સર્કસમાં જોકરો હોય છે. ગુજરાતના રાજકારણમાં આપિયાઓ છે.
તંગ રાજકીય માહોલમાં મનોરંજન કરતા-કરાવતા રહે છે. હમણાં આપિયાઓએ એક નવી માંગણી ઉઠાવી. દેશભરમાં રાજીનામાં માગવાની સિઝન ચાલે છે, અમુક ઠેકાણે રાજીનામાં પડી પણ રહ્યાં છે તો આપણે પણ કોઈકનું રાજીનામું માગવું જોઈએ એ વિચારે ગુજરાતના AAP નેતાઓએ ગુજરાતના શિક્ષણ પ્રધાનનું રાજીનામું માગ્યું. આ રાજીનામું માગવામાં થોડી ભૂલચૂક થઈ ગઈ ને આખરે ફજેતી એટલી થઈ કે રાજીનામું માગવાનું માંડી વાળ્યું!
બે-ત્રણ દિવસ પહેલાં એક સમાચાર આવ્યા કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું BAMSની એક પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. જોકે યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે હજુ પેપર લીક થયું છે કે કેમ એ પણ સ્પષ્ટ નથી થયું અને યુનિવર્સિટી આંતરિક તપાસ કરી રહી છે. એવું જાણવા મળ્યું હતું કે અમુક વોટ્સએપ મેસેજ અને પેપરના અમુક પ્રશ્નોમાં સામ્યતા જોવા મળી હતી. આ મેસેજો એક કોલેજના વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યા છે કે વિદ્યાર્થીઓના એકાદ જૂથ સુધી જ પહોંચ્યા હતા એ પણ હજુ સ્પષ્ટ નથી. યુનિવર્સિટીનું કહેવું છે કે જો અમુક વિદ્યાર્થીઓ પૂરતો મામલો હશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે અને જો તમામ 26 કોલેજ સુધી પહોંચ્યા હશે તો પરીક્ષા ફરી લેવાશે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી હેઠળની કુલ 26 કોલેજના 2000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
છાપામાં આ સમાચાર વાંચ્યા પછી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણમંત્રીનું રાજીનામું માંગવાનું શરૂ કર્યું.
આમ આદમી પાર્ટીના ગુજરાતના યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ એક વિડીયો બનાવ્યો. વાચકોને જાણ થાય કે આ ભાઈ હમણાં દિલ્હીના જંતર-મંતર પર જે કથિત વિરોધ પ્રદર્શન થયું ત્યારે ત્યાં પણ દેખાયા હતા અને મીડિયાએ પૂછ્યું તો પોતાને ‘બિઝનેસમેન’ ગણાવ્યા હતા.
વિડીયોમાં બ્રિજરાજ આયુર્વેદ યુનિવર્સિટીની પરીક્ષાની કથિત પેપર લીકની ઘટના ટાંકીને કહે છે કે આના પહેલાં 34 પેપર લીકની ઘટનાઓ બની ચૂકી છે પણ સરકારે કોઈ પગલાં લીધાં નથી. આગળ કહ્યું કે જંતર-મંતર પરના યુવાનોના પ્રદર્શનના કારણે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું જેથી ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ રાજીનામું આપી દેવું જોઈએ.
"ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં થયેલ પેપરલીક મુદ્દે ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આ પેપરલીકની નૈતિક જવાબદારી સ્વીકારી 48 કલાકની અંદર રાજીનામું આપવું પડશે. જો રાજીનામું નહીં આપે તો વિદ્યાર્થીઓ સાથે મળીને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે."
— AAP Gujarat (@AAPGujarat) July 27, 2026
– @brijraj_solanki
AAP ગુજરાત… pic.twitter.com/C7XwbVvad4
આગળ તે પોતાને ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓનો પ્રતિનિધિ ગણાવીને કહે છે કે, “હું રીવાબાને વિનંતી કરું છું કે અમે તમને 48 કલાકનો સમય આપીએ છીએ, 48 કલાકમાં આપ રાજીનામું આપી દો. નહીંતર આવનારા દિવસોમાં અમે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડે તો શહીદ-એ-આઝમ ભગત સિંહના માર્ગ પર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે.”
લોકસભા ચૂંટણી ટાણે થયેલા ક્ષત્રિય સંકલન સમિતિના આંદોલન વખતે શરૂઆતમાં આગેવાની લેનારાં અને પછી સંકલન સમિતિ સામે જ પડનારાં પદ્મિનીબા વાળા આમ આદમી પાર્ટીનાં નેતા થઈ ગયાં છે. તેમણે પણ એક વિડીયો બનાવી નાખ્યો.
ગુજરાતના શિક્ષામંત્રી કોણ છે એ નથી ખબર, પણ બધા વીડિયો બનાવે છે તો "આપ"ણે કેમ બાકી રહી જઈએ.? pic.twitter.com/x1pRa1CjiK
— Aaditya. (@DrAadityaMehta) July 28, 2026
પદ્મિનીબાએ પણ વિડીયોમાં રીવાબા જાડેજાને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું અને કહ્યું કે જવાબદારી સ્વીકારીને રીવાબા રાજીનામું નહીં આપે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન થશે. સાથે કહ્યું કે શિક્ષણમંત્રી તરીકે પૂરેપૂરી જવાબદારી રીવાબા જાડેજાની છે.
હવે મૂળ વાત આવે છે.
રીવાબા જાડેજા ગુજરાતનાં શિક્ષણ રાજ્યમંત્રી છે. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા છે.
રાજ્ય સરકારમાં બે પ્રકારના મંત્રીઓ હોય છે. દરેક ખાતાના કેબિનેટ મંત્રી પણ હોય અને તેમની સાથે આસિસ્ટન્ટ તરીકે રાજ્યમંત્રી પણ હોય. અમુક રાજ્યમંત્રીઓ પાસે સ્વતંત્ર હવાલો હોય છે. શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા છે. રીવાબા જાડેજા શિક્ષણ રાજ્યમંત્રી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ રીવાબાને શિક્ષણ મંત્રી (કેબિનેટ) માનીને રાજીનામું માંગી રહ્યા છે!
હવે માત્ર રીવાબા જાડેજાનું જ રાજીનામું જોઈતું હોય એ તર્ક પણ મગજમાં બેસે એમ નથી, કારણ કે મૂળ જવાબદારી કેબિનેટ મંત્રીની આવે છે. પરંતુ આમાં આમ આદમી પાર્ટી પ્રદ્યુમન વાજાનું પણ રાજીનામું માગી શકે એમ નથી. કારણ કે તબીબી શિક્ષણનો પણ એક આખો અલગ વિભાગ છે અને તેનો સ્વતંત્ર હવાલો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા પાસે છે.
એટલે થયું એવું કે વિભાગ એક મંત્રી હસ્તક આવે છે. શિક્ષણ મંત્રી કોઈ બીજું છે અને આમ આદમી પાર્ટીના માણસો રાજીનામું કોઈ ત્રીજા માણસનું માંગી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકોએ આ બધું પકડી પાડ્યું અને સમજણ પાડી. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ આ રાજીનામાં માગવાનું માંડી વાળ્યું અને મુદ્દો પડતો મૂકીને ઘરભેગા થયા. હવે બે-ચાર દિવસમાં કશુંક નવું તૂત લાવશે! એનો વાંધો નથી, પણ આ બધી માથાકૂટોમાં જેન્યુઇન મુદ્દાઓ પણ હાસ્યાસ્પદ બની જાય છે અને આમ આદમી પાર્ટીને એમાં મહારત છે.


