આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, સમયની ફાળવણી પણ પાર્ટી ક્વોટામાંથી ન કરવા રજૂઆત

આમ આદમી પાર્ટીએ પાર્ટી નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા છે. ગુરુવારે (2 એપ્રિલ) આ જાણકારી સામે આવી.

પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને એક પત્ર લખીને રાઘવ ચઢ્ઢાને પાર્ટીના ઉપનેતા પદેથી હટાવવા માટે જણાવ્યું હોવાનું ન્યૂઝ એજન્સીના અહેવાલ મારફતે જાણવા મળ્યું છે. એટલું જ નહીં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાઘવને આમ આદમી પાર્ટીના ક્વોટામાંથી રાજ્યસભામાં બોલવા માટે સમય ફાળવવામાં ન આવે.

હાલ આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભામાં દસ સાંસદો છે. જેમાંથી ત્રણ દિલ્હીથી અને સાત પંજાબથી છે.

પાર્ટીએ રાઘવના સ્થાને અશોક મિત્તલને નવા ઉપનેતા નિમવા માટે રાજ્યસભાને ભલામણ મોકલી છે.

આ મામલે પાર્ટી કે રાઘવ ચઢ્ઢા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.