કોકરોચોના પ્રદર્શન દરમ્યાન હિંસા મામલે ષડ્યંત્રના એન્ગલથી પણ તપાસ કરશે દિલ્હી પોલીસ, અફવા ફેલાવવા પાકિસ્તાની હેન્ડલ-બોટનો સહારો લેવાયો હોવાની આશંકા

નવી દિલ્હીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ના (CJP) પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને અરાજકતા બાદ હવે સુરક્ષા એજન્સીઓએ ગુનાહિત ષડ્યંત્રના એન્ગલથી પણ તપાસ શરૂ કરી છે. બીજી તરફ પ્રદર્શન દરમ્યાન સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા માટે, ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવા માટે પાકિસ્તાન સ્થિત હેન્ડલો અને બોટનો ઉપયોગ થયો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર કોકરોચ પ્રદર્શન અંગે અફવાઓ અને ખોટી માહિતી પણ ફેલાવવામાં આવી રહી હતી. આવી જ એક પોસ્ટમાં 7 પ્રદર્શનકારીઓનાં મોત થયાં હોવાના અને સેંકડો ઘાયલ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અન્ય અમુક પોસ્ટમાં જાણીજોઈને ઉશ્કેરણીજનક માહિતી ફેલાવવામાં આવી હતી. અમુક ઠેકાણે જૂના વિડીયો ફરતા કરવામાં આવ્યા હતા, જેને હાલની ઘટના સાથે કોઈ સંબંધ નથી. અમુક વિડીયોમાં પોલીસે બર્બરતાપૂર્વક વિદ્યાર્થીઓને માર માર્યો હોવાના, પેલેટ ગનનો ઉપયોગ થયો હોવાના દાવા કરવામાં આવ્યા હતા.

હવે પોલીસ આ તમામ દિશામાં તપાસ શરૂ કરી રહી છે. એજન્સીઓ શંકાસ્પદ આઇપી એડ્રેસ ખંગાળી રહી છે અને એ ચકાસી રહી છે કે કોઈ ષડ્યંત્રના ભાગરૂપે આ અફવાઓ અને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હતી કે કેમ.

તપાસમાં બહાર આવ્યું છે કે આ આંદોલનના મેનિફેસ્ટો, વેબસાઈટ અને પોસ્ટરો તૈયાર કરવા માટે ચેટજીપીટી અને ક્લોડ જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરાયો હતો. સુરક્ષા એજન્સીઓ આ તમામ પ્રવૃત્તિઓ પાછળ કયા ટેકનિકલ માઇન્ડસેટનો હાથ છે તે દિશામાં તપાસ કરી રહી છે.

આ ઉપરાંત, આ તથાકથિત બિન-રાજકીય આંદોલનમાં વિપક્ષી દળો અને લેફ્ટ સ્ટુડન્ટ યુનિયન્સની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે. NEET પેપર લીકના મુદ્દે શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સપા તેમજ SFI, AISA, AISF અને BAPSA જેવાં વામપંથી છાત્ર સંગઠનો સક્રિય હતાં. પોલીસનું કહેવું છે કે હિંસા ભડકાવવામાં આવાં સંગઠનો અને રાજકીય પાર્ટીઓનો હાથ હોવાનું સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.

5 FIR નોંધાઈ, અનેકની અટકાયત, બાકીનાની શોધખોળ ચાલુ

દિલ્હી પોલીસે સમગ્ર હિંસા મામલે કાયદાકીય કાર્યવાહી તેજ કરી દીધી છે. દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ, બારાખંભા અને કન્નાટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, જાહેર અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવું તેમજ સરકારી કર્મચારીઓ પર હુમલો કરવા બદલ અલગ-અલગ 5 FIR નોંધવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં 70થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે અને CCTV તથા ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજી દ્વારા હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ અનુસાર તોફાનીઓમાં બધા જ વિદ્યાર્થીઓ નહીં પરંતુ બહારના તત્વો પણ હતા.

પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓએ 15થી 20 સરકારી વાહનો અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસક અથડામણમાં અનેક પોલીસકર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે, જ્યારે પ્રદર્શનકારીઓમાંથી પણ ઘણાને ઈજા પહોંચી છે. હાલ તપાસ ચાલી રહી છે.