
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલને સ્થાનિક કોર્ટે એક કેસમાં દોષિત ઠેરવીને 2 વર્ષની સજા ફટકારી છે. સાંસદ ઉમેશ પટેલ અને દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુખા પટેલ સામે 2011માં એક્સાઇઝ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની શારીરિક પરીક્ષા દરમ્યાન હોબાળો મચાવવાનો અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લાગ્યો હતો.
પંદર વર્ષ બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કેસમાં સાંસદ સહિત બંને આરોપીઓને દોષી ઠેરવીને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે કોર્ટે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે એક મહિના સુધી સજા નિલંબિત રાખી છે.
સાંસદ ઉમેશ પટેલનું કહેવું છે કે તેમને સુખા પટેલે જણાવ્યું હતું કે ઈન્ટરવ્યુમાં અમુક ઉમેદવારો સાથે અન્યાય થાય છે એટલે પોતે માત્ર સાથે ગયા હતા અને મામલાને તેમની સાથે કોઈ સંબંધ નથી. સાથે કહ્યું કે કોર્ટે તેમનો પક્ષ બરાબર સાંભળ્યો ન હતો અને ભવિષ્યમાં આદેશને ઉપલી કોર્ટમાં પડકારશે.
જો ઉપલી કોર્ટ સજા સસ્પેન્ડ કરે તો ઉમેશ પટેલનું સભ્યપદ યથાવત રહેશે, અન્યથા કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થવા પર સાંસદો-ધારાસભ્યો બરતરફ થઈ જાય છે.
શું છે કેસ
મામલો માર્ચ 2012નો છે. દમણના સ્પોર્ટ્સ ક્લબ ફૂટબોલ ગ્રાઉન્ડ પર એકસાઈઝ વિભાગના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી હતી. ત્યારે ઉમેશ પટેલ અને સુખા પટેલ બંને દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સાથે પોલીસ અધિકારીઓને પણ ધાકધમકીઓ આપી હતી.
આ મામલે પછીથી પોલીસે જ ફરિયાદી બનીને FIR નોંધી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક ઉમેદવાર નાપાસ થતાં તેને નાપાસ કેમ કરવામાં આવ્યો એ વાતનો વાંધો લઈને બંને ધસી આવ્યા હતા અને સરકારી કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી અને ગાળો ભાંડી હતી. ત્યારબાદ પોલીસ બંનેને ઉઠાવી લઈ ગઈ હતી.
બંને વિરુદ્ધ IPCની કલમ 452 (અનધિકૃત પ્રવેશ), 353 (જાહેર સેવક વિરુદ્ધ ક્રિમિનલ ફોર્સનો ઉપયોગ), 332 (જાહેર સેવકને ફરજ દરમ્યાન ઈજા પહોંચાડવી), 504 (શાંતિભંગના ઇરાદે અપમાન) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આદેશમાં કોર્ટે બંનેને IPC 186 અને 353 હેઠળ દોષી ઠેરવ્યા હતા. હવે બંને ઉપલી કોર્ટ જશે.
ઉમેશ પટેલ અપક્ષ સાંસદ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર લાલુ પટેલ સામે તેમની જીત થઈ હતી.

