
વારાણસીની સેશન્સ કોર્ટે ગંગા નદીમાં બોટ પર ઇફ્તાર પાર્ટી કરવા અને માંસાહારી ખોરાકના અવશેષો પવિત્ર નદીમાં ફેંકવાના આરોપમાં 14 મુસ્લિમ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. 1 એપ્રિલ, 2026ના રોજ ચુકાદો આપતા જજ અલોક કુમારે જણાવ્યું કે, નદીમાં હાડકાં અને કચરો ફેંકવો એ ગંભીર બાબત છે. કોર્ટે માન્યું કે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાયરલ થવો એ સ્પષ્ટ કરે છે કે આ કૃત્ય જાણીજોઈને સામાજિક શાંતિ ડહોળવા માટે કરવામાં આવ્યું હતું.
કોર્ટે વધુમાં નોંધ્યું કે ધાર્મિક લાગણીઓ દુભાય તેવા વિડીયો બનાવીને તેને પ્રસારિત કરવાથી ગુનાની ગંભીરતા વધી જાય છે. ખાસ કરીને ઈદ જેવા તહેવારોના સમયે આવા વિડીયો ફેલાવવાથી સમાજમાં તણાવ પેદા થવાની શક્યતા રહે છે. આથી ઘટનાની ગંભીરતા અને સામાજિક સંવાદિતાને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીઓને જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
જજ અલોક કુમારે ચુકાદો આપતાં જણાવ્યું કે વિડીયોના પ્રસારણને કારણે આ ગુનાની પ્રકૃતિ વધુ ગંભીર બની ગઈ છે, જેનાથી સમાજમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે. કેસનાં તથ્યો અને ગંભીરતાને ધ્યાનમાં લેતાં કોર્ટને જામીન આપવા માટે કોઈ યોગ્ય કારણો જણાયાં નથી. કોર્ટના મતે પવિત્ર ગંગા નદીમાં કરવામાં આવેલી આ હરકત અને તેનું ઓનલાઇન પ્રસારણ સાબિત કરે છે કે આ ઘટના સામાજિક શાંતિ અને સંવાદિતાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો
આ કેસમાં કુલ 14 મુસ્લિમ પુરુષો સામેલ છે, જેમના નામ અઝાદ અલી, આમિર કૈફી, દાનિશ સૈફી, મોહમ્મદ અહમદ, નેહાલ અફ્રીદી, મહફૂઝ આલમ, મોહમ્મદ અનસ, મોહમ્મદ અવ્વલ, મોહમ્મદ તહસીમ, મોહમ્મદ અહમદ ઉર્ફ રાજા, મોહમ્મદ નૂર ઇસ્માઇલ, મોહમ્મદ તૌસીફ અહમદ, મોહમ્મદ ફૈઝાન અને મોહમ્મદ સમીર છે. આ તમામ વ્યક્તિઓએ 15 માર્ચ, 2026ના રોજ રમઝાન માસ દરમિયાન પવિત્ર ગંગા નદીમાં એક બોટ પર ઇફ્તાર પાર્ટી કરી હતી.
આરોપ મુજબ, આ શખ્સોએ બોટમાં બેસીને ચિકન બિરયાની જેવી માંસાહારી વાનગીઓ ખાઈને કચરો અને હાડકાં સીધાં ગંગા નદીના પવિત્ર જળમાં ફેંકી દીધાં હતાં. આ કૃત્યનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે ગંગા નદી કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતીક છે. ત્યારબાદ ભારતીય જનતા યુવા મોર્ચાના જિલ્લા અધ્યક્ષ રાજત જયસ્વાલે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વારાણસી પોલીસે 17 માર્ચના રોજ તમામ 14 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની (BNS) ગંભીર કલમો લગાડવામાં આવી છે, જેમાં દુશ્મનાવટને પ્રોત્સાહન (196-1-બી), જળાશયને દૂષિત કરવું (279), પૂજાસ્થળને અપવિત્ર કરવું (298) અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી (299) જેવી કલમો સામેલ છે. આ ઉપરાંત પાણી પ્રદૂષણ નિવારણ કાયદા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપીઓએ સૌપ્રથમ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે નામંજૂર થઈ હતી. ત્યારબાદ તેઓએ સેશન્સ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સેશન્સ કોર્ટે કેસ ડાયરી અને બંને પક્ષોની દલીલોનો અભ્યાસ કર્યા બાદ નોંધ્યું કે આરોપીઓ વિરુદ્ધના પુરાવા મજબૂત છે. પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો સ્પષ્ટ કરે છે કે આ કૃત્ય આરોપીઓએ જાણીજોઈને કર્યું હતું.

