હોમપેજદુનિયાકટાસ રાજથી શારદાપીઠ, મોહેંજો-દડો અને હવે તક્ષશિલા: પ્રાચીન ભારતીય સનાતન સભ્યતાની ધરોહરોની...

કટાસ રાજથી શારદાપીઠ, મોહેંજો-દડો અને હવે તક્ષશિલા: પ્રાચીન ભારતીય સનાતન સભ્યતાની ધરોહરોની વારંવાર ઉપેક્ષા કરતું આવ્યું છે પાકિસ્તાન

ઇતિહાસ કોઈ એક દેશની મિલકત નથી, તે સમગ્ર ભૂભાગની સંપત્તિ છે. પરંતુ જે દેશની ધરતી પર તે જીવંત છે, તેની જવાબદારી ચોક્કસ બને છે અને જ્યારે આવી જવાબદારીના નિર્વહ અંગે વારંવાર પ્રશ્નો ઊભા થાય ત્યારે તેની ચર્ચા પણ અનિવાર્ય બની જાય છે.

- Advertisement -

કોઈ દેશનું સાચું મૂલ્યાંકન માત્ર તેની આર્થિક વૃદ્ધિ, સૈન્ય શક્તિ કે રાજકીય દાવાઓથી થતું નથી. તેની ધરતી પર આવેલી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરો સાથે તે કેવો વ્યવહાર કરે છે, તે પણ એટલો જ મહત્વનો માપદંડ છે. કારણ કે વારસા માત્ર પથ્થરોથી બનેલી ઇમારતો નથી, તે હજારો વર્ષના ઇતિહાસ, સંસ્કૃતિ, જ્ઞાન અને માનવ સંસ્કારના જીવંત સાક્ષી છે.

તાજેતરમાં UNESCOએ તક્ષશિલા ખાતે થયેલા કેટલાક હસ્તક્ષેપને લઈને આતંકી દેશ પાકિસ્તાનને ઉંધા હાથની લગાવી છે. સંસ્થાએ જણાવ્યું કે કેટલાક ‘unnecessary interventions’ સ્થળની પ્રામાણિકતા અને ઐતિહાસિક અખંડિતતા પર અસર કરી શકે છે. આ ચેતવણી માત્ર એક પુરાતત્ત્વીય નોંધ નથી. તે એક મોટો પ્રશ્ન ફરી ઊભો કરે છે કે શું પાકિસ્તાન પોતાની સરહદોની અંદર આવેલી પ્રાચીન ભારતીય હિંદુ સભ્યતા સાથે જોડાયેલી ધરોહરોના સંરક્ષણને લઈને વારંવાર સવાલોના ઘેરામાં કેમ આવી રહ્યું છે? વારંવાર પાકિસ્તાન આ સનાતન ધરોહરોની ઉપેક્ષા કરી રહ્યું છે.

આ પ્રશ્નનો જવાબ માત્ર તક્ષશિલામાં નથી મળતો. છેલ્લા કેટલાય દાયકાઓમાં કટાસ રાજ, શારદા પીઠ, મોહેંજો-દડો અને અન્ય અનેક ઐતિહાસિક સ્થળોને લઈને પણ અલગ-અલગ પ્રકારના વિવાદો સામે આવ્યા છે. દરેક ઘટનાનું સ્વરૂપ અલગ છે, પરંતુ એક વાત સામાન્ય છે કે આ સ્થળોના જતન અને સંરક્ષણને લઈને પાકિસ્તાન તરફથી કશું થઈ રહ્યું નથી. માત્ર તેની ઉપેક્ષા થઈ રહી છે અને તેને ભૂંસવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

- Advertisement -

તક્ષશિલા: માત્ર એક પુરાતત્ત્વીય સ્થળ નહીં, ભારતીય જ્ઞાનપરંપરાનું પ્રતીક

તક્ષશિલાનું નામ લેતાં જ પ્રાચીન ભારતના જ્ઞાન, શિક્ષણ અને તત્ત્વચિંતનની પરંપરા યાદ આવે છે. વિશ્વના પ્રાચીન શિક્ષણકેન્દ્રોમાં ગણાતું આ સ્થાન આજે પાકિસ્તાનમાં છે, પરંતુ તેનો ઐતિહાસિક વારસો ભારતીય ઉપખંડનો છે. અહીં બૌદ્ધ, વૈદિક અને ગાંધાર પરંપરાના અસંખ્ય પુરાવા મળે છે.

એવા સ્થળને લઈને UNESCOએ જ જો સંરક્ષણ પદ્ધતિ પર ગંભીર વાંધો નોંધાવ્યો હોય તો તે સામાન્ય બાબત નથી. વિશ્વ વારસા સ્થળો માટે મૂળ માળખું, મૂળ સામગ્રી અને ઐતિહાસિક પ્રામાણિકતા જાળવવી સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. જો મૂળ સ્વરૂપને અસર પહોંચે તો તે માત્ર સ્થાપત્યનો પ્રશ્ન રહેતો નથી, ઇતિહાસની વિશ્વસનીયતા પર પણ અસર પડે છે.

આથી જ તક્ષશિલાનો મુદ્દો માત્ર એક સ્થળનો વિવાદ નથી. તે વારસા સંરક્ષણના અભિગમ વિશે પણ પ્રશ્નો ઉભા કરે છે. હાલમાં આતંકી દેશ ત્યાં કોઈ બાંધકામ કરવા પર ઉતરી આવ્યો છે અને તેના કારણે તક્ષશિલાનાં મૂળ બાંધકામને નુકસાન પહોંચી રહ્યું છે. યુનેસ્કોએ આ બાબતની ગંભીર નોંધ લઈને પાકિસ્તાનને ચેતવણી આપી કે જો આવું જ થતું રહ્યું તો તે આવા સ્થળોને ‘ડેન્જર લિસ્ટ’માં નાખી દઈ શકે છે. છતાં પાકિસ્તાનના પેટનું પાણી પણ હલતું નથી.

કટાસ રાજ: જ્યાં સંરક્ષણનો પ્રશ્ન સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

પાકિસ્તાનના પંજાબમાં આવેલું કટાસ રાજ મંદિર સંકુલ દાયકાઓથી હિંદુ આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. પરંતુ અહીં ચર્ચાનો વિષય મંદિરની ધાર્મિક ઓળખ નહીં, પરંતુ તેને સાચવવાની નીતિ બની. મંદિર પરિસરમાં આવેલા પવિત્ર સરોવરના પાણીમાં સતત ઘટાડો નોંધાયો. આરોપ લાગ્યા કે આસપાસની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને ભૂગર્ભ જળના અતિશય ઉપયોગે પરિસ્થિતિ વધુ ખરાબ બનાવી અને પાકિસ્તાની સરકારે આ બાબતે કોઈ રસ પણ દાખવ્યો નહીં.

મામલો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. અદાલતે સરકાર અને સંબંધિત અધિકારીઓ પાસે જવાબ માંગ્યો કે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા આવા વારસા સ્થળની સ્થિતિ આટલી ખરાબ કેમ થઈ. જોકે, બાદમાં સરકારે ગોળ-ગોળ ફેરવી દઈને મામલો પાટે ચડાવી દીધો અને વાત વિસરાઈ ગઈ. બાદમાં સુપ્રીમ કોર્ટે પણ આ બાબતે ક્યારેય વાત કરી નથી. આખરે સુપ્રીમ કોર્ટ પણ છે તો પાકિસ્તાનની ને!

શારદા પીઠ: ઇતિહાસનું મૌન

શારદા પીઠ ભારતીય જ્ઞાનપરંપરા અને કાશ્મીરી શૈવ પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે. સદીઓ સુધી તે વિદ્વાનો અને સાધકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું. આજે તેનું ઐતિહાસિક મહત્વ યથાવત છે, પરંતુ તેની જાળવણી માત્ર શૂન્ય છે. આખી ધરોહરને ખંડેરનું સ્વરૂપ આવી દેવામાં આવ્યું છે. પાકિસ્તાને ક્યારેય આ સ્થળને પોતાનું ગણ્યું નથી અને તેના સંરક્ષણ માટે કોઈ કાર્યવાહી કરી નથી. કારણ કે તેનો સંબંધ ભારત અને હિંદુ ધર્મ સાથે હતો.

પાકિસ્તાનને માત્ર રસ ઇસ્લામી આવરણ ચડાવવામાં છે. તે અન્ય ધર્મની ધરોહરોને સાચવી કેમ શકે? આ જ કારણે તેણે પોતાની ધરતી પરના ભારતના સૌથી પ્રાચીન વારસાને અવગણી દીધો છે.

સમયાંતરે વિવિધ વર્તુળોમાં આ સ્થળના પુનઃસ્થાપન, જતન અને વધુ સક્રિય સંરક્ષણની માંગ કરવામાં આવી છે. પણ પાકિસ્તાન પ્રશાસન તરફથી ન તો કોઈ કાર્યવાહી કરવામાં આવી છે અને ન તો સામાન્ય આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.

મોહેંજો-દડો: કુદરતી જોખમો અને સંરક્ષણની પડકારજનક હકીકત

સિંધુ સભ્યતાનું પ્રતિક ગણાતું મોહેંજો-દડો પણ વર્ષોથી સંરક્ષણ અંગેની ચર્ચામાં રહ્યું છે. ક્ષારયુક્ત જમીન, વરસાદ, પર્યાવરણ અને સંરક્ષણ પદ્ધતિઓને લઈને પુરાતત્ત્વવિદોએ વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ પણ સમયાંતરે યોગ્ય જાળવણીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

અહીં મુદ્દો અલગ છે, પરંતુ પરિણામ એક જ પ્રશ્ન તરફ દોરી જાય છે કે આટલા મહત્વના વૈશ્વિક વારસા સ્થળોના લાંબાગાળાના સંરક્ષણ માટે પાકિસ્તાને પૂરતું ધ્યાન આપ્યું કેમ નહીં? 

માત્ર અલગ-અલગ ઘટનાઓ કે એક મોટું ચિત્ર?

એક ઘટના સંયોગ હોય શકે. બે ઘટનાઓ ચર્ચાનો વિષય બની શકે. પરંતુ જ્યારે વર્ષો સુધી અલગ-અલગ વારસા સ્થળોને લઈને સંરક્ષણ, જાળવણી, વિકાસના દબાણ, અથવા અયોગ્ય હસ્તક્ષેપ અંગે પ્રશ્નો ઊભા થાય ત્યારે એક વિશાળ ચિત્ર સામે આવવા લાગે છે.

તક્ષશિલાનો વિવાદ હોય, કટાસ રાજની ચિંતા હોય, શારદા પીઠની લાંબી અવગણના અંગેના પ્રશ્નો હોય કે મોહેંજો-દડો અંગે નિષ્ણાતોની ચિંતા, આ બધા કેસોનું સ્વરૂપ અલગ છે. છતાં તે પાકિસ્તાનની વારસા સંરક્ષણ વ્યવસ્થાની માનસિકતા છતી કરે છે. વારસો જે-તે ભૂમિનો હોય છે, પોતાના પૂર્વજોનો હોય છે અને પોતાની સંસ્કૃતિનો હોય છે. દાયકાઓ સુધી આરબો, તૂર્કોને પોતાનો બાપ માનતા પાકિસ્તાનને એ તો ખબર જ છે કે તેના વાસ્તવિક બાપ કોણ હતા, પરંતુ તે જાહેરમાં સ્વીકારવા તૈયાર નથી અને એટલા માટે જ તે બળાપો હિંદુ, જૈન, બૌદ્ધ જેવા ભારતીય વારસા પર નીકળી રહ્યો છે.

વારસા સ્થળોનો અર્થ માત્ર ભૂતકાળને સાચવવો નથી, તે ભવિષ્ય માટે વિશ્વસનીય ઇતિહાસ જાળવવાનો પણ છે. આ જવાબદારી જ્યાં નબળી પડે, ત્યાં પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે.

તક્ષશિલાની ચેતવણીનું મહત્વ

UNESCO જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા આપવામાં આવેલી ચેતવણીને સામાન્ય ઘટના તરીકે જોઈ શકાય નહીં. તે વિશ્વ સમક્ષ એવો સંદેશ આપે છે કે સંરક્ષણ માત્ર ઔપચારિકતા નહીં, પરંતુ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક જવાબદારી છે.

તક્ષશિલાનો વિવાદ કદાચ એક નવી શરૂઆત નથી, પરંતુ તેણે જૂના પ્રશ્નોને ફરી જીવંત કર્યા છે. પાકિસ્તાન પોતાની ધરતી પર આવેલી પ્રાચીન ભારતીય સભ્યતા સાથે જોડાયેલી ધરોહરોનું સંરક્ષણ કરી શક્યું નથી. આ ચર્ચા હવે માત્ર ઇતિહાસકારો સુધી મર્યાદિત રહી નથી. UNESCOની નોંધ પછી તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફરી ચર્ચાનો વિષય બની છે.

ઇતિહાસ કોઈ એક દેશની મિલકત નથી, તે સમગ્ર ભૂભાગની સંપત્તિ છે. પરંતુ જે દેશની ધરતી પર તે જીવંત છે, તેની જવાબદારી ચોક્કસ બને છે અને જ્યારે આવી જવાબદારીના નિર્વહ અંગે વારંવાર પ્રશ્નો ઊભા થાય ત્યારે તેની ચર્ચા પણ અનિવાર્ય બની જાય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં