હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિભગવાન જગન્નાથ: વૈષ્ણવ, શૈવ, શાક્ત અને આદિવાસી દેવ– એક જ આરાધ્યમાં અનેક...

ભગવાન જગન્નાથ: વૈષ્ણવ, શૈવ, શાક્ત અને આદિવાસી દેવ– એક જ આરાધ્યમાં અનેક પરંપરાઓ કેવી રીતે સમાઈ ગઈ?

પુરીની યાત્રા માત્ર એક મંદિરની યાત્રા નથી. તે ભારતીય સંસ્કૃતિની યાત્રા છે. એવી સંસ્કૃતિની, જેણે ભિન્નતાને વિવાદ નહીં, પરંતુ વૈભવ માન્યો છે, જેણે વિવિધ પરંપરાઓને સ્પર્ધક નહીં, પરંતુ સહયાત્રી ગણાવી છે અને જેણે ભગવાનને કોઈ એક સંપ્રદાયની સીમામાં બાંધી દેવાના બદલે સમગ્ર સનાતનના આરાધ્ય તરીકે સ્વીકાર્યા છે.

- Advertisement -

ભારતમાં એવાં અસંખ્ય મંદિરો છે, જે પોતાની એક વિશિષ્ટ ઓળખ માટે જાણીતાં છે. ક્યાંક ભગવાન વિષ્ણુની ઉપાસના કેન્દ્રસ્થાને છે, ક્યાંક મહાદેવની આરાધના મુખ્ય છે તો ક્યાંક માતૃશક્તિનું પ્રાધાન્ય છે. સદીઓથી અલગ-અલગ સંપ્રદાયોએ પોતાના દર્શન, પોતાની પરંપરા અને પોતાની ઉપાસના પદ્ધતિઓ વિકસાવી છે. પરંતુ ઓડિશાના પુરીમાં આવેલું શ્રીજગન્નાથ ધામ આ બધાંથી થોડું અલગ છે. અહીં એક એવો પ્રશ્ન ઊભો થાય છે, જે કદાચ બીજા કોઈ તીર્થ વિશે એટલી તીવ્રતાથી પૂછાતો નથી. આખરે ભગવાન જગન્નાથ કોણ છે?

આ પ્રશ્ન સાંભળતાં મોટાભાગના લોકો તરત જ જવાબ આપે છે કે ભગવાન શ્રીકૃષ્ણ. જવાબ ખોટો નથી, પરંતુ સંપૂર્ણ પણ નથી. કારણ કે શ્રીજગન્નાથની પરંપરા માત્ર શ્રીકૃષ્ણથી શરૂ થતી નથી. જો તેમની કથા એટલી જ હોત તો વિશ્વાવસુ શબરનું નામ સદીઓ સુધી જીવંત ન રહેત. દૈતા સેવકોને ભગવાનના સૌથી નજીક રહેવાનો અધિકાર મળ્યો ન હોત. મહાપ્રસાદ માતા બિમલાને અર્પણ કર્યા પછી જ પૂર્ણ માનવામાં આવતો ન હોત અને પુરીની આસપાસના શિવ મંદિરો શ્રીક્ષેત્રની પરંપરાનો અભિન્ન ભાગ ન ગણાત.

વિચાર કરો. એક જ ભગવાન, પરંતુ તેમની પરંપરામાં આદિવાસી ભક્તિ પણ છે, વૈષ્ણવ દર્શન પણ છે, શાક્ત ઉપાસના પણ છે અને શૈવ તત્ત્વ પણ છે. સામાન્ય રીતે આ ચારેય ધારાઓને આપણે અલગ-અલગ ઓળખીએ છીએ. પરંતુ પુરીમાં એ એકબીજાથી અલગ નથી. અહીં એ બધા એક જ આરાધ્યની આસપાસ આવીને જાણે એક થઈ જાય છે. આ જ શ્રીજગન્નાથ પરંપરાની સૌથી મોટી વિશેષતા છે અને કદાચ સૌથી મોટું રહસ્ય પણ.

- Advertisement -

આ રહસ્યને સમજવા માટે આપણે માત્ર શ્રીમંદિરના ગર્ભગૃહ સુધી જઈને અટકી શકીએ નહીં. તેના માટે હજારો વર્ષ પાછળ જવું પડશે. એવા સમય સુધી, જ્યારે પુરીમાં ન ભવ્ય મંદિર હતું, ન રથયાત્રાનો વૈભવ હતો અને ન ભગવાન જગન્નાથનું આજનું સ્વરૂપ. ત્યારે એક જંગલ હતું, એક ગુપ્ત ઉપાસના હતી અને એક એવો આદિવાસી ભક્ત હતો, જેને કદાચ પોતે પણ ખબર નહોતી કે તેની ભક્તિ એક દિવસ કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર બનશે. તે ભક્તનું નામ હતું વિશ્વાવસુ.

જવાબ જંગલમાં નહીં, પરંપરામાં છુપાયેલો હતો

વિશ્વાવસુ અને નીલમાધવની કથા આપણે અગાઉના લેખમાં વિગતવાર જોઈ છે. નીલાંચલનાં જંગલોમાં સવરા (શબર) જનજાતિના વડા વિશ્વાવસુ ભગવાન નીલમાધવની ગુપ્ત રીતે ઉપાસના કરતા હતા. પછી રાજા ઇન્દ્રદ્યુમ્ન આવ્યા, વિદ્યાપતિ આવ્યા, નીલમાધવ અંતર્ધાન થયા, દારુ બ્રહ્મનું પ્રાગટ્ય થયું અને અંતે ભગવાન જગન્નાથના સ્વરૂપમાં એક નવી પરંપરાનો જન્મ થયો. પરંતુ અહીં એક વાત ઘણીવાર નજર બહાર રહી જાય છે.

જ્યારે ભગવાનનું સ્વરૂપ બદલાયું, ત્યારે શું તેમની મૂળ પરંપરા પણ બદલાઈ ગઈ?

જો જવાબ ‘હા’ હોત તો વિશ્વાવસુનું નામ કદાચ માત્ર એક પુરાણકથામાં સીમિત રહી ગયું હોત. પરંતુ શ્રીજગન્નાથની પરંપરાએ એવું થવા દીધું નહીં. આજે પણ દૈતા સેવકો પોતાની વંશપરંપરા વિશ્વાવસુ સાથે જોડે છે. નવકલેબર દરમિયાન દારુ બ્રહ્મની શોધ હોય, બ્રહ્મ પરિવર્તનની સૌથી ગોપનીય વિધિ હોય કે અનસર દરમિયાન ભગવાનની અંગસેવા, શ્રીમંદિરની સૌથી આત્મીય અને સંવેદનશીલ જવાબદારીઓ આજે પણ એ જ પરંપરાના વારસદારોને સોંપવામાં આવે છે. આ કોઈ સંયોગ નથી. આ એ વાતનો પુરાવો છે કે જગન્નાથ પરંપરાએ પોતાની શરૂઆત ક્યારેય ભૂલી નથી.

ભારતીય ઇતિહાસમાં ઘણી વખત એવું બન્યું છે કે સ્થાનિક દેવતા સમય જતાં મોટા ધાર્મિક પ્રવાહમાં સમાઈ ગયા અને તેમની મૂળ ઓળખ ધીમે-ધીમે ઓઝલ થઈ ગઈ. પરંતુ પુરીમાં કથા થોડી જુદી છે. અહીં નીલમાધવ અદૃશ્ય થયા, પરંતુ વિશ્વાવસુ અદૃશ્ય થયા નહીં. ભગવાનનું સ્વરૂપ બદલાયું પરંતુ તેમની પ્રથમ સેવા કરનાર પરંપરાને સન્માન સાથે જીવંત રાખવામાં આવી. કદાચ આ જ શ્રીજગન્નાથ પરંપરાની પ્રથમ અને સૌથી મોટી વિશેષતા છે કે અહીં નવી પરંપરા ઊભી થાય છે પરંતુ જૂની પરંપરાને નષ્ટ કરીને નહીં, તેને પોતાનામાં સમાવીને.

પરંતુ જો જગન્નાથ પરંપરાની શરૂઆત આદિવાસી ઉપાસનાથી થઈ હતી તો પછી એક દિવસ આખા ભારતે તેમને ભગવાન શ્રીકૃષ્ણ તરીકે કેમ સ્વીકાર્યા? નીલમાધવ ક્યારે અને કેવી રીતે ‘પુરુષોત્તમ’ બન્યા? અને પુરીનું નામ ‘પુરુષોત્તમ ક્ષેત્ર’ કેવી રીતે પડ્યું? આ પ્રશ્નોના જવાબમાં જ જગન્નાથ પરંપરાના બીજા અધ્યાયની શરૂઆત થાય છે.

જ્યારે નીલમાધવ ‘પુરુષોત્તમ’ બન્યા, પરંતુ વિશ્વાવસુને ભૂલ્યા નહીં

શ્રીજગન્નાથની પરંપરાનો સૌથી રસપ્રદ પડાવ કદાચ આ જ છે. સામાન્ય રીતે જ્યારે કોઈ સ્થાનિક દેવતા આખા દેશની આરાધનાનો કેન્દ્ર બને છે ત્યારે તેની મૂળ ઓળખ ધીમે-ધીમે બદલાઈ જાય છે. પરંતુ પુરીમાં એવું બન્યું નહીં. અહીં નીલમાધવનું સ્વરૂપ ભગવાન જગન્નાથ તરીકે વિસ્તર્યું, પરંતુ તેમની સાથે જોડાયેલી જૂની પરંપરાઓને દૂર કરવામાં આવી નહીં. તેના બદલે એક નવી ઓળખ તેમની આસપાસ ગૂંથાતી ગઈ.

સ્કંદ પુરાણના પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મ્યમાં પુરીને ભગવાન વિષ્ણુના પવિત્ર ધામ તરીકે વર્ણવવામાં આવ્યું છે. અહીંથી જ ‘પુરુષોત્તમ ક્ષેત્ર’ નામને વ્યાપક ધાર્મિક ઓળખ મળી. ‘પુરુષોત્તમ’ શબ્દનો અર્થ છે સર્વોચ્ચ પુરુષ. એવું સ્વરૂપ, જે સમગ્ર સૃષ્ટિમાં શ્રેષ્ઠ છે. વૈષ્ણવ પરંપરામાં આ ઉપાધિ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણ માટે વપરાય છે. ધીમે-ધીમે શ્રીજગન્નાથને પણ એ જ પુરુષોત્તમ સ્વરૂપ તરીકે જોવામાં આવ્યા. એટલા માટે જ આજે પણ પુરીને માત્ર ‘જગન્નાથ ધામ’ નહીં, પરંતુ ‘શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પરંતુ અહીં એક ખૂબ જ સૂક્ષ્મ વાત સમજવાની છે. શ્રીજગન્નાથને શ્રીકૃષ્ણ તરીકે સ્વીકારવામાં આવ્યા તેનો અર્થ એવો નહોતો કે નીલમાધવની પરંપરા સમાપ્ત થઈ ગઈ. જો એવું હોત તો વિશ્વાવસુના વંશજોને આજે પણ શ્રીમંદિરની સૌથી પવિત્ર સેવાઓનો અધિકાર મળ્યો ન હોત. દૈતા સેવકો આજે પણ જગન્નાથને માત્ર દેવ તરીકે નહીં, પરંતુ પોતાના પરિવારના સભ્યની જેમ સેવા આપે છે. અનસર દરમિયાન ભગવાનને તાવ આવ્યો હોવાનું માનવામાં આવે છે ત્યારે તેમની સંભાળથી લઈને નવકલેબરમાં બ્રહ્મ પરિવર્તન સુધીની સૌથી સંવેદનશીલ વિધિઓમાં તેમનો જ અધિકાર રહે છે. આ બતાવે છે કે વૈષ્ણવ પરંપરાએ આદિવાસી પરંપરાને બદલી નથી, તેને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે.

સમય આગળ વધતો ગયો. પૂર્વી ભારતના રાજવંશો, ખાસ કરીને પૂર્વી ગંગ વંશે શ્રીજગન્નાથ પરંપરાને રાજાશ્રય આપ્યો. ભવ્ય શ્રીમંદિર ઊભું થયું. પુરી ચારધામમાં સ્થાન પામ્યું. પછી પંદરમી-સોળમી સદીમાં શ્રીચૈતન્ય મહાપ્રભુ પુરી આવ્યા. તેમણે ભગવાન જગન્નાથને સ્વયં શ્રીકૃષ્ણના પ્રેમમય સ્વરૂપ તરીકે અનુભવ્યા અને તેમની ભક્તિએ સમગ્ર વૈષ્ણવ જગતમાં શ્રીજગન્નાથની નવી ઓળખ સ્થાપિત કરી. આજે રથયાત્રા દરમિયાન કરોડો ભક્તો જે ભગવાનના દર્શન કરે છે, તેમાં તેમને દ્વારકાધીશ શ્રીકૃષ્ણ, ગોપીઓના પ્રિય શ્યામ અને ગીતા ઉપદેશક યોગેશ્વર ત્રણેયના દર્શન થાય છે.

પરંતુ અહીં એક પ્રશ્ન હજુ પણ બાકી રહે છે. જો શ્રીજગન્નાથ સંપૂર્ણપણે વૈષ્ણવ પરંપરાના જ આરાધ્ય છે તો પછી શ્રીમંદિરમાં તૈયાર થયેલો ભોગ ભગવાનને અર્પણ કર્યા પછી પણ તરત ‘મહાપ્રસાદ’ કેમ બનતો નથી? શા માટે તેને પહેલાં માતા બિમલાના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે? આ એક જ પરંપરા આપણને જણાવે છે કે શ્રીજગન્નાથની કથા હજુ પૂર્ણ થઈ નથી. અહીંથી તેમાં શાક્ત દર્શનની એવી ધારા જોડાય છે, જે શ્રીક્ષેત્રને ભારતના અન્ય વૈષ્ણવ તીર્થોથી અલગ બનાવે છે.

મહાપ્રસાદ પહેલાં માતા બિમલા કેમ?

પુરીના શ્રીજગન્નાથ મંદિરમાં પ્રથમ વખત આવનાર કોઈ પણ ભક્તને જો પૂછવામાં આવે કે ભગવાનને ધરાવવામાં આવેલો ભોગ ક્યારે મહાપ્રસાદ બને છે તો તેનો સહજ જવાબ હશે કે ભગવાન જગન્નાથને અર્પણ કર્યા પછી. પરંતુ શ્રીમંદિરની પરંપરા અહીં એક અત્યંત રસપ્રદ અને ઊંડો જવાબ આપે છે. ભગવાનને અર્પણ કરાયેલો ભોગ પણ તરત મહાપ્રસાદ બનતો નથી. તેની યાત્રા હજુ અધૂરી હોય છે. એ ભોગને શ્રીમંદિર પરિસરમાં આવેલા માતા બિમલાના મંદિરમાં લઈ જવામાં આવે છે અને દેવીને સમર્પિત કર્યા પછી જ તેને મહાપ્રસાદ તરીકે સ્વીકારવામાં આવે છે. સદીઓથી આ પરંપરા એક પણ દિવસ અટકી નથી. પ્રથમ નજરે આ માત્ર એક ધાર્મિક વિધિ લાગે, પરંતુ વાસ્તવમાં એ શ્રીજગન્નાથ પરંપરાની અંદર રહેલા શાક્ત દર્શનનું સૌથી જીવંત પ્રતીક છે.

આપણે મહાપ્રસાદ પરના લેખમાં જોયું હતું કે શ્રીમંદિરમાં અન્ન માત્ર રસોઈ નથી, સેવા છે. પરંતુ એ સેવા પણ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે ભગવાન જગન્નાથ અને માતા બિમલા બંનેની સ્વીકૃતિ તેને પ્રાપ્ત થાય. બહારથી જોનારને શ્રીમંદિર સંપૂર્ણ વૈષ્ણવ મંદિર લાગે છે, પરંતુ તેની દૈનિક પરંપરામાં માતા બિમલાનું સ્થાન એટલું જ અનિવાર્ય છે, જેટલું ભગવાન જગન્નાથનું. એટલે જ પુરીના મહાપ્રસાદને સમજવો હોય તો માત્ર વૈષ્ણવ દર્શન પૂરતું નથી, તેની અંદર રહેલા શાક્ત તત્ત્વને પણ સમજવું પડે. કદાચ આ જ કારણ છે કે શ્રીજગન્નાથ પરંપરામાં ભગવાન અને શક્તિ વચ્ચે કોઈ અંતર ઉભું કરવામાં આવ્યું નથી. બંને એકબીજાના પૂરક છે.

માતા બિમલાનું મહત્ત્વ માત્ર મહાપ્રસાદ પૂરતું મર્યાદિત નથી. તંત્ર પરંપરા અને શાક્ત ઉપાસનાના અનેક પ્રાચીન ગ્રંથોમાં શ્રીક્ષેત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. વિવિધ પરંપરાઓ અનુસાર અહીં માતા સતીના શક્તિપીઠ સાથે પણ સંબંધ જોડવામાં આવે છે, જોકે વિવિધ ગ્રંથોમાં તેની વિગતોમાં થોડો મતભેદ જોવા મળે છે. પરંતુ એક બાબત લગભગ સર્વસ્વીકૃત છે કે શ્રીજગન્નાથ મંદિરની પરંપરામાં માતા બિમલા વિના કોઈ પૂર્ણતા નથી. કદાચ એટલા માટે જ શ્રીક્ષેત્ર એક સાથે વૈષ્ણવો માટે ધામ છે અને શાક્ત ઉપાસકો માટે પણ પવિત્ર તીર્થ છે.

અહીં ફરી એકવાર શ્રીજગન્નાથ પરંપરાનો મૂળ સ્વભાવ દેખાય છે. તેણે નવી પરંપરા અપનાવવા માટે જૂની પરંપરાને દૂર કરી નથી. વિશ્વાવસુની આદિવાસી ભક્તિને સ્થાન મળ્યું, પુરુષોત્તમ તરીકે વૈષ્ણવ દર્શનને સ્થાન મળ્યું અને એ જ પરંપરામાં માતા બિમલાના સ્વરૂપે શક્તિની ઉપાસનાને પણ સમાન આદર મળ્યો. જાણે શ્રીમંદિર સદીઓથી એક જ વાત કહી રહ્યું હોય કે સનાતનમાં વિવિધ માર્ગ હોય શકે, પરંતુ અંતે તેઓ એક જ આરાધ્ય તરફ લઈ જાય છે.

પરંતુ આ સમન્વય અહીં પણ અટકતો નથી. કારણ કે શ્રીક્ષેત્રમાં એક વધુ પરંપરા શ્વાસ લે છે, જે બહારથી જોનારને કદાચ તરત દેખાતી નથી. એ છે શૈવ પરંપરા. પ્રશ્ન એ છે કે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ તરીકે પૂજાતા જગન્નાથ સાથે ભગવાન શિવનો સંબંધ ક્યાંથી જોડાય છે? અને શા માટે પુરીની યાત્રા ઘણા સાધુઓ માટે હરિ અને હર બંનેની યાત્રા માનવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ જ શ્રીજગન્નાથ પરંપરાના અંતિમ અને કદાચ સૌથી સુંદર સમન્વય સુધી લઈ જાય છે.

જ્યાં હરિ અને હર વચ્ચે કોઈ ભેદ રહ્યો નહીં

શ્રીજગન્નાથને જો માત્ર શ્રીકૃષ્ણના સ્વરૂપ તરીકે જ જોવામાં આવે તો પુરીની ઘણી પરંપરાઓ અધૂરી સમજાય. કારણ કે શ્રીક્ષેત્રનો ઇતિહાસ માત્ર વૈષ્ણવ પરંપરાનો ઇતિહાસ નથી. અહીં શિવની ઉપસ્થિતિ પણ એટલી જ સ્વાભાવિક રીતે જોવા મળે છે. આનું કારણ એ નથી કે પછીથી શૈવ પરંપરાને અહીં સ્થાન મળ્યું. વાસ્તવમાં ભારતીય આધ્યાત્મિક પરંપરામાં શિવ અને વિષ્ણુને બે વિરોધી શક્તિઓ તરીકે નહીં, પરંતુ એક જ પરમ તત્ત્વના બે સ્વરૂપ તરીકે જોવાની દૃષ્ટિ સદીઓથી વિકસતી રહી છે. પુરાણો, આગમો અને અનેક આચાર્યોના ગ્રંથોમાં હરિ અને હરનો અભેદ વારંવાર જોવા મળે છે. એટલા માટે જ સનાતન પરંપરામાં ‘હરિહર’નો વિચાર માત્ર દાર્શનિક કલ્પના નથી, પરંતુ જીવંત ઉપાસના પરંપરા છે.

પુરીમાં આ વિચાર માત્ર ગ્રંથોમાં નથી, તે મંદિરની આસપાસના ધાર્મિક જીવનમાં પણ જોવા મળે છે. શ્રીક્ષેત્રમાં લોકનાથ મહાદેવ, જેમ્સ્વર મહાદેવ, માર્કંડેશ્વર મહાદેવ, કપાલમોચન મહાદેવ અને નીલકંઠેશ્વર મહાદેવ જેવા અનેક પ્રાચીન શિવ મંદિરો સદીઓથી યાત્રાનો અભિન્ન ભાગ રહ્યા છે. ઘણા પરંપરાગત યાત્રાળુઓ આજે પણ શ્રીજગન્નાથના દર્શન પહેલાં અથવા પછી આ શિવ મંદિરોમાં દર્શન કરે છે. સ્થાનિક માન્યતાઓમાં ભગવાન શિવને શ્રીક્ષેત્રના રક્ષક તરીકે પણ માનવામાં આવે છે. એટલે જ પુરીની યાત્રા માત્ર વૈષ્ણવ તીર્થની યાત્રા બની રહેતી નથી, તે હરિ અને હર બંનેના સ્મરણ સાથે પૂર્ણ થતી યાત્રા બની જાય છે.

અહીં ફરી એકવાર એ જ વાત સ્પષ્ટ થાય છે જે આપણે આખા લેખમાં વારંવાર અનુભવતા આવ્યા છીએ. શ્રીજગન્નાથ પરંપરાએ ક્યારેય એવું કહ્યું નથી કે એક પરંપરા સાચી છે અને બીજી ખોટી. તેના બદલે તેણે દરેક પરંપરાને પોતાનું યોગ્ય સ્થાન આપ્યું છે. વિશ્વાવસુના નીલમાધવને ભૂલવામાં આવ્યા નહીં, પુરુષોત્તમ તરીકે શ્રીકૃષ્ણને સ્વીકારવામાં આવ્યા, માતા બિમલાને મહાપ્રસાદની પૂર્ણતાનું સ્થાન મળ્યું અને હરિ-હરના અભેદને પણ શ્રીક્ષેત્રના જીવનમાં સ્થાન મળ્યું. કદાચ આ જ કારણ છે કે પુરીના શ્રીજગન્નાથ મંદિરને માત્ર એક વૈષ્ણવ મંદિર કહી દેવું તેના સમગ્ર વ્યક્તિત્વ સાથે અન્યાય કરવા જેવું છે.

જો આજે કોઈ યાત્રાળુ શ્રીમંદિરના સિંહદ્વાર પાસે ઊભો રહે અને આસપાસની સમગ્ર પરંપરાને ધ્યાનથી નિહાળે તો તેને સમજાશે કે અહીં માત્ર એક મંદિર ઊભું નથી. અહીં સદીઓથી ભારતીય સંસ્કૃતિનો એક જીવંત સંવાદ ચાલી રહ્યો છે. એક એવો સંવાદ, જેમાં જંગલમાંથી આવેલી આદિવાસી ભક્તિ પણ છે, શ્રીકૃષ્ણની વૈષ્ણવ ભક્તિ પણ છે, માતૃશક્તિની આરાધના પણ છે અને હરિ-હરના અભેદના દર્શન પણ છે. કદાચ આ જ કારણ છે કે શ્રીજગન્નાથને કોઈ એક સંપ્રદાયની સીમામાં બાંધી શકાય તેમ નથી.

આ જ વાત અંતિમ પડાવ સુધી લઈ જાય છે. આખરે શ્રીજગન્નાથ માત્ર એક દેવ નથી, પરંતુ સનાતન સંસ્કૃતિના સમન્વયનું સૌથી જીવંત પ્રતીક કેમ છે? એ પ્રશ્નનો જવાબ જ આ યાત્રાનો સાચો ઉપસંહાર છે.

શ્રીજગન્નાથ માત્ર એક દેવ નથી, તેઓ સનાતન સંસ્કૃતિના સમન્વયનું જીવંત પ્રતીક છે

જો શ્રીજગન્નાથની સમગ્ર પરંપરાને શરૂઆતથી અંત સુધી એકસાથે જોઈએ તો એક વાત ખૂબ સ્પષ્ટ દેખાય છે. આ કથા કોઈ એક સંપ્રદાયની નથી. આ માત્ર વૈષ્ણવ પરંપરાનો ઇતિહાસ પણ નથી, ન માત્ર આદિવાસી ઉપાસનાની ગાથા છે, ન માત્ર શક્તિની આરાધના છે અને ન માત્ર હરિ-હરના અભેદનું દર્શન છે. આ બધું એકસાથે છે. એટલા માટે જ શ્રીજગન્નાથને સમજવા માટે એક ગ્રંથ પૂરતો નથી, એક જ પરંપરા પૂરતી નથી અને એક જ દૃષ્ટિકોણ પણ પૂરતો નથી. જેમજેમ આપણે તેમની પરંપરાના વિવિધ સ્તરોને સમજતા જઈએ છીએ તેમતેમ સમજાય છે કે શ્રીજગન્નાથ કોઈ એક વિચારધારાના નહીં, પરંતુ સનાતન સંસ્કૃતિના હજારો વર્ષના વિકાસના જીવંત સાક્ષી છે.

વિશ્વાવસુની જંગલમાં થતી નિઃશબ્દ ઉપાસનાથી શરૂ થયેલી આ યાત્રા રાજા ઇન્દ્રદ્યુમ્ન સુધી પહોંચી, ત્યાંથી પુરુષોત્તમ ક્ષેત્ર તરીકે વિકસી, પછી શ્રીકૃષ્ણની વૈષ્ણવ ભક્તિ સાથે જોડાઈ, માતા બિમલાની આરાધનાથી શક્તિનું તત્ત્વ તેમાં સમાયું અને હરિ-હરના અભેદના દર્શન સાથે વધુ વિશાળ બની ગઈ. આ આખી પ્રક્રિયામાં એક વાત ક્યારેય બદલાઈ નહીં-નવી પરંપરા આવી ત્યારે જૂની પરંપરાને નકારવામાં આવી નહીં. તેના બદલે દરેક નવી ધારાએ પહેલાંની ધારાને પોતાના સાથે લઈને આગળ વધવાનું પસંદ કર્યું. આ જ શ્રીજગન્નાથ પરંપરાની સૌથી મોટી વિશેષતા છે.

વિચાર કરો જો શ્રીજગન્નાથ માત્ર વૈષ્ણવ પરંપરાના દેવ હોત તો દૈતા સેવકો આજે પણ તેમની સૌથી નજીક કેમ હોત? જો તેઓ માત્ર આદિવાસી દેવ હોત તો ચારધામમાં તેમનું સ્થાન કેમ હોત? જો તેઓ માત્ર વૈષ્ણવ દેવ હોત તો મહાપ્રસાદ માતા બિમલાને અર્પણ કર્યા પછી જ પૂર્ણ કેમ ગણાતો? અને જો માત્ર શાક્ત અથવા શૈવ પરંપરાની જ વાત હોત તો કરોડો વૈષ્ણવો તેમને શ્રીકૃષ્ણના સ્વરૂપે કેમ પૂજત? આ બધા પ્રશ્નોના જુદા-જુદા જવાબ નથી. તેનો એક જ જવાબ છે કે શ્રીજગન્નાથની પરંપરાએ ક્યારેય કોઈ એક માર્ગને પસંદ કરીને બીજા માર્ગોને નકાર્યા નથી. તેણે બધાને સ્વીકાર્યા છે.

આ જ કારણ છે કે સદીઓ વીતી ગઈ પરંતુ શ્રીજગન્નાથની લોકપ્રિયતા સતત વધતી જ ગઈ. કારણ કે લોકો તેમને પોતપોતાના ભગવાન તરીકે નહીં, પરંતુ પોતાના ભગવાનને પણ સમાવી લેતા ભગવાન તરીકે અનુભવતા રહ્યા. કોઈ માટે તેઓ ગોપાલ છે, કોઈ માટે પુરુષોત્તમ છે, કોઈ માટે નીલમાધવ છે અને કોઈ માટે સનાતનના સમન્વયનું સર્વોચ્ચ પ્રતીક. બહુ ઓછાં તીર્થો એવાં હશે, જ્યાં આટલી વિવિધ પરંપરાઓ સદીઓ સુધી કોઈ સંઘર્ષ વિના એક જ આરાધ્યમાં જીવંત રહી હોય.

એટલા માટે જ પુરીની યાત્રા માત્ર એક મંદિરની યાત્રા નથી. તે ભારતીય સંસ્કૃતિની યાત્રા છે. એવી સંસ્કૃતિની, જેણે ભિન્નતાને વિવાદ નહીં, પરંતુ વૈભવ માન્યો છે, જેણે વિવિધ પરંપરાઓને સ્પર્ધક નહીં, પરંતુ સહયાત્રી ગણાવી છે અને જેણે ભગવાનને કોઈ એક સંપ્રદાયની સીમામાં બાંધી દેવાના બદલે સમગ્ર સનાતનના આરાધ્ય તરીકે સ્વીકાર્યા છે. આ જ શ્રીજગન્નાથનો સૌથી મોટો સંદેશ પણ છે અને કદાચ આ જ કારણ છે કે આજે પણ કરોડો ભક્તો તેમને માત્ર ભગવાન નહીં, પરંતુ સમગ્ર સનાતન સંસ્કૃતિના જીવંત પ્રતીક તરીકે વંદન કરે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં