
બૉમ્બે હાઇકોર્ટના આદેશ બાદ દિશા સાલિયાન કેસની તપાસ હાથ પર લેનાર કેન્દ્રીય એજન્સી CBIએ FIR દાખલ કરી છે. FIRમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે, અભિનેત્રી રિયા ચક્રવર્તી, મુંબઈ પોલીસના અમુક અધિકારીઓ વગેરેનાં નામ સામેલ છે.
દિશા સાલિયાન બોલિવૂડ અભિનેતાઓ સાથે કામ કરતી હતી અને ભૂતકાળમાં દિવંગત અભિનેતા સુશાંત સિંઘ રાજપૂત સાથે પણ મેનેજર તરીકે કામ કરી ચૂકી હતી. સુશાંત સિંઘના મૃત્યુના છ દિવસ પહેલાં દિશા સાલિયાનનું એક ઇમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું.
CBIએ દાખલ કરેલી FIRમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરે, તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, અભિનેતાઓ ડિનો મોરિયા, સૂરજ પંચોલી, રોહન રોય, આદિત્યના બોડીગાર્ડ, રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શોવિક ચક્રવર્તી, પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંઘ, ડીસીપી વિશાલ ઠાકુર, પૂર્વ મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજે વગેરેનાં નામ છે. ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને અન્ય અમુક પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ડોક્ટરોનાં પણ નામો છે.
CBI has registered an FIR in the Disha Salian death case: CBI pic.twitter.com/pXm6YJfqSZ
— IANS (@ians_india) September 14, 2026
FIRમાં જણાવવામાં આવ્યું કે, ‘આદિત્ય ઠાકરેના પિતા અને તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને અન્ય અમુક વ્યક્તિઓએ ષડ્યંત્ર અને ત્યારબાદ કવર-અપ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ઉપરાંત અમુક પોલીસ અધિકારીઓની પણ કેસ પેપર અને ફાઇલો અને અન્ય અમુક પબ્લિક રેકોર્ડ દબાવવા, પબ્લિક ફંડના દુરુપયોગ કરવા મામલે તપાસ કરવી જરૂરી છે.
ફરિયાદમાં ગુનાહિત ષડ્યંત્ર અને સ્યુસાઇડની ખોટી વાર્તા ઘડી કાઢવાના ગુનાની તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં જે પોલીસ મથકે મૃત્યુનો ગુનો નોંધાયો હતો તેના પોલીસ અધિકારીઓ, ડૉક્ટરો, પોસ્ટમોર્ટમ કરનાર સ્ટાફ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના કર્મચારીઓ વગેરેનાં પણ નામો સામેલ છે.
આ પહેલાં એજન્સીએ મુંબઈ પોલીસને જાણ કરીને કેસને લગતી તમામ સામગ્રી, રેકોર્ડ, ફાઈલો મગાવી લીધાં હતાં. ઉપરાંત દિશા સાલિયાનના પિતાનું પણ નિવેદન નોંધી લીધું હતું. નિવેદનમાં સતીશ સાલિયાને આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીએ આત્મહત્યા નહતી કરી પરંતુ એ એક હત્યા હતી અને આ ઘટના છુપાવવામાં આદિત્ય ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને અન્ય અમુક વ્યક્તિઓએ ભૂમિકા ભજવી હતી.
કાર્યવાહી 2 સપ્ટેમ્બરના બૉમ્બે હાઇકોર્ટના એક ચુકાદા બાદ થઈ રહી છે, જેમાં કોર્ટે સતીશ સાલિયાનની એક અરજી મંજૂર રાખીને દિશા સાલિયાનના મૃત્યુ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. જોકે કોર્ટે કહ્યું છે કે ઠોસ પુરાવા ન મળે ત્યાં સુધી કોઈને પણ આરોપી માનવામાં ન આવે.
કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે મુંબઈ પોલીસની તપાસ સંતોષકારક રહી ન હતી અને તેમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે જેનો જવાબ મેળવવો જરૂરી છે. ઉપરાંત કોર્ટે એ પણ નોંધ કરી હતી કે મૃત્યુનાં છ વર્ષ પછી પણ દિશાના પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવ્યો ન હતો.
આ કેસમાં મુંબઈ પોલીસ દાવો કરતી રહી છે કે દિશા સાલિયાને આત્મહત્યા કરી હતી અથવા આકસ્મિક રીતે પડી ગઈ હતી પરંતુ તેની હત્યા થઈ નથી. જ્યારે દિશાના પરિવારે પોલીસ પર પૂરતી તપાસ કર્યા વગર આ નિષ્કર્ષ આપી દેવાના આરોપ લગાવ્યા હતા. આખરે મામલો હાઇકોર્ટ પહોંચ્યો અને હવે હાઇકોર્ટના આદેશથી સીબીઆઈ તપાસ થઈ રહી છે.

