ જ કારણે તે એક ‘સોફ્ટ ટાર્ગેટ’ બની જાય છે, જ્યાં પ્રતિક્રિયા ઓછી આવે છે, પરંતુ રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી શકાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવે.
આ આખા વિવાદનું સૌથી મહત્વનું અને વિરોધાભાસી પાસું એ છે કે યુસુફ પઠાણ આ ઘટનાને લઈને મૌન છે. તે પોતે ગુજરાતી છે અને જ્યારે તેમની જ પાર્ટીનાં બીજી એક મહિલા સાંસદ જાહેરમાં ગુજરાતીઓ પર સવાલ ઉઠાવે ત્યારે તેમનું મૌન અનેક સવાલો ઊભા કરે છે. આ જ યુસુફ પઠાણને ગુજરાતે ઓળખ આપી છે, ગુજરાતમાં તેનું પૈતૃક ગામ, ઘર બધું જ છે. છતાં આજે તેઓ ગુજરાતના અપમાન પર એક શબ્દ બોલ્યા નથી.
ઇતિહાસને ‘પ્રાદેશિક સ્પર્ધા’માં બદલવાનો પ્રયાસ
મહુઆ મોઈત્રાનું નિવેદન માત્ર વર્તમાન રાજકારણ સુધી મર્યાદિત નથી, તે ઇતિહાસને પણ એક જોખમી દિશામાં વાળવાનો પ્રયાસ છે. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ કોઈ એક રાજ્ય, ભાષા કે સમુદાયનો નહોતો. તે એક રાષ્ટ્રીય આંદોલન હતું, જેમાં દરેક ભાષાના, દરેક ક્ષેત્રના અને દરેક જાતિના લોકોએ યોગદાન આપ્યું હતું. પોતપોતાનાં ક્ષેત્રમાં બધા જ યોગદાન આપી રહ્યા હતા. એ સ્વીકાર્ય છે કે સૌથી વધુ ક્રાંતિકારીઓ અવિભાજિત બંગાળમાંથી નીકળ્યા છે પણ તેનાં પણ ચોક્કસ કારણો છે.
કેટલાંક કારણોની ચર્ચા કરીએ તો બંગાળ અંગ્રેજી શાસનનું શરૂઆતી કેન્દ્ર રહ્યું હતું. તે બ્રિટિશ શાસનનું પહેલું કેન્દ્ર હતું. કોલકાતા લાંબા સમયથી બ્રિટિશ ભારતની રાજધાની રહી હતી અને તેના કારણે શોષણ, કર નીતિઓ અને પ્રશાસનિક દબાણ પણ સૌથી વધુ અહીં જ અનુભવાયું હતું. વધુમાં તે સમયે બંગાળ શિક્ષિત રાજ્ય હતું અને તેના કારણે અનેક મહાપુરુષો અને ક્રાંતિવિરોએ તેનું સિંચન કર્યું હતું.
આ બધા કારણો છતાં દેશના અન્ય ભાગોમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલી જ રહી હતી. પરંતુ માત્ર ગુજરાતને ટાર્ગેટ કરીને પૂછવું કે ‘ગુજરાતીઓ ક્યાં હતા?’ તે કોઈ સવાલ નથી પણ ગુજરાતને અપમાનિત કરી રાજકીય લાભ લેવા માટેનું એક સાધન છે. આજે ભારતના અલગ-અલગ રાજ્યોની તુલના માત્ર રાજકારણથી નહીં, પરંતુ તેમના વિકાસ મોડલથી પણ થાય છે.
ગુજરાતને હંમેશાથી ઉદ્યોગ, માળખાકીય સુવિધાઓ અને આર્થિક વિકાસના ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, જે એક સમયે ભારતનું ઔદ્યોગિક કેન્દ્ર હતું, આજે અનેક ક્ષેત્રોમાં પાછળ રહી ગયું છે. એ વાત અતિશયોક્તિ નહીં ગણાય કે જ્યાં એક તરફ ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે ત્યાં બંગાળમાં TMCના કારણે અનેક વખત ઓળખ અને અરાજકતાનું રાજકારણ હાવી રહ્યું છે અને તેના કારણે બંગાળની અસ્મિતા પણ ધૂંધળાઈ ગઈ છે અને જ્યારે વિકાસના આંકડા સાથ ન આપે ત્યારે વંશીય કે નફરતભરી ટિપ્પણીઓ એક સરળ રસ્તો બની જાય છે.
ગુજરાત મોડલ વિરુદ્ધ બંગાળની વાસ્તવિકતા: અસહજતા ક્યાં છે?
જ્યારે કોઈ રાજ્યને વારંવાર નિશાન બનાવવામાં આવે છે ત્યારે તેની પાછળ કોઈ ઊંડી અસહજતા હોય છે. ગુજરાતનું નામ આવતાં જ ‘મોડલ’ શબ્દ આપોઆપ જોડાઈ જાય છે— ઉદ્યોગ, રોકાણ, રસ્તાઓ, વીજળી અને વહીવટી સ્થિરતા. આ એ જ રાજ્ય છે જેણે છેલ્લા બે દાયકામાં આર્થિક અને ઔદ્યોગિક માળખાને મજબૂત કર્યું અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કર્યું.
બીજી તરફ, પશ્ચિમ બંગાળનો ઇતિહાસ જેટલો ગૌરવશાળી રહ્યો, વર્તમાન એટલું જ જટિલ અને પડકારજનક દેખાય છે. એક સમયે જે રાજ્યને ભારતનું ઔદ્યોગિક હૃદય માનવામાં આવતું હતું, આજે તે રોકાણનાં પલાયન, રાજકીય હિંસા અને વહીવટી અનિશ્ચિતતા જેવા મુદ્દાઓથી ઝઝૂમતું દેખાય છે અને તેનું કારણ પણ TMC અને તેની કઢંગી નીતિઓ છે. અગાઉ પણ મમતા બેનર્જીના કારણે જ ટાટાનો નેનો પ્લાન્ટ બંગાળથી ગુજરાત આવી ગયો હતો. આવાં તો અનેક કારણો છે જેના લીધે આજે બંગાળ અરાજકતાની સ્થિતિમાં છે અને ગુજરાત ઘણું આગળ નીકળી ગયું છે.
આવી સ્થિતિમાં જ્યારે તુલના થાય છે ત્યારે રાજકીય અસહજતા સ્વાભાવિક છે. અને કદાચ આ જ તે બિંદુ છે જ્યાંથી ‘વિકાસ’ની ચર્ચાને હટાવીને ‘ઓળખ’ની રાજનીતિને આગળ વધારવામાં આવે છે. આ આખા ઘટનાક્રમનું એક અન્ય મહત્વનું પાસું છે– સિલેક્ટિવ પ્રતિક્રિયા.
જ્યારે કોઈ એક સમુદાય, રાજ્ય કે અસ્મિતા સામે ટિપ્પણી કરવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે મીડિયા અને ‘લિબરલ ઇકોસિસ્ટમ’ તરત સક્રિય થઈ જાય છે. પરંતુ આ મામલામાં જ્યાં સીધી રીતે ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવ્યું છે ત્યારે તેવી પ્રતિક્રિયા જોવા મળી નથી. આ જ તે પેટર્ન છે જે વારંવાર દેખાતી રહે છે– એજન્ડામાં આવતા રાજ્યો (વિપક્ષશાસિત), સમુદાયો માટે અત્યંત સંવેદનશીલતા અને ગુજરાત પર સંપૂર્ણ મૌન.
‘ગુજરાતી Vs બંગાળી’: એક જોખમી વિભાજન તરફ
ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશમાં, જ્યાં દરેક રાજ્ય, દરેક ભાષા અને દરેક સંસ્કૃતિનું પોતાનું યોગદાન છે, ત્યાં આવા વિભાજનકારી નેરેટિવનું ઉભરવું ચિંતાજનક છે. ‘કોણ વધુ દેશભક્ત’, ‘કોણે વધુ યોગદાન આપ્યું’– આ ચર્ચા માત્ર નિરર્થક જ નથી, પરંતુ જોખમી પણ છે. તે એ ભાવનાને નબળી પાડે છે જેણે ભારતને એક રાષ્ટ્ર તરીકે જોડી રાખ્યું છે. આજે જો ‘ગુજરાતી વિરુદ્ધ બંગાળી’નો વિમર્શ શરૂ થાય છે તો કાલે તે અન્ય કોઈ રૂપમાં સામે આવી શકે છે.
આજે ભારત એવી સ્થિતિ પર ઊભું છે જ્યાં તે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખને મજબૂત કરી રહ્યું છે. આવા સમયમાં આંતરિક રીતે વિભાજનકારી રાજકારણને પ્રોત્સાહન આપવું માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નથી, પરંતુ આત્મઘાતી પણ બની શકે છે. પીએમ મોદી વારંવાર ‘સૌનો સાથ-સૌનો વિકાસ’ની વાત કરે છે– એવું વિઝન જ્યાં વિસ્તાર, ભાષા કે અસ્મિતાના આધારે કોઈ ભેદભાવ ન થાય.
પરંતુ બીજી તરફ જો રાજકારણ ‘અમે વિરુદ્ધ તેઓ’ની દિશામાં આગળ વધે તો તે આ વિઝનની એકદમ વિરુદ્ધ છે. મહુઆ મોઈત્રાનું નિવેદન એક ચેતવણી તરીકે જોવું જોઈએ. માત્ર એટલા માટે નહીં કે તેમાં શું કહેવામાં આવ્યું, પરંતુ એટલા માટે કે તે કઈ દિશા તરફ ઇશારો કરે છે. હવે બાકીનું તો બંગાળની જનતા જ નક્કી કરશે બંગાળ વિકાસ અને એકતાના રસ્તે આગળ વધશે કે પછી પ્રાંતવાદ અને વિભાજનકારી રાજકારણના કાદવમાં ફસાઈ જશે.


