
પશ્ચિમ બંગાળ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે બર્ધમાન જિલ્લાના એક રહેણાંક હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી હમીમ મોંડલ નામના એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કેસ સોશિયલ મીડિયા પર ઓનલાઈન ફેલાઈ રહેલા કટ્ટરપંથ અને યુવાનોના આતંકી સંગઠનોમાં થઈ રહેલા રિક્રૂટમેન્ટનો એક ગંભીર દાખલો પૂરો પાડે છે.
તપાસમાં સામે આવ્યું છે કે હમીમ મોંડલ જૈશ-એ-મોહમ્મદના શેહઝાદ ભટ્ટી ગ્રુપ સાથે જોડાયેલો હતો અને અહીંયાની માહિતી ત્યાં મોકલી રહ્યો હતો. પૂર્વ બર્ધમાન જિલ્લાના મોંતેશ્વરનો રહેવાસી હમીમ બી.કોમ.ના બીજા વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ ભણતર છોડીને હાવડાની એક ગંજી બનાવતી ફેક્ટરીમાં કામ કરતો હતો.
ઇન્સ્ટાગ્રામ પર અતિશય સક્રિયતાને કારણે તે આતંકી રિક્રૂટર્સની નજરમાં આવ્યો હતો. ઓનલાઈન વાતચીતથી શરૂ થયેલી પ્રક્રિયા બાદમાં વૈચારિક કટ્ટરપંથમાં ફેરવાઈ ગઈ હતી. ત્યારબાદ એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ્સથી તેને સંગઠન તરફથી પ્રાથમિક સૂચનાઓ મળવા લાગી હતી અને તે નેટવર્કમાં વધુ સક્રિય બન્યો હતો.
શુભેન્દુ અધિકારીની મૂવમેન્ટની માહિતી આતંકીઓને આપી હોવાનો ખુલાસો
બંગાળ STF અને એન્ટી-ટેરરિઝમ સેલ લાંબા સમયથી તેની ઓનલાઈન ગતિવિધિઓ પર ડિજિટલ સર્વેલન્સથી નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન એવું સામે આવ્યું કે તે કાશ્મીર સ્થિત આતંકી જૂથનો વિશ્વાસ જીતવા માટે બંગાળની ગોપનીય માહિતી મોકલી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની મૂવમેન્ટ અંગેની માહિતી આતંકી ગ્રુપને મોકલી હોવાના સંકેત મળ્યા છે.
આ ઉપરાંત તેના મોબાઈલમાંથી રિકવર કરાયેલ વોટ્સએપ ચેટ્સની તપાસ કરતા એક અપહરણના કાવતરાનો પણ ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ તે બંગાળના નેતા ઉમેશ રાયનું અપહરણ કરવાની વિગતવાર યોજના બનાવી રહ્યો હતો અને આ માટે તેણે બે-ત્રણ સ્થાનિક યુવાનોને પણ પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.
આતંકીઓને માહિતી મોકલનાર એજન્ટ
હાલમાં અધિકારીઓના મતે હમીમ સ્લીપર સેલ તરીકે નહીં પરંતુ માહિતી એકત્ર કરીને આતંકીઓને મોકલનાર એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો. ધરપકડ બાદ તે પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને ભ્રમિત કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો. STF હાલમાં તેના ડિજિટલ પુરાવાઓ અને સાધનોની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ કેસની તપાસ વધુ આગળ વધતાં બંગાળ STFએ ઝારખંડના સાહિબગંજમાંથી હમીમની ગર્લફ્રેન્ડ અર્પિતા સરકારની પણ ધરપકડ કરી છે. STFના સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતા પણ આ જ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલી હતી. તેને બર્ધમાન પોલીસ સ્ટેશન લાવીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

