ક્યારેક કોઈ યાત્રાનો અંત કોઈ અંતિમ સ્થળે પહોંચવાથી થતો નથી. અંત ત્યારે આવે છે જ્યારે શરૂઆતમાં પૂછાયેલો પ્રશ્ન પોતાનો સૌથી ઊંડો ઉત્તર શોધી લે છે. બાર જ્યોતિર્લિંગોની આ યાત્રા પણ કદાચ એવી જ છે. સોમનાથથી શરૂ થયેલી જ્યોતિ કાળ, શક્તિ, તપસ્યા, ભક્તિ, એકત્વ, આત્મતત્વ અને અચળ ઉપસ્થિતિના અનેક સ્વરૂપોમાંથી પસાર થઈને હવે મહારાષ્ટ્રના વેરુળમાં પહોંચે છે. એલોરાની પ્રાચીન ગુફાઓની નજીક આવેલું ઘૃષ્ણેશ્વર આ યાત્રાનું બારમું અને અંતિમ જ્યોતિર્લિંગ છે. પરંતુ આ અંતિમ પડાવને માત્ર એક મંદિર કે એક પૌરાણિક પ્રસંગ તરીકે જોવો એ તેની સાથે અન્યાય થશે. કારણ કે અહીં શિવની જ્યોતિ જે સ્વરૂપે પ્રગટે છે ત્યાં ભક્તિની સૌથી કઠિન પરીક્ષા કોઈ બહારના શત્રુ સામે નથી, પોતાના હૃદયમાં ઊભા થયેલા દ્વેષ સામે છે.
ઘૃષ્ણેશ્વરની કથા એક એવા પરિવારથી શરૂ થાય છે જ્યાં ભક્તિ હતી, વૈદિક આચાર હતો, શિવઉપાસના હતી, પરંતુ એક અભાવ પણ હતો. સંતાનનો. સુદર્મા નામના બ્રાહ્મણ શિવભક્ત હતા અને તેમના જીવનમાં પુત્ર ન હોવા છતાં તેમને કોઈ વિશેષ દુઃખ નહોતું. તેઓ આત્મતત્વ અને કર્મના સ્વભાવને સમજતા હતા. પરંતુ તેમની પત્ની સુદેહાના મનમાં પુત્રની ઇચ્છા ઊંડી હતી. આ ઇચ્છા ધીમે-ધીમે એવી વ્યાકુળતામાં બદલાઈ કે તેણે પોતાના પતિને બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર કરી દીધા. એ બીજી સ્ત્રી હતી તેની પોતાની નાની બહેન ઘૃષ્ણા.
અહીંથી કથા માત્ર બે સ્ત્રીઓની વાત રહેતી નથી. એક તરફ ઇચ્છા છે, બીજી તરફ નિષ્ઠા. એક તરફ અભાવથી જન્મેલો અસંતોષ છે, બીજી તરફ ઉપાસનામાં સ્થિર રહેવાની ક્ષમતા. ઘૃષ્ણા પતિના જીવનમાં આવી અને શિવની ઉપાસનાને પોતાના જીવનનું કેન્દ્ર બનાવી. તે દરરોજ 101 માટીના શિવલિંગ બનાવતી, તેમની વિધિપૂર્વક પૂજા કરતી અને પછી નજીકના સરોવરમાં તેમનું વિસર્જન કરતી. આ ક્રમ એક દિવસ, એક અઠવાડિયું કે થોડા મહિના પૂરતો નહોતો. શિવપુરાણ કહે છે કે તેણે આ રીતે એક લાખ પાર્થિવ લિંગોની ઉપાસના પૂર્ણ કરી. ત્યારબાદ શિવની કૃપાથી તેને પુત્ર પ્રાપ્ત થયો.
