હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિબ્રહ્મ પરિવર્તનથી અનસર સુધી: કોણ છે આદિવાસી વંશના દૈતા સેવકો, જેમને મળે...

બ્રહ્મ પરિવર્તનથી અનસર સુધી: કોણ છે આદિવાસી વંશના દૈતા સેવકો, જેમને મળે છે ભગવાન જગન્નાથની સૌથી નજીક રહેવાનો અધિકાર

કદાચ આ જ કારણ છે કે પુરીમાં દૈતા સેવકોને માત્ર મંદિરના કર્મચારી તરીકે ઓળખવામાં આવતા નથી. તેઓ ભગવાનના આત્મીય સેવકો છે. એવા સેવકો, જેમના હાથમાં શ્રીજગન્નાથ પરંપરાની સૌથી પવિત્ર જવાબદારીઓ સોંપવામાં આવી છે અને જ્યારે કોઈ યાત્રાળુ શ્રીમંદિરના સિંહદ્વાર પાસે ઊભો રહીને વિચારે કે મંદિરના બંધ દરવાજાઓની પાછળ ભગવાનની સૌથી નજીક કોણ હશે, ત્યારે તેનો જવાબ એક જ છે દૈતા સેવકો.

- Advertisement -

પુરીમાં અનસરના દિવસો શરૂ થાય એટલે શ્રીજગન્નાથ મંદિરનું વાતાવરણ બદલાઈ જાય છે. દેવસ્નાન પૂર્ણિમાના મહાસ્નાન પછી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી જાહેર દર્શનમાંથી વિરામ લે છે. મંદિરની બહાર ભક્તોની ભીડ રોજની જેમ જ ઉમટે છે, પરંતુ આ વખતે તેમની નજર બંધ દરવાજાઓ પર જ અટકી રહે છે. અંદર શું ચાલી રહ્યું છે તેની ઝાંખી કોઈને મળતી નથી. બહાર લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના એક દર્શન માટે આતુર હોય છે, પરંતુ અંદર માત્ર અમુક લોકોને જ પ્રવેશ મળે છે.

એ લોકો કોણ છે?

આ પ્રશ્ન પ્રથમ વખત પુરી પહોંચનાર દરેક યાત્રાળુના મનમાં જન્મે છે. આખરે એવા માણસો કોણ છે, જેમને ભગવાનને સ્પર્શ કરવાનો અધિકાર છે? ભગવાનને તાવ આવ્યો હોવાનું માનવામાં આવે ત્યારે તેમની સેવા કોણ કરે છે? નવકલેબર આવે ત્યારે ભગવાનના નવા શરીરની તૈયારીમાં કોણ જોડાય છે? અને બ્રહ્મ પરિવર્તન જેવી શ્રીમંદિરની સૌથી પવિત્ર વિધિમાં ભાગ લેવાનો અધિકાર આખરે કોને મળ્યો છે?

- Advertisement -

આ બધા પ્રશ્નોનો જવાબ એક જ નામમાં સમાઈ જાય છે- દૈતા સેવકો.

પરંતુ દૈતા સેવકોને સમજવા માટે માત્ર શ્રીમંદિરની સેવાપદ્ધતિ જાણવી પૂરતી નથી. તેના માટે ઇતિહાસ કરતાં પણ જૂની એક પરંપરા સુધી પહોંચવું પડે. એવી પરંપરા, જેનો આરંભ કોઈ રાજાના દરબારમાં થયો નહોતો, કોઈ શાસ્ત્રાર્થમાં પણ થયો નહોતો. તેની શરૂઆત થઈ હતી ઘન જંગલોમાં વસતા એક આદિવાસી ઉપાસકથી, જે દુનિયા માટે સામાન્ય શબર હતો, પરંતુ પરંપરા માટે ભગવાનનો પ્રથમ સેવક. આ કથા ત્યાંથી શરૂ થાય છે, જ્યાં જગન્નાથ હજુ જગન્નાથ બન્યા પણ નહોતા.

વિશ્વાવસુ: જંગલમાં વસતો ભગવાનનો પ્રથમ ઉપાસક

જગન્નાથ પરંપરાની સૌથી પ્રાચીન કથાઓમાં એક નામ વારંવાર સામે આવે છે વિશ્વાવસુ શબર. તેઓ સવરા (શબર) જનજાતિના વડા હતા. જંગલ તેમનું ઘર હતું અને પ્રકૃતિ તેમનું જીવન. પરંતુ તેમની સૌથી મોટી ઓળખ એ હતી કે તેઓ નીલમાધવના ઉપાસક હતા.

