‘સમાજનો આક્રોશ સમજી શકું છું, પણ બાળપણમાં ભૂલો થાય છે… હું બાળકોને માફ કરું છું’: જંતર-મંતર પર ગાળો ભાંડનારાઓ વિશે પીએમ મોદીનો નવો વિડીયો

જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને નામે ગાળો ભાંડનારા, અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા જેન-ઝી વિશે વડા પ્રધાન મોદીએ પહેલી વખત જાહેર ટિપ્પણી કરી છે. મોડી રાત્રે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા એક વિડીયોમાં પીએમ મોદીએ કહ્યું કે બાળપણમાં ભૂલો થાય છે અને ભૂલો સુધારવા માટે જ બાળપણ હોય છે. પોતે બાળકોને માફ કરે છે. સાથે લોકોને પણ અપીલ કરતાં કહ્યું કે આ ગુમરાહ બાળકોને સાચો માર્ગ દેખાડવો એ સૌની જવાબદારી છે.

વિડીયોમાં પીએમ મોદીએ કહ્યું, “જંતર-મંતર પર જે થયું એ દેશ-દુનિયાએ જોયું. અમુક તોફાની બાળકોએ ભદ્દી ગાળો ભાંડી. કોઈ પણ સભ્ય સમાજને શોભા ન આપે એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. મને તો ગાળો અપાઈ, મારી સ્વર્ગીય માતાને પણ ગાળો આપી. આ કેટલું ભદ્દું સ્વરૂપ હતું!”

તેમણે આગળ કહ્યું, “…પરંતુ બાળપણમાં ભૂલો થાય છે. બાળપણમાં ભૂલો સુધારવાનો અવસર પણ હોય છે. એટલે જ એને બાળપણ કહેવાય છે… એટલે હું સમાજમાં જે આક્રોશ છે તેને પણ સમજી શકું છું. આ કલ્ચરલ શૉક છે કે આપણી દીકરીઓ આવી ભાષાનો ઉપયોગ કઈ રીતે કરી શકે… પણ સમય છે આ બાળકોને ગળે લગાડીને તેમને રાહ બતાવવાનો. આ ગુમરાહ બાળકો છે, તેમને માર્ગ દેખાડવાનું કામ આપણું છે. તેમને સજા આપવી, અદાલતોના ચક્કર લગાવવા મજબૂર કરવા, પ્રતાડિત કરવા… આનાથી આપણે પરિસ્થિતિ ન બદલી શકીએ. હું એમને માફ કરું છું. સમાજ પણ મારી આ વાત સ્વીકારે.”

પીએમ મોદીએ કહ્યું, “…કારણ કે મારા મનમાં એક જ ભાવ છે. ક્યારેક જીભ દાંત તળે આવી જાય છે, લોહી નીકળી આવે છે, પણ આપણે દાંત તોડી નથી નાખતા, કારણ કે દાંત આપણા છે, જીભ આપણી છે. એ જ રીતે બાળકો આપણાં છે. તેમને માર્ગ દેખાડવો એ આપણું કામ છે. ગુમરાહને રાહ દેખાડવી કઠિન કામ છે પણ કઠિન કામ આપણે કરવાનું છે.”

અંતે બાળકોને સંબોધીને પીએમ મોદીએ કહ્યું, “…એટલે, આવો, હું આ બાળકોને કહું છું આપણે દેશ માટે સાથે મળીને આગળ વધીએ. નવું શીખીએ. ભૂલોમાંથી પણ શીખીએ. દેશ આગળ વધી રહ્યો છે, આગળ વધવાનો છે. તમે પણ આગળ વધો એ જ મારું સપનું છે. હું તમારા માટે જીવ્યો છું, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખપતો રહ્યો છું. આવો સૌ મળીને આગળ વધીએ.”

પીએમ મોદીએ આ વિડીયો સાથે કેપ્શન લખ્યું છે, ‘ગાળો ભાંડવાથી કશું ઊપજી શકતું નથી. જેઓ ગુમરાહ છે તેમને માર્ગ દેખાડીએ. સૌ સાથે મળીને કામ કરીએ. સાથે મળીને ભારત માટે કામ કરીએ.’