બાળકો સંબંધિત જાતીય શોષણના કેસોની જાણ ભારતીય એજન્સીઓને કરશે મેટા, સરકારની કડકાઈ બાદ ઝૂકી કંપની

કેન્દ્ર સરકાર પાછલા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને બાળકો માટે વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરી રહી છે. આ અંતર્ગત કંપનીઓને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. દરમ્યાન સમાચાર એવા છે કે ફેસબુક-ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા (Meta) બાળ શોષણ અને બાળ સરક્ષણ સંબંધિત ગુનાઓની માહિતી કાયદાકીય એજન્સીઓને રિપોર્ટ કરવા માટે સંમત થઈ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોની ઓનલાઈન સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે.

આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ ઇન્સ્ટાગ્રામ પર બાળ જાતીય શોષણને પ્રોત્સાહન આપતી પેઇડ જાહેરાતો સામે આવ્યા બાદ શરૂ થયેલો વિવાદ છે. એક અહેવાલમાં સામે આવ્યું હતું કે આવી જાહેરાતોનો ઉપયોગ કરીને યુઝર્સને અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ્સ તરફ ડાયરેક્ટ કરવામાં આવતા હતા. આ મામલે કેન્દ્રીય આઇટી મંત્રાલયે (MeitY) મેટાને નોટિસ પાઠવીને સ્પષ્ટતા માગી હતી અને આવી જાહેરાતોને તાત્કાલિક હટાવવા સૂચના આપી હતી.

આ વિવાદ બાદ દેશની અગ્રણી સરકારી સંસ્થાઓએ પણ કડક વલણ અપનાવ્યું છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે (NCPCR) મેટા ઇન્ડિયાના અધિકારીઓને સમન્સ પાઠવીને પૂછપરછ કરી હતી. આ ઉપરાંત, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને (NHRC) પણ કેન્દ્રીય મંત્રાલયો અને દિલ્હી પોલીસ પાસેથી આ મામલે લેવામાં આવેલાં પગલાં અંગેનો એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો હતો.

સરકાર સામે સ્પષ્ટતા કરતાં મેટા કંપનીએ દાવો કર્યો છે કે તેણે ક્યારેય જાણીજોઈને આવા સંવેદનશીલ કન્ટેન્ટ સાથે યુઝર્સને ટાર્ગેટ કર્યા નથી. કંપનીએ તેની નીતિઓનું ઉલ્લંઘન કરતી જાહેરાતો અને તેનાથી જોડાયેલાં અકાઉન્ટ્સ બ્લોક કરી દીધાં છે. મેટાએ ઉમેર્યું હતું કે તેઓ બાળ શોષણ અંગે ઝીરો-ટોલરન્સ પોલિસી ધરાવે છે અને આ પ્રકારના કન્ટેન્ટને સિસ્ટમમાંથી દૂર કરવા AIનો ઉપયોગ કરી રહ્યા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, મેટાએ આવા કેસોની માહિતી આપવાની જે સંમતિ આપી છે તે બાળકોની સુરક્ષાની દિશામાં માત્ર ‘પ્રથમ પગલું’ છે. આ ક્ષેત્રમાં હજુ ઘણું કામ કરવાની જરૂરિયાત છે. હાલમાં કેન્દ્ર સરકાર અન્ય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે પણ સંપર્કમાં છે આવા કન્ટેન્ટ ઓળખીને હટાવી શકાય.

છેલ્લે, સરકારે તમામ પ્લેટફોર્મ્સને ચેતવણી આપતાં સ્પષ્ટ કર્યું છે કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બાળકોની સુરક્ષા માટે સક્રિય અને નક્કર પગલાં નહીં ભરે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બાળકો માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ પૂરું પાડવા માટે કેન્દ્ર સરકાર તેના નિયમો વધુ કડક બનાવી રહી છે.