હોમપેજદેશબંગાળના મુસ્લિમ બહુલ માલદામાં ટોળાએ અધિકારીઓને બંધક બનાવી રાખ્યા, વાહનો પર ફેંક્યા...

બંગાળના મુસ્લિમ બહુલ માલદામાં ટોળાએ અધિકારીઓને બંધક બનાવી રાખ્યા, વાહનો પર ફેંક્યા પથ્થર: સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને લગાવી ફટકાર– શું બન્યું હતું?

કલાકો સુધી કાર્યવાહી ન થઈ, અધિકારીઓને જાણ કરાઈ છતાં ન ફરક્યા. CJIએ કહ્યું– આ સૌથી વધુ પોલરાઇઝ્ડ સ્ટેટ છે. કડક કાર્યવાહી કરવામાં આવે.

- Advertisement -

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી અગાઉ માલદામાં એક ઘટના બની ગઈ, જેણે ફરીથી રાજ્યની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. મુસ્લિમ બહુલ માલદા વિસ્તારમાં એક BDO (બ્લૉક ડેવલપમેન્ટ ઑફિસ) બહાર ટોળાંએ સાત ન્યાયિક અધિકારીઓને (જ્યુડિશિયલ ઑફિસર) ઘેરી લીધા હતા અને કલાકો સુધી બંધક બનાવી રાખ્યા હતા. અધિકારીઓમાં ચાર મહિલાઓ પણ સામેલ હતી, જેમને SIR દરમ્યાન અલગ તારવેલા અમુક મતદારોનાં ઓળખપત્રોની ખરાઈ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર અમુક વિડીયો અને દૃશ્યો સામે આવ્યાં છે, જેમાં મોટા પ્રમાણમાં ટોળું એકઠું થયેલું અને હોબાળો મચાવતું જોવા મળે છે.

અધિકારીઓ અનુસાર BDO ઑફિસની બહાર ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને ધીમેધીમે સ્થિતિ વણસતી ગઈ. જેના કારણે અધિકારીઓ બહાર પણ જઈ શકતા ન હતા. લગભગ રાત્રે 11 વાગ્યે એએસપી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ ધાડાં ખડકવામાં આવ્યાં.

- Advertisement -

અહેવાલો અનુસાર જ્યારે અધિકારીઓ કચેરીમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે પણ તેમની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેમનાં વાહનોને નિશાન બનાવવામાં આવ્યાં. અમુક વાહનો પર પથ્થર ફેંકવામાં આવ્યા તો લાઠી-દંડા વડે હુમલા કરવના પ્રયાસ થયા હોવાનું પણ સ્થાનિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે માલદામાં લગભગ 18000 મૃત અને ડુપ્લીકેટ મતદારો હોવાનું SIRમાં સામે આવ્યું છે. હાલ મતદાર યાદીનું સઘન નિરીક્ષણ ચાલી રહ્યું છે ત્યારે ચૂંટણીલક્ષી કામગીરી કરતા ન્યાયિક અધિકારીઓ સાથે જ આ ઘટના બની ગઈ હતી. આ વિસ્તારમાં ઘૂસણખોરોની વસ્તી પણ હોવાનું કહેવાય છે, જેમનાં નામ યાદીમાંથી કપાઈ જતાં પ્રદર્શનના નામે ઉત્પાત મચાવવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે લીધું સ્વયં સંજ્ઞાન

સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. ગુરુવારે (2 એપ્રિલ) SIR પરની અરજીઓ પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ઘટનાનું સંજ્ઞાન લીધું હતું અને બંગાળ સરકારને ફટકાર લગાવી હતી.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે રાત્રે 2 વાગ્યા સુધી ઘટનાક્રમો પર નજર રાખી રહ્યા હતા અને કલાકો સુધી અધિકારીઓને કોઈ મદદ પહોંચી ન હતી. કોર્ટે અધિકારીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું છે.

આદેશમાં કોર્ટે નોંધ કરતાં કહ્યું કે બપોરે 3:30 વાગ્યે ટોળાં એકઠાં થવાનાં શરૂ થયાં હતાં અને સ્થાનિક પ્રશાસનને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, તેમ છતાં રાત્રે 8:30 સુધી કશું જ ન થયું. ત્યારબાદ ગૃહ સચિવનો સંપર્ક કરવામાં આવ્યો અને DGP અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ જાણ કરવામાં આવી. કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું પરંતુ પછી પણ કશું નક્કર ન થયું. CJIએ કહ્યું કે હાઇકોર્ટ મુખ્ય ન્યાયાધીશે પોતાના પત્રમાં કહ્યું છે કે ન તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે ન જિલ્લા પોલીસ વડા સ્થળ પર પહોંચ્યા હતા અને CJએ DGP અને ગૃહ સચિવને જાણ કરવી પડી હતી.

આખરે DGP કલકત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી અને રાત્રે 12 વાગ્યે અધિકારીઓ મુક્ત થઈ શક્યા હતા. એટલું જ નહીં તેઓ જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે ફરીથી તેમનાં વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો અને લાઠી-દંડા વડે હુમલો થયો.

અધિકારીઓ પર કોર્ટે ઉઠાવ્યા પ્રશ્નો, જવાબ રજૂ કરવા આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ન માત્ર ન્યાયિક અધિકારીઓને ધમકાવવાનો એક પ્રયાસ છે પરંતુ આ કોર્ટની સત્તા સામે પણ સીધો પડકાર છે. આ એક રૂટિન ઘટના નથી પરંતુ ગણતરીપૂર્વક અને ઇરાદાપૂર્વક અંજામ આપવામાં આવેલી ઘટના છે, જેથી હાલ જે પ્રક્રિયા ચાલી રહી છે તેને અટકાવી શકાય. અમે કોઈ પણને આ રીતે કાયદાકીય પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને, કાયદો હાથમાં લઈને ન્યાયિક અધિકારીઓ પર સાયકોલોજિકલ હુમલા કરવા દઈશું નહીં.

કોર્ટે બંગાળ સરકારના અધિકારીઓ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે તેમણે એ જવાબ રજૂ કરવો પડશે કે આખરે શા માટે તેમને જાણ કરવામાં આવી હોવા છતાં સમયસર કાર્યવાહી ન કરીને જ્યુડિશિયલ ઑફિસરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પૂરતાં પગલાં ભરવામાં નહતાં આવ્યાં.

અધિકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ

કોર્ટે રાજ્યમાં કામ કરતા અધિકારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય બળો મૂકવા માટે આદેશ આપ્યો છે. આ સિવાય આવા અધિકારીઓનાં નિવાસસ્થાને પણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. જો કોઈના પરિવાર પર પણ જોખમ હોય તો તેમને પણ સુરક્ષા અપાશે. આ સિવાય ઉચ્ચ અધિકારીઓને ઘટના પર રિપોર્ટ રજૂ કરવા માટે જણાવાયું છે. ચૂંટણી પંચને આદેશ આપવામાં આવ્યા છે કે માલદાની ઘટના પર CBI કે NIA જેવી એજન્સી પાસે તપાસ કરાવવાની ભલામણ કરવામાં આવે અને તેનો રિપોર્ટ પણ સુપ્રીમ કોર્ટને સુપરત કરવામાં આવે. જે કોઈ એજન્સી તપાસ હાથ પર લે તે પ્રાથમિક રિપોર્ટ કોર્ટને સીધો જમા કરાવી શકશે.

સુનાવણીને અંતે મુખ્ય ન્યાયાધીશે બંગાળના સરકારી વકીલને ફટકાર લગાવતાં કહ્યું કે દુર્ભાગ્ય એ છે કે તમારા રાજ્યમાં બધા જ રાજકીય ભાષા બોલતા થઈ ગયા છે અને આ સૌથી વધુ ધ્રુવીકરણવાળું રાજ્ય બની ગયું છે. આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.

કોર્ટમાં કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ પણ હાજર હતા, જેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા બાબતે હવે બંગાળ સરકાર કે પ્રશાસનનો વિશ્વાસ થઈ શકે એમ નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં