હોમપેજગુજરાતગુજરાતનું સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર શું છે? જાણો કેવી રીતે ભૂકંપ, પૂર...

ગુજરાતનું સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર શું છે? જાણો કેવી રીતે ભૂકંપ, પૂર અને વાવાઝોડા સમયે બને છે રાજ્યનું કમાન્ડ સેન્ટર

માત્ર કુદરતી જ નહીં પરંતુ દરેક પ્રકારની આપત્તિ માટે વિશિષ્ટ વિભાગોનો સહયોગ લેવાય છે. દુષ્કાળ અને હીટવેવ માટે કૃષિ વિભાગ, રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાસાયણિક દુર્ઘટનાઓ માટે DISH તથા શ્રમ અને રોજગાર વિભાગ અને આગની ઘટનાઓમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ સાથે સતત જીવંત સંપર્ક જાળવવામાં આવે છે.

- Advertisement -

આપત્તિ ક્યારેય ઘડિયાળ જોઈને કે આગોતરી જાણ કરીને આવતી નથી. પરંતુ જ્યારે પણ કુદરત રૌદ્ર રૂપ ધારણ કરે કે પછી કોઈ અણધારી હોનારત ગુજરાત પર તોળાય ત્યારે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર પળવારમાં એક્શન મોડમાં આવી જાય છે. ગાંધીનગરમાંથી કાર્યરત ‘સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર’ (SEOC) એક એવું અદૃશ્ય પણ અત્યંત મજબૂત સુરક્ષા ચક્ર છે, જે રાજ્યના કરોડો નાગરિકોની છત્રછાયા બનીને સતત પહારા આપે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2001માં કચ્છમાં જે ભૂકંપ આવ્યો તેણે ભારે હોનારત સર્જી હતી. હજારો લોકો વિસ્થાપિત થયા, પોતાના ઘર ગુમાવ્યા, પરિવાર ગુમાવ્યા અને સેંકડોએ જીવ ગુમાવ્યા. તે વખતે ગુજરાત પાસે નાગરિકોની પડખે અડીખમ ઊભા રહેવાની વ્યવસ્થા નહોતી. જોકે તે અનુભવોમાંથી પ્રેરણા લઈને અને આધુનિક તકનીકનો સમન્વય કરીને ગુજરાત સરકારે વિશ્વસ્તરીય આપત્તિ વ્યવસ્થાપન માળખું ઊભું કર્યું છે. આજે SEOC ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ કે માનવસર્જિત કટોકટી વખતે સમગ્ર રાજ્યનું ‘સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ હબ’ બનીને 24 કલાક કાર્યરત રહે છે.

રાજ્યથી તાલુકા સ્તર સુધીનું સીમલેસ કનેક્ટિવિટી માળખું

આ સેન્ટર માત્ર એક સાધારણ કંટ્રોલ રૂમ નથી, પરંતુ સમગ્ર રાજ્યને એક તાંતણે બાંધતું આધુનિક નેટવર્ક છે. રાહત કમિશનરના માર્ગદર્શન અને રાહત નિયામકશ્રીના સંચાલન હેઠળ હાલમાં 33 ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર (DEOCs), 5 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને 248 તાલુકા ઈમરજન્સી ઑપરેશન સેન્ટર અવિરતપણે કાર્ય કરી રહ્યા છે. GSWAN નેટવર્કથી આપત્તિ પહેલાંની પૂર્વતૈયારીઓ અને આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ શક્ય બને છે.

- Advertisement -

કટોકટીના સમયે સંચાર વ્યવસ્થા ખોરવાઈ જવી એ સૌથી મોટો પડકાર હોય છે. SEOC આ પડકારને પહોંચી વળવા જીસ્વાન હોટલાઈન, સેટેલાઈટ ફોન, લેન્ડલાઈન, ઈ-મેઈલ, વોટ્સએપ અને સોશિયલ મીડિયા જેવા બહુવિધ માધ્યમોનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન ખાસ કરીને પોલીસ વાયરલેસ સેટ અને ‘હેમ રેડિયો’ જેવી સિસ્ટમથી સંકલન જાળવવામાં આવે છે.

286 કરોડથી વધુ માસ SMS દ્વારા સતર્કતા

નાગરિકોને સમયસર ચેતવણી આપી સુરક્ષિત કરવા માટે ‘સચેત પોર્ટલ’ની અદ્યતન સુવિધા વિકસાવવામાં આવી છે. જેનાથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સીધા માસ SMS મોકલવામાં આવે છે. આ ટેક્નોલોજી મારફતે અત્યાર સુધીમાં 286.4 કરોડથી વધુ SMS મોકલવામાં આવ્યા છે. તેમજ 6 કરોડથી વધુ મોબાઈલ એપ યુઝર્સ અને 5.3 લાખથી વધુ વેબ બ્રાઉઝર એક્સેસથી નાગરિકો સુધી સતર્કતાના સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા છે.

આપત્તિના સમયે કોઈપણ નાગરિક સીધો સંપર્ક કરીને ત્વરિત મદદ કે માહિતી મેળવી શકે તે માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઈન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યકક્ષાએ 51900 અને 1070 તેમજ જિલ્લા કક્ષાએ 1077 ટોલ-ફ્રી નંબરો સતત સક્રિય રહે છે, જેના પર સંપર્ક કરીને નાગરિકો મુશ્કેલીના સમયે તાત્કાલિક સહાય અને માર્ગદર્શન મેળવી શકે છે.

વિવિધ આફતો મુજબ વિશિષ્ટ તકનીકી એજન્સીઓ સાથે સંકલન

આફતના સ્વરૂપ અને ગંભીરતા મુજબ SEOC દેશ અને રાજ્યની નિષ્ણાત એજન્સીઓ સાથે રિયલ-ટાઇમ સંકલન સાધે છે. ભૂકંપ માટે ‘ઇન્સ્ટિટ્યુટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ’ (ISR), પૂર અને વાવાઝોડા માટે ‘ભારત હવામાન વિભાગ’ (IMD), સિંચાઈ વિભાગ તથા ISRO, તેમજ સુનામીની શક્યતાઓ વખતે INCOIS સાથે મળીને ચોક્કસ ડેટાના આધારે પૂર્વતૈયારીઓ કરવામાં આવે છે.

માત્ર કુદરતી જ નહીં પરંતુ દરેક પ્રકારની આપત્તિ માટે વિશિષ્ટ વિભાગોનો સહયોગ લેવાય છે. દુષ્કાળ અને હીટવેવ માટે કૃષિ વિભાગ, રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાસાયણિક દુર્ઘટનાઓ માટે DISH તથા શ્રમ અને રોજગાર વિભાગ અને આગની ઘટનાઓમાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ સાથે સતત જીવંત સંપર્ક જાળવવામાં આવે છે.

NDRF અને SDRFની ટુકડીઓની સતત સજ્જતા

રાહત અને બચાવ કામગીરીને જમીની સ્તરે ત્વરિત અને અસરકારક બનાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (NDRF) 17 ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (SDRF) 32 ટીમોને હંમેશાં સુસજ્જ રાખવામાં આવે છે. આ ઉપરાંત અતિ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ભારતીય સેના (Army), વાયુસેના (Air Force) અને નૌસેનાની (Navy) પણ તાત્કાલિક મદદ લેવાની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવાયેલી છે.

આમ, ગુજરાતનું ‘સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર’ માત્ર એક સરકારી કચેરી નથી, પરંતુ દરેક આપત્તિ સમયે નાગરિકોના પ્રાણ અને માલમત્તાનું રક્ષણ કરતું એક અડીખમ સંરક્ષણ કવચ છે. ટેક્નોલોજી, રિયલ-ટાઇમ ડેટા, સીમલેસ કોમ્યુનિકેશન અને માનવ સંસાધનોના ઉત્કૃષ્ટ સંકલનથી બનેલું આ માળખું દરેક ગુજરાતીને એ બાબતની ખાતરી આપે છે કે આફત ગમે તેટલી મોટી હોય, શાસન અને તંત્ર તેમની સુરક્ષા માટે 24 કલાક તહેનાત છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં