હોમપેજરાજકારણબંગાળના સિંગુરથી સાણંદ સુધીની ટાટા નેનો પ્લાન્ટની યાત્રા: મમતા બેનર્જીના સસ્તા રાજકારણ...

બંગાળના સિંગુરથી સાણંદ સુધીની ટાટા નેનો પ્લાન્ટની યાત્રા: મમતા બેનર્જીના સસ્તા રાજકારણ અને મોદીની દૂરદ્રષ્ટિએ કેવી રીતે બદલી વિકાસની દિશા

સિંગુર વિવાદ માત્ર એક પ્લાન્ટના અંતની વાત નથી, તે રાજકારણ વિરુદ્ધ વિકાસની કથા છે. જ્યાં એક તરફ મમતા બેનર્જીના રાજકારણે આંદોલનને વૉટબેન્કનું હથિયાર બનાવ્યું, ત્યાં બીજી તરફ મોદીની નીતિગત ત્વરિતતાએ ભારતને નવી ઔદ્યોગિક દિશા આપી.

- Advertisement -

વડા પ્રધાન મોદી હમણાં બંગાળ અને આસામની મુલાકાત પર હતા. આ જ દિશામાં તેમણે 18 જાન્યુઆરીના રોજ બંગાળના હુગલીમાં આવેલા સિંગુરની મુલાકાત લીધી હતી અને ત્યાં સભાને સંબોધિત પણ કરી હતી. આ સ્થળનું નામ આમ તો હવે રાજ્ય અને દેશના રાજકારણ માટે અજાણ નથી રહ્યું, તેમ છતાં ઘણા લોકો આ નામથી અજાણ છે. સિંગુરને ઘણી વખત બંગાળના ભવિષ્ય સાથેની ભૂતકાળની ઐતિહાસિક ભૂલના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. પીએમ મોદીની સિંગુર મુલાકાત પર એ ભૂલની ચર્ચા ફરી થવા લાગી છે.

વાસ્તવમાં સિંગુર એ સ્થળ છે, જ્યાં એક સમયે ટાટાએ નેનો કંપનીનો પ્લાન્ટ નાખ્યો હતો અને સ્થાનિકોને રોજગારી આપી બંગાળના ભવિષ્યને ઉજ્જવળ કરવાનું સ્વપ્ન જોયું હતું. પણ તે થઈ શક્યું નહીં, તેનું કારણ હતાં મમતા બેનર્જી અને TMC. મમતાએ ‘ખેડૂતોની જમીન છીનવી લેવાના’ આરોપ લગાવ્યા અને આખરે શરૂ થનારો પ્લાન્ટ ટાટાએ અટકાવી દેવો પડ્યો અને ત્યાંથી ખસી જવું પડ્યું. મમતા બેનર્જીની આ ભૂલનો લાભ સીધો ગુજરાતને થયો પણ તેનું નુકસાન સિંગુરના ખેડૂતો આજે પણ ભોગવી રહ્યા છે. 

શું હતો વિવાદ?

વર્ષ 2006માં ભારતના સૌથી મોટા ઔદ્યોગિક એકમો પૈકીના એક ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે તેઓ ટાટા નેનોનું (વિશ્વની સૌથી સસ્તી કાર) ઉત્પાદન કેન્દ્ર સિંગુરમાં (હુગલી, પશ્ચિમ બંગાળ) સ્થાપિત કરશે. આ માટે લગભગ 997 એકર કૃષિ જમીનનું સંપાદન પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું, જેથી વાર્ષિક લાખો કારનું લક્ષ્ય પૂરું થઈ શકે. ટાટાએ 21 જાન્યુઆરી 2007ના રોજ પ્લાન્ટનું નિર્માણ શરૂ કરી દીધું અને કામ સારી ગતિએ ચાલી પણ રહ્યું હતું. 

- Advertisement -

પરંતુ આ પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદોમાં ફસાઈ ગયો. ઘણા સ્થાનિક ખેડૂતોએ પોતાની જમીન આપવાનો ઇનકાર કર્યો અને જમીન સંપાદનની રીતોને લઈને તીવ્ર અસંતોષ ફેલાયો. બાદમાં જાણવા મળ્યું કે ખેડૂતો પાછળ મમતા બેનર્જી અને તેમની પાર્ટી TMC કામ કરી રહ્યાં છે અને ખેડૂતોને ઉશ્કેરીને પ્લાન્ટનો વિરોધ કરાવી રહ્યાં છે. ખેડૂતોનું પ્રત્યક્ષ નેતૃત્વ પણ મમતા બેનર્જી અને તેમની પાર્ટી TMCએ કરવાનું શરૂ કરી દીધું હતું.  મમતાએ આ ઘટનાને ‘ખેડૂતોની જમીનની છીનવવાની લડાઈ’ તરીકે રજૂ કરી અને 26 દિવસ સુધી ભૂખ હડતાળ જેવાં નાટકો પણ કર્યાં. તેમણે આખા મુદ્દાને રાજકીય બાબતોમાં ખસેડી દીધો અને પ્લાન્ટનો વિરોધ યથાવત રાખ્યો.

તે સમયે બંગાળમાં સરકાર પણ કોમ્યુનિસ્ટ હતી અને આ વિવાદ સતત વધતો જઈ રહ્યો હતો. આ સંઘર્ષ ટૂંક સમયમાં જ રાજકીય રંગમાં ઢંકાઈ ગયો. મમતાએ ‘Save Farmland આંદોલન’ શરૂ કર્યું, ભૂખ હડતાળો કરી અને સ્થાનિકોને પોતાની તરફ કરી લીધા. આ કથિત આંદોલનની હકીકત એ છે કે જમીનની લડાઈ માત્ર કૃષિનો મુદ્દો ન રહી, તે વૉટબેન્કની રાજનીતિ અને વિકાસ-વિરોધી વ્યૂહરચનામાં ફેરવાઈ ગઈ. ઘણા સ્થાનિક ખેડૂતોને પણ લાગવા લાગ્યું કે આવા કથિત આંદોલનને કારણે તેઓ વિકાસની તક ગુમાવી શકે છે અને આગળ જતાં થયું પણ એવું જ.

ટાટાનો પ્રોજેક્ટ અટક્યો

2007-08 સુધીમાં વિવાદ એટલો વધી ગયો કે લેફ્ટ ફ્રન્ટ સરકારના પ્રયાસો છતાં નિર્માણ અને સંચાલન શક્ય ન રહ્યું. ભારે વિરોધ, વિલંબ અને અનિશ્ચિતતા વચ્ચે ટાટા મોટર્સને 3 ઑક્ટોબર 2008ના રોજ જાહેરાત કરવી પડી કે તેઓ સિંગુર પ્રોજેક્ટમાંથી હટી રહ્યા છે, મજબૂરીમાં.

ટાટાએ સ્પષ્ટ કહ્યું હતું કે, “આ કારખાનું સુરક્ષા અને સંચાલન માટે અસ્થિર સ્થિતિમાં રહેશે, અમે આ વાતાવરણમાં કારખાનું ચલાવી શકીએ એમ નથી.” આ નિર્ણયથી ન માત્ર એક મોટા ઔદ્યોગિક રોકાણને ભારતમાં રોકવામાં આવ્યું, પરંતુ પશ્ચિમ બંગાળમાં ઔદ્યોગિક વિકાસની મોટી તક પણ ખતમ થઈ ગઈ.

ટાટાએ સિંગુરમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી હતી, જમીન સંપાદન, નિર્માણ અને પ્રારંભિક ખર્ચ માટે લગભગ ₹1,000 કરોડ સુધીનાં રોકાણનું આયોજન હતું. પરંતુ પ્રોજેક્ટની નિષ્ફળતાથી આખા સ્થાનિક આર્થિક ઇકોસિસ્ટમને નુકસાન થયું, ત્યાં ચાલતા નાના ઓટો પાર્ટ્સના વિક્રેતાઓ અને સપ્લાયર નેટવર્ક પણ અસ્તવ્યસ્ત થઈ ગયા. 

આ જ તે ક્ષણ હતી જેણે બંગાળના વિકાસના નકશાને બદલી નાખ્યો. એક વિશ્વસનીય ઔદ્યોગિક રોકાણનું સ્વપ્ન તૂટી ગયું. તે સમયે ટાટાએ પહેલેથી જ સિંગુરમાં ભારે રોકાણ કરી દીધું હતું અને નિર્માણ પણ શરૂ કરી દીધું હતું. 

મોદીનો ‘Welcome’ મેસેજ અને ગુજરાતમાં ઑટોમોબાઇલ સેક્ટરની શરૂઆત

દુનિયાના કોઈપણ દેશ, કોઈપણ રાજ્ય કે કોઈપણ વિસ્તારમાં રોકાણ લાવવા માટે નેતાઓએ આકરી મહેનત કરવી પડતી હોય છે. ગુજરાતમાં પણ વૈશ્વિક રોકાણને આકર્ષવા માટે મોદી સરકારે પરિશ્રમ કર્યો હતો અને કોઈપણ રાજ્ય રોકાણ વગર ચાલી શકે નહીં. પરંતુ બંગાળમાં મમતા બેનર્જીએ સામેથી આવેલા રોકાણને હડધૂત કરી દીધું અને એ ઘટના ઐતિહાસિક ભૂલ બની. એ જ ઘડીએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તક ઝડપી લીધી અને ટાટા માટે ગુજરાતનો દ્વાર ખોલી નાખ્યો. 

ટાટાએ જાહેરાત કરી કે તેઓ સિંગુર છોડી રહ્યા છે, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માત્ર એક જ શબ્દનો મેસેજ મોકલ્યો- ‘Welcome!’. બસ એક શબ્દનો સંદેશ. આ નાનકડો મેસેજ ટાટાને ગુજરાત તરફ આકર્ષિત કરી ગયો. સિંગુરથી લગભગ એક મહિના પછી 7 ઑક્ટોબર 2008ના રોજ ટાટાએ જાહેરાત કરી કે તેઓ નેનો પ્લાન્ટ સાણંદ, ગુજરાતમાં સ્થાપિત કરશે.

આ નિર્ણય તે સમયે મહત્વનો હતો, કારણ કે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ગુજરાતમાં ઔદ્યોગિક નીતિઓ સરળ હતી, જમીન ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવી અને પ્રશાસને અનુકૂળ વાતાવરણ પણ ઊભું કર્યું. આ પ્લાન્ટનું નિર્માણ માત્ર 14 મહિનામાં પૂર્ણ થયું. 2008-10ના ગાળામાં સાણંદ પ્લાન્ટનો મોદી અને ટાટા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો અને નેનોનું ઉત્પાદન અહીંથી શરૂ થયું, પાછળથી તે જ પ્લાન્ટમાંથી ટિઆગો, ટિગોર જેવા લોકપ્રિય મોડલ્સ પણ બનવા લાગ્યા. એટલે કે જે પ્રોજેક્ટ સિંગુરમાં અટકી ગયો હતો, તે ગુજરાતમાં પૂરો થઈ ગયો, માત્ર ઝડપી વહીવટ, રોકાણ-મૈત્રીપૂર્ણ નીતિ અને સ્પષ્ટ નીતિગત સમર્થનને કારણે. 

આજે પણ સિંગુરના ખેડૂતોને પસ્તાવો અને સતત આગળ વધતું રહેતું ગુજરાત

બે દાયકા જેટલા સમય પહેલાં જ્યારે ટાટા પ્રોજેક્ટ નિષ્ફળ થયો ત્યારે તેના સમર્થકોએ કહ્યું હતું કે આ ખેડૂતોની જીત છે. પરંતુ આજે સિંગુરમાં જમીન પર પૂરતી ખેતી પણ થઈ શકતી નથી અને ગ્રામીણો ઔદ્યોગિક રોજગાર ન મળવાથી હજુ પણ અસંતુષ્ટ લાગે છે. ન્યુઝ18 અને NDTVના ગ્રાઉન્ડ રિપોર્ટ્સમાં ખેડૂતોએ વ્યથા ઠાલવતાં કહ્યું છે કે સરકાર તરફથી માત્ર 2000 હજાર રૂપિયા સહાય મળે છે, જે પૂરતી નથી. ખેડૂતોએ એવું પણ કહ્યું હતું કે સિંગુરની જમીન બિનઉપજાઉ છે, તેના કારણે કોઈ પાક પણ થઈ શકતો નથી. જો આજે ત્યાં પ્લાન્ટ હોત તો સ્થાનિક લોકોને પૂરતી રોજગારી પણ મળી હોત અને સ્થાનિક અર્થતંત્ર પણ ડૂબવાથી બચીને આગળ વધ્યું હોત.

આ ઘટના દર્શાવે છે કે તે સમયની તક ગુમાવવાથી ત્યાંની સમગ્ર આર્થિક સ્થિતિ પર લાંબાગાળાની અસર પડી છે અને વિકાસની શક્યતાઓ મોટાપાયે અટકી ગઈ છે. આજે પણ સિંગુરની જમીન તે જ છે, જે એક વખત ભારતના સૌથી મોટા સ્વદેશી ઓટો પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવી હતી. પરંતુ લોકો કહે છે કે તે જમીનની ઉત્પાદકતા પણ ઘટી ગઈ છે અને ગ્રામીણ અર્થતંત્ર પણ નબળું થયું છે. ખેડૂતોએ વિકાસ અને રોજગાર બંને ગુમાવ્યા છે અને માત્ર આંદોલનનું ઐતિહાસિક ગૌરવ જ બચ્યું છે.

બીજી તરફ, જે પ્રોજેક્ટ વિકસિત થયો ગુજરાતના સાણંદમાં ત્યાં આજે માત્ર નેનો જ નહીં, પરંતુ ટિઆગો, ટિગોર જેવા મોડલ્સનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે. અને 2024માં સાણંદ પ્લાન્ટમાંથી 10 લાખથી વધુ વાહનો બહાર નીકળ્યાં છે.

ગુજરાતનો વિકાસ અને બંગાળની સુસ્તી

ગુજરાતના સાણંદ પ્લાન્ટે માત્ર એક ફેક્ટરી જ નથી આપી, પરંતુ ત્યાં સપ્લાય-ચેઇન, સ્પેર પાર્ટ્સ ઉદ્યોગ, કૌશલ્ય વિકાસ અને સંબંધિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પણ વિકસાવી છે. આ જ ઉભરતા ઓટો હબના કારણે મારુતિ સુઝુકીએ પણ ગુજરાતના ગાંધીનગરમાં બીજો પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી છે, જે રાજ્યને ઑટોમોબાઇલ કિંગડમનો દરજ્જો અપાવી શકે એમ છે. કારણ કે મારુતિએ 35000 કરોડનાં રોકાણની જાહેરાત કરી છે.

મોદીની દૂરદ્રષ્ટિના કારણે સાણંદ પ્લાન્ટે ગુજરાતની ઔદ્યોગિક ઓળખ જ બદલી નાખી. શરૂઆતમાં નેનોથી શરૂ થયેલો આ પ્લાન્ટ પાછળથી હિટ મોડલ્સના ઉત્પાદન તરફ આગળ વધ્યો અને આજે ગુજરાત એક મુખ્ય ઓટોમોટિવ-મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે. માત્ર ટાટા જ નહીં, આજે ગુજરાતમાં સુઝુકી, ફોર્ડ, એમજી મોટર્સ અને અન્ય અનેક મોટા વાહન નિર્માતાઓ છે, જેના કારણે રોજગાર અને રોકાણની મોટી તકો ઊભી થઈ છે.

હાલમાં જ રાજ્યમાં મારુતિ સુઝુકીએ આશરે ₹35,000 કરોડના રોકાણ સાથે પોતાનો બીજો મોટો ઓટો પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજનાની જાહેરાત કરી છે, જે આશરે 10 લાખ કારની ક્ષમતા ધરાવશે, આ ગુજરાતને ઓટો હબની વધુ મજબૂત ઓળખ અપાવશે. 

બીજી તરફ પશ્ચિમ બંગાળ આજે પણ ઔદ્યોગિક રોકાણ આકર્ષવામાં પાછળ રહી રહ્યું છે, કાં તો સ્પષ્ટ રોડમેપ નથી, કાં તો જૂની રાજકીય વિચારધારા અને અસ્થિરતા હાવી છે, જેના કારણે રોકાણકારો અને ઉદ્યોગો આજે પણ દૂર રહે છે. 

સુપ્રીમ કોર્ટેમાં પણ ટાટાની જીત, મમતા સરકારે ચૂકવવું પડ્યું હતું વળતર

સિંગુર વિવાદમાં બે અલગ-અલગ કાનૂની મોરચા છે. પહેલો 2016માં સુપ્રીમ કોર્ટે સિંગુરમાં ટાટા નેનો પ્લાન્ટ માટે વામપંથી સરકાર દ્વારા કરવામાં આવેલા ભૂમિ અધિગ્રહણને ગેરકાયદે ગણાવીને જમીન ખેડૂતોને પરત આપવાનો આદેશ આપ્યો હતો.

બીજી તરફ ટાટા મોટર્સે પ્રોજેક્ટ અટકી જવા અને રોકાણ ડૂબી જવાના કારણે થયેલા નુકસાન માટે વળતરનો દાવો કર્યો હતો, જેના પર છેલ્લા વર્ષોમાં રાજ્ય સરકાર વિરુદ્ધ ચુકાદો આવ્યો છે. આ જ કડીમાં ઑક્ટોબર 2023માં મધ્યસ્થી ટ્રિબ્યુનલે ટાટા મોટર્સને ₹766 કરોડથી વધુનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો, એટલે કે મમતા બેનર્જીની સરકારના કાર્યકાળમાં બંગાળને તેની રાજકીય કિંમત ચૂકવવી પડી, જેણે એક વખત ‘આંદોલન’ના નામે ઉદ્યોગને ખદેડી કાઢ્યો હતો.

રાજકીય અને આર્થિક બોધપાઠ

સિંગુર-ટાટા કેસ માત્ર ઔદ્યોગિક રોકાણનો વિવાદ જ નહીં રહ્યો, તે રાજકારણ, વિકાસ નીતિઓ, નેતૃત્વ અને ઔદ્યોગિક વાતાવરણનું સંયુક્ત ઉદાહરણ બની ગયો છે. સિંગુરમાં જમીન વિવાદને જે રીતે રાજકીય મુદ્દો બનાવવામાં આવ્યો, તેના કારણે ભારે રોકાણ અટકી ગયું અને તક ગુમાવાઈ ગઈ. ગુજરાતે સમયસર નિર્ણય લઈને રોકાણની તક ઝડપી લીધી અને આજે તેનો ઔદ્યોગિક લાભ સ્પષ્ટ દેખાય છે.

માત્ર ટાટા જ નહીં, આજે અન્ય અનેક રોકાણકારો પણ ગુજરાત તરફ આકર્ષાઈ રહ્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળ હજુ પણ રોકાણ અને ઔદ્યોગિક વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ તુલના બતાવે છે કે રાજકીય સ્થિરતા, રોકાણ-મૈત્રીપૂર્ણ નીતિ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા કોઈ વિસ્તારને વિકાસના માર્ગે લઈ જાય છે, જ્યારે રાજકીય વિવાદ અને અસ્થિરતા તકોને નષ્ટ કરી દે છે. 

સિંગુર વિવાદ માત્ર એક પ્લાન્ટના અંતની વાત નથી, તે રાજકારણ વિરુદ્ધ વિકાસની કથા છે. જ્યાં એક તરફ મમતા બેનર્જીના રાજકારણે આંદોલનને વૉટબેન્કનું હથિયાર બનાવ્યું, ત્યાં બીજી તરફ મોદીની નીતિગત ત્વરિતતાએ ભારતને નવી ઔદ્યોગિક દિશા આપી. સિંગુરનો ઇતિહાસ આજે પણ આખા દેશ સામે રાજકારણના બોધપાઠ તરીકે સામે આવે છે અને બંગાળની ચૂંટણીઓમાં તે સૌથી મોટો મુદ્દો બનવા જઈ રહ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં