હોમપેજગુજરાતરણની વચ્ચે ધોળાવીરા વસાવવાનું કારણ શું હતું? 4,000 વર્ષ જૂના કચ્છના ઇતિહાસને...

રણની વચ્ચે ધોળાવીરા વસાવવાનું કારણ શું હતું? 4,000 વર્ષ જૂના કચ્છના ઇતિહાસને શોધવા નીકળ્યું ગુજરાત

ધોળાવીરા આજે પણ કચ્છના રણમાં એક પ્રશ્નની જેમ ઊભું છે કે આટલું મોટું અને વિકસિત નગર અહીં કેમ ઊભું થયું? તેના લોકો આ ભૂમિને કેવી રીતે જોતા હતા? તેમની સામેનું કચ્છ કેવું હતું? અને જે ભૂગોળે તેમને અહીં વસવા, ટકવા અને વેપાર કરવા માટે તક આપી તે સમય સાથે ક્યાં બદલાઈ ગયો?

- Advertisement -

કચ્છનું નામ આવે ત્યારે આંખ સામે સૌથી પહેલાં શું આવે?

દૂર સુધી ફેલાયેલું સફેદ રણ, ક્ષિતિજ સુધી પથરાયેલો ઉજ્જડ વિસ્તાર અને તેની વચ્ચે ઊભેલા ખડિર બેટના પ્રાચીન અવશેષો. પરંતુ આ જ ધરતી પર લગભગ ચારથી પાંચ હજાર વર્ષ પહેલાં એક એવું નગર ધમધમતું હતું, જ્યાં સુવ્યવસ્થિત રસ્તાઓ હતા, કિલ્લેબંધી હતી, વિશાળ જળાશયો હતાં, હસ્તકલા અને મણકાં બનાવવાની વર્કશોપ હતી અને દૂરના પ્રદેશો સાથે વેપારના સંબંધો હતા. આજે જે ભૂમિ આપણને કઠિન અને સૂકી દેખાય છે, ત્યાં ક્યારેક માનવ વસાહત માત્ર ટકી જ નહોતી, પરંતુ એક વિશિષ્ટ શહેરી સંસ્કૃતિનું કેન્દ્ર બની હતી.

સવાલ એ છે કે આખરે ધોળાવીરા અહીં જ કેમ વસ્યું?

- Advertisement -

આ સવાલનો જવાબ શોધવા માટે હવે ગુજરાતની એક યુનિવર્સિટી અને વિશ્વની જાણીતી યુનિવર્સિટીઓમાંની એક સાથે મળીને કચ્છની ધરતીનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ ફરી વાંચવાની તૈયારી કરી રહી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડે ત્રણ વર્ષનો સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેનું કેન્દ્ર ધોળાવીરા અને તેની આસપાસની હડપ્પન વસાહતો છે. સંશોધકો માત્ર ખોદકામ કરીને જૂની વસ્તુઓ શોધવા નથી જઈ રહ્યા, તેઓ એ સમજવા માગે છે કે કચ્છનું પર્યાવરણ, પાણી, દરિયાકાંઠો અને જમીનનો સ્વભાવ હજારો વર્ષ દરમિયાન કેવી રીતે બદલાયો અને આ બદલાવનો હડપ્પન સમાજના જીવન સાથે શું સંબંધ હતો.

અહીં જાણવું જરૂરી છે કે હાલની તાજેતરની તપાસમાં 100થી વધુ માનવ હાડપિંજર ઉપરાંત માટલાં, દીવા, રમકડાં, તાંબાના સિક્કા અને અન્ય પ્રાચીન વસ્તુઓ મળી આવી છે. આ શોધ કચ્છના ભૂતકાળ અને રણ વિસ્તારમાં અગાઉ થયેલી માનવ વસાહતો અંગે નવી માહિતી આપી શકે છે.

આ સ્થળ સૌપ્રથમ 2023-24 દરમિયાન BSFના રેગ્યુલર પેટ્રોલિંગ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું. સરહદના દૂરના અને રણપ્રદેશ જેવા વિસ્તારમાં BSFના જવાનોને જમીન પર મોટી સંખ્યામાં માનવ અવશેષો જોવા મળ્યા હતા. સ્થળની સ્થિતિને જોતાં જવાનોએ અનૌપચારિક રીતે તેને ‘ઉજાડગાંવ’ નામ આપ્યું હતું, એટલે કે એવું ગામ જ્યાં હવે કોઈ વસવાટ નથી.

આ સંશોધન એટલા માટે પણ મહત્વનું છે કે ધોળાવીરા કોઈ નાનું કે ક્ષણિક વસાહતી સ્થળ નહોતું. અહીં આશરે ઈસવીસન પૂર્વે 3000થી 1500 સુધી માનવ વસવાટ રહ્યો હતો અને આ નગર હડપ્પન સંસ્કૃતિના સૌથી સારી રીતે સચવાયેલા શહેરી કેન્દ્રોમાંનું એક છે. એટલે ધોળાવીરાની વાત એક શહેરની વાત નથી, તે લગભગ દોઢ હજાર વર્ષ સુધી બદલાતી રહેલી એક શહેરી સંસ્કૃતિનો ઇતિહાસ છે. તેના અવશેષોમાં શહેરનું આયોજન, કિલ્લેબંધી, રહેણાંક વિસ્તાર, ઉત્પાદન, વેપાર, જળવ્યવસ્થાપન અને અંતિમ સંસ્કાર સાથે જોડાયેલા પુરાવા એકસાથે મળે છે.

એક એવું નગર, જ્યાં પાણી સૌથી મોટી સમસ્યા હતું

ધોળાવીરાને સમજવા માટે સૌથી પહેલાં તેના ભૂગોળને સમજવું પડે. આ પ્રાચીન નગર ખડિર બેટ પર આવેલું છે, જે આજે કચ્છના રણના વિશાળ વિસ્તાર સાથે જોડાયેલું દેખાય છે. UNESCOમાં પણ તેને કચ્છના ગ્રેટ રણમાં આવેલા શુષ્ક ખડિર આઇલેન્ડ પરનું શહેર ગણાવવામાં આવ્યું છે. તેની આસપાસ કાયમી મોટી નદી નહોતી. પાણી માટે બે ઋતુઆધારિત પ્રવાહો પર આધાર રાખવો પડતો હતો. એટલે પાણી અહીં સ્વાભાવિક રીતે ઉપલબ્ધ સંસાધન નહોતું. તેને પકડવું, સંગ્રહવું અને સાચવવું પડતું હતું.

કદાચ ધોળાવીરાની સૌથી મોટી વાત અહીંથી જ શરૂ થાય છે. આ શહેરે પાણીની અછતને પોતાની નબળાઈ બનવા દીધી નહોતી. તેના બદલે શહેરના આયોજનમાં જ પાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અહીં વિશાળ જળાશયો, પાણીના સંગ્રહ અને વહન માટેની વ્યવસ્થા તથા ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી હતી. વરસાદ અને ઋતુઆધારિત પાણીના પ્રવાહોને કેવી રીતે ઉપયોગમાં લેવા તે અંગેના જ્ઞાનને શહેરની રચનામાં જ વણી લેવામાં આવ્યું હતું. UNESCO ધોળાવીરાની વોટર મેનેજમેન્ટ સિસ્ટમને હડપ્પન સંસ્કૃતિની અસાધારણ તકનીકી સિદ્ધિઓમાં ગણે છે.

અહીં એક રસપ્રદ વિરોધાભાસ છે. જે સ્થળ આજે પાણીની અછત અને કઠિન પર્યાવરણનું પ્રતીક લાગે છે, ત્યાં હજારો વર્ષ પહેલાંના લોકો પાણીના સંગ્રહ અને વ્યવસ્થાપન માટે એવી વ્યવસ્થા ઊભી કરી ગયા હતા જેને જોઈને આધુનિક સંશોધકો પણ આશ્ચર્યચકિત થાય છે. ધોળાવીરામાં પાણી માત્ર જીવન ટકાવવાનું સાધન નહોતું, શહેરની રચનામાં જ તે નેકેન્દ્રસ્થાન આપવામાં આવ્યું હતું. જળાશયો, ડ્રેનેજ અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થાઓ બતાવે છે કે આ નગરના નિર્માતાઓએ પોતાના પર્યાવરણની મર્યાદાઓને ઓળખી હતી અને તેના અનુસાર આખું શહેર ગોઠવ્યું હતું.

એટલે જ ધોળાવીરાને માત્ર ‘રણમાં મળેલું જૂનું શહેર’ કહીને છોડી શકાય નહીં. પ્રશ્ન એ છે કે આ સ્થળ પસંદ કરતી વખતે તેના વસાહતીઓની નજરમાં એવું શું હતું જે આજે આપણને દેખાતું નથી?

કચ્છની ધરતી હંમેશાં આજ જેવી નહોતી

નવા સંશોધનનો મૂળ સવાલ અહીંથી શરૂ થાય છે. ધોળાવીરા અને ગ્રેટ રણ તથા લિટલ રણ વિસ્તારમાં આવેલી કેટલીક હડપ્પન વસાહતો એવા પ્રદેશોમાં હતી જે આજે પર્યાવરણીય રીતે કઠિન અને ખેતી માટે મર્યાદિત ગણાય છે. છતાં આ વિસ્તારોમાં ઈસવીસન પૂર્વે આશરે 2600થી 1900 દરમિયાન લાંબા સમય સુધી માનવ વસવાટ રહ્યો હતો. તો પછી તે સમયનું પર્યાવરણ કેવું હતું?

કચ્છ યુનિવર્સિટી અને ઑક્સફર્ડના સંશોધકો આ જ સવાલની તપાસ કરી રહ્યા છે. તેમના પ્રોજેક્ટનું નામ છે ‘એક્સકેવેશન્સ એટ ધોળાવીરા એન્ડ અસોસિયેટેડ હડપ્પન સાઇટ્સ ઇન ગુજરાત: ઇન્વેસ્ટિગેટિંગ પેલિયો-એન્વાયરનમેન્ટ્સ, સી લેવલ્સ એન્ડ અર્લી સીફેરિંગ ટ્રેડિશન્સ’. એટલે કે સંશોધનનો વ્યાપ માત્ર ધોળાવીરાના અવશેષો સુધી મર્યાદિત નથી. તેમાં પ્રાચીન પર્યાવરણ, હજારો વર્ષ પહેલાંના દરિયાકાંઠા, બદલાતો ભૂગોળ અને પ્રારંભિક દરિયાઈ યાત્રા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે.

આ સંશોધનનો એક મહત્વનો વિચાર એ છે કે આજે જે હડપ્પન વસાહતો રણ અને સૂકા પ્રદેશોની વચ્ચે દેખાય છે તે કદાચ પોતાના સમયના જુદા પ્રકારના લેન્ડસ્કેપ સાથે જોડાયેલી હતી. સંશોધકો તપાસી રહ્યા છે કે આ વસાહતો ક્યારેક એસ્ટ્યુઅરિન એટલે કે નદી અને સમુદ્રના સંગમ જેવા પર્યાવરણ અથવા મરીન લેન્ડસ્કેપની નજીક હતી કે નહીં. જો આ વાતના પુરાવા મળે તો ધોળાવીરાને જોવાની આપણી દૃષ્ટિ જ બદલાઈ શકે છે.

અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. સંશોધન હજુ આ સવાલનો જવાબ શોધી રહ્યું છે. એટલે ‘4,000 વર્ષ પહેલાં ધોળાવીરામાં સમુદ્ર હતો’ એવું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સવાલ એ છે કે કચ્છના લેન્ડસ્કેપમાં ત્યારે એવી ભૂગોળીય પરિસ્થિતિ હતી કે નહીં, જેમાં દરિયાઈ અથવા એસ્ટ્યુઅરિન પર્યાવરણની નજીક હોવાને કારણે આ વસાહતોને વેપાર અને સંસાધનો માટે કોઈ વ્યૂહાત્મક લાભ મળતો હતો.

આ સવાલનો જવાબ માત્ર જૂના નકશામાંથી નહીં મળે. કારણ કે ચાર હજાર વર્ષ પહેલાંના લેન્ડસ્કેપનો કોઈ નકશો આજની જેમ કાગળ પર તૈયાર નહોતો. તે માટે જમીનની રચના, માટીના સ્તરો, જૂના પાણીના માર્ગો, વાસણો, માનવ વસાહતોની સ્થિતિ અને બીજા અનેક પ્રકારના પુરાવાઓને એકબીજા સાથે જોડવાં પડશે. આ જ કારણ છે કે નવા પ્રોજેક્ટમાં આર્કિયોલોજીની સાથે GIS મેપિંગ, પોટરી પ્રોવેનેન્સ અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ધોળાવીરા માત્ર પાણી માટે નહીં, વેપાર માટે પણ મહત્વનું હતું

જો ધોળાવીરાને માત્ર પાણીની અછત વચ્ચે જીવવા માટે બનાવવામાં આવેલું શહેર માનવામાં આવે તો તેની આખી વાર્તા અધૂરી રહી જાય છે. UNESCO દર્શાવે છે કે આ શહેરનું સ્થાન વિવિધ કાચા માલ અને વેપારી માર્ગોની દૃષ્ટિએ પણ મહત્વનું હતું. તાંબું, શંખ, અગેટ-કાર્નેલિયન, સ્ટિયાટાઇટ, સીસું અને અન્ય સામગ્રી સાથે તેનો સંબંધ હતો. અહીંથી મળેલા પુરાવાઓ હડપ્પન વિશ્વનાં અન્ય શહેરો ઉપરાંત આજના ઓમાનના કેટલાક પ્રદેશ અને મેસોપોટેમિયા સુધીના આંતરપ્રાદેશિક વેપાર સંબંધો તરફ પણ સંકેત કરે છે.

આ વાત ધોળાવીરાના સ્થાન અંગેના સવાલને વધુ રસપ્રદ બનાવે છે. જો કોઈ શહેર પાણીની અછતવાળા વિસ્તારમાં હોવા છતાં સદીઓ સુધી ટકી શકે, હસ્તકલા અને ઉત્પાદન કરી શકે અને દૂરના પ્રદેશો સાથે વેપાર કરી શકે તો તેની પાછળ માત્ર સ્થાનિક જરૂરિયાતો નહીં પરંતુ ભૂગોળની કોઈ મોટી ભૂમિકા હોવાની શક્યતા છે. કદાચ ધોળાવીરાના લોકો માટે આ પ્રદેશ ‘રણ’ નહોતો, પરંતુ અલગ-અલગ ભૂમિસ્વરૂપો, ઋતુઆધારિત પાણીના પ્રવાહો, કાચા માલ અને વેપારી માર્ગો વચ્ચેનું એક મહત્વપૂર્ણ જોડાણ હતું.

આ જ તે બિંદુ છે જ્યાં નવા સંશોધનની જરૂરિયાત ઊભી થાય છે.

ધોળાવીરામાં મળેલા મણકાં બનાવવાના વર્કશોપ અને વિવિધ પ્રકારની સામગ્રી પણ બતાવે છે કે અહીં ઉત્પાદન માત્ર સ્થાનિક જરૂરિયાત માટે થતું ન હતું. શહેરમાં મળેલા અવશેષો તેના રહેવાસીઓની કારીગરી અને ટેક્નોલોજીકલ સમજ દર્શાવે છે. ધોળાવીરા હડપ્પન વિશ્વમાં કુદરતી સંસાધનોના ઉપયોગ, ઉત્પાદન અને આંતરપ્રાદેશિક વેપારની દૃષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

અહીંથી એક બીજી સંભાવના સામે આવે છે. કદાચ ધોળાવીરાની પસંદગી પાછળ પાણી જેટલું જ મહત્વ કાચા માલ અને વેપારનું પણ હતું. એક તરફ ઋતુઆધારિત પાણીના પ્રવાહો અને બીજી તરફ ખનિજ તથા અન્ય કુદરતી સંસાધનો સુધીની પહોંચ, આ બંનેને જોડીને જોવામાં આવે તો ખડિર બેટનું સ્થાન અચાનક એટલું અયોગ્ય લાગતું નથી.

એક શહેર જે પોતાનું પર્યાવરણ વાંચતું હતું

ધોળાવીરાના અવશેષોને જોતાં એક વાત વારંવાર ધ્યાન ખેંચે છે કે આ શહેરમાં કુદરત સામે માત્ર સંઘર્ષ નહોતો પરંતુ કુદરતને સમજવાનો પ્રયાસ પણ હતો. આજે કોઈ શહેર માટે પાણીની વ્યવસ્થા એટલે મોટા ડેમ, પાઇપલાઇન, ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને અંડરગ્રાઉન્ડ નેટવર્ક. ધોળાવીરામાં આવી આધુનિક ટેક્નોલોજી નહોતી, પરંતુ પાણીના પ્રવાહને ઓળખવાની અને તેને શહેરની રચના સાથે જોડવાની બુદ્ધિ હતી. વરસાદી પાણી ક્યાંથી આવશે, કયા પ્રવાહને રોકી શકાય, ક્યાં સંગ્રહ કરવો અને કેવી રીતે ઉપયોગમાં લેવો, આ બધા પ્રશ્નોનો જવાબ શહેરના સ્થાપત્યમાં છુપાયેલો છે.

અહીંથી ધોળાવીરાની વાર્તા વધુ મોટી બની જાય છે. તે માત્ર હડપ્પન સંસ્કૃતિની વાત નથી, પરંતુ માનવ સમાજ અને પર્યાવરણ વચ્ચેના સંબંધની પણ વાત છે. કઠિન પર્યાવરણનો અર્થ હંમેશાં માનવ વસવાટ માટે અયોગ્ય ભૂમિ એવો નથી. જો સમાજ પાસે પર્યાવરણને વાંચવાની અને તે અનુસાર પોતાની વ્યવસ્થા ઊભી કરવાની ક્ષમતા હોય તો મુશ્કેલ ભૂમિ પણ શહેરી જીવનનું કેન્દ્ર બની શકે છે.

આજે ક્લાઇમેટ ચેન્જ અને પાણીની સુરક્ષા અંગે દુનિયા જે સવાલો પૂછે છે, તેમાંથી કેટલાક સવાલોના અત્યંત પ્રાચીન જવાબો ધોળાવીરાની માટીમાં દટાયેલા હોય શકે છે. આ જ કારણ છે કે ધોળાવીરાનું સંશોધન માત્ર પુરાતત્વવિદો માટે રસપ્રદ નથી, તે માનવ સમાજે પાણી અને પર્યાવરણ સાથે કેવી રીતે જીવવાનું શીખ્યું તેની લાંબી વાર્તાનો એક અધ્યાય પણ છે.

હવે ખોદકામથી આગળની તપાસ થશે

આ વખતે સંશોધકો પાસે માત્ર પાવડો અને બ્રશ નહીં હોય. પ્રોજેક્ટમાં આર્કિયોલોજિકલ એક્સકેવેશનની સાથે GIS-બેઝ્ડ સ્પેશિયલ મેપિંગ, પોટરી પ્રોવેનેન્સ સ્ટડીઝ, એન્શન્ટ DNA એનાલિસિસ અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની યોજના છે. સ્થાનિક સ્થળ-નામ અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી સાંસ્કૃતિક સ્મૃતિઓને પણ અભ્યાસમાં સામેલ કરવામાં આવશે.

પોટરી પ્રોવેનેન્સ એટલે માટીનાં વાસણો ક્યાંના કાચા માલમાંથી બન્યાં હતાં અને તેઓ ક્યાં સુધી પહોંચ્યાં હતાં તેનો પીછો કરવો. આવી તપાસથી પ્રાચીન વસાહતો વચ્ચેના સંપર્ક અને વેપારના માર્ગો સમજવામાં મદદ મળી શકે છે. GIS મેપિંગથી હજારો વર્ષ પહેલાંની સેટલમેન્ટ પેટર્ન અને આજના લેન્ડસ્કેપ વચ્ચેના સંબંધો સમજવાનો પ્રયાસ થશે. બીજી તરફ એન્શન્ટ DNA જેવી પદ્ધતિઓ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના સંબંધ અંગે નવાં સંકેતો આપી શકે છે.

આ સમગ્ર અભ્યાસનો વ્યાપ એટલા માટે મહત્વનો છે કારણ કે કચ્છની ધરતી પોતે જ એક બદલાતા ભૂગોળની વાત છે. આજે જ્યાં રણ, ક્ષાર અને સૂકું ભૂદૃશ્ય દેખાય છે ત્યાં હજારો વર્ષ પહેલાં પાણીના માર્ગો, જુદા પ્રકારની જમીન અને કદાચ અલગ દરિયાઈ-ભૌગોલિક પરિસ્થિતિઓ રહી હશે કે નહીં, તે હવે અલગ-અલગ પ્રકારના પુરાવાઓને સાથે મૂકીને તપાસવામાં આવશે.

સંશોધકો આ માટે માત્ર એક જ સ્થળને નહીં, પરંતુ ધોળાવીરા સાથે જોડાયેલી આસપાસની હડપ્પન વસાહતોને પણ અભ્યાસમાં સામેલ કરશે. આ મહત્વનું છે, કારણ કે એક શહેરને તેના આસપાસના લેન્ડસ્કેપથી અલગ કરીને સમજવું મુશ્કેલ છે. જો એક જ પ્રકારની સેટલમેન્ટ પેટર્ન, વેપારી માર્ગો અથવા પર્યાવરણીય સંકેતો અનેક સ્થળોએ મળે તો તે આખા પ્રદેશના પ્રાચીન ભૂગોળ અંગે વધુ મજબૂત ચિત્ર ઊભું કરી શકે છે.

દરિયો ક્યાં ગયો એ કરતાં પણ મોટો સવાલ

આ ચર્ચાની સૌથી રસપ્રદ બાબત કદાચ ‘અહીં દરિયો હતો કે નહીં?’ એવો સીધો સવાલ પણ નથી.

મોટો સવાલ એ છે કે એક આખી સંસ્કૃતિએ પોતાના પર્યાવરણને કેવી રીતે વાંચ્યું હતું. ધોળાવીરાના લોકો એવા સમયે શહેર બનાવી રહ્યા હતા જ્યારે આજના અર્થમાં આધુનિક ટેક્નોલોજી નહોતી. છતાં તેમણે વરસાદી પાણી અને ઋતુઆધારિત પ્રવાહોને ઓળખીને જળાશયો બનાવ્યાં, શહેરની રચના ગોઠવી, પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી કરી, કાચા માલનો ઉપયોગ કર્યો અને દૂરના પ્રદેશો સાથે વેપારના સંબંધો સ્થાપ્યા. UNESCO ધોળાવીરાને હડપ્પન શહેરી આયોજન, જળ સંચાલન, બાંધકામ, ઉત્પાદન અને વેપારની દૃષ્ટિએ અસાધારણ સ્થળ ગણાવે છે.

એટલે જો નવા સંશોધનથી કચ્છના પ્રાચીન લેન્ડસ્કેપ અંગે કોઈ નવો પુરાવો મળે તો તે માત્ર એક ભૂગોળીય સવાલનો જવાબ નહીં હોય. તે આપણને એ પણ સમજવામાં મદદ કરશે કે ધોળાવીરાના લોકોએ પોતાની આસપાસની દુનિયાને કેવી રીતે સમજેલી હતી. તેઓ ક્યાંથી પાણી લાવતા હતા? કયા માર્ગે માલની અવરજવર જતી હતી? કયાં સંસાધનો માટે તેઓ અહીં આવ્યા હતા? અને શું તેમની નજરમાં આજના રણની જગ્યાએ કોઈ અલગ પ્રકારનું ભૂદૃશ્ય હતું?

કદાચ સૌથી રસપ્રદ બાબત એ છે કે ધોળાવીરા કોઈ એક ક્ષણે ઊભું થઈને અચાનક ગાયબ થઈ ગયેલું શહેર નથી. અહીં લગભગ 1,500 વર્ષ સુધી વસવાટ રહ્યો અને સમય સાથે શહેરની રચના, સ્થાપત્ય અને જીવનપદ્ધતિમાં ફેરફારો થતા રહ્યા. એટલે આ શહેરનો ઇતિહાસ એક જ યુગની તસવીર નહીં, પરંતુ અનેક પેઢીઓના બદલાતા જીવનનો લાંબો રેકોર્ડ છે.

જ્યારે રણ માત્ર રણ ન રહ્યું

આજના માણસ માટે રણનો અર્થ છે પાણીની અછત, મીઠું, કઠિન હવામાન અને જીવન માટે પડકાર. પરંતુ પુરાતત્વ ઘણી વાર આપણને યાદ અપાવે છે કે ભૂગોળ કાયમી નથી. જમીનનું સ્વરૂપ બદલાય છે, પાણીના માર્ગો બદલાય છે, દરિયાકાંઠા બદલાય છે અને જે જગ્યા આજે એક પ્રકારની દેખાય છે તે હજારો વર્ષ પહેલાં બીજી જ દુનિયા હોય શકે છે.

ધોળાવીરાના કિસ્સામાં આ વાત ખાસ મહત્વની છે. કારણ કે અહીંના લોકોએ પોતાનું નગર એવી જગ્યાએ ઊભું કર્યું હતું જ્યાં પાણી એક પડકાર હતું, છતાં તેમણે પાણીના સંચાલનને જ પોતાની શહેરી શક્તિમાં ફેરવી નાખ્યું. બીજી તરફ અહીં મળેલા ઉત્પાદન અને વેપારના પુરાવા બતાવે છે કે આ શહેર કોઈ એકાંત ટાપુ જેવું નહોતું. તે વિશાળ હડપ્પન વિશ્વનો ભાગ હતું અને તેના સંબંધો દૂરના પ્રદેશો સુધી પહોંચતા હતા.

એટલે કદાચ સવાલને થોડો ફેરવીને જોવો જોઈએ. ‘રણમાં ધોળાવીરા કેમ વસ્યું?’ કરતાં ‘ધોળાવીરાના લોકોએ આ ભૂમિમાં એવું શું જોયું, જે આજે આપણને દેખાતું નથી?’ આ સવાલ કદાચ વધુ યોગ્ય છે અને આ જ સવાલનો જવાબ શોધવા હવે નવી ખોદકામની કાર્યવાહી થઈ રહી છે.

કચ્છ પોતાનો પ્રાચીન નકશો ફરી વાંચશે

નવા પ્રોજેક્ટનું પ્રાથમિક ફિલ્ડવર્ક પશ્ચિમ થાર પ્રદેશ અને ગ્રેટ રણ ઑફ કચ્છમાં થઈ ચૂક્યું છે. હવે ધોળાવીરામાં દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન મુખ્ય એક્સકેવેશન સીઝન રાખવાની યોજના છે. બાકીના સમયમાં મળેલા પુરાવાઓનું લેબોરેટરી એનાલિસિસ, ઇન્ટરપ્રિટેશન અને અલગ-અલગ ડિસિપ્લિન્સમાંથી મળેલી માહિતીનું એકીકરણ કરવામાં આવશે.

અર્થ એ થયો કે ધોળાવીરાની વાતમાં હવે એક નવું પ્રકરણ શરૂ થઈ રહ્યું છે. અત્યાર સુધી ખોદકામમાંથી મળેલા કિલ્લા, જળાશયો, રહેણાંક વિસ્તાર, વર્કશોપ અને અન્ય અવશેષો આપણને કહે છે કે અહીં એક સુવ્યવસ્થિત નગર હતું. હવે સંશોધકો એ સમજવાનો પ્રયાસ કરશે કે આ નગરને અહીં વસાવવાનો નિર્ણય કયા પર્યાવરણ અને ભૂગોળની સમજ પર આધારિત હતો.

કદાચ આવનારાં વર્ષોમાં મળનારા પુરાવાઓ બતાવશે કે કચ્છનો લેન્ડસ્કેપ હજારો વર્ષ પહેલાં આજથી ઘણો અલગ હતો. કદાચ તે બતાવશે કે ધોળાવીરાની આસપાસના પ્રદેશો પાણી અને વેપારના એવા માર્ગો સાથે જોડાયેલા હતા જે સમય જતાં બદલાઈ ગયા. અથવા કદાચ સંશોધન એ બતાવશે કે ધોળાવીરાની સમૃદ્ધિનો મુખ્ય આધાર દરિયો નહીં પરંતુ અહીંના કાચા માલ, ઋતુઆધારિત પાણી અને હડપ્પન સમાજની અસાધારણ જળ વ્યવસ્થાપન ક્ષમતા હતી.

હાલ જવાબ કોઈ એક દિશામાં બંધાયેલો નથી અને આ જ આ સંશોધનની સૌથી રસપ્રદ વાત છે. કારણ કે ધોળાવીરા આજે પણ કચ્છના રણમાં એક પ્રશ્નની જેમ ઊભું છે કે આટલું મોટું અને વિકસિત નગર અહીં કેમ ઊભું થયું? તેના લોકો આ ભૂમિને કેવી રીતે જોતા હતા? તેમની સામેનું કચ્છ કેવું હતું? અને જે ભૂગોળે તેમને અહીં વસવા, ટકવા અને વેપાર કરવા માટે તક આપી તે સમય સાથે ક્યાં બદલાઈ ગયો?

હવે ગુજરાત અને ઑક્સફર્ડની સંયુક્ત ટીમ આ પ્રશ્નોના જવાબ માટે ધોળાવીરાની માટી, પથ્થર, માટીનાં વાસણો, પ્રાચીન જળાશયો અને આસપાસના લેન્ડસ્કેપને ફરી વાંચશે. આ શોધખોળમાંથી ધોળાવીરાનો માત્ર ઇતિહાસ જ નહીં, પરંતુ કચ્છના હજારો વર્ષ જૂના ભૂગોળનો પણ એક નવો નકશો બહાર આવશે અને ત્યારે આપણે ધોળાવીરાને પહેલી વાર ખરેખર તેના પોતાના સમયની આંખોથી જોઈ શકીશું, આજના રણ તરીકે નહીં, પરંતુ એક જીવંત, ગતિશીલ અને દૂરના વિશ્વ સાથે જોડાયેલા પ્રદેશ તરીકે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં