વલસાડ-નવસારીના પૂરગ્રસ્તો માટે સરકારનું વિશેષ રાહત પેકેજ: વેપારીઓને આર્થિક સહાય, ખેડૂતોને વળતર અને વિનામૂલ્યે રાશન

(Photo: દિવ્યભાસ્કર)

દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ કુદરતી આપત્તિથી પ્રભાવિત થયેલા નાગરિકો, વેપારીઓ અને શ્રમિકોની મદદ માટે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વલસાડ ખાતેથી પૂરગ્રસ્તો માટે વિશેષ આર્થિક પુનર્વસન પેકેજ અને વિવિધ સહાય યોજનાઓની જાહેરાત કરી હતી.

સરકારે વલસાડ અને નવસારી જિલ્લામાં થયેલા અસાધારણ વરસાદને ધ્યાનમાં રાખીને બંને જિલ્લાઓને વિશેષ પ્રાથમિકતા આપી છે. વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા દુકાનદારો, લારી-ગલ્લા ધારકો અને નાના આર્થિક વ્યવસાયો ધરાવતા વેપારીઓને અમદાવાદ અને સુરતના મોડેલ પર જ આર્થિક સહાય ચૂકવવામાં આવશે, જેથી તેઓ પોતાનો રોજગાર ફરી શરૂ કરી શકે.

ખેતી-પશુપાલનને થયેલ નુકસાનનું પણ અપાશે વળતર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાનનો યુદ્ધના ધોરણે તાત્કાલિક સરવે હાથ ધરવામાં આવ્યો છે. સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ ખેડૂતોને વળતર આપવામાં આવશે. આ ઉપરાંત બાગાયતી વૃક્ષો અને છોડને વૈજ્ઞાનિક પદ્ધતિથી બચાવવા માટે પણ જરૂરી પ્રયાસો કરવામાં આવશે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની અછત ન સર્જાય તે માટે વહીવટીતંત્રને તાત્કાલિક નિર્ણય લેવાની સત્તા આપી દેવામાં આવી છે. આ સાથે જ અસરગ્રસ્ત પરિવારોને મુશ્કેલી ન પડે તે માટે આ મહિનાથી જ વિનામૂલ્યે રાશન સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા તમામ વિભાગોને રાહત કામગીરી ઝડપી બનાવવાની સૂચના આપવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં રાહત કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં આશરે 18,000 લાભાર્થીઓને ₹3.50 કરોડની કેશડોલ સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત ઘરવખરી અને મકાન નુકસાની પેટે ₹9.50 કરોડ સહિતની વિવિધ રાહત રકમ ફાળવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તિથલ અને કોસંબા ગામના 79 અસરગ્રસ્ત પરિવારોને ₹5,37,200ના સહાય ચેક આપી દેવાયા છે.

મંત્રીઓએ પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત

આ કુદરતી આપત્તિના સમયે મંત્રીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓએ સ્થળ પર પહોંચી મુલાકાત લીધી હતી. કૃષિ મંત્રી અને પ્રભારી મંત્રીઓએ ઉમરગામના મોહનગામ અને પારડીના તીઘરા ગામની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ કટોકટીના સમયે સેવા આપનાર એનજીઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, સ્થાનિક નાગરિકો અને સુરક્ષાદળોની કામગીરીને બિરદાવી હતી.

હવામાન વિભાગે આગામી દિવસો માટે હજુ પણ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાથી મંત્રીએ નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. રાજ્ય સરકારે વલસાડ અને નવસારીના લોકોને આશ્વાસન આપ્યું છે કે દરેક અસરગ્રસ્ત સુધી સમયસર સહાય પહોંચાડીને તેમનું જનજીવન ફરી સામાન્ય બનાવવા માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.