Saturday, April 4, 2026
More
    હોમપેજમિડિયાઅદાણી વિરુદ્ધ ટ્વિટર પર લગાવ્યા આરોપ, કંપની કોર્ટમાં ઘસડી લઈ ગઈ તો...

    અદાણી વિરુદ્ધ ટ્વિટર પર લગાવ્યા આરોપ, કંપની કોર્ટમાં ઘસડી લઈ ગઈ તો સાબિત ન થયા: લેફ્ટિસ્ટ પત્રકાર રવિ નાયરને માનહાનિના કેસમાં 1 વર્ષની જેલ– વાંચો ચુકાદાની વિગતો

    ટ્રાયલને અંતે કોર્ટે ઠેરવ્યું કે રવિએ અમુક સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓનલાઇન માધ્યમો પર પ્રકાશિત થયેલા લેખોમાં અદાણી જૂથની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને રોકાણકારોમાં અવિશ્વાસ પેદા થાય તેવી સામગ્રી પ્રકાશિત કરી હતી અને તેના તેઓ કોઈ ઠોસ પુરાવા પણ રજૂ કરી શક્યા નહીં.

    - Advertisement -

    ગાંધીનગરના માણસાની મેજિસ્ટ્રેટ કોર્ટે મંગળવારે (10 ફેબ્રુઆરી) એક માનહાનિના કેસમાં લેફ્ટ વિંગના પ્રોપગેન્ડાબાજ પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવ્યા છે. કેસ અદાણી જૂથની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા વર્ષ 2021માં દાખલ કરવામાં આવ્યો હતો. પાંચ વર્ષ ટ્રાયલ ચાલ્યા બાદ આખરે કોર્ટે રવિ નાયરને દોષિત ઠેરવીને એક વર્ષની જેલની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યાં છે.

    ટ્રાયલને અંતે કોર્ટે ઠેરવ્યું કે રવિએ અમુક સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓનલાઇન માધ્યમો પર પ્રકાશિત થયેલા લેખોમાં અદાણી જૂથની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને રોકાણકારોમાં અવિશ્વાસ પેદા થાય તેવી સામગ્રી પ્રકાશિત કરી હતી અને તેના તેઓ કોઈ ઠોસ પુરાવા પણ રજૂ કરી શક્યા નહીં. કોર્ટે નાયરને IPCની કલમ 500 (માનહાનિ) હેઠળ દોષી ઠેરવીને સજા સંભળાવી છે.

    ઑપઇન્ડિયા પાસે ચુકાદાની નકલ ઉપલબ્ધ છે. આ સમગ્ર કેસ શું હતો અને કોર્ટે કેમ સજા આપી– વિગતે જોઈએ.

    - Advertisement -

    શું છે કેસ?

    મામલો સપ્ટેમ્બર 2021માં કોર્ટ પહોંચ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝે ઑક્ટોબર 2020થી જુલાઈ 2021 દરમ્યાન રવિ નાયરે ટ્વિટર (જે હવે X થઈ ગયું છે) પર કરેલાં અમુક ટ્વિટ અને ‘અદાણી વૉચ’ નામના ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર લખેલા અમુક લેખો રજૂ કરીને IPC 500 હેઠળ ગુનાહિત માનહાનિનો દાવો કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું કે અદાણી જેવા વિશ્વભરના ઉદ્યોગોમાં ફેલાવો ધરાવતા અને અનેક ક્ષેત્રોમાં લાખો-કરોડોનો કારોબાર ધરાવતા ઉદ્યોગસમૂહ વિશે કથિત પત્રકારે તદ્દન ખોટા આરોપો લગાવ્યા હતા, જેના કારણે કંપનીની અને ઉદ્યોગ સમૂહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાની અને તેનાથી લોકોનો અને ખાસ કરીને રોકાણકારોના જૂથ પ્રત્યેના વિશ્વાસને પણ અસર પહોંચવાની સંભાવના છે.

    અદાણીએ રવિ નાયરનાં જે ટ્વિટ અને લેખો સામે વાંધો ઉઠાવ્યો હતો તેમાં ‘પત્રકારે’ એ જ લેફ્ટવિંગ પ્રોપગેન્ડા આગળ ધપાવવાના પ્રયાસ કર્યા હતા જે વર્ષોથી ચાલતો આવે છે– સરકાર અમુક ઉદ્યોગસમૂહોને વધુ મહત્ત્વ આપી રહી છે અને તેમની વચ્ચે કશુંક સાંઠગાંઠના કારણે કાયમ આ અમુક કંપનીઓને લાભ પહોંચાડવામાં આવતા રહે છે. પરંતુ આ આરોપો માટે કોઈ ઠોસ પુરાવા રજૂ કરવામાં ન આવ્યા કે એ સાબિત કરવામાં ન આવ્યું કે સરકાર કઈ રીતે અદાણીને વિશેષ લાભ પહોંચાડી રહી છે.

    અદાણી સામે શું આરોપ લગાવ્યા હતા?

    નાયરે ટ્વિટ અને લેખોમાં આરોપો લગાવ્યા હતા કે અદાણી જૂથને અમુક રાજકીય સાંઠગાંઠનો લાભ મળી રહ્યો છે અને તેના કારણે તેને લાભ પહોંચાડવા માટે અમુક પર્યાવરણના નિયમો બાજુ પર મૂકવામાં આવી રહ્યા છે. ઉપરાંત અદાણીને લાભ પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર અમુક સરકારી એજન્સીઓનો પણ દુરુપયોગ કરતી હોવાનું જણાવાયું હતું.

    અમુક ટ્વિટમાં અદાણી જૂથ સામે ભ્રષ્ટાચાર, જમીનનું બળજબરીથી અધિગ્રહણ, નાણાકીય બાબતોમાં ગોલમાલ, નિયમન પ્રક્રિયાઓનું ઉલ્લંઘન અને માનવાધિકાર ઉલ્લંઘન વગેરે જેવા પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. અમુક ટ્વિટ્સમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી જૂથ વધારે પડતા દેવામાં છે અને સાર્વજનિક ક્ષેત્રની બેન્કો માટે તે જોખમ ઊભું કરી શકે છે કે તેનો સંબંધ ભાગેડુઓ અને વિદેશી કંપનીઓ સાથે પણ છે.  

    ફરિયાદમાં અદાણીએ આ તમામ પોસ્ટ અને લેખો સામે વાંધો ઉઠાવીને કહ્યું કે આ આરોપ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કે તપાસ વગર કે સત્તાવાર નિષ્કર્ષ વગર, ઠોસ તથ્યો રજૂ કર્યા વગર લગાવી દેવામાં આવ્યા હતા અને એ રીતે રજૂ કરવામાં આવ્યા હતા જેથી લોકોના મનમાં કંપની પ્રત્યે શંકા, અવિશ્વાસ કે નકારાત્મક અભિપ્રાય પેદા થાય.

    કોર્ટે પ્રાથમિક તપાસ બાદ મોકલ્યું સમન્સ

    અરજી દાખલ થયા બાદ આરોપીને સમન્સ પાઠવવા પહેલાં CrPC 202 હેઠળ મેજિસ્ટ્રેટે તપાસનો આદેશ આપ્યો હતો. આ તપાસ એટલા માટે હાથ ધરવામાં આવે છે જેથી કોર્ટ એ બાબતે સ્પષ્ટ થઈ શકે કે લગાવવામાં આવેલા આરોપોનું પ્રથમ દૃષ્ટ્યા કોઈ મૂલ્ય છે કે કેમ અને શું આરોપીને સમન્સ પાઠવવા જોઈએ કે કેમ.

    પછીથી આ મામલે અદાણી જૂથે રજૂ કરેલા પુરાવાઓ અને અન્ય સામગ્રી ધ્યાને લઈને કોર્ટે કેસ સ્વીકારી લઈને CrPC 204 હેઠળ રવિ નાયરને સમન્સ પાઠવ્યાં હતાં અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

    નાણાકીય નુકસાન ન થયું હોવાની રવિના વકીલની દલીલ, કોર્ટે કેમ ફગાવી?

