અયોધ્યાની મેડિકલ કોલેજમાંથી મળ્યા બૉમ્બ બનાવવાની રીત લખેલા કાગળ, ફર્સ્ટ યરના વિદ્યાર્થી સરફરાઝની અટકાયત, પોલીસ તપાસ શરૂ

અયોધ્યાની મેડિકલ કોલેજમાં ભણતા એક વિદ્યાર્થી પાસેથી બૉમ્બ બનાવવા માટેની નોટ મળી આવ્યા બાદ તેની અટકાયત કરવામાં આવી છે. જેની ઓળખ સરફરાઝ તરીકે થઈ છે. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

મામલો અયોધ્યાની રાજર્ષિ દશરથ મેડિકલ કોલેજનો છે. અહીંથી શનિવારે (1 ઑગસ્ટ) એક્સ રે રૂમમાંથી એક કાગળ મળી આવ્યો હતો. જેમાં બૉમ્બ બનાવવાની રીત લખવામાં આવી હતી. કાગળમાં વિધિવત રીતે બૉમ્બ બનાવવા માટે ઉપયોગી સામગ્રી, કઈ રીતે બનાવટ કરવીથી માંડીને તમામ વિગતો લખવામાં આવી હતી. એમોનિયમ નાઇટ્રેટ, રેડ ફોસ્ફરસ, નાઈટ્રિક એસિડ વગેરે પદાર્થોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કોલેજ પ્રશાસનને જાણ થતાં જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ કાગળ જપ્ત કરીને ત્યારબાદ તપાસ શરૂ કરી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શુક્રવારે રાત્રે આ રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓની ડ્યુટી હતી. જેમાં આ નોટ્સ સરફરાઝ નામના ઉત્તર પ્રદેશના બલરામપુરના અને કોલેજમાં લેબોરેટરી ટેકનિશિયન કોર્સના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બનાવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે સરફરાઝની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. સાથે તેની સાથે જે વિદ્યાર્થી હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી. ત્રીજો એક વિદ્યાર્થી શિફ્ટ પૂરી કરીને ઘરે જવા રવાના થયો હતો, જેની સાથે પણ સંપર્ક કરવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા.

પ્રાથમિક પૂછપરછમાં સરફરાઝે જણાવ્યું કે તે લેપટોપ પર એક ફિલ્મ જોઈ રહ્યો હતો અને તેમાંથી બૉમ્બ બનાવવાની રીત કૉપી કરીને કાગળમાં ઉતારી લીધી હતી. પોલીસ આ અને અન્ય બાબતોની ચકાસણી કરી રહી છે.

કોલેજ પ્રશાસનનું કહેવું છે કે મામલો તરત જ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો અને આ બાબતે તપાસ ચાલી રહી છે. પોલીસ કહી રહી છે કે આની પાછળ કોઈ ગુનાહિત ઇરાદો હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે ખૂલશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ કોલેજ પ્રશાસને સમગ્ર પરિસરમાં સુરક્ષા વધારવા માટે અને ચેકિંગ હાથ ધરવા માટેના આદેશો આપી દીધા છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ દેશમાં એક વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ પકડાયું હતું, જેમાં હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટીના અમુક ડૉક્ટરો સામેલ હતા. જેમની પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટક પદાર્થો પકડાયા હતા. તેમાંથી એક આતંકવાદી ઉમર ગનીએ પછીથી વિસ્ફોટકો ભરેલી કાર દિલ્હીના લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ કરી દીધી હતી, જેમાં અમુક લોકોનાં મોત પણ થયાં હતાં.