છેલ્લા થોડા સમયથી સિંહના માણસો પર હુમલાની ખબરો વાંચું છું ત્યારે એક વાત વારંવાર મનમાં આવે છે કે આ એ જ સિંહ છે ને, જેને હું સવારના પાંચ વાગ્યે રસ્તા પર જોતો આવું છું?
જૂનમાં અમરેલીમાં એક યુવક સિંહોના સંપર્કમાં આવ્યા બાદ માર્યો ગયો. જુલાઈની શરૂઆતમાં ભાવનગરના પાલિતાણાના એક ગામમાં સિંહણે એક પશુપાલક પર હુમલો કર્યો અને તેનો વિડીયો પણ સામે આવ્યો. ત્યારબાદ અમરેલીના લિલિયા વિસ્તારમાં 21 વર્ષના યુવકનું સિંહના હુમલામાં મોત થયું. આ ઘટનામાં વન વિભાગની તપાસ મુજબ યુવક અને તેના મિત્રો સિંહોને જોવા માટે ગેરકાયદે રીતે આરક્ષિત જંગલ વિસ્તારમાં ગયા હતા અને સિંહોની જોડીને ઉશ્કેરવામાં આવી હોવાની વાત પણ અધિકારીઓએ કહી હતી.
આવી ખબરો આવે ત્યારે ચિંતા થાય એ સ્વાભાવિક છે. માણસ મર્યો છે. પરિવાર ઉજડી ગયો છે. બીજી તરફ સિંહ પણ પોતાની દુનિયામાં જીવે છે અને છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં માણસ અને સિંહ એકબીજાની વધુ નજીક આવી રહ્યા છે. વાત એટલી વધી છે કે માનવ પર હુમલો કરનારા સિંહો માટે અલગ 100 હેક્ટરનું એન્ક્લોઝર ઊભું કરવાની તૈયારી પણ રાજ્ય સરકારે શરૂ કરી છે.
પણ આ બધી વાતો વાંચ્યા પછી મને મારી પોતાની સવાર યાદ આવે છે.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અંતરિયાળ કાંઠા વિસ્તારમાં, દરિયાની નજીક મારું ગામ છે, નામ ખંઢેરા. બહારના માણસને કદાચ નામ પણ પહેલી વાર સાંભળવા મળે. નકશામાં આ ગામ શોધવું પડે. મારા માટે જોકે આ કોઈ નકશાનું ટપકું નથી. આ મારી સવાર છે, મારી સાંજ છે, મારી ગલીઓ છે, મારા લોકો છે અને આ જ આસપાસના રસ્તાઓ પર વર્ષોથી સિંહ પણ ફરતા આવ્યા છે.
સવારે લગભગ પાંચ વાગ્યે હું બાઇક લઈને તળાજા જવા નીકળું. જિમ કરવાનો સમય હોય છે. એ વખતે ગામમાં હજી ઊંઘનો માહોલ હોય. ક્યાંક કોઈ ઘર આગળ દીવો ઝાંખો બળતો હોય, ક્યાંક કોઈ માણસ વહેલો ઊઠીને પોતાનાં કામે લાગેલો હોય. દરિયાકાંઠાની હવા હોય એટલે સવારમાં એક અલગ ઠંડક પ્રસરી હોય. રસ્તો મોટેભાગે ખાલી હોય.
મારે લગભગ બાર કિલોમીટર જવાનું હોય છે. પણ આ બાર કિલોમીટરમાં એક વસ્તુ એવી છે જે રોજ નક્કી નથી હોતી. આજે સિંહ મળશે કે નહીં?
સવારના પાંચ વાગ્યે, રસ્તો અને સિંહ
આ રસ્તો હવે મારા માટે નવો નથી. કયો વળાંક ક્યારે આવે, ક્યાં રસ્તો થોડો સાંકડો પડે, ક્યાંથી ખેતરો શરૂ થાય, આ બધું જાણીતું છે. બાઇક ચલાવતાં-ચાલાવતાં નજર પણ રસ્તા સાથે ટેવાઈ ગઈ છે. પણ ક્યારેક એ જ ઓળખીતો રસ્તો અચાનક અજાણ્યો થઈ જાય.
થોડે આગળ કંઈક હલતું દેખાય. પહેલા લાગે કે કોઈ ઢોર હશે. પછી નજર થોડી ઠરે અને ખબર પડે કે સિંહ છે. એ ક્ષણે બાઇક ધીમી થઈ જાય. મન પણ. સિંહ શું કરી રહ્યો છે એ જોવાય. રસ્તો ઓળંગે છે કે બાજુમાં બેઠો છે? એકલો છે કે સાથે બીજો કોઈ છે? ક્યાંકથી આવ્યો છે કે ક્યાંક જઈ રહ્યો છે? આ બધું બે-ચાર ક્ષણમાં આંખ વાંચવા લાગે.
એક ક્ષણ માટે અંદરથી ચેતવણી તો આવે જ. આખરે સામે સિંહ છે. પણ એ ચેતવણી સાથે હવે જે પહેલાં કદાચ રોમાંચ રહેતો એના બદલે એક ઓળખાણ છે. હા, સિંહ છે. બસ. એને જોઈને ચીસ પાડવાની નથી. બાઇક એની પાછળ દોડાવવાની નથી. મોબાઇલ કાઢીને એની સામે ઊભા રહેવાનું નથી. એ જ્યાં છે ત્યાં એને રહેવા દેવાનું.
થોડીવારમાં એ પોતાની દિશામાં ચાલ્યો જાય. હું મારી દિશામાં અને થોડા જ સમયમાં તળાજા પહોંચી જાઉં. બહારના માણસને કહું કે, ‘હું સવારે જિમ કરવા જાઉં ત્યારે રસ્તામાં સિંહ મળી જાય છે’ તો કદાચ એને વાત પચવામાં થોડો સમય લાગે. ‘રોજ?’ હું કહું, ‘રોજ ક્યાં? પણ સવાર-સાંજ સિંહદર્શન હવે કંઈ બહુ મોટી વાત રહી નથી.’
ક્યારેક સવારમાં મળી જાય. ક્યારેક સાંજે. ક્યારેક રાત્રે કોઈ કામથી જવાનું હોય. ક્યારેક મિત્રો સાથે આમ જ રખડવા નીકળ્યા હોઈએ અને પાછા આવતાં કોઈ કહે, આગળ સિંહ બેઠો છે. પછી બાઇક ધીમી પડે. આંખ રસ્તા પર જાય અને થોડા સમયમાં ખરેખર એ દેખાઈ પણ જાય. અહીં આને અમે સિંહદર્શન કહીએ છીએ. પણ વાત એટલી સાદી નથી.
સિંહદર્શન સામાન્ય છે, સિંહ સામાન્ય નથી
મને લાગે છે કે સિંહ સાથે રહેવાની સૌથી પહેલી મુશ્કેલી જ આ છે કે તમને ટેવ પડી જાય છે. રોજિંદા જીવનમાં જે વસ્તુ વારંવાર દેખાય એની નવાઈ ઓછી થતી જાય. આજે સિંહ દેખાયો એટલે કાલે પણ દેખાઈ શકે. સવારમાં દેખાયો એટલે સાંજે પણ દેખાય. ધીમે-ધીમે મન એને રોજિંદા દૃશ્યનો ભાગ માની લે.
પણ અહીં જ એક વાત યાદ રાખવાની હોય છે. સિંહદર્શન સામાન્ય બની શકે, સિંહ સામાન્ય નથી. આ બે વાતમાં મોટો ફરક છે. સિંહને જોઈને ડરીને ગભરાઈ જવું જરૂરી નથી. પણ એના કારણે સિંહને પોતાના ગામનો કોઈ પાળેલો ઢોર સમજી લેવું પણ એટલું જ ખોટું છે.
સિંહ જંગલી પ્રાણી છે, ઉપરથી પાછો ડાલામથ્થો વનરાજ. એની પોતાની મરજી છે. પોતાનો સ્વભાવ છે. પોતાની હદ છે. આપણે એની નજીક જઈને એને સમજવાનો પ્રયાસ કરીએ એના કરતાં દૂર રહીને એને સમજવું વધારે સારું. અમારા કાંઠાના કાઠિયાવાડનાં ગામડાના લોકો આ વાત બહુ પહેલાંથી જાણે છે. કોઈ મોટી ભાષામાં નહીં. સાવ સીધી ભાષામાં. ‘એને કનડવાનો નહીં.’ ‘એની પાછળ પડાય નહીં.’ ‘એને જવા દો.’ વાત પૂરી.
સિંહ તો સિંહ છે
અમારા વિસ્તારમાં સિંહ વિશે બહુ ચર્ચા થાય ત્યારે પણ એની પાછળ કોઈ બહુ મોટી ફિલસૂફી હોતી નથી. સિંહ તો સિંહ છે.
આપણા વડીલો માટે સિંહ કોઈ નેશનલ જિયોગ્રાફિકની ફિલ્મમાં દેખાતો જીવ નથી. એ તો અહીંનો જ છે. ક્યારેક વાડી પાસે દેખાયો છે, ક્યારેક રસ્તા પર. કોઈના પશુ તરફ ગયો છે, કોઈના ખેતરની બાજુથી પસાર થયો છે. કોઈએ એની ગર્જના સાંભળી છે, કોઈએ એની પંજાની નિશાની જોઈ છે.
એટલે સિંહ વિશેની સમજ પણ પુસ્તકમાંથી આવેલી નથી. એ પેઢી દર પેઢી ઉતરી આવી છે, હું પણ એમાંથી બાકાત નથી. વડીલો પાસેથી સાંભળેલી વાતોમાં સિંહ માટે ડર કરતાં આદર વધારે હોય છે. સિંહને ચીડવવો નહીં. એની નજીક જવું નહીં. એ ખાઈ રહ્યો હોય તો એની પાસે ન જવું. બચ્ચાં હોય તો વધારે દૂર રહેવું. રસ્તો ઓળંગતો હોય તો એને રસ્તો આપવો.
આ બધું કોણે લખીને આપ્યું છે? કોઈએ નહીં. જિંદગીએ શીખવ્યું છે. કાંઠાએ શીખવ્યું છે. દરિયાની લહેરો અને વહેતા પવને શીખવ્યું છે. કાઠિયાવાડની સોડમમાં પાંગરેલા ગાંડા બાવળોએ શીખવ્યું છે. કદાચ જંગલની આસપાસ રહેતા માણસનું સૌથી મોટું શિક્ષણ પણ આ જ છે કે કુદરતને પોતાના હિસાબે ચલાવવાનો પ્રયત્ન ન કરવો.
સિંહ સાથે રહેવું એટલે રોજ ડરતાં જીવવું?
આ સવાલ મને ઘણી વાર થાય છે. જો કોઈ શહેરમાં રહેતો માણસ મારી પાસે આવીને પૂછે કે, ‘તમે લોકો ડરતા નથી? સિંહ આટલા નજીક આવે છે?’ તો હું કહીશ કે ડર તો માણસના સ્વભાવમાં છે. પણ ડર સાથે જીવવું અને ડરથી ગભરાઈને જીવવું બે અલગ વાત છે.

અમારે સિંહ દેખાય એટલે ઘરનાં બારણાં બંધ કરીને બેસી રહેવાનું નથી. અમારે કામે જવાનું છે. ખેતરે જવાનું છે. પશુ જોવા જવાનાં છે. કોઈના ઘરે જવાનું છે. રાત્રે પાછા ફરવાનું છે. જીવન અટકતું નથી.
સિંહ છે એટલે માણસ જીવવાનું છોડી દે એવું નથી. પરંતુ જીવન જીવતાં એક સમજ રાખવી પડે છે. રાત્રે ક્યાંક સિંહની હાજરીની ખબર પડે તો બિનજરૂરી રીતે ત્યાં જવાનું નહીં. સિંહ રસ્તા પર હોય તો એને ઘેરવાનો નહીં. ભીડ ભેગી કરીને ‘જોવો, જોવો’ કરવાની ઉતાવળ નહીં.
આપણે એને જોવા માટે નથી જીવતા. એ પોતાની જિંદગી જીવવા નીકળ્યો છે.
માણસ જ્યારે પોતાની મર્યાદા ભૂલે છે
છેલ્લા થોડા સમયની કેટલીક ઘટનાઓએ આ વાત બહુ ગંભીરતાથી સમજાવી છે. પાલિતાણાના એક ગામમાં સિંહણે પશુપાલક પર હુમલો કર્યો. વિડીયોમાં સિંહણ માણસને જમીન પર પછાડી દેતી દેખાઈ અને આસપાસના લોકો બૂમાબૂમ કરીને એને બચાવવાનો પ્રયાસ કરતા હતા. આવી ઘટના જોઈને સિંહને દોષ આપવો સહેલો છે.
પણ અમરેલીના લિલિયા વિસ્તારમાં બનેલી ઘટના જુદી હતી. ત્યાં 21 વર્ષનો યુવક મિત્રો સાથે સિંહોને જોવા માટે ગેરકાયદે રીતે આરક્ષિત વિસ્તારમાં ગયો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંહ અને સિંહણ સંવનનમાં હતાં અને તેમને ઉશ્કેરવામાં આવ્યાં બાદ હુમલો થયો. યુવકનું મોત થયું.
આ ઘટનાને હું મારા રોજિંદા સિંહદર્શન સાથે સરખાવું છું ત્યારે તફાવત બહુ મોટો દેખાય છે. મને સિંહ રસ્તા પર મળે છે. હું એને જવા દઉં છું, વળી એ મને પણ જવા દે છે. કોઈને સિંહ દેખાય છે અને એ સિંહની પાછળ પડે છે. બંને વાતને ‘સિંહદર્શન’ કહી શકાય નહીં. પહેલી વાતમાં માણસ અને સિંહ વચ્ચે અંતર છે. બીજી વાતમાં માણસ એ અંતર તોડી નાખે છે.
આજકાલ મોબાઇલમાં વિડીયો બનાવવાની ઉતાવળ છે. સિંહ દેખાયો એટલે ‘કન્ટેન્ટ’ જોઈએ. સિંહ ઊભો થયો એટલે કેમેરો ચાલુ. સિંહ ગર્જ્યો એટલે વિડીયો વાયરલ. ક્યારેક તો લોકો સિંહની પાછળ ગાડી દોડાવે છે. પણ ભાઈ, સિંહ તારો કલાકાર નથી. એને ખબર નથી કે તું વિડીયો બનાવવા આવ્યો છે. એને એ પણ ખબર નથી કે તારા વિડીયોને કેટલા વ્યૂઝ મળશે. એને માત્ર એટલું ખબર છે કે કોઈ એની નજીક આવ્યું છે, કોઈ તેની મર્યાદા ઓળંગી રહ્યું છે. આ વાત સમજવી બહુ જરૂરી છે.
સિંહને ચીડવવો નહીં
સિંહ વિશે વાત કરતાં બીજી એક અતિશયોક્તિ પણ ક્યારેક થાય છે. કોઈ કહે કે સિંહ તો કશું કરતો જ નથી. સિંહ માણસને ઓળખે છે. સિંહ માણસને કંઈ નહીં કરે. આ વાત એક સમય સુધી સાચી પણ હતી. પણ હવે સમય બદલાયો છે, મિજાજ પણ બદલાયો છે અને જીવન જીવવાની રીતો પણ બદલાઈ છે.
હવે તો સિંહે માણસને નુકસાન કર્યું છે. તાજેતરની ઘટનાઓ એની સાબિતી છે. જૂનમાં અમરેલીમાં 29 વર્ષના યુવકનું મોત સિંહોના સાથેના સામનામાં થયું હતું. એટલે હાલના સમયમાં સિંહને સમજવાનો અર્થ એને નિર્દોષ માનવો નથી. સિંહને સમજવાનો અર્થ એ છે કે એ સિંહ છે. એને આપણી જેમ સારો કે ખરાબ બનાવીને સમજવાની જરૂર નથી.
એ ભૂખ્યો હોય તો શિકાર કરે છે. એને ખતરો લાગે તો પ્રતિક્રિયા આપે છે. બચ્ચાં હોય તો વધુ સાવચેત બને છે. એની આસપાસ અજાણ્યા માણસો ઘૂસે તો એને જોખમ લાગે છે. આ બધું એની દુનિયાનો ભાગ છે અને અમારા માટે એ કોઈ નવીનવાઈની વાત પણ નથી. કરવાનું માત્ર એટલું છે કે માણસે પોતાની દુનિયામાં રહીને એની દુનિયાને જગ્યા આપવાની છે.
ક્યારેક રસ્તો આપણો હોય છે, ક્યારેક એનો
મારા મિત્રના દાદાએ બાળપણમાં મને કહેલું કે સિંહ સાથે રહેવાની સૌથી સુંદર વાત કદાચ એ છે કે ક્યારેક એ અને આપણે એક જ રસ્તો વાપરીએ છીએ. હું તળાજા જવા નીકળ્યો છું. મારે જિમ પહોંચવું છે. એ ક્યાંક જઈ રહ્યો છે. મને ખબર નથી. થોડા સમય માટે રસ્તો બંનેનો થઈ જાય છે. પછી હું થોભું છું. એ આગળ જાય છે. વાત પૂરી.
આવી કેટલીય ક્ષણો છે જે ક્યારેય સમાચાર બનતી નથી. કોઈ હેડલાઇન નથી બનતી. ‘સિંહે રસ્તો ઓળંગ્યો, માણસ થોભ્યો, બંને પોતાના રસ્તે ગયા.’ આમાં સમાચાર શું છે? પણ કદાચ સહઅસ્તિત્વની આખી વાત આવી જ ઘટનાઓથી બને છે. માણસ અને સિંહ વચ્ચે રોજ કંઈક બનતું નથી. મોટાભાગે કશું બનતું જ નથી. એ જ તો સારી વાત છે.
સિંહ દેખાય છે. માણસ જુએ છે. બંને આગળ વધી જાય છે.
સિંહની વચ્ચે જીવતા માણસની પોતાની સમજ હોય છે
આપણે વાઇલ્ડલાઇફ વિશે વાત કરીએ ત્યારે ઘણી વાર નિષ્ણાતો, સંશોધન, આંકડા, કેમેરા ટ્રેપ અને GPSની વાત કરીએ છીએ. એ બધું જરૂરી છે. પણ જંગલની બાજુમાં રહેતા માણસ પાસે પણ એક જ્ઞાન હોય છે. એ કાગળ પર નથી. એના રોજિંદા જીવનમાં છે.
કયો રસ્તો રાત્રે ટાળવો. કઈ બાજુ સિંહ વધારે દેખાય છે. કયા સમયે ખેતરમાં જતાં સાવચેત રહેવું. સિંહને દૂરથી જોઈને એ શું કરી રહ્યો છે એ સમજવાનો પ્રયત્ન કરવો અને સૌથી અગત્યનું કે સિંહને પોતાની મજા માટે હેરાન ન કરવો. આ સમજ કોઈ એક દિવસમાં ઊભી થતી નથી. વર્ષો લાગે. પેઢીઓ લાગે. એટલે જ અહીં સિંહ વિશે વાત કરતાં કોઈ બહુ લાંબું બોલતું નથી. ‘એને રહેવા દો.’, ‘એને જવા દો’, ‘સિંહ તો સિંહ છે’. આટલું જ.
સિંહ સાથે રહેવું એટલે બંનેને જગ્યા આપવી
મને લાગે છે કે સિંહ સાથે રહેવાનો સાચો અર્થ પણ કદાચ આ જ છે. એને આપણા ઘરનો સભ્ય બનાવવો નહીં અને એને આપણો દુશ્મન પણ ન બનાવવો. એને જોઈને ગર્વ થાય, પણ ગર્વમાં એની પાછળ ન દોડવું. એને જોઈને નવાઈ લાગે, પણ નવાઈમાં એની નજીક ન જવું. એ રસ્તા પર આવે તો થોડીવાર થોભવું. એ ખેતરની બાજુમાં હોય તો પોતાનું કામ સમજદારીથી કરવું.
એ દેખાય ત્યારે બૂમાબૂમ કરતાં પહેલાં એ શું કરી રહ્યો છે એ જોવું અને જો ક્યારેક જોખમ ઊભું થાય તો સિંહને દોષ દેતાં પહેલાં માણસે પોતાની ભૂમિકા પણ જોવી. હા, દરેક હુમલામાં માણસની ભૂલ હોય એવું પણ નથી. કેટલીક ઘટનાઓ ખરેખર દુર્ઘટના છે. કોઈ માણસને સિંહ અચાનક મળી જાય અને હુમલો થઈ જાય તો એને માણસની બેદરકારી કહીને વાત પૂરી કરી શકાય નહીં.
પણ જ્યાં માણસ જ સિંહની પાછળ જાય છે, એને ઉશ્કેરે છે, ગેરકાયદે વિસ્તારમાં ઘૂસે છે અથવા ફોટા-વિડીયો માટે એની નજીક જાય છે, ત્યાં વાત અલગ છે. એ વખતે માણસે પોતાની હદ ઓળંગી છે.
ફરી એક સવાર, આવનારા સમયમાં પણ કદાચ હું સવારે પાંચ વાગ્યે ઊઠીશ. ખંઢેરા હજી ઊંઘતું હશે. હું બાઇક કાઢીશ. તળાજા તરફ નીકળીશ. દરિયાની હવા હશે. રસ્તો ખાલી હશે. કદાચ કોઈ માણસ વહેલો કામે નીકળેલો મળશે. કદાચ કોઈ ઢોર રસ્તાની બાજુએ હશે.
અને કદાચ થોડે આગળ સિંહ પણ મળી જાય. કદાચ ના પણ મળે. મળી જશે તો હું બાઇક ધીમી કરીશ. થોડીવાર એને જોઈશ. એ મારી તરફ જોશે કે નહીં એ પણ ખબર નહીં. એ રસ્તો ઓળંગી જશે. હું એને જવા દઈશ. પછી બાઇક આગળ વધારીશ અને તળાજા પહોંચી જઈશ. દિવસની શરૂઆત થઈ જશે.
પણ આ નાનકડી મુલાકાત ફરી એકવાર એ જ વાત યાદ કરાવશે કે આપણે જે ભૂમિ પર જીવીએ છીએ એ માત્ર આપણી નથી. અહીં સિંહ પણ છે. એને આપણે બચાવ્યો છે, એની સંખ્યા વધારી છે, એના નામથી ગુજરાતની ઓળખ ઊભી કરી છે. પણ સિંહને બચાવવાનો અર્થ માત્ર સિંહોની સંખ્યા વધારવી નથી. સિંહ અને માણસ એકબીજાની નજીક આવે ત્યારે બંનેને જીવવાની જગ્યા આપવી પણ છે.
આજે સિંહો ગીરથી બહાર પણ ફેલાઈ ગયા છે. તાજેતરમાં તો ગુજરાતના કાંઠાના મેન્ગ્રોવ વિસ્તારોમાં પણ સિંહોની હાજરી નોંધાઈ છે. એટલે આવનારા સમયમાં કદાચ સિંહદર્શન આપણા માટે વધુ સામાન્ય બનશે. પણ મારી ઈચ્છા એટલી જ છે કે સિંહદર્શન સામાન્ય બને, સિંહ પ્રત્યેની સાવચેતી નહીં.
કારણ કે સિંહ સાથે રહેવું એટલે સિંહથી ડરીને જીવવું નથી. સિંહને પાળીને જીવવું પણ નથી. સિંહને સમજવું છે. એની હદ સમજવી છે. પોતાની હદ સમજવી છે અને ક્યારેક પોતાની મરજી છોડીને એને રસ્તો આપવો છે. સિંહ તો સિંહ છે. એને આપણી ભાષા નહીં સમજાય. પણ આપણે એની ભાષા સમજવાની કોશિશ તો કરી શકીએ.
મારા માટે સવાર-સાંજ સિંહદર્શન હવે સામાન્ય છે. પણ સિંહને સામાન્ય સમજી લેવું આજે પણ સામાન્ય નથી અને કદાચ સિંહોની વચ્ચે માણસ બનીને જીવવાનો સૌથી મોટો પાઠ પણ આ જ છે.


