બંગાળના માલદામાં અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાની તપાસ NIAને સોંપાઈ, TMC કોર્પોરેટરો વિરુદ્ધ FIR: હમણાં સુધી 18ની ધરપકડ

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં 1 એપ્રિલ 2026ના રોજ સર્જાયેલી હિંસક ઘટનાએ ભારે તંગદિલી પેદા કરી છે. મતદાર યાદીના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન નામો રદ કરવાના આરોપ સાથે ઉશ્કેરાયેલા ટોળાએ કાલિયાચક ખાતેની BDO કચેરીમાં સાત જુડિશિયલ અધિકારીઓને ઘેરી લીધા હતા. આ જૂથમાં ત્રણ મહિલા અધિકારીઓ અને એક પાંચ વર્ષનું બાળક પણ સામેલ હતું, જેમને અન્ન-જળ વિના સતત નવ કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના માલદાની આ ઘટના પર કડક વલણ અપનાવતા તેને ‘અત્યંત નિંદનીય’ ગણાવી છે અને રાજ્ય સરકારને જોરદાર ફટકાર લગાવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચે પશ્ચિમ બંગાળને દેશનું સૌથી વધુ ધ્રુવીકૃત રાજ્ય ગણાવતા ટિપ્પણી કરી કે જુડિશિયલ અધિકારીઓને બંધક બનાવવા એ માત્ર તેમને ડરાવવાનું કૃત્ય નથી પરંતુ સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રને સીધો પડકાર છે. રાજ્ય વહીવટીતંત્રની આ ‘સંપૂર્ણ નિષ્ફળતા’ને ધ્યાને રાખીને કોર્ટે ચૂંટણી પંચને આ મામલે NIA જેવી સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરાવવાનો મહત્વનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ ભારતીય ચૂંટણી પંચે (ECI) ત્વરિત કાર્યવાહી કરતા 2 એપ્રિલ 2026ના રોજ માલદા હિંસાની તપાસ NIAને સોંપી દીધી છે. પંચના સેક્રેટરી સુજીત કુમાર મિત્રાએ આ અંગે NIAના ડિરેક્ટર જનરલને સત્તાવાર પત્ર લખ્યો છે અને NIAની ટીમ 3 એપ્રિલે જ તપાસ માટે પશ્ચિમ બંગાળ પહોંચવાની શક્યતા છે. કોર્ટે ચૂંટણી પંચને કેન્દ્રીય દળોની મદદ લેવા અને જુડિશિયલ અધિકારીઓ જ્યાં કામ કરી રહ્યા હોય ત્યાં તેમની તહેનાત કરવાનો પણ આદેશ આપ્યો હતો.

માલદા હિંસાના મુખ્ય આરોપી તરીકે ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટના (ISF) ઉમેદવાર શાહજહાં અલીકાદરીનું નામ સામે આવ્યું છે. પોલીસે તેની અને અન્ય 18 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આરોપ છે કે તેમણે SIR પ્રક્રિયા વિરુદ્ધ લોકોને ઉશ્કેર્યા અને અધિકારીઓને બંધક બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઘટનામાં પોલીસ પર પણ હુમલો થયો હતો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી.

માલદા હિંસા બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી બહાર ટીએમસી કાર્યકર્તાઓએ ગેરકાયદેસર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિપિંગ કોર્પોરેશન બિલ્ડિંગ પાસે થયેલા આ હોબાળામાં પોલીસની સૂચનાઓનો અનાદર કરવા બદલ કોલકાતા પોલીસે બે કોર્પોરેટરો શાંતિ રંજન કુંડુ અને સચિન સિંઘ સહિત કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે. આરોપીઓ પર સરકારી કામમાં અવરોધ ઊભો કરવા, રસ્તા જામ કરી ટ્રાફિક ખોરવવા અને ચૂંટણી અધિકારી વિરુદ્ધ ભડકાઉ તથા ધમકીભર્યા નારા લગાવવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.