
ગાંધીનગરના માણસાની મેજિસ્ટ્રેટ કોર્ટે ‘પત્રકાર’ રવિ નાયરને માનહાનિના એક કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારી છે. કેસ અદાણી જૂથની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ દ્વારા વર્ષ 2021માં દાખલ કરવામાં આવ્યો હતો, જેની ઉપર 10 ફેબ્રુઆરીના રોજ કોર્ટે ચુકાદો આપ્યો હતો.
ફરિયાદમાં અદાણીએ આરોપ લગાવ્યો હતો કે રવિ નાયરે કંપની અને જૂથની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા ઇરાદે અમુક બદનક્ષીભર્યાં અને તદ્દન ખોટા આરોપોવાળાં ટ્વિટ સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર (હવે X) પર પોસ્ટ કર્યાં હતાં. ત્યારબાદ માણસા કોર્ટે અરજી સ્વીકારીને કેસ આગળ ચલાવ્યો હતો.
અરજીમાં અદાણીની કંપનીએ પત્રકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમનાં ટ્વિટ ‘ફેર કૉમેન્ટ’ની શ્રેણીમાં કે વાજબી ટીકાની શ્રેણીમાં પણ આવતાં નથી અને જાણીજોઈને લોકો અને રોકાણકારોની નજરમાં કંપનીની વિશ્વસનીયતા ઓછી કરવાના ઈરાદે પોસ્ટ કરવામાં આવ્યાં હતાં.
લગભગ પાંચ વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ કોર્ટે ઠેરવ્યું કે અદાણીના પક્ષમાં કેસ બને છે અને રવિ નાયર માનહાનિ માટે દોષી ઠરે છે. કોર્ટે નાયરને એક વર્ષની સજા અને દંડ ફટકાર્યાં છે.
વિસ્તૃત ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે.

