‘ટોળાંએ મારા પિતાને અધમરા કરી નાખ્યા હતા’: CJP હિંસામાં ઘાયલ પોલીસકર્મીઓના પરિવારોએ તોડ્યું મૌન, કહ્યું- વર્દીની પાછળ પણ એક પરિવાર હોય છે

રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના (CJP) પ્રદર્શન અને ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના પરિવારો પ્રથમ વખત જાહેરમાં સામે આવ્યા છે. શુક્રવારના (31 જુલાઈ, 2026) રોજ યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ઘાયલ જવાનોના પરિવારજનોએ તે દિવસની ઘટનાઓને યાદ કરતા પોતાની પીડા વ્યક્ત કરી હતી.

તેમણે આરોપ લગાવ્યો કે પ્રદર્શન બાદ માત્ર એક પક્ષની જ વાત સામે આવી, જ્યારે ફરજ બજાવતી વખતે ઘાયલ થયેલા પોલીસકર્મીઓ અને તેમના પરિવારોની પીડાને પૂરતું મહત્વ આપવામાં આવ્યું નથી. પરિવારજનોએ પોલીસકર્મીઓના અધિકારો અને તેમની સાથે થયેલી હિંસા પર સંસદ અને ન્યાયતંત્રનું ધ્યાન દોરવાની અપીલ પણ કરી હતી.

પરિવારજનોએ સંભળાવી તે દિવસની ઘટના

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન અનેક પરિવારો ભાવુક થઈ ગયા હતા. એક ઘાયલ પોલીસકર્મીના પરિવારજને રડતાં-રડતાં કહ્યું કે, “જ્યારે મારા પિતા તે દિવસે ફરજ પૂરી કરીને ઘરે પરત આવ્યા ત્યારે તેમની ખાખી વર્દી સંપૂર્ણપણે લોહીથી લાલ થઈ ગઈ હતી. તેમના માથા અને હાથ પર ગંભીર ઈજાઓ હતી.”

દિલ્હી પોલીસના એક ACPની પત્ની અવનીત કૌરે પણ તે રાતને યાદ કરતા કહ્યું કે, “20 જુલાઈની રાત્રે જ્યારે મારા પતિ ઘાયલ હાલતમાં ઘરે પહોંચ્યા ત્યારે તેમની સ્થિતિ જોઈને મારી આત્મા ધ્રૂજી ઉઠી હતી. તે દૃશ્ય મારા અને અમારી 2 વર્ષની દીકરી માટે અત્યંત દર્દનાક અને આઘાતજનક હતું. મારી દીકરી પોતાના પિતાને તે હાલતમાં જોઈને ગભરાઈ ગઈ હતી.”

તેમણે આગળ કહ્યું કે, “લોકો એ વાત ભૂલી જાય છે કે એક પોલીસ અધિકારી માત્ર એક વ્યક્તિ કે વર્દી નથી હોતો. તેની પાછળ તેનો એક પરિવાર હોય છે, તેની પત્ની, નાનાં બાળકો અને વૃદ્ધ માતા-પિતા, જે તેના સુરક્ષિત ઘરે પરત ફરવાની રાહ જોતા હોય છે.”

‘મારા પિતાને લગભગ મારી જ નાખ્યા હતા’: દીકરીએ વ્યક્ત કરી પીડા

ઘાયલ સબ-ઇન્સ્પેક્ટરની દીકરીએ પોતાના પિતાની સેવા અને તે દિવસે થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “પોલીસમાં જોડાયા પહેલાં મારા પિતા ભારતીય નૌકાદળમાં મરીન કમાન્ડો હતા. તેમણે પોતાના જીવનના 15 વર્ષ ભારતીય નૌકાદળને સમર્પિત કર્યા હતા. તે દિવસે મારા પિતા બેરિકેડ્સ પર તહેનાત હતા, જ્યાં ખૂબ મોટી ભીડ હાજર હતી. પપ્પા ઘણીવાર ઘરે કહેતા હતા કે હવે આ માત્ર વિદ્યાર્થીઓનું આંદોલન રહ્યું નથી, તેમાં કેટલાક અસામાજિક તત્ત્વો ઘૂસી ચૂક્યા છે.”

તેમણે આગળ જણાવ્યું કે, “25 તારીખે પ્રદર્શન દરમિયાન ભીડે મારા પિતાને જબરદસ્તી ખેંચી લીધા અને તેમના પર જીવલેણ હુમલો કર્યો. તેમને લગભગ મારી જ નાખ્યા હતા. હુમલા બાદ તેઓ 4 કલાકથી પણ વધુ સમય સુધી ઘટનાસ્થળે બેભાન પડ્યા રહ્યા. બાદમાં તેમની ટીમના લોકોએ કોઈક રીતે તેમને બચાવીને ઘરે પહોંચાડ્યા. તેમની સંપૂર્ણ વર્દી લોહીથી લથપથ હતી. એક તરફ મારા પિતા હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા, તેમની વર્દી લોહીથી ખરડાયેલી હતી, પરંતુ જ્યારે મેં સોશિયલ મીડિયા ખોલ્યું ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. સોશિયલ મીડિયા પર મારા પિતાને જ એક અપરાધી અને વિલન તરીકે રજૂ કરવામાં આવી રહ્યા હતા.”

તેમણે વધુમાં કહ્યું કે, “બરાબર બીજા જ દિવસે મને ખબર પડી કે જેમણે મારા પિતા પર હુમલો કર્યો હતો, તેઓ પોતાનો ગુનો છુપાવવા માટે સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા હતા અને મારા પિતા સહિત તમામ પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદો નોંધાવી રહ્યા હતા. મને ખૂબ દુઃખ થયું અને મેં નક્કી કર્યું કે મને પણ મારા પિતા માટે ન્યાય માંગવો જોઈએ. મને અન્ય પોલીસ પરિવારોનો પણ સાથ મળ્યો અને અમે સુપ્રીમ કોર્ટ ગયા. અમે એક વકીલને સુપ્રીમ કોર્ટ સમક્ષ અમારો પક્ષ રજૂ કરવાની વિનંતી કરી. વકીલે અમને વિશ્વાસ અપાવ્યો કે આ દેશના નાગરિક તરીકે અમને પણ સમાન અધિકારો છે અને અમને પણ ન્યાય મળશે.”

આ દરમિયાન અન્ય એક પોલીસકર્મીની દીકરી ગુંજને કહ્યું કે, “મારા પિતા જ્યારે ઘરે આવતા હતા ત્યારે કહેતા હતા કે હવે આ વિદ્યાર્થીઓનું પ્રદર્શન રહ્યું નથી, તેમાં ખોટા લોકો જોડાઈ ગયા છે. 20 જુલાઈના રોજ મારા પિતાના સાથીઓ તેમને રાત્રે 10 વાગ્યે ઘરે લઈને આવ્યા હતા. તેમના માથા પર 5 ટાંકા હતા. તેમનો યુનિફોર્મ લોહીથી લથપથ હતો છતાં સોશિયલ મીડિયા પર તેમને જ ગુનેગાર તરીકે દર્શાવવામાં આવી રહ્યા હતા.”

પરિવારજનોએ સંસદ અને ન્યાયતંત્રને કરી અપીલ

પ્રેસ કૉન્ફરન્સમાં ઘાયલ ASIની પત્ની સીમાએ જણાવ્યું કે, “મેં 20 જુલાઈની સાંજે 7 વાગ્યે મારા પતિને ફોન કર્યો હતો, ત્યારે તેઓ હોસ્પિટલમાં હતા. તેમની સારવાર ચાલી રહી હતી. ભીડમાં અસામાજિક તત્ત્વો સક્રિય થઈ ગયા હતા. તેમણે પથ્થરો અને હથિયારોથી પોલીસ જવાનોને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ તેમનો ફોન બંધ થઈ ગયો.”

તેમણે આગળ કહ્યું કે, “હું ખૂબ ડરી ગઈ હતી. રાત્રે 11 વાગ્યે તેઓ ઘરે આવ્યા અને તેમણે જણાવ્યું કે સંસદની સુરક્ષા માટે લગાવવામાં આવેલી બેરિકેડિંગ તોડી નાખવામાં આવી હતી અને પોલીસ દળ પર હુમલો કરવામાં આવ્યો હતો. ફરજ દરમિયાન મળેલું તેમનું હેલ્મેટ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. આ જોઈને મારી આત્મા ધ્રૂજી ઉઠી હતી.”

સીમાએ સંસદને અપીલ કરતા કહ્યું કે, “હું સંસદમાં બેઠેલા જનપ્રતિનિધિઓને અપીલ કરું છું કે અમારા પોલીસકર્મીઓ અને તેમના પરિવારોના અધિકારો તથા તેમના પર થયેલા હુમલાઓ અંગે પણ સંસદમાં પ્રશ્નો ઉઠાવવામાં આવે. 20 તારીખ બાદ સતત એવો જ નેરેટિવ ચલાવવામાં આવી રહ્યો છે કે પોલીસે વિદ્યાર્થીઓને માર્યા, પરંતુ આ પ્રદર્શનનો બીજો પક્ષ કંઈક અલગ જ છે.”

પ્રેસ કૉન્ફરન્સમાં હાજર પરિવારજનોએ જણાવ્યું કે પ્રદર્શન અને ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન 148થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાંથી અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમણે જણાવ્યું કે કેટલાક ઘાયલ પોલીસકર્મીઓ અને તેમના પરિવારો ન્યાયની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો પણ ખખડાવી ચૂક્યા છે.

પરિવારોનું કહેવું છે કે ફરજ દરમિયાન ઘાયલ થયેલા જવાનોની પીડા અને તેમના અધિકારો પર પણ સમાન રીતે ચર્ચા થવી જોઈએ, કારણ કે વર્દીની પાછળ પણ એક પરિવાર હોય છે, જે દરરોજ તેમના સુરક્ષિત ઘરે પરત ફરવાની રાહ જોતો હોય છે.