નીલમાધવ કોણ હતા?

આ પ્રશ્નનો જવાબ પણ એટલો જ રસપ્રદ છે.

પરંપરા કહે છે કે જંગલની અંદર, સામાન્ય લોકોની નજરથી દૂર, એક ગુપ્ત સ્થાને નીલમાધવની આરાધના થતી હતી. વિશ્વાવસુ સિવાય કોઈને એ સ્થાનની જાણ નહોતી. તેઓ રોજ જંગલમાં જતા, ભગવાનની પૂજા કરતા અને પાછા ફરી આવતા. તેમના માટે એ માત્ર ઉપાસના નહોતી, એ જીવનનો ભાગ હતો. રાજમહેલો, યજ્ઞો કે વૈદિક વિધિઓથી દૂર એક આદિવાસી ભક્ત પ્રકૃતિની વચ્ચે ભગવાનની સેવા કરતો હતો.

એ જ સમય દરમિયાન માળવા પ્રદેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન સુધી આ દિવ્ય દેવતાની ખ્યાતિ પહોંચી. કહેવામાં આવ્યું કે જંગલમાં એક એવા દેવ વિરાજે છે, જેમના દર્શન દુર્લભ છે. રાજાએ પોતાના વિશ્વાસુ બ્રાહ્મણ વિદ્યાપતિને તેમને શોધવાની જવાબદારી સોંપી.

વિદ્યાપતિ જંગલ સુધી પહોંચ્યા, પરંતુ નીલમાધવ સુધી પહોંચવાનો માર્ગ સરળ નહોતો. વિશ્વાવસુ કોઈ અજાણ્યા વ્યક્તિને ભગવાન સુધી લઈ જવા તૈયાર નહોતા. અનેક પ્રયાસો પછી પરિસ્થિતિ એવી બની કે વિદ્યાપતિનાં લગ્ન વિશ્વાવસુની પુત્રી લલિતા સાથે થયાં. આ સંબંધે બે દુનિયાઓને પ્રથમ વખત એકબીજાની નજીક લાવી. એક તરફ વૈદિક પરંપરાનો બ્રાહ્મણ અને બીજી તરફ આદિવાસી સમાજ.

લાંબા આગ્રહ પછી વિશ્વાવસુ વિદ્યાપતિને નીલમાધવના દર્શન કરાવવા તૈયાર થયા. પરંતુ એક શરત હતી. આખા રસ્તા દરમિયાન વિદ્યાપતિની આંખો પર પટ્ટી બાંધવામાં આવશે. વિદ્યાપતિએ શરત સ્વીકારી. પરંતુ તેઓ ખાલી હાથે નીકળ્યા નહોતા.

કહેવાય છે કે તેમણે પોતાના વસ્ત્રમાં સરસવના દાણા છુપાવી રાખ્યા હતા. જંગલના રસ્તે ચાલતાં-ચાલતાં તેઓ ધીમે-ધીમે એ દાણા નીચે નાખતા ગયા. થોડા દિવસો પછી વરસાદ પડ્યો. દાણા અંકુરિત થયા અને જંગલની વચ્ચે એક લીલી રેખા ઊભી થઈ ગઈ. હવે નીલમાધવ સુધી પહોંચતો માર્ગ છુપાયેલો રહ્યો નહોતો.

આ ઘટનાએ માત્ર એક ગુપ્ત સ્થાનનો ભેદ ખોલ્યો નહોતો. પરંતુ ભારતીય ધાર્મિક ઇતિહાસની સૌથી અનોખી પરંપરાઓમાંની એકનો જન્મ થવાનો હતો. કારણ કે જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન ત્યાં પહોંચ્યા, ત્યારે નીલમાધવનું સ્વરૂપ અદૃશ્ય થઈ ચૂક્યું હતું.

જ્યારે ભગવાન અદૃશ્ય થયા અને એક આદિવાસી ભક્તનું દુઃખ ઇતિહાસ બની ગયું

રાજા ઇન્દ્રદ્યુમ્ન માટે આ આઘાતજનક ક્ષણ હતી. જે દેવના દર્શન માટે તેમણે રાજ્યથી લઈને જંગલ સુધીની લાંબી યાત્રા કરી હતી, તે હવે ત્યાં હતા જ નહીં. પરંતુ સૌથી વધુ વ્યથિત વિશ્વાવસુ હતા. વર્ષો સુધી જેમની સેવા કરી, જેમને રોજ ફૂલ ચડાવ્યાં, જંગલનાં ફળ અર્પણ કર્યાં અને પ્રાણથી પૂજ્યા, એ જ આરાધ્ય હવે આંખો સામે નહોતા. પરંપરામાં આ ક્ષણને માત્ર એક ઘટનાની જેમ વર્ણવવામાં આવતી નથી, તેને ભક્ત અને ભગવાન વચ્ચેના વિરહ તરીકે જોવામાં આવે છે.

કથામાં આગળ આવે છે કે રાજા ઇન્દ્રદ્યુમ્ને ઉપવાસ અને તપશ્ચર્યા આરંભી. તેમની એક જ પ્રાર્થના હતી કે ભગવાન ફરી દર્શન આપે. અંતે તેમને દિવ્ય સંકેત મળ્યો કે નીલમાધવ હવે અગાઉના સ્વરૂપમાં નહીં મળે. સમુદ્રકિનારે એક પવિત્ર દારુ પ્રગટ થશે અને તેમાંથી ભગવાનનું નવું સ્વરૂપ નિર્માણ પામશે. આ કથા આપણે અગાઉ દારુ બ્રહ્મના લેખમાં જોઈ ચૂક્યા છીએ. પરંતુ અહીં એક બીજી ઘટના બને છે, જે દૈતા સેવકોની પરંપરાને સમજવા માટે સૌથી મહત્વપૂર્ણ છે.

ભગવાનનું નવું સ્વરૂપ તો પ્રગટ થવાનું હતું, પરંતુ વિશ્વાવસુનું શું? આદિવાસી ભક્ત, જેણે વર્ષો સુધી ભગવાનની સેવા કરી હતી, શું હવે તેની ભૂમિકા પૂર્ણ થઈ ગઈ? પરંપરાનો જવાબ છે- ના.

કહેવાય છે કે ભગવાને રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્પષ્ટ કહ્યું કે વિશ્વાવસુ અને તેમના વંશજોને ક્યારેય પોતાની સેવાથી દૂર ન કરશો. જેમણે જંગલમાં મારી સેવા કરી છે, તેઓ જ નવા સ્વરૂપમાં પણ મારી સૌથી આત્મીય સેવા કરશે. બીજી તરફ વિદ્યાપતિની બ્રાહ્મણ પરંપરાને પણ સેવાપદ્ધતિમાં સ્થાન મળ્યું. એક તરફ શબર પરંપરા, બીજી તરફ બ્રાહ્મણ પરંપરા બંનેને સાથે રાખીને શ્રીજગન્નાથની સેવા વ્યવસ્થા રચાઈ.

આ માત્ર એક ધાર્મિક વ્યવસ્થા નહોતી. ભારતીય સંસ્કૃતિમાં સમન્વયનું કદાચ આનાથી વધુ જીવંત ઉદાહરણ શોધવું મુશ્કેલ છે. એક તરફ રાજા છે, બીજી તરફ આદિવાસી ભક્ત. એક તરફ બ્રાહ્મણ છે, બીજી તરફ જંગલમાં વસતો શબર. પરંતુ ભગવાનની સામે બંને વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. બંનેને સ્થાન મળે છે. બંનેને જવાબદારી મળે છે. બંને પરંપરાઓ મળીને એક નવી પરંપરાને જન્મ આપે છે.

આજે જે દૈતા સેવકો તરીકે ઓળખાય છે, તેઓ પોતાનું વંશપરંપરાગત મૂળ વિશ્વાવસુ શબર સાથે જોડે છે. શ્રીમંદિરની પરંપરા પણ તેમને એ જ પરંપરાના વારસદાર તરીકે સ્વીકારે છે. આથી જ તેઓ માત્ર સેવક નથી. તેઓ ભગવાનના ‘સંબંધીઓ’ માનવામાં આવે છે. જગન્નાથ પરંપરામાં તેમના માટે વપરાતી ભાષા પણ અન્ય સેવકો કરતાં અલગ છે. ભગવાનને સ્પર્શ કરવાનો અધિકાર તેમને એટલા માટે મળ્યો નથી કે તેઓ કોઈ પદ પર છે, તેમને આ અધિકાર વારસામાં મળ્યો છે, એક એવા ભક્તના વારસામાં, જેણે ભગવાનની સેવા ત્યારે કરી હતી, જ્યારે શ્રીમંદિરનું અસ્તિત્વ પણ નહોતું.

દૈતા સેવકોને ભગવાનના પરિવારજન કેમ માનવામાં આવે છે?

શ્રીજગન્નાથ મંદિરની સેવાપદ્ધતિ અત્યંત વિશાળ છે. સેંકડો પ્રકારની સેવાઓ છે અને દરેક સેવા પેઢી દર પેઢી ચોક્કસ પરિવારો દ્વારા જ નિભાવવામાં આવે છે. કોઈ ભોગ ધરાવે છે, કોઈ આરતી કરે છે, કોઈ શણગાર કરે છે, કોઈ રથ બનાવે છે. પરંતુ આ તમામ સેવાઓ વચ્ચે દૈતા સેવકોનું સ્થાન સંપૂર્ણપણે અલગ છે. કારણ કે તેમનો સંબંધ વિધિ કરતાં વધુ સંબંધનો છે.

વર્ષના મોટાભાગના દિવસોમાં ભગવાનની નિત્યપૂજા બ્રાહ્મણ પૂજારીઓ કરે છે. પરંતુ વર્ષમાં કેટલાક એવા પ્રસંગો આવે છે, જ્યારે મંદિરની સમગ્ર વ્યવસ્થા જાણે દૈતા સેવકોના હાથમાં આવી જાય છે. આ પ્રસંગોમાં સૌથી પહેલું નામ આવે છે અનસરનું.

દેવસ્નાન પૂર્ણિમા પછી ભગવાનને તાવ આવ્યો હોવાનું માનવામાં આવે છે. જાહેર દર્શન બંધ થઈ જાય છે. હવે ભગવાન રાજાધિરાજ નથી, એક અસ્વસ્થ પરિવારજન છે. આવા સમયે તેમની અંગસેવા, ઔષધીય પથ્ય, આરામ અને દૈનિક સંભાળની સમગ્ર જવાબદારી દૈતા સેવકો સંભાળે છે. તેઓ ભગવાન સાથે જે રીતે વર્તે છે, તેમાં ઔપચારિકતા કરતાં આત્મીયતા વધારે હોય છે. શ્રીમંદિરની પરંપરા માને છે કે પરિવારના સભ્યની સેવા પરિવારજનો જ કરે. એટલા માટે અનસર દરમિયાન ભગવાનની સૌથી નજીક દૈતા સેવકો જ જોવા મળે છે.

પરંતુ અનસર તો આ જવાબદારીનો માત્ર એક ભાગ છે. તેમની સૌથી મોટી જવાબદારી હજી આગળ આવે છે. એ જવાબદારી, જેના માટે સમગ્ર શ્રીમંદિર વર્ષો સુધી રાહ જુએ છે. નવકલેબર.

નવકલેબર આવે ત્યારે સૌથી મોટી જવાબદારી દૈતા સેવકોના ખભા પર હોય છે

શ્રીજગન્નાથ મંદિરની પરંપરામાં અનેક ઉત્સવો આવે છે, પરંતુ નવકલેબરનું સ્થાન સૌથી વિશિષ્ટ છે. વર્ષો પછી અધિક આષાઢ આવે ત્યારે ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન ચક્ર નવાં શરીર ધારણ કરે છે. બહારથી જોનારને આ માત્ર નવી મૂર્તિઓ બનાવવાની પ્રક્રિયા લાગે, પરંતુ શ્રીમંદિર માટે આ ભગવાનના નવા કલેબરની શરૂઆત છે. આ સમગ્ર પરંપરાનો પ્રથમ અને સૌથી મહત્ત્વનો પડાવ દૈતા સેવકોના હાથેથી જ શરૂ થાય છે.

નવકલેબરની જાહેરાત પછી શ્રીમંદિરમાંથી બનજાગા યાત્રા નીકળે છે. આ યાત્રા કોઈ સામાન્ય ધાર્મિક પ્રવાસ નથી. દૈતા સેવકો, પતિ મહાપાત્ર, બ્રાહ્મણો, વિશ્વકર્મા મહારાણા અને અન્ય નિર્ધારિત સેવાયતો ભગવાનની આજ્ઞા લઈને પુરી છોડે છે. તેમનું ગંતવ્ય કોઈ ચોક્કસ ગામ કે જંગલ હોતું નથી. તેઓ ભગવાનના નવા શરીરની શોધમાં નીકળે છે. દિવસો સુધી જંગલોમાં ભ્રમણ થાય છે. પરંપરામાં વર્ણવાયેલા તમામ લક્ષણો પૂર્ણ કરતા પવિત્ર દારુની (લાકડાની) શોધ થાય છે. જ્યાં એ દારુ મળે છે, ત્યાં પહેલાં પૂજા થાય છે, યજ્ઞ થાય છે, અનુમતિ લેવામાં આવે છે અને પછી જ તેનું છેદન કરવામાં આવે છે.

આ દૃશ્યને માત્ર ધાર્મિક વિધિ કહી દેવું યોગ્ય નહીં ગણાય. વિશ્વાવસુ શબરની કથા યાદ કરીએ તો સમજાય છે કે જંગલ સાથે દૈતા સેવકોનો સંબંધ માત્ર ઐતિહાસિક નથી, તે તેમની ઓળખનો હિસ્સો છે. એક સમયે તેમના પૂર્વજોએ જંગલમાં ભગવાનની સેવા કરી હતી. આજે પણ ભગવાનનું નવું શરીર જંગલમાંથી જ લાવવામાં આવે છે. સદીઓ વીતી ગઈ, રાજવંશો બદલાઈ ગયા, સેવાપદ્ધતિઓ વિસ્તરતી ગઈ, પરંતુ જંગલ અને દૈતા સેવકો વચ્ચેનું આ બંધન ક્યારેય તૂટ્યું નહીં.

પવિત્ર દારુ પુરી પહોંચે છે. કોયલી વૈકુંઠમાં નવી પ્રતિમાઓ ઘડાવા લાગે છે. બહારના વિશ્વને ખબર હોય છે કે ભગવાનનું નવું શરીર તૈયાર થઈ રહ્યું છે, પરંતુ અંદર શું ચાલી રહ્યું છે તેની જાણ થોડાક લોકો સુધી જ મર્યાદિત રહે છે. દિવસો પસાર થાય છે. અંતે એ રાત આવે છે, જેને શ્રીમંદિરની સૌથી પવિત્ર રાતોમાંની એક માનવામાં આવે છે. આ છે બ્રહ્મ પરિવર્તનની રાત.

જ્યારે આખું પુરી સૂઈ જાય છે અને દૈતા સેવકો જાગતા રહે છે

નવકલેબરની આ રાત વિશે પુરીમાં આજે પણ અત્યંત આદર સાથે વાત કરવામાં આવે છે. પરંપરા મુજબ મંદિરના દ્વાર બંધ થાય છે. સામાન્ય ભક્તો તો દૂર, મોટા ભાગના સેવાયતો પણ બહાર જ રહે છે. અંદર પ્રવેશવાનો અધિકાર માત્ર અત્યંત મર્યાદિત સેવકોને હોય છે. તેમાં દૈતા સેવકોની ભૂમિકા સર્વોચ્ચ માનવામાં આવે છે.

પરંપરા કહે છે કે ભગવાનના જૂના શરીરમાં રહેલું બ્રહ્મ નવા શરીરમાં સ્થાનાંતરિત થાય છે. આ વિધિને ‘બ્રહ્મ પરિવર્તન’ કહેવામાં આવે છે. શ્રીમંદિર તેની સંપૂર્ણ પ્રક્રિયા અંગે જાહેરમાં કોઈ વર્ણન કરતું નથી. એટલા માટે તેના વિશે અનેક લોકમાન્યતાઓ પ્રચલિત છે, પરંતુ અધિકૃત પરંપરા મૌન જાળવે છે. આ મૌન પણ આ વિધિનો જ એક ભાગ છે.

પરંતુ એક વાત સ્પષ્ટ છે. આ વિધિનો વિશ્વાસ દૈતા સેવકો પર મૂકવામાં આવ્યો છે. વિચાર કરો કે જે લોકોના પૂર્વજોએ જંગલમાં નીલમાધવની સેવા કરી હતી, એ જ પરંપરાના વંશજો આજે પણ ભગવાનનાં નવાં શરીરમાં બ્રહ્મના સ્થાનાંતરણની સૌથી પવિત્ર જવાબદારી નિભાવે છે. શ્રીમંદિરની સેવાપદ્ધતિમાં આથી મોટો વિશ્વાસ બીજો કોઈ હોય શકે નહીં.

બ્રહ્મ પરિવર્તન પૂર્ણ થાય છે. નવી પ્રતિમાઓ હવે માત્ર લાકડાની પ્રતિમાઓ રહેતી નથી. તેમની સેવા શરૂ થાય છે. જૂની પ્રતિમાઓને પણ સંપૂર્ણ સન્માન સાથે કોયલી વૈકુંઠમાં સમાધિ આપવામાં આવે છે. એક યુગ પૂર્ણ થાય છે અને બીજો શરૂ થાય છે. પરંતુ દૈતા સેવકોની જવાબદારી અહીં પૂર્ણ થતી નથી.