    કાર્યવાહી દરમ્યાન ત્રણ સાક્ષીઓની ઉલટતપાસ કરવામાં આવી હતી, જેઓ અદાણી જૂથના કર્મચારીઓ છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે કઈ રીતે ટ્વિટ્સ અને પોસ્ટ તેમનાં ધ્યાનમાં આવ્યાં હતાં અને કઈ રીતે આરોપો કંપની અને ઉદ્યોગસમૂહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે.  કોર્ટ સમક્ષ આ તમામ ટ્વિટ અને બે લેખો રજૂ કરવામાં આવ્યા હતા.

    સાક્ષીઓની ઉલટતપાસ દરમ્યાન રવિ નાયરના વકીલે અમુક બાબતો પર વાંધો ઉઠાવ્યો હતો. જેમકે, દલીલ એવી કરવામાં આવી કે આ આરોપો કે લેખોના કારણે જ શેરમાં ઘટાડો આવ્યો હોય તેના કોઈ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી કે કોઈ રોકાણકારે આ સામગ્રીથી પ્રભાવિત થઈને ફરિયાદ કરી હોય તેવું પણ કોર્ટને જણાવવામાં આવ્યું નથી. અમુક સાક્ષીઓએ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે તેમનું નાણાકીય બાબતોનું જ્ઞાન સીમિત છે. ઉપરાંત મામલો કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આવે કે કેમ તે બાબતે પણ પ્રશ્ન કરવામાં આવ્યો, કારણ કે આરોપી દિલ્હીમાં રહે છે.

    જોકે કોર્ટે આ બાબતે CrPC 179 ટાંકીને કહ્યું કે ભલે ટ્વિટ બીજે ક્યાંકથી પ્રકાશિત થયાં હોય પણ તે કંપનીના કર્મચારી દ્વારા માણસામાં કંપનીના જ કામ દરમ્યાન જોવામાં આવ્યાં હતાં. જેથી આ બાબત માણસા કોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને કોર્ટને ટ્રાયલ ચલાવવાનો પૂરેપૂરો અધિકાર છે.

    જ્યાં સુધી વાત આ ટ્વિટ્સ અને લેખોના કારણે નાણાકીય નુકસાન થવાની છે, કોર્ટે કહ્યું કે IPC 499 હેઠળ માનહાનિ એ માત્ર નાણાકીય નુકસાન પૂરતી સીમિત નથી અને એ પણ જોવાનું રહે કે શું જે-તે વ્યક્તિ કે કંપની વિરુદ્ધ દોષારોપણ કરવામાં આવ્યું છે કે કેમ. શું તેનું પ્રકાશન થયું છે કે કેમ અને જો થયું હોય તો તેના કારણે કંપની કે વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે તેવું માનવાનાં પર્યાપ્ત કારણો છે કે કેમ.

    કોર્ટે ચુકાદામાં એ પણ નોંધ્યું છે કે ટ્રાયલ દરમ્યાન ક્યાંય પણ આરોપી પત્રકારે પોતે આ ટ્વિટ ન કર્યા હોવાનું કે લેખો ન લખ્યા હોવાનું જણાવ્યું નથી. એટલે કે તેઓ સ્વીકારે છે કે આ સામગ્રી તેમણે પોતે જ લખીને પ્રકાશિત કરી હતી. ઉપરાંત તેઓ એ પણ સાબિત ન કરી શક્યા કે IPC 499 હેઠળ જે અપવાદ જણાવવામાં આવ્યા છે તેમાં તેમનાં ટ્વિટ્સ કે લેખો આવે છે.

    ઉલ્લેખનીય છે કે માનહાનિના કાયદામાં અમુક અપવાદો પણ છે, જેમકે અમુક આરોપો અને સામગ્રી જો જાહેર જનતાના હિતમાં હોય તો એ પ્રકાશિત કરી શકાય છે. પરંતુ આ કેસમાં રવિ નાયર એ બાબત સ્થાપિત કરી શક્યા નહીં અને માનહાનિના કેસમાં એક વખત એ સ્થાપિત થઈ જાય કે દોષારોપણ કરતી સામગ્રીનું પ્રકાશન થયું છે ત્યારબાદ આરોપીએ સાબિત કરવાનું રહે છે કે તેમનો કેસ માનહાનિ નહીં પણ સ્ટેચ્યુટરી એક્સેપ્શનમાં (અપવાદો) આવે છે. એટલે કે તેમણે કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા નહીં પણ જાહેર જનતાના હિતમાં હતા એટલે આરોપ લગાવ્યા હતા. પણ આ કેસમાં નાયર એ સાબિત કરી શક્યા નહીં.

    ટ્વિટ માનહાનિ કરનારાં, અદાણીની પ્રતિષ્ઠા પર સીધો હુમલો: કોર્ટ

    કોર્ટે નોંધ્યું કે ટ્વિટ અને લેખોની સામગ્રી અને ટોનથી એ સ્પષ્ટ છે કે અદાણી વિરુદ્ધ ભ્રષ્ટાચાર, પર્યાવરણ નિયમોના ઉલ્લંઘન, એજન્સીઓના દુરુપયોગ અને સરકાર પાસેથી વિશેષ લાભ મેળવવાના અમુક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. કોઈ ઠોસ પુરાવા વગર આ આરોપો લગાવવામાં આવે તો એ ઉદ્યોગ સમૂહની પ્રતિષ્ઠા પર સીધો હુમલો છે.

    સાથે કોર્ટે નોંધ્યું કે સંસ્થાને આ આરોપોના કારણે નાણાકીય નુકસાન થયું હોય કે ન થયું હોય, પરંતુ માત્ર નાણાકીય નુકસાન નથી થયું એટલે છબી નથી ખરડાઈ એવું માની શકાય નહીં. જે આરોપો લગાવવામાં આવ્યા હતા, દોષારોપણ કરવામાં આવ્યું હતું એ માનહાનિ માટે પૂરતાં હતાં.

    કોર્ટે અંતે એ ઠેરવ્યું કે ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં સફળ રહ્યો છે કે રવિ નાયરનાં ટ્વિટ અને લેખો બદનક્ષીભર્યાં હતાં અને અદાણી જૂથની માનહાનિ કરવા માટે પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં. કોર્ટે રવિ નાયરને દોષી ઠેરવીને એક વર્ષની જેલની સજા ફટકારી હતી.

    કોર્ટે પ્રોબેશનનો લાભ કેમ ન આપ્યો?

    સામાન્ય રીતે માનહાનિના કેસોમાં કોર્ટ અમુક વખત પ્રોબેશનનો લાભ પણ આપે છે, એટલે વ્યક્તિ દોષી તો ઠેરવાય પણ જેલમાં મોકલવામાં આવતી નથી. પણ આ રસ્તો એવા કિસ્સાઓમાં અપનાવાય છે જ્યાં ગુનો બહુ ગંભીર ન હોય, આરોપીની ઉંમર નાની હોય, કૃત્ય અજાણતાંમાં કરવામાં આવ્યું હોય કે કોઈ દેખીતો બદઈરાદો ન હોય. પરંતુ આ કેસમાં કોર્ટે આ રસ્તો અપનાવ્યો નથી.

    કોર્ટે કહ્યું કે આ કેસમાં આરોપી એક પરિપક્વ માણસ છે, જેમને કાયદાકીય બાબતોનું પ્રારંભિક જ્ઞાન પણ છે અને પોતાનાં કૃત્યોનાં શું પરિણામો આવી શકે તેની પણ ખબર હતી. એક પત્રકાર છે અને તેના કારણે તેમની જવાબદારી વધી જાય છે. જેથી આ કૃત્ય અજાણતાંમાં નહીં પણ જાણીજોઈને કરવામાં આવ્યું હતું અને જો પ્રોબેશનનો લાભ આપવામાં આવે તો ગુનાની ગંભીરતા ઘટશે અને સમાજમાં સંદેશ પણ એવો જશે કે આવાં કૃત્યોનાં કોઈ ગંભીર પરિણામ આવતાં નથી. જેથી કોર્ટે મિડલ ગ્રાઉન્ડ સેન્ટન્સનો રસ્તો અપનાવીને 1 વર્ષની સજા ફટકારી હતી. સામાન્ય રીતે આવા કેસમાં મહત્તમ બે વર્ષની સજાની જોગવાઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં