મૉસ્કોની ઇટાલિયન રેસ્ટોરન્ટ બહાર બૉમ્બ બ્લાસ્ટ: IED લઈને આવેલી મહિલા સહિત 3નાં મોત, 21 ઘાયલ

મૉસ્કોમાં શનિવારે (1 ઑગસ્ટ) સાંજે થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થયા છે. રશિયાની નેશનલ એન્ટી-ટેરરિઝમ કમિટી (NAC) અનુસાર સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 8 વાગ્યે કુદ્રિન્સ્કાયા સ્ક્વેર ખાતે આવેલી Balzi Rossi નામની ઇટાલિયન રેસ્ટોરન્ટની બહાર આ વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળ શહેરની જાણીતી સ્ટાલિન-યુગની ઇમારતોની નજીક આવેલું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાના સમયે રેસ્ટોરન્ટમાં ખાનગી કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને સામાન્ય લોકો માટે તે બંધ રાખવામાં આવી હતી. NACના જણાવ્યા અનુસાર એક અજાણી મહિલા ઘરેલું બનાવટના ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) સાથે રેસ્ટોરન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, પ્રવેશદ્વાર પર તહેનાત સુરક્ષા ગાર્ડે તેને અટકાવી હતી. થોડી જ ક્ષણોમાં વિસ્ફોટ થયો હતો.

આ વિસ્ફોટમાં વિસ્ફોટક લઈને આવેલી મહિલાનું, તેને રોકનારા સુરક્ષા ગાર્ડનું અને રેસ્ટોરન્ટમાં હાજર એક ગ્રાહકનું મોત થયું હતું. અન્ય 21 લોકો ઘાયલ થયા હતા, જેમાં કેટલાકને સામાન્ય ઈજા પહોંચી છે તો કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.

ઘટના બાદ પોલીસ, ફોરેન્સિક ટીમ અને અન્ય તપાસ એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. રશિયન મીડિયા અને ટેલિગ્રામ ચેનલોમાં સામે આવેલા વિડીયો સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો બચાવ અને તપાસમાં જોડાયેલી જોવા મળી હતી.

રશિયાની નેશનલ એન્ટી-ટેરરિઝમ કમિટીએ પુષ્ટિ કરી છે કે વિસ્ફોટ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસના (IED) કારણે થયો હતો. હુમલાનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું અને તેની પાછળ કોણ જવાબદાર છે તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

દરમિયાન, રશિયાના અખબાર Kommersantના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલાનું સંભવિત નિશાન રેસ્ટોરન્ટના આઉટડોર સમર ટેરેસ પર બેઠેલા લોકો હોય શકે છે. અહેવાલમાં એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે વિસ્ફોટકને કોઈ અન્ય વ્યક્તિએ રિમોટથી સક્રિય કર્યો હોય અને વિસ્ફોટક લઈને આવેલી મહિલાને કદાચ તેની પાસે બૉમ્બ હોવાની જાણ પણ ન હોય. જોકે, આ દાવાઓની રશિયન સત્તાધિકારીઓએ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.

રશિયાની સરકારી સમાચાર એજન્સી RIA Novosti અને TASSના જણાવ્યા અનુસાર સુરક્ષા ગાર્ડે મહિલાને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવી હોવાથી વિસ્ફોટ ઇમારતની અંદર થતો અટક્યો અને સંભવિત રીતે વધુ જાનહાનિ ટળી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાં આતંકવાદી હુમલાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. આ તાજા વિસ્ફોટમાં પણ તપાસ એજન્સીઓ તમામ સંભવિત પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે.