મહારાષ્ટ્રના ભિવંડીના બાલાજી નગર ગંગારામવાડી વિસ્તારમાં એક મોટી હોનારત સર્જાઈ છે. 30 જુલાઈની મોડી રાત્રે આશરે 11થી 11:30 વાગ્યાના સુમારે ‘કોહિનૂર એપાર્ટમેન્ટ’ નામની એક ચાર માળની રહેણાંક ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6થી 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની શંકાને આધારે મોટાપાયે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ દુર્ઘટનામાં શમીમ શેખ (32), રણજીત સિંઘ (45), મિરાજ રસૂલ શેખ (34), સંતોષ કુમાર પાંડે (40) અને શમીમ અંસારી (30) નામના વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય ત્રણ મૃતકોની ઓળખ હજુ બાકી છે. આ સિવાય અભય યાદવ, દીપક યાદવ અને સંગીતા પ્રજાપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈમારત તૂટવાના થોડા સમય પહેલાં મોટો ‘ક્રેકિંગ’નો અવાજ સંભળાતાં સ્થાનિક લોકોએ અનેક પરિવારોને બહાર કાઢ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
ધરાશાયી થયેલી આ ઈમારતમાં કુલ 48 રૂમ હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઈમારતને અગાઉથી જ ‘અતિ જોખમી’ જાહેર કરી હતી. અહેવાલો અનુસાર ઈમારતની ‘બી’ વિંગ તૂટી પડી ત્યારે પરિસરમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું. કાટમાળ નીચે હજુ પણ કેટલાક શ્રમિકો અને સ્થાનિક રહીશો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ NDRF, થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે 4 ફાયર એન્જિન, 2 એમ્બ્યુલન્સ, જેસીબી અને સ્નિફર ડોગ સ્ક્વોડની મદદથી સતત રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે.
આ હોનારત બાદ ભિવંડી નિઝામપુર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે ભિવંડીમાં આવી ઘણી ઈમારતો છે જે જોખમી જાહેર કરાયેલી છે, તેથી આવી જર્જરિત ઈમારતોમાં રહેતા લોકોએ પોતાના જીવના જોખમે ત્યાં ન રહેતાં તુરંત જ ઈમારતો ખાલી કરી દેવી જોઈએ.