જ્યાં ઉપાસના માત્ર ઈચ્છા પૂરી કરવાની રીત રહી નહીં
ઘૃષ્ણાની ભક્તિનું સૌંદર્ય એ નથી કે તેની પૂજાથી તેને પુત્ર મળ્યો. તેની ભક્તિનું મૂળ તો એ હતું કે પુત્ર મળ્યો કે ન મળ્યો, શિવની ઉપાસના અટકવાની નહોતી. દરરોજ માટીનું શિવલિંગ બનાવવું, પૂજા કરવી અને પછી તેને જળમાં વિસર્જિત કરી દેવું, આ ક્રમમાં એક ઊંડો સંકેત છે. જે બનાવ્યું તેને છોડવાનું છે, જે મળ્યું તેને પણ અંતે સમર્પિત કરવાનું છે. ઉપાસના કોઈ વસ્તુને કાયમ માટે પોતાની પાસે રાખી લેવાની પ્રક્રિયા નથી.
પરંતુ પુત્રના જન્મ પછી ઘૃષ્ણાની આ સાધના સામે એક નવી પરિસ્થિતિ ઊભી થઈ. સુદેહા, જે પહેલાં પોતાની બહેનનાં લગ્ન માટે તૈયાર થઈ હતી, હવે તેના પુત્રને જોઈને અંદરથી બળવા લાગી. શરૂઆતમાં જે હૃદય શાંત હતું તેમાં ઈર્ષ્યા ધીમે-ધીમે આગ બની. ઘૃષ્ણાને મળેલું સુખ તેનાથી સહન થતું નહોતું. પુત્ર મોટો થયો, તેનાં લગ્ન થયાં અને પરિવારનું સુખ વધ્યું તેમ સુદેહાનો આંતરિક દ્વેષ પણ વધતો ગયો. શિવપુરાણ આ પરિવર્તનને તીવ્ર ભાષામાં રજૂ કરે છે કે બહારનું જીવન સામાન્ય ચાલતું હતું, પરંતુ અંદર ઈર્ષ્યાએ પોતાનું સ્થાન લઈ લીધું હતું.
અંતે એક રાત્રે સુદેહાએ ઘૃષ્ણાના પુત્રની હત્યા કરી નાખી. તેના શરીરના અવશેષોને એ જ સરોવરમાં ફેંકી દીધા જ્યાં ઘૃષ્ણા દરરોજ પોતાના પાર્થિવ શિવલિંગોનું વિસર્જન કરતી હતી. સવારે પુત્રની પત્નીએ લોહીથી ભરાયેલું શયન જોયું અને ઘરમાં હાહાકાર મચ્યો. ઘૃષ્ણાને પણ આ વાત કહેવામાં આવી. એક માતા માટે પોતાના પુત્રના મૃત્યુથી મોટું દુઃખ શું હોય શકે? પરંતુ અહીંથી જ ઘૃષ્ણેશ્વરની આખી કથા પોતાનું અસાધારણ સ્વરૂપ ધારણ કરે છે.
જે ક્ષણે ભક્તિની સાચી પરીક્ષા થઈ
ઘૃષ્ણાએ શોકમાં પોતાની ઉપાસના છોડી નહીં. તેને પુત્રના મૃત્યુની જાણ થઈ છતાં તે પોતાની દૈનિક શિવપૂજાથી ડગ્યા વગર આગળ વધતી રહી. તેણે શિવ પર વિશ્વાસ રાખ્યો. તેના મનમાં જે ભાવ વ્યક્ત થાય છે તેનો સાર એટલો છે કે જે શિવે આ પુત્ર આપ્યો છે, તે જ તેની રક્ષા પણ કરશે. સમયના સંહારક શિવ પોતાના ભક્તને છોડશે નહીં.
અહીં ઘૃષ્ણાની ભક્તિને માત્ર ‘અડગ ભક્તિ’ કહી દેવી પૂરતું નથી. અડગ રહેવું સરળ છે જ્યારે જીવન તમારી ઇચ્છા મુજબ ચાલતું હોય. માણસની ભક્તિની સાચી કસોટી ત્યારે થાય છે જ્યારે જે વસ્તુ માટે તેણે પ્રાર્થના કરી હોય, જે સુખ તેને મળ્યું હોય અને જે સંબંધને તેણે પોતાના હૃદયથી સ્વીકાર્યો હોય, એ જ અચાનક તેની પાસેથી છીનવાઈ જાય. ઘૃષ્ણાના જીવનમાં આ બધું એકસાથે બન્યું હતું. છતાં તેની શિવભક્તિ શોકમાં વિખેરાઈ નહીં.
અને પછી એક વધુ ઊંડી વાત બને છે. ઘૃષ્ણા પોતાના પાર્થિવ શિવલિંગોના વિસર્જન માટે ફરી એ જ સરોવર તરફ જાય છે. પૂજા પૂર્ણ કરીને જ્યારે તે પાછી વળે છે ત્યારે તેનો મૃત માનવામાં આવેલો પુત્ર તેની સામે જીવતો ઊભો હોય છે. શિવની કૃપાથી તે પુનર્જીવિત થયો હતો. પરંતુ ઘૃષ્ણા અહીં પણ એવી રીતે આનંદમાં ડૂબી જતી નથી જેમ સામાન્ય રીતે કોઈ માતા પોતાના મૃત્યુ પામેલા પુત્રને પાછો જીવતો જોઈને થઈ જાય. કથાનું કેન્દ્ર હવે પુત્રના પુનર્જીવનથી આગળ વધી ચૂક્યું છે.
ત્યારે શિવ સ્વયં તેજના પૂંજ સમાન સ્વરૂપે પ્રગટ થાય છે. તેઓ ઘૃષ્ણાને વરદાન માગવા કહે છે અને જણાવે છે કે તેના પુત્રની હત્યા કરનાર સુદેહાને તેઓ પોતાના ત્રિશૂળથી મારી નાખશે. અહીં શિવની શક્તિ સામે કોઈ પ્રશ્ન જ નથી. અન્યાય થયો છે, હત્યા થઈ છે, અપરાધી સામે દંડ માટે શિવ પોતે તૈયાર છે. પરંતુ ઘૃષ્ણા જે કહે છે ત્યાં આ કથા સામાન્ય ભક્તિની સીમા પાર કરી જાય છે. ઘૃષ્ણા પોતાના પુત્રના હત્યારાને બચાવવા માટે શિવ પાસે પ્રાર્થના કરે છે.
શિવે દંડ માગ્યો, ભક્તે ક્ષમા
શિવ તેને કહે છે કે જે સ્ત્રીએ આટલો મોટો અપરાધ કર્યો છે, તેને શા માટે બચાવવી? પરંતુ ઘૃષ્ણાનો ઉત્તર દંડ કે બદલો માગતો નથી. તે કહે છે કે શિવના દર્શનથી જ પાપ દૂર થઈ જાય છે અને જે વ્યક્તિ પોતાને નુકસાન કરનાર માટે પણ કલ્યાણ ઇચ્છે છે તેના માટે પાપનું ભારણ રહેતું નથી. તેથી તેની બહેનને મારી નાખવામાં ન આવે.
અહીં ‘ક્ષમા’ શબ્દ બહુ નાનો પડી જાય છે. કારણ કે સામાન્ય ક્ષમા પણ ઘણી વાર કોઈ બાહ્ય નિર્ણય હોય છે. અપરાધ થયો, ક્ષમા કરી. ઘૃષ્ણાના સંદર્ભમાં એવું નથી. અહીં ક્ષમા તેના પોતાના દુઃખને પાર કરીને આવી છે. જે સ્ત્રીએ તેના પુત્રને મારી નાખ્યો તેના માટે પણ ઘૃષ્ણા મૃત્યુ નથી માગતી. તેણે શિવને પોતાની પીડાના ન્યાયાધીશ બનાવ્યા, બદલો લેનાર નહીં.

આ જ ક્ષણે ભક્તિનું એક એવું સ્વરૂપ સામે આવે છે, જેમાં ભક્ત ભગવાન પાસે પોતાની ઈચ્છા પૂર્ણ કરાવવા જતો નથી. ઘૃષ્ણા પાસે હવે કંઈ માગવાનું બાકી નહોતું. પુત્ર પાછો મળી ગયો હતો. શિવ સામે પ્રગટ હતા. તે ઇચ્છે તો પોતાની બહેનના વિનાશનું વરદાન લઈ શકતી હતી. પરંતુ તેણે એવું કર્યું નહીં. તેણે પોતાના દુઃખને પોતાના દ્વેષમાં ફેરવવા દીધું નહીં.
આ વાતને માત્ર નૈતિક ઉપદેશ બનાવી દેવું પણ યોગ્ય નહીં બને. ઘૃષ્ણાની ક્ષમા એટલા માટે મહાન નથી કે ‘ક્ષમા કરવી સારી બાબત છે’. તેની ઊંડાઈ એ છે કે અહીં ‘હું’ પોતાના ઘાવને અંતિમ સત્ય માનવાનું બંધ કરે છે. જ્યાં ‘મારા સાથે આ થયું’ની આગ સતત બળતી રહે છે ત્યાં દ્વેષ જન્મે છે. પરંતુ ઘૃષ્ણાની ભક્તિમાં પોતાનું દુઃખ પણ શિવને અર્પિત થઈ ગયું. ત્યાંથી ક્ષમા જન્મી.
‘હું’ ઓગળે ત્યારે શિવત્વનો સ્પર્શ થાય છે
ઉપનિષદોની દૃષ્ટિએ જોવામાં આવે તો ભારતીય આધ્યાત્મિક પરંપરામાં બંધનનું મૂળ બહારની પરિસ્થિતિ કરતાં અંદરની અજ્ઞાનતા અને આસક્તિમાં શોધવામાં આવે છે. મુંડક ઉપનિષદ કહે છે કે પરમ તત્વને જાણનાર શોક અને પાપથી પરે થાય છે અને હૃદયની ગાંઠોથી મુક્ત થઈ અમૃતત્વને પ્રાપ્ત કરે છે. અહીં ‘શોકથી પાર થવું’ એટલે દુઃખનો ઇનકાર કરવો નહીં, પરંતુ દુઃખને પોતાના સમગ્ર અસ્તિત્વનું અંતિમ સ્વરૂપ ન બનવા દેવું.
ઘૃષ્ણા માટે પુત્રનું મૃત્યુ વાસ્તવિક હતું. તેનું દુઃખ પણ વાસ્તવિક હતું. પરંતુ એ દુઃખે તેના ચિત્તને પોતાના કબજામાં લીધું નહીં. તેની અંદર શિવસ્મરણ એટલું ઊંડું હતું કે શોક પણ તેની ઉપાસનાને હલાવી શક્યો નહીં અને જ્યારે શિવ પ્રગટ થયા ત્યારે તેણે પોતાના દુઃખને દંડની માગણીમાં ફેરવ્યું નહીં. આ જ ક્ષણે ભક્તિ બહારની વિધિમાંથી આંતરિક સ્થિતિ બની જાય છે.
આ દૃષ્ટિએ ઘૃષ્ણાની એક લાખ પાર્થિવ લિંગોની ઉપાસના અને અંતિમ ક્ષણની ક્ષમા વચ્ચે ઊંડો સંબંધ દેખાય છે. દરરોજ તે માટીનું લિંગ બનાવતી અને પછી તેને જળમાં વિસર્જિત કરતી હતી. જાણે ઉપાસનાએ તેને ધીમે-ધીમે છોડવાની કળા શીખવી હતી. બનાવવું, પૂજવું અને અંતે પોતાનું માનેલું પણ જળને સોંપી દેવું. પુત્ર મળ્યો તો પણ શિવને અર્પણ. પુત્ર ગયો તો પણ શિવને અર્પણ અને અંતે પુત્ર પાછો મળ્યો ત્યારે પણ શિવની સામે પોતાનો અધિકાર નહીં, ક્ષમા. આથી ઘૃષ્ણેશ્વરની ભક્તિમાં સૌથી મોટું તત્વ પાર્થિવ લિંગોની સંખ્યા નથી. એક લાખ શિવલિંગોની પૂજા તેની સાધનાની વિશાળતા બતાવે છે, પરંતુ અંતિમ ક્ષણમાં એક વ્યક્તિ માટે મૃત્યુની માગણી ન કરવી તેની સાધનાની ઊંચાઈ બતાવે છે.
જ્યાં ક્ષમા પોતે વરદાન બની ગઈ
ઘૃષ્ણાની પ્રાર્થના સાંભળીને શિવ પ્રસન્ન થાય છે. તેઓ તેને બીજું વરદાન માગવા કહે છે. ઘૃષ્ણા ફરી પોતાના માટે કંઈ માગતી નથી. તે કહે છે કે જો વરદાન આપવાનું જ હોય તો શિવ ત્યાં જ તેના નામે સ્થિર રહે અને જગતનું રક્ષણ કરે. શિવ તેની આ ઇચ્છા સ્વીકારે છે અને ઘૃષ્ણેશ્વર નામે ત્યાં સ્થિર થવાનું વચન આપે છે. શિવપુરાણ અનુસાર આ રીતે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થાય છે.
અહીં આખી કથા ફરી એકવાર પોતાના મૂળ ભાવ તરફ પાછી આવે છે. શરૂઆતમાં ઘૃષ્ણા શિવ પાસે કંઈ મેળવવા માટે ઉપાસના કરતી હતી એવું કહેવું પણ પૂરતું નથી. તેની ઉપાસના પોતે જ જીવનનો ધર્મ બની ગઈ હતી. અંતે શિવ પ્રસન્ન થયા ત્યારે પણ તેણે પોતાના માટે સંપત્તિ, શક્તિ કે સુખ માગ્યું નહીં. તેણે શિવને જ માગ્યા, પરંતુ પોતાના માટે નહીં, જગત માટે. આ રીતે ઘૃષ્ણાની ક્ષમા અને શિવનું પ્રાગટ્ય એકબીજાથી અલગ પ્રસંગ નથી રહેતા. ઘૃષ્ણાએ બહેનને ક્ષમા કરી અને પછી શિવે તેના નામે સ્થિર થવાનું સ્વીકાર્યું. જાણે ભક્તિના અંતિમ પડાવે ભક્ત અને ભગવાન વચ્ચે ‘મારે શું જોઈએ?’નો પ્રશ્ન જ બાકી રહ્યો નહીં. ત્યાં માત્ર સમર્પણ રહ્યું.
શિવપુરાણ અંતે કહે છે કે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિ આ રીતે થઈ અને તેની સાથે બાર જ્યોતિર્લિંગનું વર્ણન પૂર્ણ થાય છે. એટલે આ પ્રસંગ માત્ર એક જ્યોતિર્લિંગની કથા પૂરી કરતો નથી, તે બાર જ્યોતિર્લિંગોની આખી પરંપરાના વર્ણનને પણ પૂર્ણ કરે છે.
વેરુળની ધરતી પર પૂર્ણ થતી જ્યોતિની યાત્રા
આજે ઘૃષ્ણેશ્વર મહારાષ્ટ્રના વેરુળમાં, પ્રસિદ્ધ એલોરા ગુફાઓની નજીક આવેલું છે. પરંતુ તેની ઓળખ માત્ર ભૌગોલિક સ્થાનથી થતી નથી. દેવગિરિની નજીકનું આ ક્ષેત્ર અને શિવાલય નામના સરોવર સાથે ઘૃષ્ણેશ્વરની પરંપરા જોડાયેલી છે. તે જ સરોવર જ્યાં ઘૃષ્ણા પોતાના પાર્થિવ શિવલિંગોનું વિસર્જન કરતી હતી અને જ્યાં તેના પુત્રનું પુનર્જીવન થયું.
આ સરોવરનું મહત્વ પણ કથામાં માત્ર સ્થળ તરીકે નથી. ઘૃષ્ણા દરરોજ માટીના શિવલિંગો બનાવે છે, તેમને પૂજે છે અને અંતે જળમાં સમર્પિત કરે છે. એ જ જળ એક દિવસ તેના જીવનના સૌથી મોટા વિયોગનું સાક્ષી બને છે અને એ જ સ્થળે શિવની કૃપાથી પુત્ર પાછો મળે છે. શરૂઆતથી અંત સુધી જળ અહીં એક જ વાતનું સ્મરણ કરાવે છે કે જે આવ્યું છે તે વહેવાનું છે, જે રચાયું છે તે વિસર્જિત થવાનું છે, પરંતુ સમર્પણમાંથી જન્મેલું શિવસ્મરણ રહેવાનું છે.
આથી જ ઘૃષ્ણેશ્વરને બાર જ્યોતિર્લિંગોની અંતિમ કડી તરીકે જોવામાં એક વિશેષ સૌંદર્ય છે. જ્યોતિર્લિંગોની આ યાત્રામાં આપણે શિવના અસંખ્ય સ્વરૂપો જોયાં. ક્યાંક તેઓ સોમનાથમાં ભક્તિના આહ્વાન પર સ્થિર થાય છે, ક્યાંક મલ્લિકાર્જુનમાં શિવ-શક્તિના એકત્વરૂપે, ક્યાંક મહાકાલમાં કાળથી પરે, ક્યાંક ઓમકારેશ્વરમાં પ્રણવના પરમ તત્વ સાથે, ક્યાંક વૈદ્યનાથમાં આંતરિક રોગના ઉપચારક, ક્યાંક ભીમાશંકરમાં પરમ શક્તિ તરીકે.
રામેશ્વરમાં રામ અને શિવના એકત્વનો ભાવ મળે છે, નાગેશ્વરમાં રુદ્રની વ્યાપકતા, કાશીમાં અવિમુક્ત આત્મતત્વ, ત્ર્યંબકેશ્વરમાં મૃત્યુના બંધનમાંથી અમૃતત્વ તરફની દિશા અને કેદારનાથમાં અચળ ઉપસ્થિતિ. હવે ઘૃષ્ણેશ્વરમાં આ યાત્રા એવી જગ્યાએ આવીને ઊભી રહે છે જ્યાં ભક્તિ પોતાના દુઃખને પણ સમર્પિત કરી શકે છે.
બાર જ્યોતિર્લિંગ, એક જ્યોતિ
બાર જ્યોતિર્લિંગોની આ યાત્રાને જોતા એક વાત ધીમે-ધીમે સ્પષ્ટ થવા લાગે છે કે બાર સ્વરૂપો હોવા છતાં શોધ એક જ છે. ક્યાંક પ્રશ્ન અલગ છે, ક્યાંક સાધના અલગ છે, ક્યાંક પુરાણપ્રસંગ અલગ છે, પરંતુ દરેક સ્થળે માણસને પોતાના મર્યાદિત ‘હું’થી આગળ લઈ જતું કોઈ એક તત્વ હાજર છે.
‘જ્યોતિર્લિંગ’ શબ્દમાં રહેલી ‘જ્યોતિ’ માત્ર બહાર દેખાતો પ્રકાશ નથી. ઉપનિષદોમાં જે પ્રકાશ અંતે અન્ય તમામ પ્રકાશોને પ્રકાશિત કરે છે, તે તરફ આ સંકેત જાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં અંધકારથી પ્રકાશ તરફ લઈ જવાની પ્રાર્થના છે અને કઠ ઉપનિષદ કહે છે કે જ્યાં સૂર્ય, ચંદ્ર, તારાઓ કે અગ્નિ પ્રકાશ આપી શકતા નથી, તેના પ્રકાશથી બધું પ્રકાશિત થાય છે. બાર જ્યોતિર્લિંગોની યાત્રાને આ દૃષ્ટિએ જોવામાં આવે તો દરેક તીર્થ બહારના કોઈ એક સ્વરૂપમાંથી અંદરના એક જ પ્રકાશ તરફ દોરી જતું લાગે છે.
આ પ્રકાશ ક્યારેક ભક્તિમાં દેખાય છે, ક્યારેક જ્ઞાનમાં, ક્યારેક તપસ્યામાં, ક્યારેક સમર્પણમાં. ઘૃષ્ણેશ્વરમાં તે ક્ષમાના રૂપે દેખાય છે. પરંતુ આ ક્ષમા પણ અંતિમ ગંતવ્ય નથી. ક્ષમા ત્યારે જન્મે છે જ્યારે અહંકાર પોતાના દુઃખને જ આખી દુનિયાનું કેન્દ્ર માનવાનું બંધ કરે અને જ્યાં ‘હું’નું કેન્દ્ર થોડું હળવું પડે છે ત્યાં શિવત્વનો અનુભવ વધુ નજીક આવે છે.
પૂર્ણાહુતિ: જ્યોતિ બહારથી અંદર સુધી આવી
બાર જ્યોતિર્લિંગોની આ લાંબી યાત્રા હવે અહીં પૂર્ણ થાય છે. પરંતુ કદાચ ‘પૂર્ણ’ શબ્દ અહીં પણ અધૂરો છે. કારણ કે સોમનાથથી ઘૃષ્ણેશ્વર સુધી આપણે જે શોધતા આવ્યા છીએ, તે બાર સ્થળોની બહાર ક્યાંક નથી. તે તો દરેક સ્થળે કોઈને કોઈ રૂપે પોતાની ઓળખ આપતું રહ્યું છે.
સોમનાથમાં ભક્તિએ શિવને બોલાવ્યા. મલ્લિકાર્જુનમાં સંબંધે શિવ-શક્તિનું એકત્વ બતાવ્યું. મહાકાલે કાળની સીમા તોડી. ઓમકારેશ્વરે પ્રણવમાં વ્યાપેલા અનંતનો સંકેત આપ્યો. વૈદ્યનાથે અંદરના રોગ તરફ ધ્યાન ફેરવ્યું. ભીમાશંકરે પરમ શક્તિ સામે માનવીય બળની મર્યાદા બતાવી. રામેશ્વરે ભેદની પાછળ રહેલા એકત્વનો અનુભવ કરાવ્યો. નાગેશ્વરે શિવની વ્યાપકતા બતાવી. કાશી અવિમુક્ત આત્મતત્વ તરફ દોરી ગઈ. ત્ર્યંબકેશ્વરે મૃત્યુમાંથી અમૃતત્વ તરફની પ્રાર્થના સંભળાવી. કેદારનાથે પરિવર્તનની વચ્ચે અચળતાનો અનુભવ કરાવ્યો.
અને હવે ઘૃષ્ણેશ્વર કહે છે કે આ અંતે તમારા હૃદયમાં શું બન્યું? જો જ્ઞાન આવ્યું પણ અહંકાર રહ્યો તો યાત્રા અધૂરી છે. જો ભક્તિ આવી પણ દ્વેષ રહ્યો તો યાત્રા અધૂરી છે. જો શિવના દર્શન થયા પણ પોતાના દુઃખથી ઉપર ઊઠવાની શક્તિ ન આવી તો જ્યોતિ હજુ બહાર જ છે. ઘૃષ્ણાની ભક્તિ અહીં એક અંતિમ દ્વાર ખોલે છે. શિવને બહાર શોધ્યા પછી એક દિવસ એવું પણ આવે છે જ્યારે પોતાના અંતરમાં રહેલા દ્વેષ, અહંકાર અને આસક્તિ સામે ઊભા રહેવું પડે છે.
ઘૃષ્ણા ત્યાં જીતી જ્યાં કોઈ શસ્ત્ર કામ ન આવ્યું. તેણે પોતાના દુઃખને હરાવ્યું. તેણે પોતાના પર થયેલા અપરાધને ન્યાયના નામે દ્વેષમાં ફેરવ્યો નહીં અને એ ક્ષણે શિવ માત્ર તેની સામે પ્રગટ થયા નહીં પણ તેનાં નામે ત્યાં સ્થિર થયા. ઘૃષ્ણેશ્વર આ યાત્રાનો અંતિમ પડાવ હોવા છતાં અંત નથી. અહીં જ્યોતિ બહારના મંદિરથી અંદરના મન સુધી આવીને થોભે છે.
બાર જ્યોતિર્લિંગોની યાત્રા કદાચ આપણને અંતે એક જ વાત સમજાવવા માટે છે કે શિવને શોધવા માટે બાર દિશામાં જવું પડે, પરંતુ શિવત્વને ઓળખવા માટે એક જ દિશામાં જવું પડે. અંદરની તરફ અને આ જ પૂર્ણાહુતિ છે. વિયોગમાંથી ક્ષમા જન્મે, ક્ષમામાં અહંકાર ઓગળે અને જ્યાં અહંકાર ઓગળે ત્યાં જે પ્રકાશ બાકી રહે, એ જ જ્યોતિ છે, એ જ શિવત્વ છે.


