મધ્ય-પૂર્વમાં ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલતા યુદ્ધમાં હવે યમનના હૂતીઓ પણ જોર કરવા માંડ્યા છે. તાજેતરમાં હૂતીઓએ રેડ સીમાં આવેલા અતિઅગત્યના પેરિમ ટાપુ પર કબજો કરી લીધો અને તેના કારણે ફરી એક વખત ક્રૂડ ઓઇલના પરિવહન પર જોખમ સર્જાયું છે. બીજી તરફ ડ્રોન હુમલાઓ થયા બાદ સાઉદી અરબે ઈસ્ટ-વેસ્ટ ઓઇલ પાઇપલાઇન બંધ કરી દીધી છે.
મધ્ય-પૂર્વ યુદ્ધમાં આ ઘટનાક્રમો કેમ સામાન્ય નથી અને તેની અસરો શું થઈ શકે એ સમજીએ.
ઈરાન અને અમેરિક વચ્ચે યુદ્ધ ચાલુ થયું ત્યારથી ઈરાનના સમર્થક ગણાતા યમનના હૂતીઓ રેડ સીમાંથી પસાર થતાં જહાજો પર અવારનવાર હુમલાઓ કરતા રહ્યા છે. પણ તાજેતરમાં હૂતીઓના નિયંત્રણવાળા યમનના સના એરપોર્ટ પર ઈરાનના એક વિમાનને લેન્ડ થવા ન દેવામાં આવ્યા બાદ હૂતીઓએ સાઉદી અરેબિયા વિરુદ્ધ હુમલા કરવાનું એલાન કરી દીધું.
હૂતીઓ અને સાઉદી વચ્ચેનો સંઘર્ષ જૂનો છે અને વર્ષો સુધી ચાલેલો આ સંઘર્ષ 2022માં સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપ બાદ શાંત પડ્યો હતો. જોકે ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે આ મોરચે પણ સતત તણાવ વધતો રહ્યો છે. યમનનો મોટો વિસ્તાર હાલ ત્યાંની સરકાર નિયંત્રિત કરે છે જ્યારે બાકીનો અમુક ભાગ હૂતીઓના નિયંત્રણમાં છે. સાઉદી યમનની સરકારના સમર્થનમાં છે. જ્યારે હૂતીઓ ઈરાનના સમર્થકો છે. સાઉદી અમેરિકાનું સાથી રાષ્ટ્ર છે. સાઉદી પર હૂતીઓ હુમલા કરે તો ઈરાનને આડકતરો ફાયદો એ છે કે અમેરિકાનું મધ્ય-પૂર્વનું એક મોટું મિત્રરાષ્ટ્ર યુદ્ધમાં ધકેલાય છે.
જુલાઈ મહિનામાં પણ હૂતીઓએ સાઉદી વિરુદ્ધ નાકાબંધીની ઘોષણા કરી હતી અને ત્યારબાદ સાઉદીએ યમનના હૂતીઓનાં ઠેકાણાં પર હુમલા કર્યા હતા. તાજેતરના વિમાનવાળા ઘટનાક્રમ પછી હૂતીઓએ ફરી સાઉદી અરબ પર હુમલા કરવાના ચાલુ કર્યા. સાઉદીની એનર્જી સાઇટ પર પણ ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થયા. બીજી તરફ રેડ સીમાંથી પસાર થતાં ઓઇલ ટેન્કરો પર પણ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરવાના શરૂ કર્યા.

બીજી તરફ યમનની સરકાર પણ હૂતીઓ સામે કાર્યવાહી વધુ કડક કરી રહી છે જેનો દોષ પણ હૂતીઓ સાઉદી અરબને જ આપતા રહે છે. સરકાર અને હૂતીઓ વચ્ચેના સંઘર્ષમાં ઘણા મોત પણ થયાં છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું છે. યમનની સરકાર કહી રહી છે કે તેઓ હૂતીઓના નિયંત્રણમાં રહેલાં ઠેકાણાં કબજે કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. યમનની સરકારને સાઉદી તરફથી મદદ મળે છે જ્યારે હૂતીઓને હથિયારો પૂરાં પાડવાનું કામ ઈરાનનું છે.
હૂતીઓએ કબજે કર્યો રેડ સીનો ટાપુ, વધુ એક દરિયાઈ માર્ગ પર જોખમ
આ સંઘર્ષની વચ્ચે તાજેતરમાં હૂતીઓએ રાતા સમુદ્રમાં આવેલા પેરિમ નામના એક ટાપુ પર કબજો કરી લીધો. આ ટાપુ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટમાં મધ્યમાં આવેલો છે. હોર્મુઝની જેમ જ આ એક અગત્યનો દરિયાઈ માર્ગ છે. નકશામાં જોશો તો તેનું સ્થાન બહુ અગત્યનું જણાશે.
એશિયા અને યુરોપ વચ્ચે સુએઝ કેનાલ મારફતે થતો દરિયાઈ વ્યાપાર આ જ માર્ગે થાય છે અને આફ્રિકા અને મધ્ય-પૂર્વ વચ્ચેના આ નાનકડા દરિયાઈ માર્ગમાંથી સેંકડો જહાજો પસાર થાય છે. સાઉદી વગેરે દેશો માટે રેડ સીમાંથી વ્યાપાર કરવા માટે આ અગત્યનો માર્ગ છે. તેની બરાબર વચ્ચે હૂતીઓ એક ટાપુ કબજે કરીને બેસી ગયા છે એટલે હવે હોર્મુઝ પછી આ માર્ગ પર પણ જોખમ સર્જાયું છે.
સાઉદીએ બંધ કરી દીધી ઓઇલ પાઇપલાઇન
હૂતીઓએ રેડ સીના ટાપુ પર કબજો કરી લીધા પછી અને ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થયા પછી સાઉદી અરબે ઈસ્ટ-વેસ્ટ ઓઇલ પાઇપલાઇન બંધ કરી દીધી છે. આ ડ્રોન અને મિસાઈલ હુમલાઓ માટે ઇરાકની ધરતીનો ઉપયોગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જેના કારણે ઇરાકે એક મિલિટરી કમાન્ડરને પણ ડિસમિસ કરી દીધો છે.
લગભગ 1200 કિલોમીટર લાંબી આ પાઇપલાઇન થકી સાઉદી અરબ પૂર્વ છેડેથી ઓઇલ પશ્ચિમે મોકલે છે અને ત્યાંથી બંદરો થકી દુનિયાભરમાં પહોંચે છે. આ પાઇપલાઇન સ્ટ્રેટ ઑફ હોર્મુઝના વૈકલ્પિક માર્ગનું પણ કામ કરે છે. હોર્મુઝ અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી બંધ રહ્યું છે. આ સંજોગોમાં આ પાઇપલાઇન હોર્મુઝનો ઉપયોગ કર્યા વગર ઓઇલનું પરિવહન કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવતી હતી.

પાછલા મહિનાઓમાં દૈનિક ધોરણે લગભગ 4 મિલિયનથી પાંચ મિલિયન બેરલ ઓઇલનું પરિવહન આ પાઇપલાઇનથી થયું છે, જે ગ્લોબલ ઓઇલ સપ્લાયનો 4થી 5% જેટલો હિસ્સો છે. હવે આ પાઇપલાઇન પણ બંધ થઈ ગઈ હોવાના કારણે અને હોર્મુઝ પહેલેથી અવરોધિત હોવાના કારણે ફરીથી ક્રૂડ ઓઈલના ભાવ વધશે એ નક્કી છે.
સાઉદી અરબે પાઇપલાઈન બંધ કરી હોવાની પુષ્ટિ કરી છે. સાથે જણાવ્યું છે કે ડ્રોન હુમલાઓથી ઊર્જા ઠેકાણાંને કેટલું નુકસાન પહોંચ્યું છે એ સમીક્ષા ચાલી રહી છે. સેટેલાઇટ તસવીરોમાં એક પમ્પિંગ સ્ટેશનમાંથી ધુમાડો ઉડતો જોવા મળે છે. હવે આના સમારકામમાં કેટલો સમય લાગશે અને પાઇપલાઇનને કોઈ નુકસાન થયું છે કે કેમ એ સંશોધનનો વિષય છે.
ઇરાકે પણ સાઉદી પર થયેલા હુમલા માટે પોતાની ધરતીનો ઉપયોગ થયો હોવાનું સ્વીકાર્યું છે. પણ સાથે ઇરાકના વડા પ્રધાને રિયાધને વિનંતી કરી છે કે તેઓ પાડોશી દેશો પર હુમલાનું કોઈ સમર્થન કરતા નથી અને જે કોઈ જવાબદાર હશે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. આ બાંહેધરીને હિસાબે સાઉદી અરબે હાલ પૂરતો કોઈ વળતો હુમલો કરવાનું ટાળી દીધું છે. ઇરાકે પણ એક મિલિટરી કમાન્ડરને ડિસમિસ કર્યો છે. સાથે ઈરાન સાથેની સરહદ પણ બંધ કરવાના આદેશ આપ્યા છે.
અમેરિકાનો હૂતીઓ સામે કાર્યવાહી કરવા માટે નનૈયો
‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’નો એક રિપોર્ટ કહે છે કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ મુદ્દે ટેલિફોનિક વાતચીત કરી હતી અને અમેરિકાને હૂતીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આગ્રહ કર્યો હતો, પરંતુ અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે એવી કોઈ કાર્યવાહી કરવાની સંભાવનાઓ નકારી દીધી છે.
અમેરિકાએ કહ્યું છે કે તેઓ યમન સરકાર અને સાઉદી સાથે સતત સંપર્કમાં છે અને અમેરિકાનું ફોકસ હાલ રાષ્ટ્રીય હિતોની સુરક્ષા અને રેડ સીમાં ફ્રીડમ ઑફ નેવિગેશન સુનિશ્ચિત કરવાનું છે.
ટૂંકમાં કહીએ તો મધ્ય-પૂર્વનું આ યુદ્ધ હવે ઈરાન અને અમેરિકા કે ઇઝરાયેલ પૂરતું સીમિત રહ્યું નથી. હવે તેમાં બીજા મોરચાઓ ખુલી રહ્યા છે. હૂતીઓ અને સાઉદી, બંને વર્ષોના સંઘર્ષ પછી શાંત પડ્યાં હતાં એ ફરી એકબીજા સામે તલવારો તાણી રહ્યાં છે. સંઘર્ષનો વ્યાપ હવે વધી રહ્યો છે. રણમેદાન હવે બદલાઈ રહ્યું છે.
આની અસર વિશ્વ પર એટલા માટે પડે કારણ કે મધ્ય-પૂર્વમાંથી દુનિયાને મોટાભાગનું ક્રૂડ ઓઇલ પહોંચે છે. એક દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પહેલેથી બંધ હતો, હવે હૂતીઓની અવળચંડાઈના કારણે બીજો માર્ગ બાબ-અલ-મંદેબ પણ જોખમમાં છે. ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આગળ શું થાય એ મધ્ય-પૂર્વનું તો ભવિષ્ય નક્કી કરશે જ પણ દુનિયા માટે પણ બહુ અગત્યના ઘટનાક્રમો હશે.