થોડા જ દિવસો પછી જ્યારે ભગવાન અનસરમાંથી બહાર આવે છે અને રથયાત્રાનો સમય નજીક આવે છે, ત્યારે ફરી એકવાર શ્રીમંદિરની નજર દૈતા સેવકો તરફ જ વળે છે. કારણ કે ભગવાનને ગર્ભગૃહમાંથી બહાર લાવી રથ સુધી પહોંચાડવાની ‘પહંડી’ વિધિમાં પણ મુખ્ય ભૂમિકા તેમની જ હોય છે. ભગવાનને સ્પર્શ કરવો, તેમને સહારો આપવો અને લાખો ભક્તોની વચ્ચે રથ સુધી લઈ જવા, આ સેવા પણ પરંપરાએ તેમને જ સોંપી છે.

આખા વર્ષમાં જો કોઈ એક સેવા એવી હોય, જેમાં ભગવાન સાથેનો સૌથી નજીકનો માનવીય સંબંધ દેખાય, તો તે દૈતા સેવકોની સેવા છે.

શ્રીમંદિર માત્ર સમન્વયની વાત નથી કરતું, તેને જીવે છે

ભારતીય સંસ્કૃતિ વિશે કહેવામાં આવે છે કે તે વિવિધ પરંપરાઓને સાથે લઈને ચાલે છે. આ વાત આપણે ગ્રંથોમાં વાંચીએ છીએ, પ્રવચનોમાં સાંભળીએ છીએ અને ઇતિહાસના સંદર્ભોમાં પણ જોવા મળે છે. પરંતુ પુરીના શ્રીજગન્નાથ મંદિરમાં આ વિચાર માત્ર પુસ્તકનાં પાનાંઓમાં સીમિત નથી. અહીં તે દરરોજ જીવાય છે.

જરા શ્રીમંદિરની સેવાપદ્ધતિ પર નજર કરીએ.

ભગવાનની વૈદિક પૂજા બ્રાહ્મણો કરે છે. મંત્રોચ્ચાર વૈદિક પરંપરા પ્રમાણે થાય છે. યજ્ઞો પણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થાય છે. પરંતુ વર્ષના સૌથી સંવેદનશીલ પ્રસંગો, જેવા કે અનસર, બનજાગા યાત્રા, નવકલેબર, બ્રહ્મ પરિવર્તન અને પહંડી આવે એટલે કેન્દ્રમાં દૈતા સેવકો જોવા મળે છે, જેઓ પોતાની વંશપરંપરા વિશ્વાવસુ શબર સાથે જોડે છે. અહીં કોઈ એક પરંપરાએ બીજી પરંપરાને સ્થાનચ્યૂત કરી નથી. બંને સાથે ચાલે છે, બંને એકબીજાને પૂર્ણ કરે છે. આ જ જગન્નાથ પરંપરાની સૌથી મોટી વિશેષતા છે.

જો રાજા ઇન્દ્રદ્યુમ્ન ઇચ્છતા તો તેઓ નવી મૂર્તિઓની આખી સેવાપદ્ધતિ માત્ર રાજપુરોહિતો અને બ્રાહ્મણોને સોંપી શકતા હતા. પરંતુ એવું બન્યું નહીં. જંગલમાં ભગવાનની સેવા કરનાર વિશ્વાવસુના વંશજોને પણ એટલું જ માન મળ્યું. માત્ર માન જ નહીં, એવી જવાબદારીઓ મળી, જે શ્રીમંદિરની સૌથી પવિત્ર સેવાઓમાં ગણાય છે. આ વિચાર પર થોડું થોભીને વિચારવાની જરૂર છે.

સામાન્ય રીતે સમાજમાં ઊંચું સ્થાન મેળવવા માટે માણસને ભગવાનની નજીક જવાનો પ્રયત્ન કરવો પડે છે. પરંતુ પુરીમાં ચિત્ર થોડું અલગ છે. અહીં ભગવાન પોતે જ પોતાના સૌથી નજીકના સેવકો તરીકે એ પરંપરાને સ્વીકારે છે, જેનો ઉદ્ભવ જંગલોમાં થયો હતો. આ માત્ર ધાર્મિક વ્યવસ્થા નથી, તે ભારતીય સંસ્કૃતિના વિકાસની એક જીવંત સ્મૃતિ પણ છે. અહીં આદિવાસી ઉપાસના, વૈદિક પરંપરા અને વૈષ્ણવ ભક્તિ એક જ મંદિરની અંદર વિરોધી નહીં, પરંતુ સહયાત્રી બનીને જીવતી જોવા મળે છે.

આથી જ જગન્નાથને માત્ર વૈષ્ણવ દેવ તરીકે ઓળખી દેવું પૂરતું નથી. તેમની પરંપરામાં અનેક ધારાઓનો સંગમ થયો છે. દૈતા સેવકો એ સંગમના સૌથી જીવંત પ્રતીકોમાંના એક છે.

દૈતા સેવકો માત્ર સેવક નથી, તેઓ જીવંત પરંપરાના વારસદાર છે

રથયાત્રાના દિવસે જ્યારે લાખો લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉમટી પડે છે, ત્યારે બહુ ઓછા લોકોનું ધ્યાન એ લોકો તરફ જાય છે, જેઓ ભગવાનને રથ સુધી લઈને આવે છે. અનસર દરમિયાન જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે, ત્યારે પણ બહાર ઊભેલા ભક્તો કદાચ એટલું જ જાણતા હોય છે કે ભગવાન આરામ કરી રહ્યા છે. પરંતુ અંદર કોણ તેમની સેવા કરી રહ્યું છે, તેની જાણ બહુ ઓછા લોકોને હોય છે. આ અજાણ્યા ચહેરાઓ જ દૈતા સેવકો છે.

તેમની ઓળખ કોઈ પદથી નથી. કોઈ શૈક્ષણિક ઉપાધિથી પણ નથી. તેમની સૌથી મોટી ઓળખ છે પરંપરા. એવી પરંપરા, જે પિતા પાસેથી પુત્ર સુધી પહોંચે છે. એવી પરંપરા, જે માત્ર શીખવવામાં આવતી નથી, પરંતુ બાળપણથી જીવી લેવામાં આવે છે. સેવા કેવી રીતે કરવી, કઈ વિધિમાં શું કરવું, કઈ મર્યાદા ક્યારેય ઓળંગવી નહીં આ બધું ગ્રંથો કરતાં વધુ પરિવારની પરંપરામાં જીવંત રહે છે.

તેથી જ દૈતા સેવકો વિશે લખતી વખતે તેમને માત્ર ‘સેવક’ કહી દેવું પૂરતું નથી. તેઓ શ્રીજગન્નાથ મંદિરની એવી પરંપરાના રક્ષક છે, જે સદીઓથી લગભગ અપરિવર્તિત રહી છે. વિશ્વાવસુ શબરથી શરૂ થયેલી માન્યતા આજે પણ તેમના હાથમાં જીવંત છે. અનસરમાં ભગવાનની સેવા હોય, બનજાગામાં દારુની શોધ હોય કે બ્રહ્મ પરિવર્તનની સૌથી ગોપનીય વિધિ, દરેક પ્રસંગે શ્રીમંદિરનો વિશ્વાસ તેમની ઉપર જ ટકેલો હોય છે.

શ્રીજગન્નાથની પરંપરા આપણને એક સુંદર સંદેશ આપે છે. ભગવાન સુધી પહોંચવાનો અધિકાર માત્ર જન્મ, જાતિ કે સામાજિક સ્થાનથી નક્કી થતો નથી. ભક્તિ, પરંપરા અને સેવાનું પણ પોતાનું સ્થાન હોય છે. વિશ્વાવસુ શબરની કથા હોય કે આજના દૈતા સેવકોની સેવા આ આખી પરંપરા એ જ વાતને સદીઓથી જીવંત રાખે છે. એટલે જ જ્યારે પુરીમાં મંદિરના દરવાજા બંધ થાય છે અને બહાર લાખો ભક્તો રાહ જોતા રહે છે, ત્યારે અંદર ભગવાનની સૌથી નજીક ઉભેલા લોકો કોઈ સંયોગથી ત્યાં નથી.

તેઓ એ પરંપરાના વારસદાર છે, જેને શ્રીજગન્નાથે પોતે પોતાની સૌથી આત્મીય સેવા સોંપી હોવાનું ભક્તિપરંપરા માને છે અને આ જ દૈતા સેવકોની સૌથી મોટી ઓળખ છે.

ભગવાનના સૌથી નજીક રહેવાનો અધિકાર, એક પરંપરાનું સૌથી મોટું સન્માન

શ્રીજગન્નાથ મંદિરને જો માત્ર એક ભવ્ય વૈષ્ણવ મંદિર તરીકે સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો દૈતા સેવકોની પરંપરા અનેક પ્રશ્નો ઊભા કરે છે. પરંતુ જ્યારે સમગ્ર પરંપરાને તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે ત્યારે સમજાય છે કે જગન્નાથ પરંપરાની સૌથી મોટી શક્તિ તેની સમાવી લેવાની ક્ષમતામાં છે. અહીં જંગલમાંથી આવેલી આદિવાસી ઉપાસના પણ છે, વૈદિક મંત્રોચ્ચાર પણ છે, રાજાશ્રય પણ છે અને ભક્તિ આંદોલનનો પ્રવાહ પણ છે. આ બધું અલગ-અલગ રહીને નહીં, પરંતુ એક જ પરંપરામાં ભળીને જીવંત રહ્યું છે.

દૈતા સેવકો એ જીવંત સમન્વયના સૌથી મોટા સાક્ષી છે. વર્ષમાં એકાદ પ્રસંગે નહીં, પરંતુ દરેક એવા સમયે, જ્યારે ભગવાનના જીવન સાથે જોડાયેલી સૌથી સંવેદનશીલ વિધિઓ સંપન્ન થાય છે, ત્યારે તેમની હાજરી અનિવાર્ય બની જાય છે. ભગવાનને તાવ આવ્યો હોવાનું માનવામાં આવે ત્યારે તેઓ સેવા કરે છે. ભગવાનનું નવું શરીર શોધવાનું હોય ત્યારે તેઓ જંગલોમાં જાય છે. નવા વિગ્રહો તૈયાર થાય ત્યારે તેઓ હાજર રહે છે. બ્રહ્મ પરિવર્તન જેવી શ્રીમંદિરની સર્વોચ્ચ પવિત્ર વિધિમાં પણ તેમની કેન્દ્રિય ભૂમિકા હોય છે. રથયાત્રા પહેલાં ભગવાનને ગર્ભગૃહમાંથી બહાર લાવવાની પહંડી વિધિમાં પણ તેઓ જ અગ્રેસર રહે છે. શ્રીજગન્નાથના જીવનના દરેક મહત્ત્વના તબક્કે તેમની સેવા ગૂંથાયેલી છે.

વિચાર કરો કે જો વિશ્વાવસુ શબરની કથા માત્ર એક લોકકથા હોત અને તેનો શ્રીમંદિરની પરંપરા સાથે કોઈ જીવંત સંબંધ ન હોત તો સદીઓ સુધી તેમના વંશજોને આટલો વિશિષ્ટ અધિકાર જળવાઈરહ્યો હોત? હકીકત એ છે કે શ્રીમંદિરની સેવાપદ્ધતિએ આ પરંપરાને માત્ર યાદ રાખી નથી, પરંતુ દૈનિક જીવનમાં સ્થાન આપ્યું છે. આથી જ દૈતા સેવકોની ઓળખ કોઈ ઐતિહાસિક નોંધ પૂરતી મર્યાદિત નથી, તેઓ આજે પણ શ્રીજગન્નાથની જીવંત પરંપરાનો અભિન્ન હિસ્સો છે.

શ્રીજગન્નાથની પરંપરા આપણને એક વધુ ઊંડો સંદેશ પણ આપે છે. ભક્તિનું મૂલ્ય માત્ર શાસ્ત્રજ્ઞાનથી નક્કી થતું નથી, ન તો સામાજિક સ્થાનથી. ભક્તિનું સૌથી મોટું પ્રમાણ સેવા છે. વિશ્વાવસુએ જંગલમાં જે સેવા શરૂ કરી, તે આજે પણ તેમના વંશજોના હાથમાં જીવંત છે. સમય બદલાયો, મંદિર ઊભું થયું, રાજાઓ બદલાયા, સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ સેવા અટકી નહીં.

કદાચ આ જ કારણ છે કે પુરીમાં દૈતા સેવકોને માત્ર મંદિરના કર્મચારી તરીકે ઓળખવામાં આવતા નથી. તેઓ ભગવાનના આત્મીય સેવકો છે. એવા સેવકો, જેમના હાથમાં શ્રીજગન્નાથ પરંપરાની સૌથી પવિત્ર જવાબદારીઓ સોંપવામાં આવી છે અને જ્યારે કોઈ યાત્રાળુ શ્રીમંદિરના સિંહદ્વાર પાસે ઊભો રહીને વિચારે કે મંદિરના બંધ દરવાજાઓની પાછળ ભગવાનની સૌથી નજીક કોણ હશે, ત્યારે તેનો જવાબ એક જ છે દૈતા સેવકો.

એવા સેવકો, જેમણે સદીઓથી માત્ર ભગવાનની સેવા જ નથી કરી, પરંતુ શ્રીજગન્નાથની પરંપરાના સૌથી અમૂલ્ય વારસાને પણ જીવંત રાખ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં