આપણે ત્યાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિથી લઈને કોઈ સરકારી કચેરીના પટાવાળાની નિમણૂક કઈ રીતે થાય છે તે સર્વવિદિત છે. આ બધી જ પ્રક્રિયાઓ પારદર્શી છે, જાહેરમાં થાય છે અને યોગ્ય નિયમો અને પ્રક્રિયાને આધીન હોય છે. પરંતુ ન્યાયાધીશો અને ખાસ કરીને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કઈ રીતે થાય તેની જાણકારી ખાસ જોવા મળતી નથી કે ચર્ચા પણ ઓછી થાય છે. આ કામ માટે સુપ્રીમ કોર્ટે એક સિસ્ટમ બેસાડી છે, જેને કહેવાય છે કૉલેજિયમ સિસ્ટમ (Collegium System).
આ શબ્દ અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં દિલ્હી હાઇકોર્ટના એક જજના ઘરે આગ લાગી અને ત્યારબાદ મોટા પ્રમાણમાં રોકડ રકમ મળી આવી ત્યારબાદ ગૃહ વિભાગને જાણ કરવામાં આવી. ગૃહ વિભાગે મામલો સુપ્રીમ કોર્ટને મોકલ્યો. સુપ્રીમ કોર્ટના કૉલેજિયમની એક બેઠક મળી અને તેમાં નક્કી કરવામાં આવ્યું કે આ જજ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. આ કડક પગલાં કયાં? જજની અલ્હાબાદ હાઇકોર્ટ ખાતે બદલી કરવાનાં.
એક તરફ કૉલેજિયમના આ નિર્ણયથી લોકોમાં આક્રોશ છે અને પ્રશ્ન થઈ રહ્યા છે કે ક્યાં સુધી જજોની જવાબદેહી નક્કી કર્યા વગર દેશ ચાલશે. સાથે-સાથે ઘણા સમયથી કૉલેજિયમ સિસ્ટમ સામે લોકોમાં જે રોષ છે એ પણ આ એપિસોડના બહાને પ્રગટ થઈ રહ્યો છે અને તેમાં પણ ફેરફારની માંગ થઈ રહી છે. આ લેખમાં આગળ હવે કૉલેજિયમ સિસ્ટમ શું ચીજ છે એ જાણીએ.
શું છે કૉલેજિયમ?
કૉલેજિયમ એટલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, જેમને ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા કહેવાય છે, અને અન્ય ચાર ન્યાયાધીશોની એક બોડી. આમ તેમાં કુલ પાંચ સભ્યો હોય છે. પહેલા CJI અને સુપ્રીમ કોર્ટના બાકીના ચાર એવા ન્યાયાધીશો જેઓ સિનિયોરિટીમાં ટોપ 4 સ્થાને આવે છે. એટલે કે ચાર સિનિયર મોસ્ટ જજો. પણ આમાં એક નિયમ છે કે CJI સાથે કૉલેજિયમમાં એ જજ પણ ફરજિયાત હોવા જોઈએ જેઓ આગલા CJI બનવા જઈ રહ્યા હોય. આ પહેલાં જસ્ટિસ ચંદ્રચૂડ CJI હતા ત્યારે ટોપ 4 જજોમાંથી કોઈ એવું ન હતું જેઓ આગામી CJI બનવાનું હોય (વયમર્યાદાના કારણે), જેથી આગામી CJI સંજીવ ખન્નાને પણ સામેલ કરવામાં આવ્યા હતા, જેથી કૉલેજિયમ 6 સભ્યોનું થયું હતું. પણ સામાન્ય રીતે તેમાં પાંચ જજો જ હોય છે.
કઈ રીતે કામ કરે છે?
કૉલેજિયમનું મૂળ કામ દેશમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવાનું છે. આમ તો સત્તાવાર નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, પણ કૉલેજિયમ તેમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. અથવા તો કહી શકાય કે કૉલેજિયમ જ ભૂમિકા ભજવે છે, બાકીના માત્ર ઔપચારિકતાઓ કરે છે.
સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક માટે પાંચ જજોનું કૉલેજિયમ બેસે છે અને જે-તે વ્યક્તિ કે વ્યક્તિઓની ભલામણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કરે છે. આમાં બે પ્રકારના જજો હોય છે. એક જેઓ હાઇકોર્ટના જજથી સુપ્રીમ કોર્ટના જજ બને છે અને અમુક એવા હોય છે જેઓ વરિષ્ઠ વકીલથી સીધા સુપ્રીમ કોર્ટના જજ તરીકે નીમાય છે. બંને પ્રકારની વ્યક્તિઓની ભલામણ કૉલેજિયમ જ કરે છે.
આ ભલામણ મોકલવામાં આવે છે કેન્દ્ર સરકારને. કેન્દ્ર સરકારના કાયદા મંત્રી આ નામો વડાપ્રધાનને મોકલે છે અને વડાપ્રધાન રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિ ત્યારબાદ એક નોટિફિકેશન બહાર પાડીને જે-તે નામો મોકલવામાં આવ્યાં હોય તેમની નિમણૂક ન્યાયાધીશ તરીકે કરી દે છે.
હાઇકોર્ટમાં પણ આ જ પ્રક્રિયા
આ જ રીતે હાઇકોર્ટમાં પણ એક કૉલેજિયમ હોય છે, જે માત્ર ત્રણ સભ્યોનું બનેલું હોય છે. એક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને બીજા બે સિનિયર મોસ્ટ જજો. હાઇકોર્ટના જજોની નિમણૂક માટે આ કૉલેજિયમ જે-તે નામોની ભલામણ રાજ્ય સરકારને કરે છે. રાજ્ય સરકાર આ નામો કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયને મોકલે છે. કાયદા મંત્રાલય તેને સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ સમક્ષ મોકલે છે. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ તેની ઉપર વિચારણા કરીને મહોર મારે ત્યારબાદ સરકાર આ નામો રાષ્ટ્રપતિને મોકલે છે, જેઓ પછીથી નિમણૂક કરે છે.
સરકારની ભૂમિકા કેટલી? કંઈ નહીં
અહીં પ્રશ્ન થાય કે આમાં સરકારની ભૂમિકા શું છે અને કેટલી છે? સરકારે આમાં વધુ કંઈ કરવાનું રહેતું નથી. કૉલેજિયમ નામો મોકલે ત્યારબાદ સામાન્ય રીતે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) જે-તે વ્યક્તિઓની પૃષ્ઠભૂમિ ચકાસે છે. IB પછીથી પોતાનો રિપોર્ટ સરકારને મોકલે છે.
જો સરકાર કોઈ નામ સાથે સહમત ન હોય તો પુનઃવિચારણા માટે કૉલેજિયમને મોકલી શકે છે. પણ અહીં એક મહત્વની વાત આવે છે. જો કૉલેજિયમ ફરીથી એ જ નામ મોકલે તો સરકાર તેમની નિમણૂક કરવા માટે બંધાયેલી છે. ત્યારબાદ તેઓ નામ રાષ્ટ્રપતિને મોકલી આપવા સિવાય બીજું કંઈ કરી શકતા નથી. રાષ્ટ્રપતિ ત્યારબાદ નિમણૂક કરતો આદેશ બહાર પાડી દે છે.
બંધારણમાં આની કોઈ જોગવાઈ નથી
શું કૉલેજિયમ બંધારણીય વ્યવસ્થા છે? જવાબ છે- ના. બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી. આ સુપ્રીમ કોર્ટના જ ત્રણ કેસોના ચુકાદા પર આધારિત વ્યવસ્થા છે, જે 1993થી અમલમાં છે. આ ત્રણ કેસોને ન્યાયિક વર્તુળમાં ‘થ્રી જજીસ કેસીસ’ નામથી ઓળખવામાં આવે છે. તેની ચર્ચા કરીએ તે પહેલાં એ જાણીએ કે આ વ્યવસ્થા અમલમાં આવી તે પહેલાં ન્યાયાધીશોની નિમણૂક કઈ રીતે થતી હતી.
1950માં દેશ પ્રજાસત્તાક બન્યો અને ત્યારે જ સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ચ ન્યાયસંસ્થા છે. તેના વડા CJI કહેવાય. સુપ્રીમ કોર્ટની નીચે વિવિધ રાજ્યોની હાઇકોર્ટ આવે છે. સુપ્રીમ કોર્ટ એક બંધારણીય સંસ્થા છે, એટલે તેનું સંચાલન બંધારણ અનુસાર થાય છે.

બંધારણના આર્ટિકલ 124માં સુપ્રીમ કોર્ટની સ્થાપના અને સંચાલનની વિગતો આપવામાં આવી છે. જેનો ખંડ 2 કહે છે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ અને રાજ્યોની હાઇકોર્ટના જજો સાથે વિચારણા બાદ (અંગ્રેજીમાં ‘કન્સલ્ટન્સ’ શબ્દ વાપરવામાં આવ્યો છે.) પોતાના આદેશથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરશે અને જે-તે ન્યાયાધીશ 65 વર્ષની વય સુધી ફરજ બજાવશે. આમાં CJIની નિમણૂક સિવાય બાકીની તમામ નિમણૂકો માટે CJIની સલાહ લેવાની રહેશે.
સાથે અમુક શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમકે નિમણૂક થનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. તેણે હાઇકોર્ટમાં પાંચ વર્ષ જજ તરીકે ફરજ બજાવી હોવી જોઈએ. હાઇકોર્ટમાં દસ વર્ષ સુધી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી હોવી જોઈએ અથવા તો રાષ્ટ્રપતિના મતાનુસાર નિષ્ણાત ધારાશાસ્ત્રી હોવી જોઈએ.
1950થી 1993માં જ્યારે નવી વ્યવસ્થા અમલમાં આવી ત્યાં સુધી ન્યાયાધીશોની નિમણૂકની ઘણીખરી સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેતી હતી. રાષ્ટ્રપતિ CJI સાથે વિમર્શ બાદ ન્યાયાધીશોની નિમણૂક કરતા હતા, પરંતુ તેમની સલાહ માનવા માટે બંધાયેલા ન હતા. રાષ્ટ્રપતિ કેન્દ્રની સલાહ પર કામ કરે છે, જેથી ઘણી શક્તિઓ કેન્દ્ર સરકાર પાસે પણ હતી. જો સરકારને લાગે કે CJIની ભલામણ યોગ્ય નથી તો સરકાર તેને રદ કરી શકતી હતી. જેથી અંતિમ નિર્ણય કેન્દ્રએ કરવાનો રહેતો હતો.
1993 આવતાં સુધીમાં આ પ્રક્રિયામાં બદલાવ આવ્યો. સુપ્રીમ કોર્ટનું માનવું હતું કે જજોની નિમણૂક જો સરકારના હાથમાં રહે તો તેઓ રાજકીય ઇરાદાથી પ્રેરિત કામગીરી કરી શકે અને તેના કારણે ન્યાયિક સ્વતંત્રતા પર જોખમ ઊભું થાય છે. ઉપરાંત સત્તાધારી પાર્ટી ન્યાયતંત્રને પ્રભાવિત કરી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ. એટલે કે સરકાર પોતાની વિચારધારા પ્રમાણે કામ કરીને નિમણૂક કરી શકે.
થ્રી જજીસ કેસ
આ મુદ્દો પહેલી વખત વર્ષ 1981માં ઉઠ્યો હતો. એસ. પી ગુપ્તા વર્સિસ ભારત સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે બંધારણના આર્ટિકલ 124ના ખંડ (2)માં જે ‘કન્સલ્ટન્સ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો અર્થ એ થાય કે રાષ્ટ્રપતિએ CJIનો માત્ર મત જાણવાનો રહે છે, તેઓ તે માનવા માટે બંધાયેલા નથી. જેથી રાષ્ટ્રપતિને જ નિમણૂકની અંતિમ સત્તા હોય છે, એટલે એક રીતે કેન્દ્ર સરકારને, કારણ કે રાષ્ટ્રપતિ સરકારની સલાહ પર કામ કરે છે. કોર્ટે ઠેરવ્યું કે CJIનો અભિપ્રાય માનવા માટે કેન્દ્ર સરકાર બંધાયેલી નથી.
વર્ષ 1993માં સુપ્રીમ કોર્ટે બીજા કેસ પર સુનાવણી કરી અને અગાઉનો 1981નો ચુકાદો પલટાવી દીધો. કોર્ટે ઠેરવ્યું કે આ ‘કન્સલ્ટન્સ’ શબ્દનો અર્થ માત્ર અભિપ્રાય જાણવા એવો થતો નથી પરંતુ સરકાર એ માનવા માટે બંધાયેલી છે. જજોની નિમણૂક માટે કૉલેજિયમના મતને પ્રાથમિકતા આપવી જોઈએ અને રાષ્ટ્રપતિ તેના અભિપ્રાયને સ્વીકારવા માટે બંધાયેલા છે. આ ચુકાદા બાદથી કૉલેજિયમ સિસ્ટમ અમલમાં આવી, જેમાં CJIની અધ્યક્ષતામાં એક સમૂહ ન્યાયાધીશોના નામ નક્કી કરવા માંડ્યો.
ત્રીજો કેસ 1998માં બન્યો. આ જોકે કોઈ કેસ ન હતો પણ સુપ્રીમ કોર્ટે કાયદા સંબંધિત એક પ્રશ્નના જવાબમાં આ વાતો કહી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ‘ઈન્ટિગ્રેટેડ પાર્ટિસિપેટરી કન્સલ્ટિવ પ્રોસેસ’ (ગુજરાતી કરવું અઘરું છે, પણ કંઈક આવું કરી શકાય- ‘એકીકૃત સહભાગિતા પરામર્શ પ્રક્રિયા’) પર ભાર આપ્યો અને ઠેરવ્યું કે જ્યાં સુધી વાત જજોની નિમણૂકની છે તો ચીફ જસ્ટિસના અભિપ્રાયને રાષ્ટ્રપતિના અભિપ્રાય કરતાં પણ વધુ મહત્વ આપવું જોઈએ. ત્યારબાદ કૉલેજિયમ સિસ્ટમને આધુનિક બનાવવામાં આવી અને નક્કી થયું કે ચીફ જસ્ટિસ અને ટોપ સિનિયર મોસ્ટ 4 જજોનું એક કૉલેજિયમ બનશે, જે નિમણૂક માટે નામોની ભલામણ કરશે. આ સાથે નિમણૂકની. સંપૂર્ણ સત્તા સુપ્રીમ કોર્ટના આ પાંચ જજો પાસે આવી ગઈ.
કેમ થાય છે ટીકા?
કૉલેજિયમ સિસ્ટમ ભલે ‘ન્યાયિક સ્વતંત્રતા’ સુનિશ્ચિત કરવાનું કહીને લાવવામાં આવી હોય, પણ બીજી ઘણી બાબતો એવી છે, જેના કારણે તેની ઉપર વખતોવખત પ્રશ્નો ઊભા થયા છે.
પહેલી સમસ્યા પારદર્શિતાની આવે છે. કારણ કે જજોની નિમણૂક માટે ઉપર કહી એમ બંધારણમાં ઉલ્લેખિત બે-ત્રણ શરતો સિવાય બીજો કોઈ ક્રાઈટેરિયા નથી. બીજું, આ નિર્ણયો બંધબારણે થતી બેઠકમાં લેવામાં આવે છે, જેમાં ચર્ચા શું થઈ એ ક્યારેય જાહેર જનતાને જણાવવામાં આવતું નથી. જોકે પછીથી સુપ્રીમ કોર્ટે કૉલેજિયમમાં શું ભલામણ કરવામાં આવી એ જણાવવાનું શરૂ કર્યું હતું પરંતુ તેમાં કોઈ વિગતો આપવામાં આવતી નથી, માત્ર નિર્ણય વિશે ટૂંકમાં જણાવી દેવામાં આવે છે. નિર્ણય પાછળનાં કારણો જણાવાતાં નથી.
જજો જ જજોની નિમણૂક કરે છે, જેથી તેમના નિર્ણય પર કોઈ બાહરી તપાસ કે ચકાસણી થતી નથી. સરકાર કે જનતા ન તો આ પ્રક્રિયા પર કોઈ પ્રશ્ન ઉઠાવી શકે છે કે ન તેની સમીક્ષા કરી શકે છે. એટલે એક આરોપ કાયમ લાગતો રહ્યો છે કે જજો તેમના સંબંધીઓ, મિત્રો કે નજીકના સાથીઓને પ્રાધાન્ય આપે છે. નવેમ્બર 2015માં મદ્રાસ હાઇકોર્ટના એક જજે કૉલેજિયમ સિસ્ટમમાં જાતિના ભેદભાવનો પણ આરોપ લગાવ્યો હતો.
સિસ્ટમ બદલવા મોદી સરકારે બનાવ્યો હતો કાયદો, સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો
આ સિસ્ટમમાં સુધારા માટે મોદી સરકારે પ્રયાસ કર્યો હતો, પરંતુ દેશના આદરણીય ન્યાયાધીશોએ આખો એક્ટ જ રદ કરીને તેને ‘ગેરબંધારણીય’ ગણાવી દીધો હતો.
2014માં મોદી સરકાર આવ્યા બાદ એક બિલ લાવવામાં આવ્યું હતું, જેનાથી કૉલેજિયમ સિસ્ટમ ખતમ કરી નાખવામાં આવી હતી. નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન બિલ અને બંધારણીય સુધારો (121મો) બિલ બંને બિલ સંસદનાં બંને ગૃહોએ ઑગસ્ટ 2014માં પસાર કર્યાં હતાં. ત્યારબાદ ડિસેમ્બર 2014માં રાષ્ટ્રપતિએ બંને બિલ પર હસ્તાક્ષર કર્યા, જેથી નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન અસ્તિત્વમાં આવ્યું. સાથે બંધારણના આર્ટિકલ 124માં પણ સુધારો કરવામાં આવ્યો.
મોદી સરકારે વ્યવસ્થા એ કરી હતી કે ન્યાયાધીશોની નિમણૂક માટે કૉલેજિયમ સિસ્ટમ દૂર કરીને એક નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન (NJAC) બનાવવામાં આવે. જેમાં આટલા સભ્યો હોય.
- CJI
- સુપ્રીમ કોર્ટના બે સિનિયર મોસ્ટ જજો
- કાયદા મંત્રી
- બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ (એક કારોબારી-એક ન્યાયતંત્ર)
આ બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂક એક પેનલની ભલામણને આધારે કરવાની જોગવાઈ હતી. આ પેનલમાં વડાપ્રધાન, CJI અને વિપક્ષ નેતાઓ સમાવેશ થતો હતો. ઉપરાંત જોગવાઈ હતી કે આ ચારમાંથી કોઈ પણ બે વ્યક્તિને લાગે કે જે-તે ઉમેદવાર યોગ્ય નથી તો તેઓ વીટો કરી શકતા હતા.
વ્યવસ્થા એ હતી કે આ NJAC સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજોનાં નામો મોકલે. આ નામોની ભલામણ માટે મેરિટ, નીતિમત્તા અને અન્ય અમુક પરિબળો ધ્યાનમાં લેવામાં આવે. રાષ્ટ્રપતિ આ ભલામણોના આધારે પછીથી નિમણૂક કરે.
ટૂંકમાં કહીએ તો જે કૉલેજિયમ સિસ્ટમમાં જજો જ બેસીને નિર્ણય કરી નાખે છે તેના સ્થાને સરકાર અને ન્યાયતંત્ર બંને મળીને નિર્ણય કરે એવી વ્યવસ્થા આ કમિશન થકી ઊભી કરવામાં આવી હતી. પરંતુ તે વધુ ટકી શકી નહીં.
2015માં સુપ્રીમ કોર્ટે રદ કરી દીધું કમિશન અને ફરી અમલમાં આવી જૂની કૉલેજિયમ સિસ્ટમ
2015માં સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોશિએશન વર્સીસ યુનિયન ઑફ ઇન્ડિયાના એક કેસનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે આ કમિશનને ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ ઠેરવી દીધું હતું અને કૉલેજિયમ સિસ્ટમ ફરીથી શરૂ કરી દીધી હતી. આ કેસને ફોર્થ જજીસ કેસ પણ કહેવાય છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે, NJAC સરકારને મહત્વની ભૂમિકા આપે છે અને તેના કારણે ન્યાયતંત્રમાં રાજકીય હસ્તક્ષેપની સંભાવનાઓ છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું કે, ન્યાયિક સ્વતંત્રતા એ બંધારણના પાયાનો એક ભાગ છે અને તેની સાથે કોઈ છેડછાડ કરી શકાય નહીં. કોર્ટનું માનવું હતું કે કાયદા મંત્રી અને બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓને જો પ્રક્રિયાનો ભાગ બનાવવામાં આવે તો નિમણૂકો પર ન્યાયિક નિયંત્રણ નબળું પડી જશે.
જેથી હાલ દેશમાં કૉલેજિયમ સિસ્ટમ જ લાગુ છે, જેને બદલવાની માંગ સમયાંતરે થતી રહે છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કાયમ તેના પક્ષમાં રહ્યા છે.